ભારત સમર્થક કાશ્મીરી હતા મુફ્તી
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે આજે સવારે 80 વર્ષની વયે રાજધાની દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પાછલા કેટલાક દિવસોથી એમની તબિયત ઠીક ન રહેવાના કારણે એમને દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સઈદના અવસાન બાદ તરત જ કાશ્મીરની ગાદી કોણ સંભાળશે એ વિશેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જોકે એમની દીકરી મેહબૂબા મુફ્તી જ તેમની જગ્યા લેશે એ બાબતની ચર્ચા જોર શોરમાં ચાલી રહી છે.
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં 12 જાન્યુઆરી 1936ના રોજ એક શ્રીમંત પરિવારમાં જન્મેલા મુફ્તી મોહમ્મદ સઈદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી કાયદા અંગેનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમની યુવાનીના દિવસો દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના સશક્ત નેતા શેખ અબ્દુલ્લાહ સામે પોતાની રાજકીય કારકિર્દી ઘડવા માટે સખત મહેનત કરી પડી હતી.
મુફ્તીને ઈન્દિરા ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં લાવ્યા હતા, જ્યાં તેઓ લાંબા સમય સુધી સક્રિય રહ્યા હતા. જોકે પાછળથી રાજકીય વિચારધારાના ગજાગ્રહ વચ્ચે 80ના દાયકાના અંતમાં તેઓએ તે સમયના જનતાદળ માટે કોંગ્રેસ છોડી દીધી હતી અને જ્યારે જનતાદળની સરકાર બની ત્યારે તેઓ ભારતના પહેલા મુસ્લિમ ગૃહમંત્રી બન્યા હતા.
એ સમયગાળા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં મુફ્તીના પ્રતિસ્પર્ધી ફારુક અબ્દુલ્લાહે હંમેશાં એમના ગૃહમંત્રીના હોદ્દાને લઈને એમની સતત ટીકા કરી હતી. ફારુક અબ્દુલ્લાહ મુફ્તી પર આક્ષેપ લગાવતા રહ્યા હતા કે, 'મુફ્તીના કાર્યકાળ દરમિયાન ભારત વિરુદ્ધ હથિયાર ઉઠાવી રહેલા કાશ્મીરીઓ પર ફોજદારી કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો.'
મુફ્તી મોહમ્મદ સઈદ ગૃહમંત્રી બન્યા ત્યારે તેમની દીકરી રુબિયાને જમ્મુ-કાશ્મીરના લિબરેશન ફ્રન્ટના કટ્ટરપંથિઓએ અપહરણ કરી લીધું હતું અને પાંચ વિદ્રોહીઓને છોડી મૂકવાના બદલામાં તેઓની દીકરીને છોડવામાં આવી હતી. જોકે કઠણાઈ એ હતી કે, રુબિયાએ કટ્ટરપંથિઓના હાથમાંથી મુક્ત થયા બાદ તેમના સારા વર્તનના વખાણ કર્યા હતા, જેને કારણે પાછળથી સઈદ પર પણ શંકા કરવામાં આવી હતી કે મુફ્તીએ જ અપહરણનું નાટક કરાવ્યું હશે.
શેખ અબ્દુલ્લાહ અને મુફ્તીમાં એક રસપ્રદ વિષમતા છે. શેખ અબ્દુલ્લાહે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત અપાર લોકપ્રિયતા સાથે કરી અને ઈન્દિરા સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ એમણે લોકપ્રિયતા ગુમાવવાનું શરૂ કર્યું. જ્યારે મુફ્તીએ પોતાની શરૂઆત એક અલોકપ્રિય કોંગ્રેસી તરીકે શરૂ કરી હતી. જેમને શેખના સમર્થકો ‘ભારતીય એજન્ટ’ તરીકે નફરતની નજરથી જોતા હતા.
સઈદે શેખની નેશનલ કોન્ફરન્સને અલોકપ્રિય સ્થિતિમાં જોવા માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. ત્યારબાદ સઈદે 28 જુલાઈ 1999માં પોતાની નવી પાર્ટી પીપલ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની સ્થાપના કરી, જેની સાથે તેઓ લોકપ્રિયતાની એક નવી ઉંચાઈ જોઈ શક્યા.
મુફ્તીની સાથે અભ્યાસ કરનાર પ્રોફેસર ગની ભટ્ટ હુર્રિયત કોન્ફરન્સના જાણીતા અલગતાવાદી નેતા છે. તેઓ કહે છે, ‘ફારુક અબ્દુલ્લાહ અનિવાર્યપણે એક ભારતીય છે, જ્યારે ગુલામ નબી આઝાદ આકસ્મિક રીતે એક ભારતીય છે. પરંતુ મુફ્તી પ્રતિબદ્ધ ભારતીય છે.’’
હાલમાં મુફ્તીનું સ્થાનિક રાજકારણમાં પુનરાગમન તેઓની રાજકીય સૂઝબૂઝ દર્શાવે છે. તેઓ માટે કહેવામાં આવે છે કે, 9/11ની ઘટના બાદ પાકિસ્તાનની પરિસ્થિતિ અને કાશ્મીરમાં ચરમપંથીઓમાં આવેલી પીછેહઠનો તેઓને લાભ મળ્યો.
છેલ્લા 15 વર્ષોમાં મુફ્તીએ ફક્ત સ્થાનિક રાજનીતિમાં જ પોતાની જગ્યા બનાવી એવુ નથી પરંતુ રાજ્યમાં અબ્દુલ્લાહ પરિવારની મજબૂત પકડને પણ ઢીલી પાડી અને બે વખત પ્રાંતના મુખ્યમંત્રી પણ બન્યા.
પોતાની અલગ પાર્ટી બનાવ્યાના ત્રણ વર્ષ બાદ તેઓએ પ્રાંતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. 2014માં તેઓને 87 સીટોમાંથી 27 સીટ મળી અને તેઓને હિન્દુ રાષ્ટ્રવાદની રાજનીતિ કરનાર ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ગઠબંધનમાં સરકાર બનાવવાનું સાહસ ખેડ્યું. બીજેપીએ આ ચૂંટણીમાં હિન્દુ બહુમતી ધરાવતા જમ્મુમાં 25 સીટો જીતી હતી.
રાજકીય રીતે હવે મુફ્તીની 50 વર્ષીય દિકરી મેહબૂબા પોતાના પિતાની ઉત્તરાધિકારી બનશે. કેટલાક મહિનાઓથી આ અંગે અટકળો ચાલી રહી છે. પરંતુ પીડીપીના સહયોગી બીજેપી મેહબૂબાની કટ્ટરપંથિઓ પ્રત્યેની નરમાશ અને એમના કટ્ટર અલગતાવાદી વિચારોને કારણે ભારે અવઢવમાં મૂકાઈ ગઈ છે.
પીડીપીના એક વરિષ્ઠ નેતાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, હવે બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાઈ ગઈ છે. બીજેપીએ મેહબૂબાને મુફ્તીના ઉત્તરાધિકારી તરીકે સ્વીકારી લીધા છે.
મુફ્તીના સમર્થકો તેઓને મોટા રાજનેતા તરીકે જુએ છે અને તેઓના મત પ્રમાણે એમણે 9/11 બાદ ભારત-પાકિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટેની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે એમના વિરોધીઓનું માનવું છે કે, એમણે દક્ષિણ એશિયામાં બદલાતી પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને પોતાની પ્રશંસા મેળવી હતી.
મુફ્તીના વિરોધીઓ અને સમર્થકો તેઓ માટે ભલે કંઈ પણ વિચારે. પરંતુ મુફ્તી ઈતિહાસમાં એક ભારત સમર્થક કાશ્મીરી તરીકે જાણીતા બનશે. એમણે પોતાની આખી જિંદગી કાશ્મીરની જનતાને ભારતની મુખ્યધારા સાથે જોડવાનું કામ કર્યું છે.
તેઓએ પોતાના આ ઉદ્દેશને પૂર્ણ કરવા જે રીતનો ઉપયોગ કર્યો તેને કાશ્મીરમાં ‘નરમ અલગતાવાદ’ના નામે ઓળખવામાં આવે છે. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું મેહબૂબા ખરેખર પોતાના પિતાના માર્ગે આગળ વધી શકશે અથવા સ્પષ્ટ વક્તા કે બદલતા નિર્ણયોવાળી નેતા બનીને રહી જશે.
(ઉપરોક્ત લેખ રિયાઝ મસરૂરે BBC માટે લખ્યો હતો, જેનો ભાવાનુવાદ અહીં રજૂ કરાયો છે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર