માઆઆઆઆ.... ઓ માઆઆઆ...
મારી વહાલી મા…
જો આજ તારી દીકરી તને કાગળ લખવા જેટલી ડાહી થઈ ગઈ. તારી લાડકી, તોફાની અને નકામી રાજુલી. હા હા હા... મને ખબર છે તું મલકાય છે વાંચીને અને તને જોઇને હું પણ મલકુ છું.
મારી માવડી. આજે તને કાંઈક લખવા બેઠી છું પણ તને હું કહુ શું? તને ખબર છે મારી પાસે આખો દરિયો છે તને કહેવા માટે પણ આ ઇમોશનલ દિલ! પોતે એક લાંબા વિચારે ચડી જાય છે અને હાથને બહેર મરાવી દે છે. તો પણ ચલ, કંઈક તો લખું…
તને યાદ છે હું નાની હતી ત્યારે તારા વાળ પકડીને ઉંઘી જતી હતી તારી બાજુમાં? પપ્પાને પણ સૂવા નતી દે’તી. આખા ડબલ બેડની જગ્યામાં પોણી જગ્યા મારી રહેતી હતી. અને કેવી મસ્ત સૂઈ જતી હતી. કાંઈ ઉપાધિ વગર. તને ખબર છે હું આજે પણ જ્યારે નીંદર ના આવે ત્યારે વાળ પકડીને સૂઈ જતી હોઊં છું પણ, મારા પોતાના.
તું જ્યારે મારા નાનપણના પરાક્રમોની સ્ટોરી કરે ત્યારે મને બહુ જ મજા આવે સાંભળવાની. મેં તને કેટલી હેરાન કરેલી બોલ…! અને હા, મને બધા તારી પૂંછડી કે’તા કેમકે હું આખો વખત તારી પાછળ પાછળ જ ફરતી. તું બાથરૂમ પણ જાય ને તો પણ હું દરવાજા પાસે ઊભી રહેતી હતી. તારું મને ખવડાવવા મારી પાછળ ભાગવુ, મારા કજિયાને સહન કરવા, મને તૈયાર કરવી, સ્કૂલ બસ સુધી લેવા મૂકવા રોજ મને લઈને દોડવુ, ભણાવવુ, ખીજાવું, શિખામણો આપવી, મને બચાવવી, અને હા મને એ પણ ખબર છે કે મને માથું દુ:ખતુ હોય અને હું સૂતી હોવ ત્યારે તું આસ્તેથી આવીને માથે હાથ ફેરવીને નવકાર ગણી જાતી.
હજું આજની તારીખે પણ… કેટલુ બધુ હેં ને…! મારું આખુ બચપણ તારાથી શરૂ થઈને તારી પર જ ખત્મ થઈ જતું હતું જાણે. જાણે તું મારી એકની જ મા હો એમ હું વર્તતી અને મારી બિચારી મોટી બહેન મને મમ્મીની પૂંછડી કહીને ચીડવી ચીડવીને જ સંતોષ માની લેતી.
હજુ તું મને એકેય કામ કરવા નથી દે’તી. નવું ચપ્પુ હોય તો ધાર લાગી જાશે એમ કહીને હાથ પણ ના લગાડવા દે. વઘાર કરવા ટાણે મને ‘છાટાં ઉડશે, આઘી રે’ એમ કહીને દૂર ધકેલી દે. મને સારું ન હોય ત્યારે મારા હાથ-પગ-માથું બધુ આસ્તેથી આવીને દબાવી જશે ને પોતાનો પગ મને પોતે નીંદરમા હશે તો’ય નહીં અડવા દે. જરાક કાંઈક લાગી જશે તો પણ એવું ધ્યાન રાખશે જાણે કેટલુયે વાગી ગયું. બાય ધ વે, આ વાગવાવાળી વાતનાં મેં ઘણા ફાયદા ઉઠાવ્યાં છે. સોરી હોં.. તું કેટલી બધી ભોળી છો મારી માતે.
પણ મા, તું ના હો ને ત્યારે એમ લાગે કે ઘરમાં જાણે કોઇ છે જ નહીં. ઘરમાં આવીને પહેલો સવાલ ‘મમ્મી ક્યા?’ એ જ નીકળે છે. પછી ભલે ને તારું કંઇ કામ ન હોય. અને તને દિવસમાં વીસ-પચ્ચીસ વાર ભેટું નહીં અને પાંચ –દશ વાર પરાણે પપ્પી ના કરું તો મજા નથી આવતી.
પણ મા, આજકાલ મને એવું લાગે છે કે જાણે હું તારી મા છું અને તું મારી દીકરી છો. તને વહાલ કરું છું અને ગાલ જોરથી જોરથી ખેંચુ ત્યારે તું મોઢા બગાડે ત્યારે એવું જ લાગે કે તું સાવ નાની બેબી છો. તું ક્યારેય તારું ધ્યાન નથી રાખતી એ વાત તો જગજાહેર છે જ. પણ તું મને પણ ક્યારેક તારું ધ્યાન રાખવા નથી દેતી. એ મારા પર હળાહળ અન્યાય છે હોં મા.! તું આવુ કરે ત્યારે મને જરાય ગમતું નથી. હું તારા પગ દબાવું તારે ચૂપચાપ દબાવા દેવાના. તને ખુરશી આપું તો ચૂપચાપ બેસી જવાનું અને મને કામ કરવા દેવાનું. દવા લગાડવાનુ કવ તો લગાડવાની. તને ખબર છે તું કેટલી જિદ્દી છો? બિલકુલ મારા પર ગઈ છો!
તને ખબર છે તું મારા વિશ્વની ધરી છો. હું તારા પર જ નભેલી છું. હું કદાચ 60 વરસની ડોશી પણ બની જઈશને તો પણ મને તારા વિના ચાલવાનું નથી. અરે મને શું આ ઘરમાં કોઇને પણ તારા વગર કોઇ દિવસ ચાલવાનું નથી. મમ્મી તને ખબર છે તું ખાલી મારી કે મારી બહેનની જ મા નથી. તું આપણા આખા ઘરની મા છો. પપ્પાને જમાડવામા પપ્પાની મા બની જતી હો છો. બીમાર દાદીની સાર સંભાળ લેવામાં દાદીની મા બની જા છો. દાદાના ગુસ્સાને સંભાળવામાં દાદાની મા બની જા છો. અરે તું આપણા ઘેર કામ કરતા પેલા છોકરાઓની પણ મા બનીને એમને સાચવે છો. તું સાચે જ જગજનની છો.
એક વાત કહું મા, તે જે મને સંસ્કાર આપ્યા છે, મને જીવતા શીખવ્યું છે એના બળે આજ હું ઊભી છું. કોઇ મારા વખાણ કરે કે તરત જ મને તારી યાદ આવે ને મારી છાતી ગજગજ ફૂલી જાય. મે ભલે તને ક્યારેય કશું જ કહ્યું ના હોય પણ મા આજે મારામાં જે કાંઇ પણ સારાપણું છે એ બધી જ તારી દેન છે. મને કોઇ ખોટે માર્ગે જતા અટકાવતું હોય તો એ તારો ચહેરો છો, તારા સંસ્કાર છે.
હવે મને ખબર છે કે તને રડવું આવી રહ્યું છે. જાણે દુનિયા આખીના આંસુ તારી આંખમાં જ ભગ્ગુએ ભર્યા છે. કેવી નાની વાતોમાં તું ફટ દઈને રોઈ પડે. મૂવીઝમાં જરાક ઇમોશનલ સીન આવ્યો નથી કે તારી આંખ વહેવાની શરૂ થઈ નથી.. ચલ ચલ હવે રો નઈ. તને ખબર છે તું રો’તી હો ત્યારે ખબર જ ના પડે કે તું રો’વે છે કે હસે છે..! હસતી હો ત્યારે બી એવું લાગે કે રડવા લાગી બોલ…! હા…હા…હા… મારી પાગલ માવડી...!
પણ હવે હસ. ખડખડાટ હસ. તું તારી જિંદગી જીવ. મને ખબર છે તે તારી જિંદગી ક્યાંક સાચવીને ખૂણે મૂકી દીધી છે અને અમારી જિંદગીને તે તારી જિંદગી બનાવી દિધી છે. પણ મા, તું હવે તારા માટે જીવ. હું તને પૂછું કે તારું કયું સપનું હજુ અધુરુ છે તો તું શું કહે મને? બસ એ સપનું તું જીવ. તારા શોખ પૂરા કર. તને બુક વાંચવાનો કેટલો શોખ છે પણ આજ-કાલ કેટલી બુક તું વાંચે છે? હા, મને ખબર છે તને ટાઇમ નથી મળતો ને એની પાછળ કંઇક અંશે અમે પણ જવાબદાર છીએ પણ તું હકથી એકવાર કઈ દે કે આજ હું આ કરવાની છું. અને પછી જો.. એક વાર તારા સંતાનોને તું આજમાવી તો જો..
બસ હવે પાછી ઇમોશનલ નંઈ થઈ જતી. આ તો મેં જરાક તારી મમ્મી બનવાની ટ્રાઈ કરી જો. બહું અઘરું છે હોં...! મા, તને જોરથી સલામ...
બસ આટલું લાંબુ લખ્યું પણ મને ડર છે કે તું વચ્ચેથી જ ઝોલા ખાવા મંડીશ. રોજની આદત છે ને તારી. વાંચતા વાંચતા સૂઈ જવાનું. હવે આગળ નહીં લખુ બસ. બાકીનું પપ્પી અને ઝપ્પીમાં પૂરુ કરી દઈશ. હા… હા… હા…
અને હા, મમ્મી એક વાત તો રહી જ ગઈ. મારા દરેક જન્મમાં તારે જ મારી મા બનીને આવવાનું છે. યે મેરા હુકમ હૈ સમજે કે નંઈ હાંય..? જો તું હો તો મને બધુ જ કબૂલ અને જો તું નહીં તો મને કશું જ ના ખપે.
લવ યુ સો સો સો સો મચ મા....
તારી લાડલી,
રાજુલા
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર