મળો આ રોકસ્ટાર ગીતકારને

19 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

 

કોણ છે ઈર્શાદ કામિલ, પંજાબનાં મલેર કોટલાથી મુંબઈ સુધીની સફર કેવી રીતે શક્ય બની?

હું અત્યંત સામાન્ય પંજાબી મુસ્લિમ પરિવારમાંથી આવુ છું અને ભણતર જ અમારી કારકિર્દી ઘડી શકે એવી અમારી સ્પષ્ટ વિચારધારા હતી. ભાષા પર મારી પહેલાથી સારી એવી પકડ હતી એટલે પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. અને ત્યાર બાદ મેં પોએટ્રીમાં મારું પીએચ.ડી પણ કમ્પલિટ કર્યું.

... તો પછી તમે તમારા નામની આગળ ડૉક્ટર કેમ નથી લખતા?

(અત્યંત સહજ હસીને) અરે, એવું બધું લખવા જાઉં તો બધું ભારેખમ થઈ જાય. નામ આગળ ડૉક્ટર લગાવીને મારે માથા પર અમસ્તો ભાર લઈને નથી ફરવું. (ફરી થોડું હસે છે.) હા, આપણે મારી સફર પર ફરી આવીએ.

ભણતર પતાવીને મેં ચંડીગઢમાં ‘ડેઈલી ટ્રિબ્યુન’માં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. એ ગાળામાં મેં પૂજા ભટ્ટ અને મનોજ વાજપેઈનાં ઈન્ટરવ્યુ પણ કરેલા. આ ઉપરાંત હું રાત્રે મોડે સુધી બેસીને બીજા લેખો અને વાર્તાઓનું પ્રૂફ રીડિંગ કરતો! જોકે ત્યારે હું એક બાબતે અત્યંત સ્પષ્ટ હતો કે, મારે ખુશવંત સિંહ નહોતું બનવું.

રિપોર્ટર હતો ત્યારે હું ખૂબ દોડાદોડી કરતો. પણ મને તમાશાનાં વેદવર્ધન સહાયની જેમ ઘૂટન થતી અને મને સતત એવું લાગ્યા કરતું કે, ‘શું આ જ મારી જિંદગી છે? મારે પત્રકાર થોડું બનવું હતું?' પણ ઉંમરના એ પડાવ પર પરિપક્વતાનો થોડો અભાવ હોય છે એટલે ત્યારે નિર્ણયો લેવામાં અવઢવ થતી હોય છે. ત્યાર પછી તો હું એક હિન્દી અખબાર સાથે પણ જોડાયો અને દિલની નજીક રહેલી હિન્દી ભાષામાં પત્રકારત્વ કર્યું. પણ તોય કશુંક ખૂંટતું તો હતું જ.

એક રાત્રે પ્રેસનું કામ પતાવીને લગભગ દોઢ વાગ્યે હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક પર મને વિચાર આવ્યો કે, 'બસ બહુ થયું હવે. પત્રકાર તરીકેની નોકરી હવે નથી કરવી.' અને ઝાઝી ચિંતા કર્યા વિના બીજે દિવસે સવારે જ મેં રાજીનામું આપી દીધું! કોઈ પણ પ્રકારની સિક્યોરીટી વગર આવી રીતે રિઝાઈન આપી દેવાને કારણે ઘર અને દોસ્તો તરફથી મને ખૂબ ગાળો પડી હતી. પણ, મારા દિલમાં કશુંક ખોટું કર્યાની રજભાર ગિલ્ટી ન હતી. હું જયારે પી.એચડી કરી રહ્યો હતો ત્યારે મને પ્રોફેસર બનવાની ઓફર પણ મળેલી. એ ગાળામાં અધ્યાપન કાર્ય પણ કરી શકાયું હોત. પરંતુ મેં ફરી વિચાર્યું કે, 'આ એ જ જિંદગી છે? જે મારે જીવવી છે?' તો દિલમાંથી ફરી અવાજ આવ્યો 'નહીં'.

એ દરમિયાન 'ઝૂક ગયા આસમાન' અને 'પ્રોફેશર' જેવી ફિલ્મો અને કેટલીય ટેલિવિઝન સિરિયલ્સ બનાવી ચૂકેલા મશહુર દિગ્દર્શક લેખ ટંડન સાહેબ એક શૂટ માટે ચંદીગઢ આવેલા. હરિયાણા કલ્ચરલ ડિપાર્ટમેન્ટનાં હેડ કમલ તિવારીએ મારો લેખજી સાથે પરિચય કરાવી આપ્યો અને લેખસાહેબ મને મુંબઈ લઈ આવ્યા. મુંબઈ આવ્યાના થોડા જ સમયમાં મેં 'છોટી મા' તેમજ 'સંજીવની' જેવી ટેલિવિઝન સિરિયલ્સ માટે લખવાનું શરૂ કર્યું.

એ કામને કારણે મને હવે પૈસા મળવા લાગ્યા હતા. પણ મેં ફરી મારી જાતને પૂછ્યું, 'ક્યાં કર રહા હૈ તુ યાર?' કારણ કે, ટેલિવિઝનનું કામ થોડું થકવી દેનારું હતું અને સૌથી અગત્યની વાત તો એ હતી કે, એમાં કોઈ પ્રકારની સર્જનાત્મકતાનો ઉપયોગ નહોતો કરવાનો. ટેલિવિઝનનું એ અત્યંત નિચોવી નાખતું રસકસ વિનાનું કામ હતું. આ બધી ભાંજગડમાં એક દિવસ મારો ભેટો સંગીતકાર સંદેશ શાંડિલ્ય સાથે થયો. એ દિવસમાં ઈમ્તિયાઝ અલી ‘સોચા ન થા’ બનાવી રહ્યા હતા અને શાંડિલ્યએ મારી ઈમ્તિયાઝ સાથે મુલાકાત કરાવી. આમ હું ઈમ્તિયાઝ અલી સાથે પરિચયમાં આવ્યો અને પછી જે થયું એ વિશે બધા જાણે જ છે...

ઈમ્તિયાઝ અલી સાથે તમારી કેમિસ્ટ્રી કેવી છે? શું રહસ્ય છે આ ડેડલી કોમ્બિનેશનનું?

મેં કહ્યું એમ ‘સોચા ન થા’થી અમારી ફ્રેન્ડશિપ થઈ. એ માણસ ગજબની સૂઝબૂઝ ધરાવે છે અને એમણે મારામાં અપાર વિશ્વાસ દાખવ્યો છે. સ્વાભાવિક છે કે, હું પણ એમના પર એટલો જ ભરોસો રાખવાનો. પછી તો અમે 'આહિસ્તા આહિસ્તા', 'જબ વી મેટ', 'લવ આજ કલ', 'રોકસ્ટાર', 'કોકટેઈલ', 'હાઈવે' અને 'તમાશા' સુધી હંમેશાં સાથે રહ્યા. તેઓ જ્યારે પણ કોઈ ફિલ્મ તૈયાર કરવાના હોય ત્યારે તેઓ મારા વિના અન્ય કોઈ ગીતકાર વિચારી ન શકે એ હકીકત છે!

તમેં જ લખેલા તમારા કેટલાક પર્સનલ ફેવરિટ ગીતો વિશે થોડું શેર કરો...

મને 'સોચા ન થા'નું ‘એક પેડ હમને પ્યાર કા મિલ કે લગાયા થા કભી, આતે જો ફલ તો ઠીક થા, જો ના ફલે તો ના સહી...’ બહુ જ ગમે છે. એ બ્રેકઅપ પછીનું ગીત છે. ‘ચમેલી’નું 'ભીગી હુઈ સી કોઈ શામ હો' ગીત મારું ઓલ ટાઈમ ફેવરિટ છે, 'લવ આજ કલ'નું આજ 'દિન ચઢેયા, તેરે રંગ વરગા' જે અમિર ખુશરોથી વાયા શિવ કુમાર બટાલવી થઈને મેં લખેલું એ પણ મને પ્રિય છે. અને 'રોકસ્ટાર'ના તો તમામ ગીતો જાણે મારો જ સાક્ષાત્કાર છે!

રોકસ્ટાર વિશે માંડીને કહો...

જુઓ 'રોકસ્ટાર' એ તો મારું કથાર્સિસ હતું. એ ફિલ્મના ગીતો લખતી વખતે જાણે મારી અંદર ધરબાયેલી બધી જ લાગણીઓ એક પછી એક નિચોવાઈને બહાર નીકળી રહી હતી. જનાર્દન જાખડ એટલે કે જોર્ડન એ જાણે હું જ હતો! પોતે અંદર અંદર ઘૂંટાયે રાખે અને પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત ન કરી શકે. 'ફિર સે ઉડ ચલા' અને 'જો ભી મેં કહેના ચાહું…. બરબાદ કરે અલ્ફાઝ મેરે!' જેવા ગીતો એ મારી જ જિંદગીનો જાણે એક આયનો છે.

જોકે રહેમાન સા’બનો પણ આમાં અદભુત ફાળો છે. કારણ કે, એમણે મારા બધા શબ્દોને સંગીતથી મઢીને એને અમરત્વ બક્ષ્યું છે! 'રોકસ્ટાર'નાં ગીતો હું મોડી રાત્રે અને વહેલી સવારે લખતો. હું ત્રીસ મિનિટ સુધી ચાલે એટલા લાંબા ગીતો લખતો. પણ પછીથી રહેમાન, હું અને ઈમ્તિયાઝ અલી સાથે બેસી એને એડિટ કરીને નાનાં બનાવતા! 'હવા હવા' જેવા ગીતોમાં રાજા અને રાણીનાં રેફરન્સ એ જાણે આ જિંદગીના જ બંધનોનાં મેટાફોર હતા.

'શહેર મેં હું મેં તેરે...' ગીત પણ મારી અંદરનું ફ્રસ્ટ્રેશન બહાર કાઢે છે. જોકે એ ગીતમાં શબ્દો કન્ટેમ્પરરી હતા. 'ફિર સે ઉડ ચલા, ઉડ કે છોડા હૈ જહાં નીચે મેં તુમ્હારે અબ હું હવાલે!' તો જાણે સેલ્ફ જર્નીનું પ્રતિબિંબ છે. જાણે આત્માની ખોજ!

આ ઉપરાંત ઈર્શાદ સા’બ ભારતીય સંગીત, હિન્દી કવિતા-સાહિત્યની, એમની વાંચવાની આદત વિશે, આજના રેપર સોન્ગ્સ વિશે તેમજ કમર્શિયલ અને પોએટિકલ લિરિક્સ વિશે માંડીને વાત કરે છે. પણ આ બધું કંઈ એક જ દિવસમાં થોડું પૂરું કરવાનું હોય છે? આવી બધી વાતો તો માણવાની હોય, મમળાવવાની હોય અને ફરી માણવાની હોય. એટલે જ ઈર્શાદ કામિલની આ મુલાકાત આવતી કાલ પર મુલ્તવી રાખી છે. તો આવતી કાલે મળીએ. આવજો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.