માવડી ચોકડી અને…
વર્ષો પહેલાની આ વાત. કહેવાય છે ત્યારે એક લેન હાઈવે પણ કોઈ મહોલ્લાની ગલી જેટલો સાંકડો રહેતો. આજે ફોર લેન પર પૂરપાટ જતા જુવાનિયાઓને એ વાતનો અંદાજ પણ નહીં હોય કે, આજથી બરાબર પચ્ચીસ વર્ષ પહેલા આપણા દેશના હાઈવે કેવા હતા! જોકે એ સમયે વાહનોની સંખ્યા પણ ઓછી હતી. દિવસ દરમિયાન જૂજ ટ્રકો એ સાંકડા હાઈવે પર હાંફતી તો ક્યારેક કોઈક મારુતી એઈટ હન્ડ્રેડ હાઈવે પરથી પસાર થતી તો રસ્તાને કોરે ચાલતું લોક એને ઊભું રહીને જોતું. રાતનું ડ્રાઈવિંગ મોટેભાગે લોકો ટાળતા અને પર્સનલ વાહનો નજીવા લોકો પાસે હોય અને જેની પાસે હોય એમને હાઈવે તરફ આવવાનું ઓછું થતું. આજની જેમ ત્યારે વાતવાતમાં મુંબઈથી અમદાવાદ કે અમદાવાદથી જયપુર કાર હંકારી મૂકવાનો ટ્રેન્ડ પણ નહોતો.
ત્યારની આ વાત. કહેવાય છે ત્યારે હાઈવે પરથી વાહનો ભલે ઓછા જતાં, પણ અકસ્માતોની સંખ્યા વધુ રહેતી. માવડી ચોકડી તરીકે ઓળખાતી એ ચોકડીના વળાંક પાસે દર દસ દિવસે એક અકસ્માત થતો અને મહિનામાં ચાર-પાંચ લોકો એ ખપ્પરમાં હોમાઈ જતાં. નવાઈની વાત એ હતી કે, મોટાભાગના અકસ્માતો રાતના સમયે થતાં અને દરેક વખતે જે તે વાહનનો અકસ્માત પલટી ખાઈ જવાને કારણે થતો. એવું બહુ રેર કેસમાં બનતું કે નાના રસ્તા પર આમને સામનેથી આવતા વાહનો એકબીજા સાથે અથડાયા હોય કે કોઈક વાહને પાછળથી આવી આગલા વાહનને ટક્કર મારી હોય.
એક સવારે માવડી ચોકડીની આસપાસના ગામડામાં હાહાકાર મચી ગયો. કારણ કે, દૂરના કોઈક ગામમાં લગ્નની જાન લઈને ગયેલી બસ જેવી બસ અડધી રાત્રે માવડી ચોકડીના વળાંક પાસે પલટી ખાઈ ગઈ. બસના ક્લિનર અને ચાર બાળકો સિવાય બસમાંનું કોઈ નહીં બચ્યું અને આસપાસના ગામોમાં માતમ મચી ગયો.
કહેવાય છે એ અકસ્માત બાદ જ એ ચોકડી માવડી ચોકડી તરીકે ઓળખાતી થઈ. વાત એવી બની કે, પેલી બસનો જે ક્લિનર બચ્યો હતો એણે હોસ્પિટલમાં એને મળવા આવેલા લોકો આગળ આખી ઘટના વર્ણવી કે એમનો અકસ્માત કઈ રીતે થયો. એણે કહ્યું, બસ જ્યારે ચોકડી પાસે વળાંક લેતી હતી ત્યારે અચાનક જ એક મહિલા રસ્તા વચ્ચેથી પસાર થતી હોય એવું લાગ્યું. લાગ્યું શેનું? એક મહિલા એની કાંખમાં એક બાળક લઈને રસ્તાની વચ્ચે જ ઊભી હતી અને જાણે રડતી હોય એમ બૂમો પાડતી હતી.
રાતનો સમય હતો અને હાઈવે ખાલી હતો, વળી લગ્નમાંથી આવેલા લોકો અને વહુવર પણ ઘરે પહોંચવાની ઉતાવળમાં હતા એટલે ડ્રાઈવરે બસ પૂરપાટ દોડાવેલી. આખરે ડ્રાઈવરની ધણિયાણી પણ એની વાટ તો જોતી જ હશે ને? વળાંક પાસે બસ સહેજ ધીમી પણ પાડેલી જોકે સામેથી કોઈ આવતું નહોતું એટલે બસની ગતિ સામાન્ય કરતા તો વધુ જ હતી. એવામાં સામે બાળક સાથેની એક સ્ત્રી ઊભેલી દેખાઈ વળી એ બાપડી અસહાય થઈ રડતી હતી એટલે ડ્રાઈવરે ધડાકાભેર બ્રેક મારવી પડી, જેથી એ સ્ત્રી અને એના સંતાનને બચાવી શકાય. જોકે બ્રેક મારતી વખતે અંતર ઘણું નજીક હતું એટલે ગભરાયેલો ડ્રાઇવર એની સ્ટિયરિંગ બ્રેક અને એક્સિલેટર પરનો કાબૂ ખોઈ બેઠો અને આખરે એક-દોઢ મિનિટમાં જ એ ઘટના ઘટી ગઈ. બસ પલટી મારી ગઈ અને કંઈ કેટલાય લોકો ઉંઘમાં જ મૃત્યુ પામ્યા.
ઘટના દરમિયાન ડ્રાઈવરની બાજુમાં જ બેસેલા ક્લિનરના નસીબ સારા હતા કે, એ બચી ગયો. બાકી, ડ્રાઈવર કે બસમાં આગળની તરફ બેઠેલા કેટલાક લોકોના તો ચહેરા સુદ્ધાં ઓળખી ન શકાય એવો એમનો ખૂર્દો થઈ ગયેલો. કોપરુંને વાટ્યા બાદ એના જે હાલ થાય એવા જ એ બધાના હાલ થયેલા. એવું જ આશ્ચર્ય બસમાં બચી ગયેલા ચાર બાળકો બાબતે પણ હતું. એ બસમાં લગભગ છ મહિનાથી દોઢ વર્ષની ઉંમરના ચાર બાળકો પણ હતા, જેમનો આબાદ બચાવ તો થયેલો જ, પણ આવા મોટા અકસ્માતમાં એ બાળકોના શરીર પર નાનો સરખો ઘા પણ નહોતો થયો. અલબત્ત, એ બાળકો નધણિયાત જરૂર થઈ ગયેલા, પરંતુ સૌ કોઈને એ વાતનું કુતૂહલ ઘણું હતું કે, આવું બન્યું કઈ રીતે?
બસના ક્લિનરે પેલી મહિલા અને બાળકની વાત કરી પછી ચોકડીની આસપાસના ગામોમાં રહેતા લોકોએ પોતાના ચક્રો ગતિમાન કરી દીધેલા. આખરે કોણ હતી એ સ્ત્રી? જે બસનો એના લીધે અકસ્માત થયો એ સ્ત્રી ત્યાં ઊભી પણ ન રહી? સવાર સુધી કોઈને જ્યાં કોઈને અકસ્માતની જાણ સુદ્ધાં નહોતી તો એનાથી કો’કને કહેવા પણ નહીં જવાયું? જોકે એનાથી મોટું કુતૂહલ તો એ જ હતું કે, એવી તે કોણ ભરાડી સ્ત્રી હશે, જે અડધી રાત્રે કાંખમાં બાળક લઈને રસ્તે ભટકવા નીકળેલી? કોઈએ એને કાઢી મૂકેલી કે એ પોતે જ ઘર છોડીને ભાગેલી? વળી, આખરે એ સ્ત્રી જ હતી કે પછી….?
(આવતા અંકે સમાપ્ત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર