મળો આ માનસીને!
બચ્ચે મન કે સચ્ચે હોતે હૈ એટલે આપણને અમસ્તાંય બાળકો પર વહાલ ઊભરાય અને એમાંય જ્યારે આપણા બચ્ચાઓ કંઈક આશ્ચર્યજનક કામ કરી નાંખે ત્યારે તો આપણી છાતી અમસ્તી જ ગર્વ અને આનંદથી ફાટફાટ થાય. આજે આપણે એવી જ એક મજાની દીકરીની વાત કરવાના છીએ, જેના કામ અને એના વિચારોથી તમે પણ આશ્ચર્યચકિત થયાં વિના નહીં રહી શકો અને એના વિશે જાણીને તમે પણ વાહ વાહ! પોકારી ઊઠવાના છો. આ દીકરી એટલે સુરતની માનસી મહેતા, જે હજુ તો નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે પણ આટલી નાની ઉંમરે આ દીકરી મોટી વ્યક્તિ પણ એની પાસે પ્રેરણા લે એવા એ કામો કરે છે.
માનસી મહેતાને કવિતાનો ઘણો શોખ છે અને સમજણી થઈ છે ત્યારથી એણે કવિતા વાંચવાની સાથે કવિતાઓ લખવાની પણ શરૂઆત કરી દીધેલી. નાની વયે કવિતા લખવાની શરૂઆત તો ઘણા લોકો કરતા હોય છે, પરંતુ એમાંના મોટાભાગના લોકોની કવિતાઓ, રચનાઓ કે અભિવ્યક્તિ એમની ડાયરી પૂરતી જ મર્યાદિત રહી જતી હોય છે. પણ માનસીની આ હિંમતને દાદ દેવી રહી કે, એણે એની રચનાઓ માત્ર પોતાના પૂરતી સીમિત નહીં રાખતા એ કવિતાઓનું એક પુસ્તક પ્રકાશિત કર્યું છે અને એ પુસ્તક એટલે, ‘I AM ME’!
માનસીના આ કાવ્યસંગ્રહમાં એણે આ સૃષ્ટિ પ્રત્યેનો એનો દૃષ્ટિકોણ, એની ખ્વાહિશો, માનવ જીવનના ચઢાવ-ઉતાર કે આપણા જીવન સાથે સંકળાયેલી હકારાત્મક અને નકારાત્મક વાતો વિશેની વાતો પર આધારિત પોતાની કવિતાઓનો સમાવેશ કર્યો છે. પાકિસ્તાનનો બહુચર્ચિત ચહેરો અને નોબેલ પ્રાઈઝ વિનર મલાલા યુસુફઝઈથી માનસી અત્યંત પ્રભાવિત છે અને આ કારણે જ માનસીએ એનો પહેલો પણ કાવ્યસંગ્રહ મલાલાને અર્પણ કર્યો છે.
નાની ઉંમરને કારણે માનસીની કવિતાઓમાં પરિપક્વતા ક્યાંક જરૂર નજરે ચઢે, પરંતુ અપરિપક્વ ઉંમરે કરાયેલા ઉત્તમ કામનું ઘુવડગંભીર વિવેચન કરવું એ નરી મુર્ખામી જ કહેવાય. એટલે એ આપણે એ મુર્ખામી કરતા નથી. આફ્ટરઑલ દુનિયાના કોઈ પણ સર્જન કે કળામાં વિચાર અત્યંત મહત્ત્વનો હોય છે અને માનસીની કવિતાઓમાં ઉમદા વિચારો અને લાગણીઓના રહી રહીને તણખા ઝરે છે.
કવિતાના પુસ્તક ઉપરાંત માનસીનો પોતાનો બ્લોગ પણ છે, જેના પર તે નાનાં-મોટાં આર્ટિકલ્સ પણ લખતી રહે છે. એમના આર્ટિકલ્સમાં ફેમિનિઝમ અને કેટલાક સામાજિક મુદ્દાના પડધા પડે છે, જે વાંચીએ તો આપણે અમસ્તા જ પ્રભાવિત થઈ જઈએ કે આખરે આટલી ઉંમરે માનસી આવું વિચારી કઈ રીતે શકે?
સ્ત્રીઓ કે આધુનિક સ્ત્રીઓની સમસ્યાઓને લઈને માનસી અત્યંત ચિંતિત છે. નારીવાદના કેટલાક વિચારોથી માનસી અત્યંત પ્રભાવિત છે, જેના કારણે તે પોતે પણ નારીવાદી છે. પરંતુ નારીવાદની બાબતે માનસી એવું વિચારે કે, એનો નારીવાદ માત્ર સન્માન અને સમાનતા પૂરતો જ સીમિત છે. નારીવાદના ઓથા હેઠળ એમણે પોતાની રેખાની મોટી બતાડવા માટે બીજાની રેખા નાની નથી બતાવવી! કે નથી તો એને કોઈ ગજાગ્રહમાં રસ. માનસી તો માત્ર એટલું જ ઈચ્છે છે કે, જે સમાજ સ્ત્રીને દુર્ગા કે શક્તિ કહે છે એ જ સમાજમાં સ્ત્રીને હડધૂત કરાતી હોય કે કોઈ દૈનિક નિત્યક્રમ મુજબ એના પર અત્યાચાર થતાં રહેતા હોય તો એ બંધ થવું જોઈએ અને સ્ત્રીઓને એના હિસ્સાનું માન અને સલામતી મળવા જોઈએ.
મલાલાની જેમ માનસીને પણ શિક્ષણ નામના બ્રહ્માસ્ત્ર પર અત્યંત ભરોસો છે. એ એવું માને છે કે સમાજના તમામ વર્ગોની સ્ત્રી શિક્ષિત થશે એટલે સ્ત્રી આપોઆપ જ ઉન્નતિ કરશે અને એ પોતાના સ્વમાન, એની આવડત કે એના સામર્થ્ય વિશે સભાન થશે. જોકે આ મામલે એ માત્ર વિચારીને જ બેસી રહી નથી. એણે તો આ દિશામાં ચોક્કસ પગલાં પણ લીધા છે. આખરે જે વિચારતા જ રહે એને તો શેખચલ્લી કહેવાય. પરંતુ જે કરીને બતાવે એ ખરા કર્મઠ કહેવાય!
માનસી હજુ પોતે ભણે છે એટલે સ્વાભાવિક છે કે, એ કોઈ મોટા સામાજિક કાર્યો પાછળ પોતાનો સમય નહીં આપી શકે. પરંતુ પોતાની પાસે જેટલો સમય બચે છે એ સમય માનસી એની આસપાસ રહેતી સ્ત્રીઓ કે બાળકીઓ માટે કાઢે છે. એના ઘરની આસપાસના વિસ્તારોમાં વસતી આઠેક જેટલી યુવતીઓને એ ભણાવે છે, જેમાં એ મૂળભૂત શિક્ષણ કરતા એમની આવડત ખીલે કે જીવનના મુલ્યો ખીલે એ બાબતની જાણકારી અને કેળવણી આપે છે. સામાન્ય પરિવારોમાંથી આવતી બે’ક નાનકીઓ તો એવી છે, જેમને માનસી જેવું અંગ્રેજી બોલવું-લખવું છે એટલે આ માટે માનસીએ મૂળાક્ષરોથી શરૂઆત કરીને એ બંને દીકરીઓને અંગ્રેજી ભણાવવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત માનસીએ ‘કિશોરી ફાઉન્ડેશન’ની પણ સ્થાપના કરી છે, જેના માધ્યમથી તે સમાજમાં જેન્ડર ઈક્વાલિટી અને ભણતરના ક્ષેત્રમાં કશુંક નક્કર કરવાની આશા રાખે છે.
તેર-ચૌદ વર્ષની ઉંમરે જ્યારે બાળકો કોમિક્સ વાંચવામાં કે કાર્ટૂન્સ જોવામાં વ્યસ્ત હોય છે ત્યારે માનસી ખાલિદ હુસૈની કે સુધા મૂર્તિ જેવા લેખકોના પુસ્તકો કે વિશ્વની ખ્યાતનામ મહિલાઓની જીવનકથાઓ અને આત્મકથાઓ રસપૂર્વક વાંચે છે.
ભવિષ્યમાં એણે હ્યુમનિઝમ વિશે કંઈક ઉંડાણમાં ભણવું છે અને પોતે કંઈક એવું જ કરિયર પસંદ કરવું છે, જેના માધ્યમથી એ સ્ત્રીઓ અને છેવાડાના માણસો માટે કંઈક કામ કરી શકે. એની એક ફરિયાદ એ પણ છે કે, ભારત દેશ આટલો બધો સમૃદ્ધ અને પ્રગતિશિલ હોવા છતાં ઘણી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશને ખોટી રીતે ચીતરવામાં આવે છે, જેથી આ બાબતે પણ પણ કંઈક કરી શકાય તો એ કરવાની એની તમન્ના છે.
જે દેશની નવી પેઢી, સમાજ અને દેશના પ્રશ્નોને લઈને આટલી બધી જાગૃત હોય અને એ દિશામાં યોગ્ય પગલાં લઈને મદદગાર થવા પ્રયત્નશીલ હોય તો એ દેશના લલાટે માત્ર ને માત્ર પ્રગતિ જ લખી હોય છે. આપણે એ બાબતે ગર્વ લેવો જોઈએ કે, આપણી નવી પેઢી સમાજ કે દેશ માટે આટલું બધુ ઉત્તમ વિચારી રહી છે. એમને અને એમના કામને થાળ ભરી શગ મોતીડે વધાવવી જ રહી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર