ડેડ જોડેના સંસ્મરણો
(ફરઝાના સિવાણી)
જો કોઈ મને પૂછે કે 'દુનિયામાં સૌથી વધુ તું કોને પ્રેમ કરે છે?' તો હું એક સેકન્ડના વિલંબ વગર કહી દઉં 'મારા ડેડને...' આખી કાયનાતમાં જો કોઈ સૌથી વધુ વહાલું છે તો એ છે મારા પપ્પા, મારા ડેડ... અને પપ્પા જોડેના સંસ્મરણો એ માત્ર સંસ્મરણો હોય જ ના શકે, એક આખેઆખી સફર, આખેઆખી જિંદગી આલેખો ત્યારેય કદાચ પૂરેપૂરાં નહીં આલેખી શકાય પપ્પા જોડેના સંસ્મરણો...
મને યાદ છે કે હું ત્રણ-ચાર વર્ષની હતી ત્યારે પપ્પા રાજદૂત ચલાવતાં અને પોતાની જોડે મને બધે ફેરવતાં રહેતા અને હું રાજદૂત પર પપ્પાની પાછળ બેસતી, પપ્પાને કમરેથી ચસોચસ પકડીને... અને રોજ રાત્રે પપ્પાની પાસે જ સૂવાની ટેવ. પપ્પા માથામાં વહાલથી હાથ ફેરવતાં જાય અને હાલરડું ગાતા જાય અને સૂતાં પહેલાં દરરોજ એક વાર્તા સંભળાવે... ક્યારેક મગર અને વાંદરાની તો ક્યારેક સસલાં અને કાચબાની, ક્યારેક જંગલના સિંહની તો ક્યારેક કોઈ નાની રાજકુમારીની અને ઘણીબધી... એવુંય થાય કે વાર્તા કરતાં કરતાં પપ્પા ઊંઘી ગયા હોય અને હું જાગતી-જાગતી પપ્પા કેમ આગળ વાર્તા નથી કહેતાં એની રાહ જોતી હોઉં. હા...હા...હા...!!!
બહુ નાની હતી ત્યારનું તો યાદ નથી, પણ મમ્મી અને નાની પાસેથી સાંભળ્યું છે કે, જ્યારે મને દાંત આવતા હતા ત્યારે મારો કાન બહુ દુઃખતો. એ સમયે હું બહુ રડતી અને પપ્પા મને રાતોની રાતો પોતાના ખભા પર સૂવડાવીને આંટા મારતા કે જેથી હું સૂઈ શકું. આ લખું છું ત્યારે આંખમાં થોડી ભીનાશ તરવરે છે કે, માતા-પિતા કેટકેટલું કરે છે પોતાના સંતાનો માટે અને એય ક્યારેય કશું જતાવ્યા વગર!
જ્યારે હું સ્કૂલ જવા લાગી ત્યારે મારા હોલી-ડેની રાહ મારા ડેડ જોતાં અને જ્યારે રજા હોય ત્યારે કામેથી વહેલાં આવીને મારી પાસે તેલ નંખાવતાં. હું નાની હતી ત્યારે બહુ જ તોફાની હતી, બહુ ધમાલ કરતી, પડતી-આખડતી પણ મને યાદ નથી ક્યારેય પપ્પાએ એક ટપલી પણ મારી હોય. મને હજુય બહુ નવાઈ લાગે છે, જ્યારે કોઈ એમ કહે કે, ઘરમાં પપ્પા બેઠાં હોય એટલી વાર અમે બધાં શાંતિથી બેઠાં રહીએ, પપ્પા ઘરની બહાર નીકળી કે અમે રાજ્જા...!!! મારા ઘરમાં તો હંમેશાં આનાથી ઊલ્ટું જ થયું છે અને હજુ એ થાય છે, પપ્પા ઘરમાં હોય ત્યાં સુધી કોઈની મજાલ છે કે, અમને રોકે-ટોકે...!! અમુક બાબતોની પરમિશન મમ્મી નહીં જ આપે એ ખ્યાલ હોય જ એટલે એની પરમિશન ડાયરેક્ટ પપ્પા જોડે જ માગવાની. અને આ ટ્રીક અમે ત્રણેય બહેનો અજમાવીએ છીએ.
પપ્પાને ડ્રોઈંગનો બહુ શોખ અને આ વારસો મને ય મળ્યો છે. ખાવાના પણ બહુ જ શોખીન પપ્પા, એમાંય ખાસ કરીને મિઠાઈઓ એમને બહુ ભાવે. આમ તો કાયમ રાત્રે આઠ પહેલાં ઘરે ના આવે ક્યારેય, પણ રવિવારે સાંજે ઘરે હોય એટલે હું રાતની રોટલી બનાવું ત્યારે ગરમા-ગરમ રોટલી પર ઘી-ખાંડ નાખીને આપું ત્યારે બહુ ખુશ થઈને ખાય.
પોતાના માટે તેઓ ક્યારેય કશું જ ના ખરીદે. એમનો મોબાઈલ પણ અમે બહેનો લાવી આપીએ... બધાં પપ્પાઓ શું આવા જ હોતા હશે? પોતાના સંતાનોની ખુશીઓમાં જ ખુશ થઈ જનારા... સતત હેત વરસાવતા...
કૉલેજના દિવસો યાદ કરું તો મને બરાબર યાદ છે કે, આજથી 15-16 વર્ષ પહેલાં પણ દર અઠવાડિયે મારા હાથમાં 500 રૂ. મૂકી દેતાં હતાં, પપ્પાએ મને ક્યારેય પૂછ્યું નથી કે ક્યાં વાપર્યા? પપ્પા આ ડ્રેસ લેવો છે... પપ્પા પેલા શૂઝ લેવાં છે... પપ્પા અહીં જવું છે... પપ્પા આ કોર્સ કરવો છે... મારા મોઢામાંથી શબ્દો પૂરેપૂરાં નીકળે એ પહેલાં જ પોતાનાથી બનતું બધું જ કરવા હંમેશાં તૈયાર હોય પપ્પા!
નિષ્ફળતાઓ અને ખરાબ સમય દરેકની લાઈફમાં આવે. પપ્પાની લાઈફમાં પણ એ આવ્યો છે અને એવાં સમયે પણ મેં એમને સતત લડતાં, સામનો કરતાં જોયાં છે, એય ઈમાનદારીથી! પપ્પાનો બિઝનેસ એવો કે ધારે તો તેઓ ગોલમાલ કરીને કરોડો રૂપિયા બનાવી શક્યા હોત. હું ક્યારેક રીસમાં કહું પણ ખરી કે પપ્પા આટલા પ્રમાણિક થવાની શું જરૂર...? તો હસીને મને કહે, 'દીકરા આપણે ભૂખ્યાં રહ્યાં છીએ ક્યારેય...? કોઈ વાતની કમી પડી છે આપણને ક્યારેય? આ ઘરનું ઘર છે. ઊપરવાળાની મહેરબાની છે! સંતોષથી જીવવાનું, બીજાને આપીને ખુશ રહેવાનું, ઈમાનદારી અને આત્મગૌરવ હેઠે નહીં મૂકવાનાં...’ માત્ર એસ.એસ.સી. પાસ પપ્પા જ્યારે આ વાતો સમજાવે ત્યારે ખ્યાલ આવે કે, અનુભવ બહુ મોટી મૂડી છે.
સમજદાર અને નિખાલસ પપ્પા પણ સંતાનો માટે કેટલા પક્ષપાત કરે એનું આ એક ઉદાહરણ...
હું લગભગ 8-9 વર્ષની હોઈશ. મારા કાકાના લગ્ન હતાં, ત્યારે એક રાત્રે ઘરની બધી સ્ત્રીઓ રાસ લેતી હતી, હું પણ રમવાં લાગી. રાસના સર્કલમાં એકબીજાના ધક્કા વાગે જ... મેં રડતાં રડતાં પપ્પાને કહ્યું કે, મોટી ફોઈ ને કાકી મને ધક્કા મારીને કાઢી મૂકે છે. હા...હા..હા...! પત્યું, પપ્પા તો લિટરલી ઝઘડો કરી બેઠાં કે મારી દીકરીને ધક્કો માર્યો જ કેમ? એ એકલી જ રમશે... એમ કરીને, મારો હાથ ઝાલીને દાદીના ઘરમાંથી નીકળી ગયાં. રિસાઈને ઘરે આવી ગયા... પછી મમ્મીએ સમજાવ્યા ત્યારે એ માની પણ ગયા આમ તો પાછા ! હજુ પણ મારા માટે આવી રીતે ઝઘડવાં કાયમ તૈયાર... એમને લાગે કે મારો કોઈ વાંક હોય શકે જ નહીં! અમારી વચ્ચે આટલો પ્રેમ. મારી બંને નાની બહેનો પપ્પાને કહે કે, ‘દીદીને તમે જ માથે ચડાવી છે....!’
મનમાં કાયમ એક સંતોષ રહ્યાં કરે છે કે, હું મારા પપ્પા જેવી દેખાઉં છું અને અમુક ગુણો પણ મારી અંદર પપ્પાના જ છે. આમ પપ્પા સ્વભાવે શાંત, ઝાઝુ બોલે નહીં, ગુસ્સો નહીં કરે, પણ ખોટું નહીં જોઈ શકે અને ખોટું કરવાનો તો સવાલ જ નથી.
પપ્પાને એક વ્હેમ છે. અને આ વાત મેં પપ્પાનેય કરી છે કે પપ્પા આ તમારો વ્હેમ માત્ર છે. પપ્પાને એમ લાગે છે કે, ‘એમની દીકરીઓને એમના જેટલું પ્રેમથી બીજું કોઈ રાખી જ ના શકે...’
બહાર ભણવા જાવ કે નોકરી માટે બીજા શહેરમાં જાવ, અરે, માત્ર હવાફેર કરવાં થોડા દિવસ એમનાથી દૂર જવાનું હોય ત્યારે એમનો મૂડ ખરાબ થઈ જાય. ક્યાં રહેશો? ખાવાનું કેવું હશે? અજાણ્યાં શહેરમાં અજાણ્યાં લોકો, આ-તે વગેરે...વગેરે...
ત્યારે કહેવું પડે, ‘અરે પપ્પા, તમારી દીકરીઓ બહુ બહાદુર અને જબરી છે. ફિકર નહીં કરો. પહોંચી વળશે... તમે જ તો આગળ વધતાં શીખવાડ્યું છે, પાંખો આપી છે, સાથ આપ્યો છે અને હવે આમ ઢીલાં પડો તે કેમ ચાલે...?’
મારા માટે વધુ પડતી લાગણી અને કેરનું એક કારણ એય ખરું કે પપ્પા મને નખશિખ ઓળખે છે કે, આમ ભલે ગુસ્સેલ છે પણ લાગણીથી છલોછલ છે. નાની-નાની વાતોમાં દુઃખી કે ખુશ થઈ જાય છે અને બીજાનો ભરોસો તરત જ કરી લે છે. પ્રસંગોપાત તેઓ મને કહેતાં એ હોય છે કે, આ બે નાનીઓ તો જબરી છે, પણ ફિકર એક તારી જ છે મને... બસ ખોટાં માણસ પાછળ તારી લાગણીઓ નહીં વેડફતી.
ત્યારે કહેવાનું મન તો થાય છે પણ ક્યારેય કહ્યું નથી કે, ‘પપ્પા, તમારી વાત અને તમારો ડર બંને સાચા પણ તમારી આ ગાંડી દીકરી, લકી છે...!! એને પણ પ્રેમ કરવાવાળા મળે છે. છેતરી જનારા નહીં...!’
હજુ જાન્યુઆરી મહિનાની જ વાત કરું તો હું ઘરમાં જ પડી ગઈ અને ઘૂંટી તૂટી ગઈ. હોસ્પિટલ ગયાં અને સાંજે ઑપરેશન હતું. સવારથી સાંજ સુધી તેઓ મારી પાસે જ આંટાફેરા કરતાં રહ્યાં, તને દુઃખે છે? ડૉક્ટરને કહ્યું પેઈનકિલર ઈન્જેકશન આપો... એમને મારી કેટલી ચિંતા, મેં કહ્યું, ‘પપ્પા, ઘરે આરામ કરી આવો, જમી આવો, ઓપરેશન છેક સાંજે છે. પણ માને એ બીજા, પપ્પા નહીં...’
દુનિયા માત્ર 'મા’ની વાતો, માના વખાણ કરતી રહે છે. પણ પપ્પાનો પ્રેમ, એમની મમતા એ કંઈ ઓછા નથી હોતા. ચૂપચાપ સ્નેહ વરસાવતાં રહેવું એ પપ્પાનું એ કાર્યક્ષેત્ર છે. આજે આ લખી રહી છું, ત્યારે મારી સામે જ બેઠા છે પપ્પા. લખતાં-લખતાં એમની સામે જોઈ લઉં છું ત્યારે પૂછે છે શું લખી રહી છે...? મેં કહ્યું, ‘પપ્પા વિશે લખું છું ફાધર્સ ડે માટે.’ તો બોલ્યા, ‘એમ? શું લખે છે?’ મેં કહ્યું, ‘વંચાવીશ જ્યારે પબ્લિશ થશે...!’
મારી જોડે જે.વી.ના આર્ટિકલ્સ પણ વાંચે અને નરેન્દ્ર મોદી વિશે ચર્ચા પણ કરે. Whatsapp પર કોઈ ફની વીડિયો આવે એ પપ્પાને બતાવું તો પૂછે ય ખરાં કે આ કોણે સેન્ડ કર્યું? પછી જે દોસ્તે સેન્ડ કર્યો હોય એનું ડીપી બતાવું ને નામ કહું, ત્યારે હસીને કહે... તારા ફ્રેન્ડ્સ પણ તારા જેવાં પાગલ...
વરસાદની તેઓ બહુ રાહ જુએ કેમ કે, એમને શાકભાજી ખરીદવા બહુ ગમે. પહેલો વરસાદ પડે કે, તરત ઘર તરફ આવવાં નીકળે ને રસ્તામાંથી શાકભાજી-દૂધ આ-તે બધું સ્ટોકમાં લાવે ને મમ્મીને કહે, ‘વધુ વરસાદ પડે તો તકલીફ પડી જાય. લે, ફ્રિઝમાં મૂકી દે... કેટલું ભોળપણ...’
પપ્પાને સફેદ રંગ બહુ ગમે. અમે પણ કોઈ સફેદ રંગનો ડ્રેસ પહેરીએ ત્યારે બહુ ખુશ થાય. આમ પાછી કોઈ માથાકૂટ, કોઈ ફરિયાદ ક્યારેય ના કરે. સંતોષી બહુ...
કહ્યું ને, ગમે તેટલું લખીશ પણ પૂરેપૂરું તો ક્યારેય નહીં લખી શકાય પપ્પા વિશે...
ઘરમાં એક સંતોષી ચહેરો એ પપ્પા...
આપણે ઘરની બહાર હોઈએ ત્યારે પથારીમાં પડ્યા પડ્યા રાહ જુએ એ પપ્પા...
આપણી બીમારીમાં અસમંજસ અનુભવે એ પપ્પા...
આપણે નવી રાહ કંડારીએ ત્યારે આપણને ઝીલી લેવાં સતત તૈયાર હોય એ પપ્પા...
આપણી ખુશીઓને વધાવવા આતુર હોય એ પપ્પા...
આપણા દુઃખમાં ભાગીદાર હોય એ પપ્પા...
ઝાઝું બોલે કે જતાવે નહીં, પણ સતત હાજર હોય એ પપ્પા...
પપ્પા... તમને ખૂબ ખુશીઓ આપવી છે. તમે અણમોલ છો, તમે છો તો જ હું છું... તમે મારી પાસે જ રહેજો. I Love you so much Pappa...!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર