જિંદગી મસ્કા મારકે
મારો હાસ્યલેખ વાંચ્યા પછી મને કોઈ દિવસ કોઈ ઊંધાચત્તા કે આડાઅવળા પ્રશ્નો થતાં નથી પણ વાચકોને ઘણી વાર થતા હોય છે. એ તો વાચકો એટલા સારા કે, કંઈ કહેવાને બદલે કે ટીકા કરવાને બદલે વાંચવાનું જ માંડી વાળે એટલે હું બચી જાઉં. કોઈક ભોળા અથવા કટાક્ષ કરવા આતુર વાચક મને સાવ સ્વાભાવિક રીતે પૂછે, ‘આ હાસ્યલેખ છે?’ જોકે, હું મનમાં જ એનો જવાબ મમળાવ્યા કરું, ‘માફ કરજો. છે તો હાસ્યલેખ પણ તમને ન સમજાયો હોય તો આનાથી વધારે ખરાબ હું નથી લખી શકતી.’
એક અખબારમાં ચાલતી મારી એક કૉલમનું નામ હતું. ‘જિંદગી તડકા મારકે.’ હવે તડકો કોઈને કેવી રીતે મરાય? એ સવાલ ઘણાને થતો એટલે પૂછાતું, ‘ભઈ, કંઈ તડકા–બડકા વિશે કૉલમ ચાલે છે કે શું?’
મારે ખૂબ જ શાંતિથી એમના મનનું સમાધાન કરવું પડતું. ‘જુઓ, જિંદગી શું છે? થોડા દિવસ તડકા ને થોડા દિવસ છાંયડા. જેમ રાત ને દિવસ, સૂરજ ને ચાંદો, ઉનાળો ને શિયાળો.....વગેરે છે તેવું જ આપણું જીવન છે. થોડા દિવસ તડકામાં મરવાનું ને મોંઘવારીના ભડકે બળવાનું થાય કે અચાનક જ બધેથી ઠંડક થાય તેવા સમાચાર મળવા માંડે. વળી...’
‘બસ...બસ. સમજી ગયા. જીવન એક સિક્કાની બે બાજુ જેવું છે ને સુખ પછી દુ:ખ આવે એવું જ બધું તમે સમજાવો છો એમ ને?’ (આમણે તો મને કોઈ સાધ્વી ધારી લીધી કે શું?)
‘એ તો ભઈ, તમારે જે અર્થ કાઢવો હોય તે. બાકી મેં તો જિંદગીના ઘણા અર્થો કાઢ્યા છે.’
‘જેમ કે...?’
‘જિંદગી ધક્કા મારકે.’
‘હેં..?’
‘હેં શું? આપણા જીવનમાં આપણે ધક્કા ખાવાના ને ધક્કા મારવાના કેટલા પ્રસંગો આવે છે એનો તમે કોઈ દિવસ હિસાબ માંડ્યો છે? જોકે, સાદીસીધી જિંદગી જીવવામાં મજા પણ શું? મને તો ટ્રેનમાં કે બસમાં આરામથી જગ્યા મળી જાય તે બિલકુલ ન ગમે. ચૂપચાપ મુસાફરી કરવામાં બિલકુલ મજા નથી. જગ્યા શોધવાની, કોઈને જગ્યા માટે વિનંતી કરવાની ને ન માને તો થોડી રકઝક કે દાદાગીરી કરવાની! આહા! ધક્કામુક્કી કરતાં કે ઠોંસા ખાતાં કે ઢીંક મારતાં ટ્રેનમાંથી કોઈ દિવસ ઊતર્યાં છો? રસ્તે ચાલતાં એ વાતોને મમળાવવાની કે ઘરે જઈને બધાંને એ બધી વાર્તા કરવાની કેટલી મજા પડે! એવું જ, કોઈ કામ કરવા નીકળ્યાં હોઈએ ને એક જ આંટામાં એ કામ થઈ જાય તો મને બિલકુલ ખુશી ન થાય, જેટલો આનંદ દસ ધક્કા ખાધા પછી થતાં કામમાં થાય. એવું લાગે કે, જાણે આપણી મહેનત ફળી. છોકરાં લવ–મેરેજ કરીને એમ સમજે કે, માબાપની મહેનત ને પૈસો બચાવ્યો. ખરું પૂછો તો, એ લોકો માબાપને કેટલાં દુ:ખી કરે છે તે એ લોકો નથી જાણતાં. કોઈની પાસે, છોકરો કે છોકરી શોધવા કેટલા ધક્કા ખાધા કે કેટલી ચંપલ ઘસી કાઢી તેની કોઈ વાર્તા જ ન હોય! બસ, ખાધું, પીધું ને રાજ કર્યું એમાં જ બધું આવી જાય. આવું તે કંઈ જીવન હોય?’
‘તમે કોઈ બીજા પણ અર્થની વાત કરતાં હતાં.’
‘જિંદગી ફાકા મારકે...’
‘ફાકા મારકે ?’
‘ફાકા મારવા એટલે, ભૂખે મરવું અથવા બુકડા ભરવા. તમને રોજ રોજ બે ટાઈમ થાળી ભરીને, પેટ ભરીને જમવા મળે એમાં આનંદ મળતો હશે પણ મને નથી મળતો. કોઈ વાર ભૂખ્યા રહેવું પડે કે કોઈ વાર ચણા–મમરાના ફાકા મારીને ચલાવવું પડે ત્યારે ભરેલી થાળીનો વિચાર કેવો સ્વાદિષ્ટ જણાય છે? ને ફક્ત ખાવાપીવાની જ વાત શું કામ કરું? ફાકામાં ‘ફ’ની ઉપર મીંડું મૂકી દો તો જિંદગી ફાંકા મારવામાં જ પૂરી થાય છે ને? ને ફાંકા મારવામાં મળતી ખુશી? આહાહાહા...! મને તો ફાંકેબાજ લોકોને જોવામાં જે આનંદ મળે છે, તમને નહીં સમજાય. ફાંકાની તદ્દન નજીક નજીક એક શબ્દ છે, ફાંફાં. ‘જિંદગી ફાંફાં મારકે.’ આના પર તો શું લખું? જવા દો. બધાંને બધું ખબર જ છે.’
‘તમે તો તડકા પરથી ક્યાંના ક્યાં પહોંચી ગયાં !’
‘એ તો આપણી જિંદગી જ એવી છે કે, જેટલા અર્થ કાઢીએ એટલા ઓછા. તમે આ કૉલમના તડકાનો ખરો અર્થ સમજ્યા કે નહીં ?’
‘આજે હવે તમે નવા નવા અર્થો સમજાવવા જ બેઠાં છો, તો તમે જ કહી દો ને.’(મને એવું બધું ઝટ સમજાતું નથી.)
‘આ કૉલમનું નામ હિન્દીમાં રાખ્યું છે–ભલે ગુજરાતી છાપું રહ્યું. સન્નારીઓને જેમ રસોઈમાં વઘારનું મહત્ત્વ નથી સમજાવવું પડતું, તેમ જિંદગીમાં પણ જાતજાતના પ્રસંગોએ જાતજાતના વઘાર કરવા પડે છે. તે વગર જીવનમાં સ્વાદ ને સુગંધ આવતાં નથી. આ એનો અર્થ થયો, હવે સમજ્યા?’
‘ઓહ! એમ વાત છે ?’
‘જીવનમાં આવતી મુશ્કેલીઓમાં કે આવતાં દુ:ખોમાં એક જ વઘાર કામ આવે છે ને તે છે, હાસ્યનો વઘાર. તમે જો આખા દિવસમાં કોઈની સામે કે પોતાની સામે પણ એકાદ સ્માઈલ ન આપી, તો સમજી લો, કે તમને વઘાર વગરની દાળ પણ ભાવે છે. મફતની આપ–લે કરવાની છે તોય લોકો એનો હિસાબ ગણવા બેસે છે. ચાલો, આ જ વાત પર એક સ્માઈલ આપી દો જોઉં.’
‘સ્માઈલ શું, તમે કહો તો અટ્ટહાસ્ય કરું. હા..હા..હા...’
‘ એ જ નામ પર છેલ્લો અર્થ પણ જાણી લો.’
‘હજી કંઈ બાકી રહી ગયું ?’
‘જિંદગી મસ્કા મારકે...’
‘બસ, બસ. સમજી ગયા. મસ્કા વગર તો જીભ પણ ખરબચડી બની જાય ને જીવન પણ. એના વગર કંઈ ચાલે? બાકી, તમારી કૉલમ સારી જાય છે હોં.’
‘તમે આટલો જલદી પરચો બતાવ્યો તે મને યાદ આવ્યું કે, એક વાત તો રહી જ ગઈ, ‘જિંદગી ટોણા મારકે....’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર