માવડી ચોકડી અને… (2)
બસની સામે આવી ગયેલી પેલી સ્ત્રી કોણ હતી એ બધાને માટે કોયડો હતો. આખરે અડધી રાત્રે કાંખમાં બાળક લઈને નીકળેલી એ સ્ત્રી કોણ હતી? એ ક્યાંકથી ભાગી આવી હશે કે કોઈએ એને કાઢી મૂકી હશે? બસના અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના શોકને કારણે મહિના સુધી તો આ વાત માત્ર ગામના ચોતરા કે લોકોના ઓટલા સુધી જ સીમિત રહી, પરંતુ હજુ તો બસના એક્સિડન્ટ દોઢ મહિનો પૂરો નહીં થયો ત્યાં એક રાત્રે પાછા ભૂંડા સમાચાર આવ્યા કે, બસનો અકસ્માત થયેલો એ વળાંક પર એક છકડો પલટી મારી ગયો અને તાજી પરણેલી બેનના ઘરે ભાઈબીજ કરીને પોતાના ગામ જતાં ત્રણ ભરવાડ ભાઈઓ પણ અકસ્માતમાં હોમાઈ ગયા.
ફરી ત્રણ યુવાનોના મોતને કારણે હવે આસપાસના ગામોના લોકો માટે આ ચિંતાનો વિષય બની રહ્યો છે. છકડાના અકસ્માતમાં કોઈ જીવતું નહોતું બચ્યું એટલે ઘટના શું બનેલી એ બાબતના કોઈ પુરાવા નહીં મેળવી શકાયા, પરંતુ લોકો હવે સવારસાંજ માત્ર એક જ વાત કરી રહ્યા હતા કે, આખરે પેલી સ્ત્રી કોણ છે?
ચોકડીની આસપાસના ગામના લોકોએ ભેગા થઈને આ બાબતે કશુંક નક્કર પગલું લેવાનું નક્કી કર્યું. કેટલાક લોકો એમ કહી રહ્યા હતા કે, એ બાઈ જરૂર ગાંડી હોવી જોઈએ, જેને રાત્રે આ રીતે ભટકવા નીકળવાની આદત હશે તો કોઈ કહી રહ્યું હતું કે, ત્યાં કોઈ બાઈ ફરે છે એ વાત માત્ર અફવા અથવા વાયકા હોઈ શકે છે. બસના ક્લિનર ઉપરાંત બીજા કોઇએ એવું નથી કહ્યું કે, રાત્રે ત્યાં કોઈ બાઈ ફરતી હતી. જુવાનિયાઓ આ વાતે સહમત હતા કે, એક જણના કહેવાથી ત્યાં કોઈ બાઈ હોવાનું ધારી શકાય નહીં. જેથી એ દિશામાં કોઈ પગલું ભરવું પણ યોગ્ય નહીં કહેવાય.
જુવાનિયાઓને અકસ્માત પાછળ માત્ર એક જ કારણ જવાબદાર લાગતું હતું અને એ કારણ હતું રસ્તાની પહોળાઈ. એમની દલીલ હતી કે, એ વળાંક પાસે રસ્તો સાંકડો છે, જેને પહોળો કરવાની જરૂર છે. જો એ યોગ્ય રીતે થઈ જશે તો અકસ્માતો નહીં થાય. એવામાં કેટલાક લોકો એક સરખી ઢભે થતાં અકસ્માતો વિશેના ઉદાહરણો પણ ગણાવી રહ્યા હતા કે, બધા અકસ્માતો એક સરખી રીતે કેમ થયાં?
આ બધી દલીલો ચાલું જ હતી ત્યાં નજીકના એક ગામની વૃદ્ધાએ એક વાત કરીને ચકચાર મચાવી. એની પાસે જ્યારે આ વાત પહોંચી કે, અકસ્માત દરમિયાન એક યુવાન સ્ત્રી એના બાળકને લઈને જતી દેખાય છે. ત્યારે એ ડોસી કકળી ઊઠી અને એણે કહ્યું એ નક્કી મારી દીકરી જ હોવાની! લોકોએ જ્યારે એમને પૂછ્યું ત્યારે એમણે વર્ષો પહેલાની વાત જણાવી કે, ચાળીસેક વર્ષ પહેલા એમની સત્તર વર્ષની દીકરીએ એના નવજાત બાળક સાથે કૂવો પુરેલો, જે દીકરી છાસવારે વૃદ્ધાના સપનાંમાં પણ આવતી.
વૃદ્ધાએ એ દીકરીને નાની ઉંમરે પરણાવી દીધેલી અને સત્તર વર્ષે તો એ દીકરી માતા પણ બની ગયેલી. પહેલા સંતાનની સુવાવડ કરવા એ પિયર આવેલી ત્યારે છ છ મહિના સુધી એનો ધણી એને પાછો લેવા નહીં આવેલો. ખૂબ વાટ જોયા પછી ધણીને ગામ વાવડ પહોંચાડ્યા ત્યારે એને વળતા વાવડ મળ્યાં કે, ધણી તો ક્યાંક બીજે પરણી ગયો છે અને તેને અને તેની દીકરીને ફરી ઘરે લઈ જવા માગતો નથી.
એક તરફ ધણીનો દગો હતો તો બીજી તરફ હતી એની નાની દીકરી, જેનું આખું ભવિષ્ય આંખની સામે ઊભું હતું. વૃદ્ધાની દીકરી એ દગો ખમી ન શકી અને એક રાત્રે એની નવજાત દીકરીને લઈને એ નીકળી પડી. ગામનો કૂવો પૂરે તો એના મા-બાપ લાજે એવો વિચાર કરીને એણે પાંચ ગામ દૂર જઈને કૂવો પૂર્યો અને પોતાનો અને એની દીકરીનો અંત આણ્યો. જોકે સુવાવડી બાઈએ આપઘાત કરેલો એટલે એનો આત્મા અવગતે ગયેલો અને ત્યારથી એ સ્ત્રી કાંખમાં બાળક લઈને રોજ રાત્રે ફરતી દેખાતી.
પેલી વૃદ્ધાએ આ વાત કહ્યા પછી ગામના લોકોએ તાંત્રિકો પાસે સલાહ લીધી. તાંત્રિકોએ જણાવ્યું કે, એ સ્ત્રીની આત્મા ભટકતી બંધ થાય એ માટે ચોકડી પાસે પૂજા કરવી જરૂરી હતી. આખરે ચોકડીની આસપાસના ગામોના લોકોએ ભેગા મળીને ચોકડી પાસે પૂજા કરાવી અને થોડા પૈસા કાઢીને એક નાનકડી દેરી પણ બનાવડાવી, જેને કારણે એ ચોકડી માવડી ચોકડી તરીકે ઓળખાઈ. કેટલાક લોકો હજુ પણ એ વાત સાથે સહમત નથી કે, ત્યાં થતાં અકસ્માતોને કોઈ સ્ત્રીના આત્મા સાથે લેવાદેવા હતી! જોકે આશ્ચર્યની વાત એ હતી કે, આજે આટલા દાયકા થઈ ગયા અને ફોર લેન હાઈવે તૈયાર થઈ ગયા પછી પણ ત્યાં દેરી બન્યા બાદ એક નાનો અમસ્તો અકસ્માત નથી થયો. કેટલાક આધુનિક લોકો તો આને પણ જોગાનુજોગ જ કહે છે!
(સમાપ્ત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર