વાદળને કાગળ
‘એક કાગળ અને પેન આપજો ને.’
‘કાગળ અને પેન? આજના જમાનામાં?’
‘હા, આજના જમાનામાં નહીં, આજે જ જોઈએ છે ને હમણાં જ.’
‘કાગળ ને પેનનું એવું તે શું કામ પડ્યું?’
‘કાગળ લખવો છે.’
‘કાગળ લખવો છે? યુ મીન કાગળ એટલે કે પત્ર? પહેલાના જમાનામાં લખતાં તે? ’
‘હા હા, તે જ. લાવો ને ભાઈ, તમારી તો પંચાત જ ભારે. કાગળ હોય તો આપો, નહીં તો ના કહી દો. બહુ લપછપ ના કરો.’
‘આ ઈમેલ ને ફેસબુક ને વૉટ્સએપના જમાનામાં કાગળ લખવાના એટલે મને ગમ્મત થાય છે.’
‘તે તમે મને કાગળ આપી દો પછી ખુશ થયા કરો, ચાલશે.’
‘કાગળ ને પેન તો આપું, પણ કોને કાગળ લખવાના તે કહેશો? કે ખાનગી છે?’
‘કંઈ ખાનગી નથી. વાદળને કાગળ લખવો છે.’
‘તમારી તબિયત બરાબર છે ને? કાગળ લખવાના તે તો જાણે કે સમજ્યા પણ વાદળને કાગળ? કયા સરનામે લખશો? ને તમારો કાગળ કોણ એને પહોંચાડશે?’
‘એ બધી ફિકર તમે છોડો. મને તો બસ આમ જ બધાને કાગળ લખવાની જ ટેવ છે. મને ખાતરી છે કે, વગર સરનામે પણ મારો કાગળ યોગ્ય જગ્યાએ પહોંચી જ જશે. તમે મને કાગળ આપો એટલે મારું કામ ચાલુ થાય.’
‘પણ વાદળનું સરનામું તો બોલો.’
‘લો, તમને એટલું નથી ખબર? તમને અહીં જમીન પર ક્યાંય વાદળ દેખાય છે?’
‘ના.’
‘કોઈ નદી કે તળાવમાં કે દરિયામાં કોઈ વાર વાદળ જોયું?’
‘ના ભઈ ના.’
‘તો પછી, તમે વાદળને ક્યાં જોયું છે? કે જોયાં છે?’
‘આકાશમાં. ’
‘તો પછી એનું સરનામું પણ ક્યાં હોય? આકાશમાં જ ને? તો હું આકાશને સરનામે કાગળ લખું છું. મને સો ટકા ખાતરી છે કે મારો કાગળ વાદળને સમયસર મળી જશે. જો તમે કાગળ ને પેન વહેલા આપશો તો મારો કાગળ વહેલો પહોંચશે ને મારું કામ વહેલું પતશે.’
‘આ લો તમારા કાગળ ને પેન. મને એટલું જણાવી શકો કે, કાગળમાં તમે શું લખવાના? આ તો ખાનગી ન હોય ને તમને વાંધો ન હોય તો હં. ’
‘ખાનગી કંઈ નથી પણ આગળથી જણાવવાનું મને પસંદ નથી, એટલે હું તમને કાગળ વાંચવા જ આપી દઈશ. બે લાઈન તમારે પણ તમારા તરફથી ઉમેરવી હોય તો ઉમેરી દેજો. ’
‘સારું, તમે લખો તો ખરા. પછી મને ઠીક લાગશે તો લખીશ. પણ, કેટલી વાર લાગશે તમને કાગળ લખતાં? ’
‘કેમ? તમને કોઈ ઉતાવળ છે?’
‘મને રાહ જોવાની ખબર પડે.’
‘હું લખીને તમને બોલાવું ત્યાં સુધી રાહ જોજો.’
‘વાદળને સંબોધન શું કરશો? પ્રિય ભાઈ કે સ્નેહી ભાઈ કે ચિરંજીવ કે પૂજ્ય ભાઈ વાદળ?’
‘નહીં લખું ત્યાં સુધી તમે કાગળ ને પેનના બદલામાં મારું માથું ખાવાના કે? પ્રિય વાદળ લખીશ, બસ?’
‘પછી આગળ? આગળ શું લખશો? તમે હવે વાદળને કાગળ લખવાની વાત કરી એટલે મને પણ થોડો ઈન્ટરેસ્ટ પડ્યો છે. હું પણ કંઈક વિચારી જોઉં. આપણે સાથે મળીને કાગળ લખીએ તો કેવું?’
‘એક કામ કરો. તમે તમારા કાગળમાં તમને જે ગમે તે લખો ને હું મારો કાગળ લખું. પછી બન્ને સાથે મોકલી આપશું, બરાબર?’
‘બરાબર. તમે શું લખશો? આ તો મને કાગળ લખતાં જ નથી આવડતો એટલે પૂછું છું.’
‘વાદળને જોઈને આજકાલ તમારા મનમાં શું વિચાર આવે છે? શું તમારા મનમાં કોઈ લાગણી જન્મે છે? ગુસ્સાની કે ઉદાસીની કે બીજી કોઈ? મનમાં જે આવે તે લખો એટલે થઈ ગયો કાગળ. કાગળમાં શું નહીં આવડવાનું?’
‘કાગળ લખાઈ જાય પછી આપણા નામમાં શું લખવાનું? આઈ મીન, તારો ભાઈ કે મિત્ર કે વડીલ કે સર?’
‘બધું જ ચાલે. એનાથી વાદળને કોઈ ફરક નહીં પડે.’
‘ભલે ચાલો, લખો ત્યારે. હું પણ કંઈક લખી નાંખું.’
‘પ્રિય વાદળ,
તારા ગયા પછી લાંબા સમયથી તારા કોઈ સમાચાર નથી. તારો કોઈ ફોન પણ નથી કે તારું કોઈ સગું કે વહાલું પણ દેખાયું નથી, જે તારા સમાચાર આપે. તને ઘરમાં કોઈ કંઈ કહેશે નહીં, કે બા–બાપા વઢશે પણ નહીં. તું જ્યાં હો ત્યાંથી વહેલું વહેલું આવી જા. તારા વગર અહીં બધાને ખાવાનું પણ ભાવતું નથી ને બધાં બહુ જ દુ:ખી છે. અમારી દયા ખાઈને પણ વહેલી તકે આવી જશે, તો અમે તારી આરતી ઉતારવા પણ તૈયાર છીએ. પ્લીઝ, આ પત્ર મળે એટલે આવી જ જા. તારા પર જ આધાર રાખીને બેસી રહેલાં,
તારાં જ સૌ.’
‘ચાલો, હવે બે લીટી તમે પણ લખી નાંખો જોઉં.’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર