મમ્મી, તને ખબર છે...
વહાલી મમ્મી,
તને ખબર છે, હું જ્યારે ત્રીજા ધોરણમાં હતો ત્યારે મારા એક ફ્રેન્ડે પૂછ્યું ‘તારી મમ્મીનું નામ શું?’ હું ઘડીક વિચારમાં પડી ગયો ને પછી કહ્યું ‘કલ્પના’. પણ એ દિવસે મેં તારા નામનો મતલબ શું થતો હશે એ વિશે ખૂબ વિચાર્યું. આજે જ્યારે કોલેજમાં બધા મારી કવિતાઓ અને વાર્તાઓ સાંભળી એમ કહે છે ને કે ‘તારી કલ્પનાઓ ગજબની છે!’ ત્યારે હું એમને કંઈ જવાબ આપતો નથી, બસ મલકાઈને મનમાં બોલું છું ‘કલ્પનાનો જ દીકરો છુંને એટલે...’
દર વર્ષે મધર્સ ડે આવે છે, ઉજવાય છે ને તું તો મને રોજ ઉજવે છે મા. એવી કઈ પળ હશે જ્યારે તે મારા વિશે નહીં વિચાર્યું હોય? એક પણ નહીં હોય. હું ભગવાનના અસ્તિત્વ પર તારી સામે પ્રશ્નો કરું છું, પરંતુ આજ સુધી તારી મારા માટેની લાગણીઓ ના અસ્તિત્વ પર કોઈને પ્રશ્ન નથી કર્યો. મને તારામા વધુ શ્રદ્ધા છે મા!
હું નાનો હતો ત્યારે ક્રિકેટ રમવા જતો ને દર પાંચ મિનીટે ઘર આગળ આવી તને બૂમ મારતો, તું બહાર આવી પૂછતી ‘શું થયું?’ ને હું ‘કંઈ નહીં!’ એટલું કહી ભાગી જતો. હું નાનો હતો ત્યારે રોજ સ્કૂલમાં પેન્સિલ, રબર, દેસીહિસાબ ને ઘણી વાર તો ચપ્પલ પણ ખોઈને આવતો .
હું નાનો હતો ત્યારે તું મને દિવસમાં ચાર વખત કપડા બદલાવતી, વાળમાં તેલ નાખી બાબલો બનાવતી.
હું નાનો હતો ત્યારે કોઈના લગ્નમાં કોઈ છોકરીની વિદાઈ થાય એ જોઈને ઘરે આવી તને માથે ઘૂંઘટ ઓઢાડી તને ગળે વળગી રડતો. હું નાનો હતો ત્યારે ખૂબ મસ્ત લાગતો, હું નાનો હતો ત્યારે આવો હતો... હું નાનો હતો ત્યારે તેવો હતો... આવી વાતો આપણે લગભગ રોજ કરીએ છીએ. હું તને બસ જોયા કરું છું, તું મારી વાતો કરતી વખતે કોઈ જુદી જ દુનિયામાં પહોંચી જાય છે.તારી આંખો પાણીથી ભરેલી છે, મને એ હંમેશાં ભીની ભીની જ લાગી છે.
એકલામાં હું અરીસા સામે ઊભો રહી ખૂદને જોયા કરું છું. ક્યાંક તારા પડછાયા દેખાય છે ને તું કહે છે મારી આંખો તારા જેવી છે. જ્યારે તું હસે છે ને ત્યારે ખૂબ જ સુંદર લાગે છે અને તારા લગ્નની કેસેટ મારું મનગમતું પિક્ચર છે. હું રોજ તારામાં એક ઉત્સાહ સળગતો જોઉં છું, તું દરેક નાની વાતોને ખૂબ સારી રીતે મેહસૂસ કરે છે ક્યારેક તને જોઈને લાગે છે જાણે તું અંદરથી ઉછળતી કૂદતી હૂંફાળી છે, બસ અમને બધાને સાચવવામાં ઠંડી પડી ગઈ છે. પણ મમ્મી તું ખરેખર અજાયબી છે. તને અંગ્રેજી બોલતા નથી આવડતી પણ તું મને ‘babes’ કહી બોલાવે છે. મારા રોજ નવા નામ પાડે છે, રોજ સવારે ઝગડો કરે છે ને સાંજે કોલેજથી હું ક્યારે આવીશ એની રાહ જુએ છે. તું મને મેહનત કરવાની શિખામણ આપે છે ને જ્યારે રાતભર જાગી જ્યારે હું વાંચું કે લખું છું ત્યારે તું જબરજસ્તી સૂવાડી દે છે એમ કહી ને કે ‘તું થાકી જશે, આટલું બધું ના વંચાય!’
હું કંઈ છૂપાવી નથી શકતો તારી આગળ. તું બધું પકડી પાડે છે. આપણે આ વાત પર પણ ખૂબ ઝગડીએ છીએ. તું મને મારી રડી પડે છે, હું તારી સામે બોલીને રડી પડું છું. તું મને ઘરમાંથી નીકળી જા કહી દરવાજા આગળ ઊભી રહી જાય છે. હું નીકળી જઈશ કહી તારી પાસે બેસી જાઉં છું. આપણે બંને ખૂબ ગુસ્સો કરીએ છે, બંને જિદ્દી છીએ, બંને એકબીજાને વહાલા છીએ.
દરેક માતા પોતાના બાળકને પોતાનો અંશ આપે છે. તે મને તારી લાગણીઓ આપી છે. ઘરમાં કબૂતર આવી ફર્યા કરે એ સારી વાત નથી એવું બધા કહે છે ને તું કહે છે, ‘આટલી ગરમીમાં બિચારા ક્યાં જાય? ઘરમાં સારું-ખરાબ થાય એ આપણા પર આધાર રાખે છે કબૂતર પર નહીં.’ એક વખત ઘરમાં પંખો ચાલું કરતા અજાણતામાં એક ચકલીની પાંખ પંખામાં આવી જાય છે , ચકલી તરફડે છે ને તું એને ગીતાનો અધ્યાય સંભળાવે છે. ચકલી મુક્ત થઇ જાય છે ને હું તને બસ જોયા કરું છું તારી પ્રકૃતિને ને એ બધુ સમજ્યા કરું છું.
તે મને હજાર ખરાબ વસ્તુમાં ક્યાંક કશું સારું હોય એવી સોચ આપી છે. તું કહે છે, ‘જીવનમાં ત્રણ વાત યાદ રાખ. ચાલશે, ફાવશે, દોડશે એમ વિચારી દરેક પરિસ્થિતિ સામે લડી લેવાનું.’ તે મને માણસ બનતા શીખવ્યું છે.
મારી દરેક હરકતમાં તારા અંશો વર્તાય છે મને. આવતા જેટલા જનમમાં મારા કોઈ પણ કણને શ્વાસ મળે તો એમાં તારો અંશ હોય મમ્મી હું એટલું જ ઈચ્છું છું. હું તારા જેવો થવા માગું છું . હું આજે પણ દર પાંચ મિનીટે તારું નામ બોલું છું ને તું પણ હર પળ મને વહાલ કરે છે. મમ્મી હું ખૂબ મેહનત કરું છું ને કરતો રહીશ. બસ તું એમ જ મને સાચવ્યા કરજે હો ને!
આ બધું મેં તને ક્યારેય કહ્યું નથી. બીજું ઘણું છે કહેવા જેવું, પરંતુ બધું કહેવું જરૂરી તો નથી.
મા અનોખી કેમ હોય છે? તારી ભીની આંખોમાં જવાબ છે, પણ હું એ દુનિયાને નહીં કહું, કેમ કે એ ભીની આંખોવાળી કલ્પના મારી મમ્મી છે ને એ જવાબ પણ .
આ તારા માટે મમ્મી : -
‘હું તો બસ તને શબ્દોથી સજાવી શકું ' મા '
ભગવાને તો ખૂદ તને સ્વર્ગ બનાવી રાખી છે.
તારો પડછાયો,
મંથન
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર