મહેબૂબા ભાજપની મુશ્કેલી વધારશે

09 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

ગુરુવારે મુફ્તી મહોમ્મદ સઈદનું દિલ્હીમાં અવસાન થયું અને આ સાથે જ વાદીના રાજકારણમાં ભરશિયાળે ગરમાટો આવી ગયો. કારણ કે, એમની ખાલી પડેલી મુખ્યમંત્રીની જગ્યાએ તાત્કાલિક કોઈને મુખ્યમંત્રી બનાવવું પડે એ જરૂરી હતું. જે નામ મુફ્તીના અવસાન પહેલાથી ચર્ચાઈ રહ્યું હતું એ મહેબૂબા મુફ્તી સ્વાભાવિક રીતે જ PDP એટલે કે ‘પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી’નું સર્વેસર્વા કહેવાય અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે એમને તખ્તનશીન કરવામાં PDPના વિધાયક મંડળને કોઈ જ વાંધો નહીં હોય. પરંતુ ગરમાટો એ વાતે છે કે, વાદીમાં PDPએ ભાજપ સાથે સરકાર બનાવી છે અને મહેબૂબા મુફ્તીનો ભૂતકાળ અને ભાજપની વિચારધારા તેમજ કાશ્મીર તેમજ અલગતાવાદી નેતાઓ વિશેના ભાજપના નેતાઓના બયાનો વચ્ચે મસમોટો વિરોધાભાસ છે.

મુફ્તી મહોમ્મદ સઈદ વિશે કહેવાતું કે તેઓ કાશ્મીરની આવામ અને અલગતાવાદી કાશ્મીરીઓને હંમેશાં સાથે લઈને ચાલવામાં માનતા. આ કારણે જ તેઓ ક્યારેક નરમ વણલ અપનાવીને અલગતાવાદી નેતાઓને જાહેરમાં પોંખી પણ લેતા, જેથી તેઓ ભારતની મુખ્યધારામાં શામેલ થઈ શકે. આવા વલણને કારણે બડે મુફ્તી અનેક વખત વગોવાયા પણ છે, તેમજ કેટલાક લોકો એમને તકવાદી તરીકે પણ ઓળખાવતા રહ્યા છે. જોકે ઓવરઓલ એમની છાપ સૌમ્ય પ્રકૃતિના નેતા તરીકેની હતી. પોતાની આ પ્રકૃતિને કારણે જ ભાજપ સાથે તેઓ ગમે એમ કરીને તાલમેલ મિલાવવામાં પણ સફળ રહ્યા હતા અને એમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન ભાજપ સાથે કોઈ મુદ્દે મોટા મતભેદ થયાંના પુરાવા નથી મળ્યાં.

પરંતુ મહેબૂબાની વિચારધારા પિતા કરતા ઘણી અલગ છે. તેઓ સ્વભાવે ઉગ્ર છે અને વિવાદો વખતે મમતા દીદીની જેમ તડનું ફડ કરી નાંખનારા છે. સામે ભાજપ પણ તીખા પ્રતિભાવ માટે જાણીતું છે. આ કારણે જ કાશ્મીરમાં મહેબૂબા અને ભાજપ ભવિષ્યમાં બાખડી પડવાના એંધાણ છે. ભાવિ ગજાગ્રહ માટેનો મુખ્ય મુદ્દો એ જ હશે કે, મહેબૂબાનો અલગતાવાદીઓ તરફ ઝોક વધુ છે. ભારત સરકારના વિવિધ નિર્ણયો વિશે પણ તેઓ બેફામ બોલતા જ રહ્યા છે. અને આ જ મહેબૂબાએ અનેક વાર જમ્મુ-કાશ્મીરને ભારતની કોલોની તરીકે ઓળખાવ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય મંચ પર અનેક વખત ભારતને નીચાજોણું થયું છે.

મહેબૂબા છાશવારે અલગતાવાદી નેતાઓની પડખે ઊભા રહ્યા છે અને વખત આવ્યે એમણે અલગતાવાદીઓના સમર્થનમાં ઉશ્કેરણીજક ભાષણો પણ કર્યા છે. આ ઉપરાંત પાકિસ્તાન તરફી અલગતાવાદી નેતા સૈયદ અલી ગિલાનીને ભારતીય પાસપોર્ટ અપાવવા માટેની મહેબૂબાની વકીલાત પણ જગજાહેર છે.

રાજકારણના વાતાવરણમાં જન્મ થયો હોવા છતાં મહેબૂબા લાંબા સમયથી રાજકારણથી દૂર રહ્યા હતા અને પાછળથી પિતાના કહેવાથી વર્ષ 1990માં એમણે જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં સક્રિયતા દાખવી હતી. પછી તો વર્ષ 1996માં કોંગ્રેસમાં પણ જોડાયા અને ત્યાર પછી પિતા સાથે મળીને 1999માં એમણે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરેલી.

PDPની સ્થાપના બાદ પક્ષમાં અને રાજ્યમાં સતત મહેબૂબાનો દબદબો રહ્યો છે, ખૂદ મુફ્તી મહોમ્મદ સઈદ પણ પક્ષની સ્થાપનાની શરૂઆતથી એવું ઈચ્છતા હતા કે, મહેબૂબા પક્ષના પ્રમુખ બને અને તેઓ પોતે ઉપપ્રમુખની જવાબદારીઓ નિભાવે. જોકે મહેબૂબાએ પિતાની આ સલાહ નહીં માની અને પદ પર નહીં રહીને તેઓ પક્ષમાં મહત્ત્વના નિર્ણયો લેતા રહ્યા. પોતાના ગરમમિજાજી સ્વભાવને કારણે શરૂઆતના સમયથી જ જમ્મુ-કાશ્મીરના આ મહિલા રાજકારણીએ સુષ્મા સ્વરાજ, મમતા બેનરજી, જયલલિતા કે માયાવતિ જેવા દેશના ચર્ચાસ્પદ મહિલા રાજકારણીઓની પગંતમાં સ્થાન મેળવ્યું હતું.

મહેબૂબાના આકરા વલણોને કારણે જ સરકાર બન્યાં પહેલા ભાજપ અનેક વખત મહેબૂબા અને PDPને આડે હાથે લેતું રહ્યું છે. આજ ભાજપ PDPને અલગતાવાદીઓના ચહેરા તરીકે ઓળખાવતું રહ્યું અને ખૂદ મોદી પણ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી વખતે બાપ-બેટીના પક્ષ વિશે બેફામ બોલતા રહ્યા છે. પણ આને તો એક અબજ ભારત ભાગ્ય વિધાતાના નસીબની બલિહારી જ કહેવાય કે, દોઢ દાયકા સુધી એકબીજાને કટ્ટર વિરોધી કહેતા આવેલા PDP અને ભાજપે ગઠબંધનની સરકાર રચી, જે સરકારની અનેક વણઉકેલી ગાંઠો હવે મહેબૂબાના મુખ્યમંત્રી બન્યાં પછી વધુ ગૂંચવાઈ શકે છે.

જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીઓ વખતે તો ઠીક પરંતુ લોકસભાની છેલ્લી ચૂંટણી દરમિયાન પણ કાશ્મીરના અલગતાવાદીઓ અને પાકિસ્તાન તરફીઓને લઈને તેમજ 370ની કલમને લઈને ભાજપના નેતાઓ કહેતા કે, કેન્દ્રમાં અમને સત્તા મળશે તો અમે આ પ્રકારે પગલા લઈશું અને તે પ્રકારની કાર્યવાહી કરીશું. જોકે બે વર્ષમાં કાશ્મીર અને કાશ્મીરના લોકોના પ્રશ્નોને લઈને ભાજપ દ્વારા એવા કોઈ પરિવર્તનશીલ પગલાં દેખાયા નથી. અધૂરામાં પૂરું એ જ ભાજપે રાજ્યમાં PDPને ટેકો આપ્યો.

વધુમાં બિફ બેન તેમજ જમ્મુ-કાશ્મીરમાં બે ઝંડા એકસાથે નહીં ફરકાવવાના કોર્ટના આદેશને કારણે પરિસ્થિતિ હજુ ગૂંચવાઈ શકે છે. કાશ્મીરના નેતાઓની એ ખાસિયત રહી છે કે, તેમણે કાશ્મીરને અને ભારતને ક્યારેય એક નથી ગણ્યાં અને પ્રાથમિકતાની બાબતે તેમણે હંમેશાં કાશ્મીર અને 370ની કલમને જ પ્રાથમિકતા આપી છે. એટલે કાલ ઉઠીને કેન્દ્ર 370 મુદ્દે કંઈ વિચારણા પણ કરે તો એની સીધી અસર રાજ્યના ગઠબંધનને પડશે.

વધુમાં મહેબૂબા જો અલગતાવાદીઓ અને પાકિસ્તાન તરફીઓના હિતમાં કોઈક પગલા લેશે અથવા એમને સોડમાં સંતાડીને ચાલવાની વાત કરશે તો ભાજપને માથે સ્વાભાવિક જ માછલાં ધોવાશે. જો ભાજપ મહેબૂબાના કોઈ નિર્ણયનો વાંધો ઉઠાવશે તો સરકાર ચાલવામાં ખતરો ઊભો થશે અને જો ભાજપે આંખ આડા કાન જ કરવા હોય તો ભાજપે કઠપૂતળીની જેમ મહેબૂબા જેમ કહે એમ કરતા રહેવું પડશે.

કેન્દ્રમાં અને રાજ્યમાં જ્યારે ગઠબંધનની સરકારો બને છે ત્યારે જુદી જુદી વિચારધારા ધરાવતા પક્ષો વચ્ચે નાનીમોટી વાતે તડાતડી થતી જ રહેતી હોય છે. એવામાં કેટલીક વખત ટેકો પાછો ખેંચી લઈને પક્ષો હાઈવોલ્ટેજ ડ્રામા પણ કરતા હોય છે. બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યાં બાદ ભાજપ સહિત અનેક લોકો એ સરકારમાં કંઈક ચડભડ થાય એની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તો કાશ્મીરમાં પણ ભાજપ-PDP ભાઈભાઈ બન્યાં પછી એવી જ રાહ જોવાતી હતી. જોકે હવે પિક્ચરમાં બહેનની એન્ટ્રી થયાં બાદ ડખો થવાની સંભાવનાઓ વધી ગઈ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.