મોરારજી દેસાઈ અને અખબારી સ્વાતંત્ર્ય
મોરારજી દેસાઈનો જન્મ દિવસ 29મી ફેબ્રુઆરીએ આવે છે અને કઠણાઈ એ છે કે, 29મી ફેબ્રુઆરી દર ચાર વર્ષે આવે છે. જોકે જન્મની તારીખ ભલે દર ચાર વર્ષે આવતી હોય, પરંતુ ગુજરાતની વિધાનસભા અને આપણી લોકસભામાં દર વર્ષે મોરારજી દેસાઈને યાદ કરવામાં આવે છે અને પહેલી માર્ચે એમને પુષ્પો અર્પીને એમનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે લીપ યર છે એટલે કેલેન્ડરના પાનાં પર 29મી ફેબ્રુઆરી શાનથી ઝૂલી રહી છે, તો આપણે પણ એ તકનો લાભ લઈએ અને હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપનારા અને આઝાદી પછી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી, દેશના નાણાંપ્રધાન અને વડાપ્રધાન તરીકેની નોંધપાત્ર ફરજ બજાવી ચૂકેલા આ ગરવા ગુજરાતીને યાદ કરીએ અને એમને શબ્દાંજલિ આપીએ.
એમના જન્મ અને બાળપણ વિશેની વાતો ગુગલ પર આસાનીથી પ્રાપ્ય છે એટલે એ કથા અહીં આલેખવી નથી. અહીં આપણે એમના સિદ્ધાંતો, એમની કર્તવ્ય પરાયણતા અને એમની સત્યનિષ્ઠાની જ પ્રશસ્તિ ગાથા માંડીએ. મોરારજી દેસાઈ વિશેના કેટલા લેખ થશે એ બાબતે હું હજુ સ્પષ્ટ નથી, પરંતુ વાચકોના પ્રતિભાવ સાંપડશે તો શ્રેણીને જરૂર લંબાવીશું એ બાબતે હું સ્પષ્ટ છું.
JNUના તાજેતરના વિવાદ બાદ વ્યક્તિના કે અખબાર અથવા અન્ય સમાચાર માધ્યમોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. રોજ રાત્રે ટીવી પર અનેક રવિશ કુમારો આ બાબતે પ્રાઈમ ટાઈમ ડિબેટ કરી રહ્યા છે તો અનેક ચેતન ભગતો અખબારના એડિટોરિયલ પેજ પર અભિવ્યક્તિની સ્વતંત્રતા બાબતે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી રહ્યા છે. ફ્રીડમ ઑફ એક્સપ્રેશનને નામે ઘણી વખત કેટલાક લોકો, નેતાઓ કે પત્રકારો-લેખકો બંધારણની જોગવાઈઓની ઐસી કી તૈસી કરીને ગમે એવો બકવાસ કરી નાંખતા હોય છે. થોડા મહિના અગાઉ કેજરીવાલે વડાપ્રધાન મોદી માટે ટ્વિટર પર અંટશંટ ઢસડી મારેલું એમ જ!
કોઈના પર લાંછન લગાડતા આવા લવારાને ક્યારેય ફ્રીડમ ઑફ એક્સપ્રેશનનું લેબલ લગાડી શકાય નહીં અને કાયદો આવી બાબતોને પરવાનગી પણ નથી આપતો. અને એટલે જ કોઈ પણ ટોમ, ડીક એન્ડ હેરી મનફાવે ત્યારે કોઈના વિશે મનફાવે એમ બોલી જાય ત્યારે બદનક્ષીનો દાવો કરી શકાય છે.
મુંબઈ સ્ટેટના મુખ્યમંત્રી હતા ત્યારે મોરારજી દેસાઈને એક જૂના અને ખ્યાતનામ અખબાર સાથે થોડી તકરાર થઈ ગયેલી. તકરારનો મુદ્દો હતો દારૂબંધી. આઝાદી પહેલાના વર્ષોથી મોરારજી દારૂના પ્રખર વિરોધી રહેલા અને સ્વરાજ આવતા એમણે એમની સરકારોમાં દારૂબંધી ફરજિયાત કરવાની કટ્ટર હિમાયત પણ કરેલી. અને પોતે વિશાળ મુંબઈ સ્ટેટના મુખ્યમંત્રી બન્યાં ત્યારે એમણે દારૂબંધીનું ચુસ્ત પાલન કરાવ્યું.
મોરારજી દેસાઈની આ નીતિ પેલા ખ્યાતનામ અખબારને અત્યંત ખટકી પડી, જેને પગલે તંત્રીઓએ અખબારમાં મોરારજીની આ નીતિનો વિરોધ કરતા ઢગલેબંધ રિપોર્ટ્સ અને લેખો છપાવા માંડ્યા.
અભિવ્યક્તિ બાબતે મોરારજી દેસાઈ સ્પષ્ટપણે એમ માનતા કે, કોઈ પણ અખબાર રાજ્યની ટિકા કરે તો એ ટિકા સાભાર સ્વીકારવી અને જો એમાં રાજ્યનો કંઈક દોષ હોય તો એમાં જરૂરી સુધારા પણ આણવા. પણ ટિકાને ધ્યાનમાં રાખીને પોતાની રાજકીય સત્તાનો ગેરલાભ નહીં લેવો કે કોઈ અખબારના તંત્રી કે પત્રકાર સામે ક્યારેય કોઈ પગલા લેવા નહીં. મોરારજીનું આ વલણ અભિવ્યક્તિ સ્વતંત્રતાનું શ્રેષ્ઠ ઉદારણ કહી શકાય, જેમણે પોતાની જ સરકાર કે પોતાના નિર્ણયોની આકરી ટીકા થતી હોવા છતાં વિરોધી મત ધરાવનારોને પણ એમની વાત કહેવાનો પૂરતો અવકાશ આપ્યો અને એમની ફ્રીડમ ઑફ એક્સપ્રેશનનું માન જાળવ્યું.
પણ પછી એવું થયું કે, એ અખબારે સરકારની નીતિઓ કે સરકારના નિર્ણયોને કોરાણે મૂકીને દેસાઈને વ્યક્તિગત ટાર્ગેટ બનાવ્યા અને એક પાયરી નીચે ઉતરીને અવિવેકી ભાષામાં એમના પર વ્યક્તિગત આક્ષેપો મૂકવા માંડ્યાં. રાજકારણ જેવા ક્ષેત્રમાં કાર્યરત હો તો તમારા પર દોષારોપણ થતાં રહેવા કે સાવ વાહિયાત પ્રકારના બોદા આક્ષેપો થતાં રહેવ એ રોજની વાત કહેવાય. અને દેસાઈ પર આ પહેલા પર અનેક દોષારોપણ થતાં રહ્યા હતા, પરંતુ અખબારના મુદ્દે એમને એવું લાગ્યું કે, કોઈ અખબારમાં અવિવેકી ભાષા વપરાય તો એ ઠીક નહીં ગણાય. વળી, પેલું અખબાર તો આઝાદી પહેલાથી ચાલતું આવેલું ઘણું પ્રતિષ્ઠિત અખબાર હતું, એટલે એમાં જો આવું કૃત્ય ચલાવી લેવાય તો અન્ય અખબારો પણ આમાંથી બોધપાઠ લે અને કાલ ઊઠીને અન્ય લોકો અથવા સામાન્ય માણસો માટે પણ જાહેરમાં અવિવેકી ભાષાનો ઉપયોગ શરૂ થાય અને લોકતંત્રમાં અભિવ્યક્તિને નામે અંધાધૂંધી ફેલાય.
એટલે આ કિસ્સામાં મોરારજી દેસાઈએ પગલાં ભરવાનું નક્કી કર્યું. જોકે પગલાંના નામે અખબાર પર સમૂળગો પ્રતિબંધ લાદી દેવાની ઈન્દિરાશાહી દુષ્ટ ચેષ્ટા એમણે નહીં કરી. આવું કર્યું હોત તો લોકશાહી મૂલ્યોના ગળે ટૂંપો દીધાનું લાંછન એમના નામે લાગ્યું હોત. પરંતુ અખબાર પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લાદતા એમણે અખબારને સરકારી જાહેરાત આપવાનું બંધ કરાવ્યું અને આ રીતે અખબારને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
જાહેરાતોનું અખબારોમાં શું મહત્ત્વ હોય છે એ પત્રકારોથી વધુ કોઈ નહીં જાણતું હોય. કલાકોની મહેનત બાદ લખેલા કાળજાના કટકા જેવા અહેવાલો કે લેખો પર પળવારમાં જાહેરખબર નામની કાતર ફરી જાય ત્યારે પત્રકારને ધરતી મારગ આપે તો એમાં સમાઈ જવાનું મન થઈ જતું હોય છે, પણ જાહેરખબર આગળ એ બાપડાનું કશું ચાલતું નથી, કારણ કે જાહેરખબરો જ અખબારને રેવન્યુ રળી આપતી હોય છે!
મુંબઈ જેવા મોટા રાજ્યમાં મોરારજી દેસાઈ સરકારે જાહેરખબર બંધ કરાવી એટલે અખબારના તંત્રીઓ અને મેનેજમેન્ટ ધૂંઆફૂઆં થઈ ગયા અને એમણે આ બાબતે ભારે ઉહાપોહ મચાવ્યો.
અધૂરામાં પૂરું અખબારના તત્કાલિન તંત્રી છેક દિલ્હી જઈને વડાપ્રધાનને આ બાબતની ફરિયાદ પણ કરી આવ્યા. તંત્રીની ફરિયાદ સાંભળીને જવાહરલાલે તરત મોરારજી દેસાઈને આ ઘટના બાબતે લખ્યું, જેમાં એમણે મોરારજીને એમના પગલાં બાબતે બિરદાવ્યા અને બની શકે તો આ અખબારને હંમેશ માટે સરકારી જાહેરખબરોથી વંચિત રાખો એવી સલાહ પણ આપી.
એ અંગ્રેજી અખબારને સરકારી જાહેરખબરથી વંચિત રાખવાની આ સલાહ પાછળ ચાચા નહેરુનું લૉજિક એમ હતું કે, અન્ય અખબારો કરતા આ અખબારના જાહેરાતના દર વધારે છે! જોકે મોરારજીને જવાહરલાલના એ લોજિકમાં દમ નહીં લાગ્યો એટલે એમણે આ બાબતે વિચાર કરવાનું માંડી વાળ્યું અને થોડાં સમય પછી અખબારની નીતિમાં ફેરફાર જણાતા એમણે ફરીથી અખબારમાં જાહેરખબર આપવાનું શરૂ પણ કર્યું.
પાછળથી એ જ અખબારના મેનેજમેન્ટ અને તંત્રી વિભાગને કોઈ બાબતે મોટો ડખો થઈ ગયેલો ત્યારે તંત્રી અને મેનેજમેન્ટ મોરારજી દેસાઈ પાસે જ સલાહ લેવા ગયેલા અને દેસાઈએ ભૂતકાળમાં પોતાના વિશે વપરાયેલી અવિવેકી ભાષા કે આક્ષેપોને ભૂલીને એ વિવાદમાં મધ્યસ્થી કરીને અખબારના મેનેજમેન્ટ અને તંત્રી વિભાગ વચ્ચે યોગ્ય નિરાકરણ લાવી આપેલું.
આ ઘટના પરથી નાગરિક તરીકે આપણે કે સત્તા ભોગવી રહેલા સત્તાધિશોએ ધડો લેવા જેવો છે કે, ક્યારેય કોઈ બાબતે અંતિમવાદી નિર્ણય લઈ શકાય નહીં. એ પણ ઘટના ઘટ્યાના તુરંત બાદ તો નહીં જ નહીં.
આપણે નાની અમસ્તી ઘટના વખતે કે કોઈ વ્યક્તિની એકાદી ભૂલ વખતે અંતિમવાદી વલણ અપનાવતા હોઈએ છીએ. સામાન્ય જનજીવનમાં ભૂલ વિનાનો કોઈ માણસ શોધ્યો નહીં જડે. પરંતુ આપણે કોઈને એની નાની સરખી ભૂલમાં એને નકામો, ઠોઠ, અણઆવડત વાળો, ભ્રષ્ટાચારી કે દેશદ્રોહી જાહેર કરી દેતા હોઈએ છીએ. કોઈક એક પગલા માટે વ્યક્તિને સમગ્રતઃ જજ કરી શકાય નહીં કે એના વિશે કોઈ ચોક્ક્સ તારણ કાઢી શકાય નહીં. બિલકુલ એ જ રીતે એ નાનકડી ભૂલ કે અયોગ્ય પગલાંને કારણે એ વ્યક્તિને ધિક્કારીય નહીં શકાય. અલબત્ત કોઈ વ્યક્તિની જે-તે ભૂલો કે એના અયોગ્ય પગલાંનો વિરોધ કરીને એમાં સુધાર જરૂર આણી શકાય.
મોરારજીએ ધાર્યું હોત તો તેઓ અખબાર સામે કાયમી અંતિમવાદી પગલાં લઈ શક્યા હોત. આ મુદ્દે તો એમને વડાપ્રધાનનું પણ પીઠબળ હતું. પરંતુ એમણે એમ નહીં કર્યું અને અખબારના એક ચોક્કસ વલણનો વિરોધ કરીને એના સુધારની દિશામાં રચનાત્મક પગલા લીધા અને અખબારી સ્વાતંત્ર્યની રક્ષા કરી, જે એમની દિલેરી અને એમની વહિવટ કુશળતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.
આવતી કાલે પોંડિચેરી, દાદરા નગરહવેલી, ગોવા તેમજ દિવ-દમણ જેવા પ્રાંતોમાંથી ફ્રેન્ચો અને પોર્ટુગિઝોને હાંકી કાઢવા મુંબઈના મુખ્યમંત્રી તરીકે મોરારજી દેસાઈ કઈ રીતે મદદરૂપ થયેલા એ વિશેની દિલધડક વાતો કરીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર