ચાલો, ગુજરાતી ભાસાની ખબર કાઢવા!
‘આજે સાંજે અમે ગુજરાતી ભાસાની ખબર કાઢવા જવાના છીએ. તમે આવસો ને?’
‘કેમ વળી, અચાનક જ ગુજરાતી ભાષાને શું થઈ ગયું ?’
‘તમને નથી ખબર? ગુજરાતી ભાસા તો મરવા પડી છે ને એકદમ સિરિયસ છે.’
‘એમ? મને કેમ ખબર ના પડી? તમે મને આટલા દિવસ સુધી કહ્યું કેમ નહીં? હવે જ્યારે મરવાની અણી પર આવી ગઈ ત્યારે એની ખબર કાઢવાનું સૂઝ્યું? આપણે આટલાં મોડાં ખબર કાઢવા જઈશું તો કેવું લાગશે?’
‘ના, ના. એવું કંઈ નથી. બધાંને પણ હમણાં જ, મોડા મોડા જ સમાચાર મળ્યા છે. રોજ રોજ બધાં એની ખબર કાઢવા ટોળે વળીને જઈ રહ્યાં છે. તો મે’કુ, ચાલો આપણે પણ જઈ આવીએ.’
‘કઈ હૉસ્પિટલમાં છે?’
‘લગભગ તો સરકારી હૉસ્પિટલમાં જ છે.’
‘મરવાની અણી પર આવી ગઈ એટલે મને લાગે છે કે, આઈ.સી.યુમાં જ હશે.’
‘ના, ના. કોઈ કે’તું ’તું કે એને તો જનરલ વૉર્ડમાં જ રાખી છે. બધાં મળવા જઈ સકે ને?’
‘પણ, જનરલ વૉર્ડમાં તો એની સારવાર કેવીક થાય ?’
‘તે એને ક્યાં વધારે સારવારની જરૂર પણ છે? એને તો, બધાં એને જોવા જાય ને મળવા જાય તેમાં જ બધું મળી જાય એમ છે. ડૉક્ટરોનું કહેવું છે કે, આમ જ જો બધાં એને મળતાં રે’સે ને તો થોડા દિવસોમાં તો એ પાછી બેઠી પણ થઈ જસે. નવાઈની વાત કહેવાય નહીં? હૉસ્પિટલમાં તો વધારે લોકોને મળવાની ડૉક્ટર કાયમ ના કહેતા હોય કે, પેસન્ટ માંદા પડી જાય! પણ આ તો ઊલટી ગંગા જણાય છે! જેમ ખબર કાઢવાવાળા વધારે જાય તેમ પેસન્ટ વહેલા સારા થાય!’
‘ખબર કાઢવા જઈએ છીએ તો કંઈ ફ્રૂટ કે એવું કંઈ લઈ જવું પડશે ને?’
‘અરે, ના ના. એને એવી બધી કોઈ જરૂર નથી. બૌ સાદી છે એ તો. મળવા જઈસું તેમાં જ બૌ ખુસ થઈ જસે જોજો ને.’
‘તમે તો એને બહુ સારી રીતે ઓળખતાં હો એમ વાત કરો છો!’
‘લો… ઓળખું કેમ નહીં? મારા ગામની જ છે. હું બૌ નાની હતી ત્યારની એને ઓળખું છું. સ્વભાવે એકદમ સરળ અને મળતાવડી. બધાંમાં ભળી જાય ને પોતાનામાં સહેલાઈથી બધાંને સમાવી લે તેવી.’
‘એનાં કોઈ સગાંવહાલાં નથી ?’
‘છે ને... અરે... એના કાકા–મામા–માસીની દીકરીઓ જ કેટલી બધી છે! એને જોતાં જ ઓળખી જનારાનો ને પોતાની ગણનારાનો તો પાછો પાર નહીં. દેસ–વિદેસમાં એને માનવાવાળા કેટલાય પડ્યા છે! એમ તો એનો વટ ભારે છે. માનપાન પણ બૌ મળે. અચાનક જ શું થઈ ગયું ખબર નહીં, તે સીધી હૉસ્પિટલમાં જ દાખલ કરવી પડી ને વાત ફેલાઈ ગઈ કે એ મરવા પડી! મને ચિંતા થઈ એટલે એની ખબર કાઢવા જવાનું નક્કી કર્યું. તમને પણ એના માટે લાગણી છે, મને ખબર છે તે મને થયું કે, તમને પૂછી જોઉં. ચાલો આવતા હો તો.’
‘હા, હા, ચાલો. હું પણ આવું જ છું. ગુજરાતી ભાષા પ્રત્યે લાગણી તો મને પણ તમારા જેટલી જ છે પણ શું થાય કે, આજકાલ બધે ફરવામાં ને મોબાઈલમાં ને પરચુરણ પંચાતમાં મારાથી એને જરા સાઈડ પર મુકાઈ ગયેલી. વચ્ચે વચ્ચે જોકે, ઘણી વાર યાદ આવતી ત્યારે થતું કે, એ કેમ હશે? મજામાં તો હશે ને? એકલી તો નહીં પડી ગઈ હોય ને? થોડી વાર ચિંતા થતી, વળી કામમાં ભુલાઈ જતી. આ તો સારું થયું કે તમે મળી ગયાં. એ બહાને એને મળી લઈશ. બૌ વખતે મને જોઈને એને પણ આનંદ જ થશે.’
‘તમારાં બાળકોને પણ સાથે લઈ લો ને! એ બહાને એમને ફરવાનું મળસે ને માતૃભાસાને મળવાથી કેટલો આનંદ મળે તે પણ જોવા મળસે. ગુજરાતી તો બાળકોને જોઈને ખુસ ખુસ થઈ જસે. મારાં બાળકોને પણ સંગાથ મળસે. ચાલો.’
‘અરે! તમે કે’તાં હો તો વારાફરતી ઘરનાં બધાંને ગુજરાતીને મળવા મોકલી આપીશ. પણ એ તો કહો, કયા ડૉક્ટરની સારવાર ચાલે છે? કોઈ સારા ડૉક્ટરને બતાવ્યું કે પછી જનરલ વૉર્ડ ને સરકારી હૉસ્પિટલ, એટલે ન મરતી હોય તોય મરી જાય, એવું તો નથી ને?’
‘ના ભાઈ ના. મેં તમને પહેલાં જ કહ્યું કે, સરકારીમાં રહે કે જનરલમાં, એને તો લોકોનો પ્રેમ જોઈએ છે. લોકો એને યાદ રાખે ને ભૂલી ન જાય એટલું જ એ ઈચ્છે છે. બીજું કંઈ નહીં.’
હૉસ્પિટલ તરફ રસ્તે જતાં જોયું તો, હૉસ્પિટલની આજુબાજુના દરેક રસ્તે લાંબી લાંબી લાઈનો લાગેલી. હૉસ્પિટલનું કમ્પાઉન્ડ ગુજરાતીની ખબર કાઢવા જનારાઓથી ખીચોખીચ ભરેલું. શહેરમાં તો જ્યાં ને ત્યાં ગુજરાતીની તબિયતની ગુજરાતીમાં જ ચર્ચા ને બોલબાલા! આટલો પ્રેમ ને આદર મેળવનારી ગુજરાતી ભાસા ભલા શી રીતે મરી શકે? સો વરસ પછીની સો વરસ પછી કરીશું. એની ચિંતા હમણાથી શું કરવી? હેં?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર