મારી પાક્કી બહેનપણી મારી બા...!

14 May, 2017
01:00 AM

રામ મોરી

PC: khabarchhe.com

બા. હું માનું છું કે દરેક બાળક પાસે તેની માની એક ચોક્કસ સુગંધ સચવાયેલી હોય છે. બાની સાડીઓમાં એ સુગંધ મળી આવે. બાનો સ્પર્શ જે જે વાસણોને થતો હોય એ વાસણોમાં પણ સતત એ  સુગંધ વત્તાઓછા અંશે સચવાયેલી રહે છે. વર્ષોના વર્ષ વીતી જશે, મજબૂત પકડ ધરાવતી બાની પકડ ધીમે ધીમે ધ્રુજવા લાગશે પણ એ સુગંધ અકબંધ રહેશે. મારી છાતીમાં પણ અકબંધ છે મારી બાની સુગંધ. કોઈપણ પુરુષના પ્રથમ પરિચયમાં આવેલી કોઈ પ્રથમ સ્ત્રી હોય તો એ બા હોય છે. મેં મારી બાને ભણી છે, વાંચી છે અને શબ્દેશબ્દ ગોખી છે કેમકે એ મારા માટે જીવતું જાગતું વિસ્મય છે. જ્યારે કોઈ વ્યક્તિને તમે એક હદથી વધુ ઓળખી જાઓ પછી એ વ્યક્તિમાં અને તમારામાં સમાનતા ઉત્પન્ન થવા માંડે. રસ,  રુચિ, વાત, વિવાદ, મત અને મન એક થઈ જાય કારણ કે કોઈને સંપૂર્ણપણે પામ્યાની ક્ષણ સમર્પણની ક્ષણ છે.

મારી બા એટલે તેજલબા.  લગ્ન પહેલાં એ તેજલ નારણભાઈ પરમાર હતી અને લગ્ન પછી એ તેજલ ભાવસંગ મોરી થઈ પણ એ બંનેમાં કશું નથી બદલાયુ તો એ છે એ પોતે, એનો માહ્યલો. એ ઘડાઈ છે, અથડાઈ છે, પડી છે, છોલાઈ છે પણ એ બધો અનુભવ એને અમારા ઉછેરમાં પાથીએ પાથીએ તેલ પૂરે એમ સીંચ્યો છે. નાનપણથી બાની અમુક તસવીરો નખશિખ સ્મરણમાં કેદ થયેલી છે. 

ધોમધખતો તાપ પડતો હોય. સીમ આખી જાણે કે ભડકે બળતી હોય અને માથે બાપુને બપોરે જમવાનું ભાતું, એક હાથમાં દાતરડી, ગળેથી નીતરતો પરસેવો, ગરમ લૂથી ઉડી જતો લાલ લેરિયાનો એક છેડો એક હાથે ઝાલ્યીને બોરડી અને બાવળના કાંટામાં ભરાઈ જતા બચાવતી હોય અને ઉનાળું તડકાથી તપેલા ધૂળના રફ્ફા પર એની અલ્લડ ચાલ. પાંચેક વર્ષનો હું, એના લેરિયાનો છેડો પકડીને એની પાછળ જાણે કે ભાગતો હોઉં એટલી ઝડપથી એ ચાલતી હોય. દૂર દૂર ઝાંઝવના જળ રમત કરતાં દેખાતા હોય અને એ હાંફતી હાંફતી મને વાર્તા કે’તી જાય અને મારી માથાની ટોપી વ્યવસ્થિત કરતી જાય,

‘પશી હું થ્યું બા ?’

‘પશી તો હું થાય,  નરસિંહ મહેતા મૂંઝાણા કે માળું આ કુંવરબાઈના મામેરાનો કાગળ આવ્યો છે ઉનાથી. કોઈ દી’ હરિનામ સિવાયનું કેઈ વે’વાર આવડ્યો નો’તો તે આ મામેરાના મરમ તો શીદ ઉકલાશે… એ બેઠો છે મારી દ્વારિકાવાળો !’ 

દૂર દૂર તડકાથી હાંફતા ડુંગરામાં નરસિંહ મહેતા અને સીમંતના મામેરાની વાટ જોઈને રડતી કુંવરબાઈનું રોણું ખુલ્લી સીમમાં મને પડઘાતું. વાડીમાં કામ કરતી વખતે કપાસના નાના છોડવાઓ વચ્ચે એની દાતરડી હાલતી હોય અને ખૂબ ચીવટથી એ કપાસના પાળિયામાં ઉગેલા ઘાસને દાતરડીથી ફટાફટ ખેંચતી જાય અને ઢગલી કરતી જાય. એની ઝડપથી ચાલતી દાતરડી મને બહું ડરાવે કે ક્યાંક આ સંતુલન ખોરવાયું તો ? હું એની પાછળ પાછળ ઘાસની નાની પૂળીઓ વેવતો અને એને ધ્યાનથી સાંભળતો, ખુલ્લા ખેતરમાં ઢળતી સાંજે એ ગીત ગાતી હોય,

‘ઉગમણી ધરતીના કોરો કાગળ આવ્યા જો… ઈ રે કાગળ દાદા ડેલીએ વંચાવે જો... કાકો વાંચેને દાદા રહરહ રોવે, ઉપરની મેડીએથી તેજમલ ડોકાણા જો’ બા આ તેજમલ ગરાસણીનો રાસડો ગાતી એ મને બહું જ ગમે કેમકે એનું નામ પણ તેજલ હતું એટલે બા ગીત સંભળાવતી હોય ત્યારે હું તેજમલની જગ્યાએ બાને જોતો હોઉં. એ રાસડાની એક એક કડી ગાતી જાય અને એ રાસડાની વાર્તા કહેતી જાય.

‘પશી હું થ્યું બા ?’

‘પશી તો, તેજમલના તો લગન આયવા તા, આખાય મલકમાં હરખના ઢોલ પર અવસરના ઓવારણાની દાંડી પીટાતી’તી અને ગરાસણી બાયુ તેજમલનો કરિયાવર સંકેલતા હતા અને ત્યાં ઉગમણી દશથી દળકટક યુદ્ધના કાગળ આવ્યા. બધા ભાયું તો પરદેશ હતા એટલે ઈ કાગળ વાંચીને દાદા રોવા માંડ્યા પણ દાદાનું રોણું જોઈ હકે તો તો દીકરીનો અવતાર લાજે, તેજમલ દાદાના આંહુ જોઈ ગયા અને બોલી કે એય મારા મોંઘેરા સાવજ જેવા કેસરિયા દાદા તમને ઝાઝેરી ખમ્મા, આમ તેજમલની ઝાંઝરી હજી ડેલામાં હંભળાતી હોય અને દાદાની આંખ્યુમાં રતન જેવડા દિવા આંહુડાથી પલળે તો તો મારી કાચી-કુંવારી ઓઢણી લાજે. જાવ દાદા, ગામમાં ઢોલ વગડાવો આજ તેજમલ લડવા ઘોડે ચડશે... જુધ હું લડીશ.’ અને હું ફાટી આંખે બા સામે જોઈ રહેતો.

સાંજે ભેંસ દોહતી વખતે હું ખાણનું બકડીયું લઈને એની સાથે ગમાણ પાસે જાઉં. ખાણનું બકડીયું ભેંસના મોઢા પાસે મુકીને હું બા સામે જોતો. એ ભેંસની પાસે બેસીને ભેંસના પેટ પર હાથ ફેરવીને પાણીથી ભેંસના આંચળ ધોવે અને પછી દૂધની શેડ તાંબાપિત્તળના બોધડામાં સડડડડડડ સડડડડડ સડડડડ અવાજે ઉભરાતી હોય અને હું બોલું,

‘પશી હું થ્યું બા ?’

‘અરે પશી તો થાય શું, ચારણે તો વચન માંગી લીધું કે મને તમારી નવસો નવ્વાણું રાણીમાંથી એક રાણી આપો. કુંભોરાણો મૂંઝાણો. આયવે લીલનબાના ઓરડામાં અને કે કે, હેં લીલનબા, કસોટી લઈ રહી છે વિધાતા. દેવીપુત્તરને વેણ દઈ બેઠો સવ અને ઈ જીદ લઈને બેઠો કે તમારી નવસો નવ્વાણું રાણીમાંથી એકાદ રાણી દઈ દ્યો. કાંક રસ્તો સૂઝાડો લીલનબા તે લીલનબાને હસીને કીધું કે નાથ, રસ્તો તો મારો કાળિયોઠાકર સૂઝાડે હું તો કાળા માથાની માનવી. જાવ તમી ચારણને કઈ દ્યો કે કુંભારાણાની નવસો નવ્વાણું રાણીયું એના પોતપોતાના ઓરડામાં સે. જે ઓરડામાં તમને કુંભોરાણો નો દેખાય ઈ રાણી તમારી જાવ.’ હું ફાટી આંખે બા સામે જોઈ રહેતો અને બોધડું દૂધના ફીણથી છલોછલ. એ છલોછલ ફીણમાં કુંભોરાણો હાથ જોડીને ઊભો હોય અને લીલનબા અટારીએ ઉભા ઉભા જવાબ દેતા હોય એ દેખાતું.

દરરોજ રાત્રે બા રોટલા ઘડતી હોય ત્યારે ચૂલા પાસે બેસીને મને પગ શેકવાની ટેવ. એ મારો ફેવરીટ ટાઈમ. બા રોટલાનો ગોળીયો હાથમાં રમાડતી જાય અને એક હાથે બળતણ ચૂલામાં નાખી તાપ કરતી જાય.

‘પશી હું થ્યું બા ?’

‘પશી તો કાશીના ચોકમાં હરીશચંદર ઉભાર્યા, ભેળા તારામતી રાણી અને નાનેરો રોહિત.  હરીશચંદ્ર બોલ્યા કે એય, કાશીનગરના ગુણીજનો, હું મારી પત્ની, મારું બાળક અને મને પોતાને વેચવા આવ્યો છું. ખરીદી લ્યો કોક સારો માણહ અમારી બોલી લગાવીને અમને ખરીદી લ્યો.સતને હાચવવા રાજા જાતને વેચવા હાલ્યો.’ મને ચૂલાના તાપમાં રોહિત દેખાતો, કાશીમા બૂમો પાડતો હરીશચંદ્ર દેખાતા, સાડીના પાલવથી આંખો લૂંછતી તારામતી દેખાતી.

અને અમારો છેલ્લો પડાવ અમારી રાત. ઉનાળામાં રાત્રે અગાશી પર સૂતાં હોઈએ. ખુલ્લા આકાશમાં કેટલાય તારાઓ ટમટમતા દેખાતા હોય, હું બાની બાજુમાં એના હાથ પર માથું ટેકવીને સૂતો હોઉં અને એ લાંબા ઢાળે ગાતી હોય.

‘દીયે દળાવે મને રાતડીએ કંતાવે રે જો, સામે તે ઓશરીયે વવ તારું બેડલું રે દાદા હોં દીકરી....!’ હું બાના લાંબા વાળની લટોની ગૂંચોને ઉકેલતો ઉકેલતા એના જતા રહેલાં વર્ષો અને આવનારા વર્ષોની ગૂંચો ઉકેલવા મથતો રહેતો. 

 નાનપણથી જ ગળથૂથીમાં એણે મને લોકવાર્તાઓ, લોકગીતો, પુરાણોની વાર્તા, લગ્નગીતો, મરસિયા, ધોળ, પદ, વ્રતકથાનો કરિયાવર બાંધી દીધો અને એ આજેય અકબંધ છે. માત્ર પાંચ ધોરણ સુધી ભણેલી બા. એને ભણવાનો બહુ જ શોખ હતો, પણ મોસાળમાં એ સમયે પરિસ્થિતિ બહું જ ખરાબ હતી. ત્રણ ભાઈઓ અને ચાર બહેનોમાં બા સૌથી નાની અને મારા નાનીમા દેવુબાની સૌથી લાડકી. બાના બાપુજી નારણભાઈ બા સાવ નાની હતી ત્યારે વાડીના કુવામાં કામ કરતાં કરતાં અકસ્માતે ગુજરી ગયેલા અને સાત સંતાનોની વસ્તારીમાં દેવુબા એકલા પડી ગયેલા પણ એ રજપૂતાણીએ ક્યાંય હાથ લંબાવ્યા વિના સંતાનોને ઉછેરી જાણ્યા. એ સમયે ગામના શિક્ષકે મારા નાનીમા દેવુબાને કહેલું કે, ‘દેવુબા, તમારી તેજલને  આગળ ભણવા દ્યો. બહું જ હોંશીયાર છે. હવે તો દસ સુધી ભણે ત્યાં તો માસ્તરની નોકરી પાક્કી.’  દેવુબા જાણતા હતા પણ આર્થિક સંકડામણ અને સંજોગોને કારણે એ બાને ભણાવી ન શક્યા નહીં. બા આજે પણ મને જ્યારે આ વાત કે’તી હોય ત્યારે એની આંખમાં ફરિયાદની લકીર હોતી નથી અને નાનીમાને આ વાત કરવાની આજ સુધી મારામાં હિંમત નથી આવી. મને એવું લાગે છે કે સમય અને સંજોગો સાથે કેટલીક વસ્તુ પર અપરાધભાવ અને અપેક્ષા-ઉપેક્ષાની એવી પર્ત જમા થયેલી હોય છે કે એને ફૂંક મારીને સાફ ન જ કરવી જોઈએ કેમકે એની સાથે કેટલાય લોકોના જખ્મ ખુલ્લા પડી જતાં હોય છે. 

બાની દરેક વાતો બહુ જ નજીકથી મેં સાંભળી છે, સમજી છે અને અનુભવી છે. દિવાળી આવી રહી છે એની સૌથી પહેલી ખબર નાનપણમાં તો બા પાસેથી પડતી. આખા ઘરની સાફસફાઈ, ફળિયામાં વાસણોનો ઢગલો, લીંબુ અને છાશથી તાંબા પિત્તળના વાસણોને ઘસવા, ડબ્બામાં ચૂનો પલાળવો અને તલ સિંગ સાફ કરવા. આ બધી ઘટનાઓને છૂટક છૂટક જોયા કરવાનું.  ખાસ તો આ પ્રવૃત્તિમાં તલ્લીન થયેલી બાને જોવાનું. ચૂનાને પલાળ્યો હોય ત્યારે પાણીમાંથી નીકળતી વરાળ અને સફેદ પાણી પરના બુડબુડિયા એ સમયે બહુ અચંબિત કરતા અને બા કોઈક વૈજ્ઞાનિકની છટાથી મોંઢા પર બુકાની બાંધી સાડીનો છેડો કમરમાં કસકસાવીને બે હાથે ચૂનામાં લાકડી ફેરવતી જાય અને અમને ઈશારાથી દૂર રહેવાની સૂચના આપતી જાય. વાટકીમાં આંબલી, ખાટી છાશ અને લીંબુથી તાંબા, પીત્તળના વાસણોના લીલા ડાઘાને જે સિફતથી બા સાફ કરતી એ નાનપણમાં ઘૂંટણીયે બેસીને એકીટશે જોયા કરતો. ઘણીવાર કામ કરતા કરતા એનું ધ્યાન મારા તરફ જાય તો ચહેરા પર આવી ગયેલી વાળની લટને ભીના આંગળા અડકાડ્યા વિના ચહેરા પરથી દૂર કરતા હસીને કહે કે, 

‘શું જુએ છો ?’ 

મારી પાસે એ વખતે કાંઈ જવાબ ન હોય અને મારી પાસેથી કોઈ જવાબ ન મળે એમાં જ જાણે કે એને એનો જવાબ મળી ગયો હોય એમ બા હસી પડતી. સૌથી વધારે મને તો રસ પડતો બાની પેટીમાં. લાકડાની મોટી પેટી અને તેની ઉપર મોસાળના સુથારીએ પતરાથી ડિઝાઈન કરેલી પટ્ટીઓ અને ચાકળાઓ. આણામાં કરિયાવરમાં બા આ પેટી સાથે લાવેલી. દિવાળી પર બા આખી પેટી ખોલે ત્યારે મારા માટે જાણે કે ખજાનો ખુલ્યો. એક પછી એક ગાંસડી ખુલતી જાય અને જૂની જૂની સાડીઓ, જૂના ભરત બહાર નીકળતા જાય. એ દરેક જૂની સાડીઓ સાથે બાની કેટકેટલી વાતો જોડાયેલી હોય. એ બોલ્યા કરે અને હું સાંભળ્યા કરું.

‘આ સાડી માસીની… એણે કીધેલું લે બહેન તું પહેર તને બહું જ સરસ લાગશે…’

‘આ સાડી મામાએ લઈ આપેલી ફલાણા પ્રસંગમાં...’

‘આ સાડી નાના માસી સાથે સિહોરથી લીઘેલી.’

‘મામાના લગનમાં લીધીતી… આની ફેશન ક્યારેય નો જાય એવી છે આ...’

‘આ તો બાએ બહુ જિદ કરેલી, કે તેજલ તું લઈ જ લે, બાને તો કોણ પહોંચે... લેવી પડેલી... પણ જો આની ડિમાન્ડ હવે આવશે... કાનગોપી છે આના પાલવમાં..."

એ પછીની ગાંસડીમાંથી સાડીએ નહીં જાણે કે એના જીવનના દરેક મહત્ત્વના પ્રસંગો ખૂલે…

‘આ મારું પાનેતર. બહું દોડેલા હું અને બા... એ વખતે પણ કેટલાનું આવેલું બોલ... કાપડ જો... કેટલું ભારેમાંથી છે... ભરતનો રંગ ય નથી ગ્યો હજું ય…’

એ વખતે એના ચહેરા પર પણ એ જ પાનેતર ફરી ઓઢ્યાનું સુખ તરવરે. અને હું એ પાનેતર જોઈને બા એમાં કેવી લાગતી હશે એ કલ્પના કર્યા કરું.

‘આ જો મારા સીમંતની સાડી... કાંજીવરમ છે...’ એટલું બોલતા તો એનું મોઢું જાણે કે સાકર સુકામેવાથી ભર્યું ભર્યું થઈ જાય. કાંજીવરમની ટીકીઓ પર મારી આંગળીઓ ફરે અને એ સીમંતની વાતો બોલતી જ જાય બોલતી જ જાય... કેટલાક રંગો તો બા પાસેથી જ જાણેલા જેમકે રામા કલર.... એ એનો ફેવરિટ કલર. રાણી કલર… અનધર ફેવરિટ કલર,  બાટલી લીલો અને બજરીયો... આ શબ્દો અને તેની ઓળખ બાની વાતોમાંથી જ જાણેલી.

આ મારા આણાની સાડી છે... ઘરચોળું. એ બોલતી વખતે તો જાણે ફરી એ ડેલે ઘરચોળા પર સફેદ પછેડી ઓઢીને ઊભી હોય અને ભાભુ લોટામાં પાણી ભરી નવી નવી આણે આવેલી છાતી સમાણો ઘૂંઘટ કાઢીને ઊભેલી બાની નજર ઉતારતી હોય એ આખું દૃશ્ય સાડીઓના ઢગલામાંથી મહોરી ઊઠે. દરેક બાળક પાસે તેની મમ્મીની એક ચોક્કસ સુગંધ સચવાયેલી હોય છે. બાની એ બધ્ધી સાડીઓમાં એની પોતીકી સુગંધ અકબંધ છે. કપૂરની ગમ્મે તેટલી ગોળીઓ એ પેટીમાં બા ભલે મૂકતી હોય પણ બાની સુવાસ તો એ સાડીઓની દરેક ગડમાં અકબંધ છે.

બાએ મને વાસણ ધોતા, કપડાં ધોતા, કચરાં-પોતા કરતા બહું જ નાનો હતો ત્યારથી શીખવેલું, બા વાડીએથી આવે એ પહેલાં હું સાવરણીથી કચરો કાઢીને ઘર સાફ કરી નાખું, પોતું કરી નાખું અને બળતણ માટેની સાંઠિયુંનો ભારો ય લઈ આવું અને અમુક તમુક એંઠા વાસણો ધોઈ કાઢું. એ જ્યારે વાડીએથી આવે ત્યારે ઘરની સાફસફાઈ જોતી તો રાજી થતી. એની આંખોમાં ઊગી નીકળેલા એ અહોભાવના રંગો મારી બેટરી ચાર્જ કરી દેતા અને હું વધુને વધુ કામ કરી એને ખુશ કરવા મથતો રહેતો. કદાચ મારા બાપુ અને બાના મનમાં એ ચિત્ર પહેલાંથી જ ક્લિયર હતું કે અમારે અમારા છોકરાને બહું જ જલદી હોસ્ટેલમાં મોકલી આપવાનો છે એટલે એ સમયે મને અગવડ ન પડે એ માટેની બધી જ તાલીમ એણે નાનપણથી આપેલી. 

…પણ બાને કેમ હોસ્ટેલમાં ભૂલી શકાય એ તાલીમ એણે નહોતી આપી!

 ગામડા ગામમાં શિક્ષણની પૂરતી અને સંતોષકારક સુવિધા ન હોય એટલે સાવ નાનપણથી ગામડાંના છોકરાઓએ ઘર છોડવું પડે. એમ મારોય વારો આવ્યો. મારા નાનીમા દેવુબા ય એ દિવસોમાં ઘરે આવી ગયા. બંને માદીકરીઓએ મારું ગાદલું અને ગોદડું તૈયાર કર્યું. ગોદડું મેં  મારી બાની સાડીમાંથી બનેલું પસંદ કર્યું કેમકે એમાંથી બાની સુગંધ આવે. મને હોસ્ટેલમાં મૂકવામાં આવ્યો. છઠ્ઠું-સાતમું ભણતો એ સમયે. દિવસે તો સ્કૂલમાં અને હોમવર્કમાં સમય નીકળી જતો પણ જેમ જેમ રાત ઘેરાતી જતી એમ એમ બાની વાતો, એનો અવાજ, એની રસોઈ યાદ આવતું. ગળે ડૂમો ભરાઈ જાય તો બાની સુગંધનું ગોદડું ઓઢી લેતો ત્યારે એવું લાગતું જાણે બાને ગળે વળગીને સૂતો છું અને બાના લાંબા વાળની ગુંચ ઉકેલું છું. એની બનાવેલી ગળી પુરી મારી ફેવરિટ તો એ પુરી ડબ્બાથી કાઢીને ખાઉં તો એવું લાગે કે બા એના હાથે ખવડાવી રહી છે અને રડવાનું બંધ નહોતું થતું. અમારી હોસ્ટેલમાં માત્ર રવિવારે ઘરના લોકો અમને લોકોને ફોન કરી શકે એટલે રવિવારે એમના ફોનની કાગડોળે રાહ જોતો હોંઉ.  બિચારા મારા માબાપ તો વાડીના કામમાં એટલા મશગૂલ હોય કે એમને તો એય ખબર ન હોય કે આજે રવિવાર છે અને એનો છોકરો ગળામાં ફસાયેલા ડૂમાને ખાળતો ફોનની રાહ જુએ છે. જ્યારે પણ એ લોકો સાથે વાત કરતો ત્યારે બા સાથે વાત કરતા પહેલાં મારે સાવધ થઈ જવું પડતું, ઈનફેક્ટ આજે પણ સાવધ થવું પડે છે કેમકે હું માત્ર ફોનમાં હલ્લો બોલું અને એને મારી આખી પરિસ્થિતિનો  તાગ મળી જાય.

આજે હું મારી બાથી અલગ છું એ વાતને બાર વર્ષ થઈ ગયા છે. બા સાથે વાતો થાય નિયમિત. કલાકોની કલાકો ચાલે અમારી વાતો. મારા બાપુ હંમેશા એમ કહે કે, તમારા  મા દિકરાની વાતો તો ક્યારેય ખૂટતી નથી. ખબર નહીં ક્યાંથી વાતો ભેગી કરી લાવતા હશો. પણ અમારી વાતો ચાલે. અવિરત અને અખૂટ. હું તો કહું કે અમે ગયા ભવની કરમની કઠણાઈએ જુદી પડી ગયેલી પાક્કી બહેનપણીઓ છીએ જે આ ભવ પાછી ભેગી થયું છીએ ! વાત વાતમાં હું એમ કહી દઉં કે ‘બા, હવે થોડો સમય જ આપણે લોકો દૂર છીએ. હું થોડો વ્યવસ્થિત સેટલ થઈ જાઉં પછી તો આપણે બધા જોડે રહીશું.’ તો એ હસતાં હસતાં મને જવાબ આપે કે,

‘એ હંધીય વાત હાચી પણ અમને તો જોડે કરતાં જાતે રહેવાની મજા વધારે આવે !’  ઘણીવાર હું નવાઈથી મારી બા સામે જોઈ રહું કે આ ગણિત, આ કોઠાસૂઝ, આ સમજ મારી પાંચ ચોપડી ભણેલી બા કયાંથી લઈ આવી હશે ?  

નાનપણથી બાના લાંબા ઘાટ્ટા કાળા વાળ મને બહું જ ગમે. બા કહેતી કે હું સાસરિયે આવી એ સમયે તો મારા વાળ ઘૂંટણિયે પહોંચતા. આજે હવે બાની ઉંમર વધી રહી છે. હંમેશાં દોડતી બા હવે હાંફી રહી છે. હવે એને નબળાઈ આવે છે. કપાળ પર અને ગાલ પર કરચલીઓ પડે છે ત્યારે એક અપરાધભાવ બહું ઉંડી રીતે મનને કોરી ખાઈ છે કે કેમ જાણે હું બા સાથે નથી એટલે બાની ઉંમર રાતોરાત વધી ગઈ છે. વરસ પહેલાં અચાનકથી બાને દવાખાને દાખલ કરવી પડેલી અને ખબર પડી કે એને ગર્ભાશયમાં સડો થયો છે એટલે અલમોસ્ટ કેન્સરની અસર હતી અને ઓપરેશન કરી ગર્ભાશય દૂર કરવાનું થયું અને બા કોમામાં રહી. મને આ વાતની જાણ થઈ એટલે દોડતો ઘેર પહોંચ્યો ત્યાં સુધી બાને ઓપરેશન રૂમમાં લઈ જવાઈ હતી. ઓપરેશન પહેલાંએ મારા બાપુને એક જ વાત કહેતી હતી કે ‘રામને ન કહેતા કોઈ. એ એનું કામ પડતું મુકીને આવશે.’ મારા બાપુને પહેલી વખત મેં આટલા અસહાય એ દિવસે જોયા. ઓપરેશન પતી ગયું પણ મારી બા બેહોશ હતી અને હું હાથ પકડીને એની બાજુમાં બેસી રહ્યો. કંઈકેટલીય મૌન ફરિયાદ અને સંવાદ અમારા બંને વચ્ચે ચાલ્યા અને જાણે એ મારી જ વાટ જોતી હતી એમ એણે આંખો ધીરેથી ખોલી અને સૌથી પહેલાં ધ્રુજતા અવાજે એટલું બોલી કે, ‘તું આવી ગયો ? મને હતું જ કે તું તો આવીશ જ. પણ મને હવે સારું છે, તું રજાઓ ન પાડતો. નોકરીએ જતો રહેજે.’ ત્યારે મને એ પણ સમજાયું કે બા હવે ખરેખર એકલી થઈ ગઈ છે. દિવસે અને દિવસે મને અમે હવે સાથે રહીએ એ તલપ વધતી જાય છે. આંખ બંધ કરું છું તો ઘરની ઓશરીની કોરે બેઠી બેઠી પોતાના લાંબા વાળમાં કાંસકો ફેરવતી બા દેખાય અને હું એની સામે પાટીમાં એકડો ઘૂંટતો ઘૂંટતો એકીટશે જોતો હોઉં અને એ બોલતી હોય.

‘પશી તો હું, રત્નાવલી તુળશીદાસને બોલી કે હે નાથ, તમી મને મળવા હાટું મડા પર બેહીને નદી પાર કરીને આયવા ?  અરેરેરેરે, આવું ઘેલું તમને હરિભજનમાં હોત તો તો રામ મળ્યા હોત!’ 

આંખમાં ઉભરાઈ આવેલા અનેક વર્ષોની ધુંધળાશ સાથે મારી પાક્કી બહેનપણીને વંદન !

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.