મારી મમ્મીનું હેત

08 May, 2016
02:02 PM

mamta ashok

PC:

તારા પાલવ ની છોરે રેલાતું વહાલ,
આજે પણ બંધ મુઠ્ઠીમાં કેદ છે!
તારી પાછળ જ બસ મારી વણથંભી દોડ,
માટીના વાસણ અને ડાળીઓના એ છોડ,
ઘૂંટતા અક્ષરો એ શીખવ્યા ઉમળકા,
ગર્ભથી જ સંસ્કાર સીંચ્યા એ ‘અલકા’,
જીવનમાં શ્વાસ ભર્યા જેણે,
વળી સમજાવ્યો જીવનમંત્ર ‘હું’ નહીં, ‘આપણે’!
એ ચાંદા મામા વાળી સાડીમાં જોજે ને,
બાળપણ મારું ત્યાં જ કેદ મળશેને?

- ‘પાંપણ’

વ્હાલી મમ્મી,

કેમ છે તું ? જય શ્રી કૃષ્ણ! તને ખબર છે, આજે આખી દુનિયા તારા અસ્તિત્વની ઉજવણી કરી રહી છે, Mother's day તરીકે! મા, તને ખૂબ ખૂબ અભિનંદન; તારું મૂલ્ય સમજાવતો કોઈ એક દિવસ તો છે , નહીં તો અમે તો તને અવગણવા માં જરાય પાછા પડીએ એમ નથી. અલબત્ત અમે જાણીને એવું નથી કરતા. પણ, ખબર નહીં કેમ એવું થઈ જ જતું હોય છે. જોકે આમાં તારો જ વાંક છે, તું જ એટલી પ્રેમાળ છે અને માયાળુ છે કે અમે હેતથી માથે ફરતા તારા હાથની કિંમત ભૂલી જઈએ છે. તું પાસે હોય ત્યારે એવો એહસાસ થતો જ નથી. તું થવા જ નથી દેતી! મારી જરાક આંખ ભીની થાય કે તું ઉતાવળી થઇને આવે, મને બાથમાં લઇને મારી વિટંબણાં વિશે પૂછે અને તને કહી ને જાણે મારી બધીય પીડા દૂર થઇ જાય. ખબર નહીં કેમ, તારાથી કશું છૂપું રેહતું જ નથી, હેતભરી તારી આંખો મારી ઉદાસીને ભાંપી લે છે. હું આજે પણ નથી સમજી શકી કે તું કેવી રીતે જાણી લે છે કે હું ઉદાસ છું. અરે યોજનો દુરથી આવતો મારો અવાજ જરાક ધીમો પડે તો એની પાછળના કારણો તું કેમની જાણી લે છે? મને લાગેલી ભૂખ તારા હાથમાં એ કેવી શક્તિ પૂરે છે કે તું આમ દોડાદોડ કરી મૂકે છે?

મા, તને ખબર છે હું જયારે તને યાદ કરું તો હાંમેશાં તારો હસતો ચેહરો જ સામે આવે છે. તું મારી ઉદાસી શોષી લે છે અને છતાંય તું હસતી જ રહે છે. આવું બધું તું કેમની કરે છે ? તારા ખોળામાં આવીને મારી બધી જ ચિંતાઓ દૂર ભાગી જાય છે. તને યાદ છે એ સવાર? જયારે તે હેતથી માથે હાથ ફેરવીને મને જગાડી હતી? ‘ઊઠો બેટા , સવાર પડી, સોનાનો સૂરજ ઉગ્યો...’ એવી સવાર તો રોજ રોજ આવતી જ નથી હવે! હવે હું શનિવારના દિવસે બહુ આરામથી ઊઠું છું અને કોઈ કહેતું નથી ‘ઊઠ, ઘડિયાળમાં જો, કેટલા વાગ્યા!’ ઘણી વાર હું આળસ કરું છું, તો મને થાય તું તો હવે વઢતીએ નથી. ઉપરથી હું તારી પર ગુસ્સો કરું છું, તો તને ય સોરી બોલતા આવડી ગયું છે.

પણ શું કરું? હું તારી પાસે નથીને એટલે તારી સાથે રહી ન શકવાનો ખૂદનો ગુસ્સો હું તારી પર કાઢું છું. તું બીમાર પડે છે તો મને ગુસ્સો આવે છે કે તે તારું ધ્યાન કેમ ના રાખ્યું...? તારી જોડે રહીને તારું ધ્યાન રાખવા માટે હું ત્યાં નથી ને! તને કશું થાય તો અહીં રહીને હું કંઈ જ ન કરી શકું; ને તુંય પાછી સમજતી નથી! બધાની પાછળ બસ દોડ્યા જ કરે છે. પોતાનું ધ્યાન રાખતી જ નથી. તું હંમેશાં કહેતી કે, તું મારું માનતી નથી. પણ હવે તું શું કરે છે? હવે કોઈક વાર તો મા, તું મારું સાંભળ?

તને ખબર છે, જ્યારે મને બતાવા માટે તું ખોટું હસે છે તો મને પણ ખબર પડી જાય છે, હુંય તારા હાસ્યની ઉદાસી માપું છું, પછી વિચારું છું કે શું હશે જે તને પજવતું હશે? પણ મા, કહેવું પડે, તું અચ્છી અભિનેત્રી છે. ઘણી વાર મને બનાવી જ લે છે તું.. કદી પણ તારા દુ:ખને મારી આગળ લાવતી જ નથી. તારા માટે તો મારી જ મુસીબતો તારી બની જાય છેને? હું કોશિશ કરું છું, કે મારી નાની નાની પરેશાનીઓ મારા સુધી જ રાખું! પણ જોને એવું થતું જ નથી! તને બધું કેહવાઇ જ જાય છે! કદાચ, હું તારા જ શરીરનો જ અંશ છું એટલે જ ને?

એક સમયે રસોડા બેસીને વટથી હુકમો છોડતી એ દીકરી આજે તને જાતજાતની રસોઈની રીતો પૂછે તો તું કેવી ઉમળકાથી જણાવે છે. પણ, તું જાણતી નથી કે, તારા પ્રેમનો મસાલો તો કોઈ પણ બજારમાં મળતો જ નથી! તારી જ રીતથી બનાવ્યું હોય તોય તારા હેતનો સ્વાદ એમાં આવતો નથી. વળી કોઈક વાર સરસ બન્યું હોય તો થાય કે કાશ, તુંય આ ચાખે, પણ હું ભૂલી જાવ છું કે તને તો મારી પેહલી વાર બનાવેલી બળેલી ભાખરી નો સ્વાદ પણ કેવો મીઠો લાગ્યો તો!

તને કેવું ખબર પડી જાય કે મને કયો રંગ શોભશે? યાદ છે તને, કોલેજમાં એક વાર હું વાળ કપાવી આવી’તી ? તને મારા લાંબા વાળ કેવા ગમતા! તું કેવું ખીજાઈ’તી ? હવે તો હું જેવા ગમે એવા વાળ કરાવું છું, ને તે છતાંય તું એમ જ કહે છે કે, હું બહુ સરસ લાગુ છું! હું એટલી મોટી ક્યારે થઇ ગઈ? આજે હું મારા નિર્ણય જાતે જ લઉં છું, અને તું ફક્ત સલાહ જ આપે છે. કોઈક વાર મનેય થાય કે, તું ફરી મારા કપડાં નક્કી કરે, મને સીધો હુકમ જ કરે ‘આ જ પહેરવાનું છે, ચાલો તૈયાર થઇ જાવ!’ જાતે તેલ નાખું ત્યારે તારો મને તારો એ ચેહરો આજેય મને યાદ આવે છે, જયારે તું મને જાતજાતના પ્રલોભનો આપતી તેલ નાખવા માટે, ને હું અનેક બહાના કરીને છટકી જતી.

તને ખબર છે કે, હું કેટલીક વાર તને કેટલીક વાતો કેહતી નથી, ક્યારેક સરખી રીતે જણાવતી નથી, અગણિત ભૂલો કરું છું, જાણે-અજાણે તને દુ:ખીય કરું છું. પણ એ બધુંય કરવા છતાં હું તને બહુ જ પ્રેમ કરું છું. આ વાંચીને જેમ તારી આંખો ભરાઈ હશે એમ હું પણ ખૂબ રડી છું. કદાચ તારા માટે એક અલાયદો દિવસ હોવો જ જોઈએ કેમ કે તું તો એહસાસ જ નથી થવા દેતી કે તારું મહત્ત્વ શું છે અમારા જીવનમાં. આમ તો જ્યારથી તારા ગર્ભમાં એક અંશ તરીકે આવી ત્યારથી તારો દરેક દિવસ Mother's Day જ રહ્યો હશે, અને તોય પાછી તું કેવી વિનમ્ર? કોઈ દિવસ કશું માગે પણ નહીં, પૂછીએ તોય ના જ પાડે, ને તું જો મને પૂછે તો હું કેવું લીસ્ટ ધરી દઉં છું! તું કઈ જ માગતી નથી, ને મારી માગણીઓ ખૂટતી જ નથી.

તને યાદ છે એક દિવસ મેં તને કહ્યું તું કે ‘હું તમારા જેવી નથી!’ તને દુખ થયું હતું. એવું બોલ્યા પછી મનેય થયું’તું! પણ શું કરું મા? તારા જેવું થવું ખુબ જ અઘરું છે, તારા જેટલા નિસ્વાર્થ થવાની હિંમત કદાચ મારામાં નથી. કદાચ મને ત્યારે જ સમજાશે જ્યારે હું ખૂદ મા બનીશ! જોજે તોય તારા માટે તો હું નાનકડી પતાસા ગણતી જ રેહવાની! આ ફોટા માં પણ તારી આંખો એમ જ મને જુએ છેને, હવે તો મને થાય છે હું તારો પડછાયો ક્યારે બનીશ?

આજે તારો દિવસ છે મા, તું મારી સાથે નથી, પણ તારા સ્વરૂપસમી મારી સાસુમા માં હું તને શોધી લઉં છું. મને થાય છે કે મારી પાસે તો એક ખોળો છે માથું મૂકવા, પણ આજે તું કોના માથે હાથ ફેરવીશ? કાશ! તારા ભાગનું વહાલ તને પાર્સલમાં મોકલાવાતું હોત! પણ, વહાલની વહેંચણી તે વળી કેમની કરવી?

મા, તારા હોવાનો એહસાસ જ મારા જીવનની દોરવણી છે. એટલે જ કદાચ રોજ સવારે ઉઠું ત્યારે ‘સવાર પડી, સોનાનો સૂરજ ઉગ્યો! ઊઠો બેટા’ એમ તારા લેહકાથી બોલેલા એ મીઠા શબ્દો મારા કાન માં ગૂંજે છે.

Love you Maa
Happy Mother's Day..

- એ જ તારી વ્હાલી દીકરી

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.