મારા પપ્પા મારા આદર્શ

19 Jun, 2016
02:04 PM

mamta ashok

PC:

(કંદર્પ પટેલ)

સમય રાત્રિના 12:29. 11 સપ્ટેમ્બર, 1993 ભાવનગર. આ ઉત્પાતિયા, ગાંડાઘેલા જીવનું ધરતી પર અવતરણ. ત્રણ મહિનાનું આ બચોળિયું મમ્મીના ખોળામાં ટેમ્પાના કેબિનમાં સૂતું-સૂતું ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં સુરતમાં આવી ચડ્યું. ઘર શોધવાનું, ક્લિનિક માટે જગ્યા શોધવાની, એનું ભાડું, ઘર ચલાવવાનું. આ દરેક કરતા મોટું બ્લંડર એટલે હું. પૂરેપૂરો અવળચંડો. મને ધરી સમાન રાખીને જેમ-તેમ કરીને ગાડાના બંને પૈડા એકસરખી ગતિથી ચાલવા માંડ્યા. સંસાર પણ એટલો જ સરખો સંભાળી  લીધો અને હું પણ ધીરે ધીરે મોટો થયો.

પરિસ્થિતિ થાળે પડતી ગઈ. દવાખાનેથી 9: 30 એ પપ્પા આવે અને હું દોડીને એમને ભેટી પડું. પપ્પા મને પ્રેમથી વહાલ કરે. પપ્પા આવે નહીં ત્યાં સુધી જમવાનું જ નહીં આવો નિયમ બનેલો જેનું કારણમાં હું હતો. જમતા-જમતા એકડા-કક્કો શીખવાડતા જાય અને ‘બાળપોથી’ માંથી સબ્જી-ફ્રુટ-કઠોળ-ધાન્ય બતાવીને ઓળખાવતા જાય. રાત્રે એમના ખોળામાં બેસું ત્યારે રોજ પૂછે, ‘મોટો થઈને શું બનીશ ?’ અને, રોજ રાત્રે જવાબ બદલાતો જાય. પપ્પાના ખોળામાં માથું રાખીને હું સૂતો અને રોજ કહેતો, ‘પપ્પા મારે ડોક્ટર બનવું છે.’ રોજ સપનાં જોતો, પણ એમાં જે બનવું હતું એ બદલાતું રહેતું, ફરી-ફરીને પાછો ડોક્ટર પાસે આવીને જ ઊભો રહેતો. પપ્પા, ધીરેથી હસીને માથામાં હાથ ફેરવતા. કદાચ કહેતા હશે કે, દુનિયાના દરેક સપનાં મારું બાળક પૂર્ણ કરે.

ઘરમાં નવા સાધનો ધીરે-ધીરે સ્થાન લેતા થયા. નવું ફ્રીજ આવ્યું હોય અને એના ખોખામાં છુપાઈને પપ્પાને ‘હાઉકલી’ કરું અને પપ્પા જાતે કરીને ડરવાની વ્યર્થ કોશિશ કરે. ભારતવર્ષમાં થઇ ગયેલા તેજસ્વી ઋષિઓ - મહાપુરુષોની વાતો કરે. હંમેશાં મને દર રવિવારે ચોપાટીમાં લઇ જતા. ઘરેથી પાણીની બોટલ અને ચણા-વટાણા થેલીમાં ભરીને સ્કૂટરની આગળ હેન્ડલ પકડીને ઉભો રહી દુનિયા જોયા કરતો, સાથે સાથે પોતાની દુનિયા બનાવ્યા કરતો. ગંજીફાનાં પત્તાની જેમ. પરંતુ, ક્યારેય એ દુનિયાના સપનાં પવનના જોરે પત્તાના મહેલની જેમ પડી નહોતા જતા. કારણ કે, એ સપનાંને સંભાળવા માટે પપ્પા હતા.

ઘણીવાર તેઓ આ મને કહેતા, ‘બેટા, આખા સુરતમાં કોઈ એવો ડોક્ટર નહીં હોય, જેણે પોતાના સંતાનની પાછળ આટલો સમય કાઢ્યો હોય.’ આ વાક્ય મને હજુ મારા કાનમાં અથડાયા કરે છે અને તેનાથી વધુ દિલને અથડાય છે. હંમશા મારે સ્કૂલમાં 1 થી 3 વચ્ચે જ નંબર આવતો. દર વર્ષે ઉનાળાના વેકેશનમાં મારી કપડાની એક જોડી ફિક્સ જ હોય. નંબર લઇ આવવાનો અને પપ્પા વિના કહ્યે ગિફ્ટ લઇ આવે, ભલે એ મહિને ગમે તેટલી કરકસર હોય.

પપ્પાના ખિસ્સાની ડેડ લાઈન કરતા જ્યારે મારી માગણીઓ વધુ હતી, ત્યારે તેઓએ પોતાની હૃદયની દબાયેલી લાગણીઓને ‘પોસ્ટપોન’ કરીને મારી ‘પ્રેઝન્ટ’ની માગને વધુ યથાર્થ ઠરાવી. ભગવાન મજબૂત હૃદય તેથી જ બનાવતા હશે પિતાનું કે જેથી તેઓ પરિવારની સુરક્ષા કરી શકે. પોતાને શરદી છે એવું કહીને મને આઈસ્ક્રીમ લઇ આપતા. પોતે ચપ્પલ સંધાવીને પહેરતા, અને મારા ચપ્પલને સાંધો કરાવતા પહેલા નવા લઇ આપતા. પોતાના શર્ટનો કોલર ઘસાઈ ગયો હોવા છતાં તેઓ મને એક્ઝામનું રિઝલ્ટ આવે તે દિવસે નવી-નક્કોર જોડી જરૂર લઇ આપતા. દરેક બર્થ ડે પર મારી ડિમાન્ડ પૂરી કરીને ડબલ ખુશીનું બંડલ આપતા. આર્થિક પરિસ્થિતિને ક્યારેય સામે લાવ્યા વિના જ હિંમત આપી. મોટિવેશનના નામ પર તેમની વાતો અને અવાજ જ કાફી છે. પ્રેમ પણ આપશે અને શીખ પણ આપશે.

આજે પણ જયારે લાઈફના ટ્રાન્સફોર્મેશન ફેઝ પર ઉભો છું અને ઘરેથી કમાવા માટે કદમ બહાર મૂક્યો ત્યારે પપ્પાએ માત્ર એક જ વાત કહી, ‘તારા પર કોઈ જ પ્રેશર નથી બેટા..! તું માત્ર તારો ખર્ચો પૂરો કર અને મારે કોઈ જ વસ્તુ નથી જોઈતી. તારે ગમે ત્યારે જરૂર હોય ત્યારે મારી પાસે માગજે. ધીરે-ધીરે પ્રગતિ થશે. પરંતુ, એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તારા નામે આજથી પાંચ વર્ષ પછી આપણા કુટુંબનું સ્ટેટસ વધવું જોઈએ. મહેનત કરો, ફળ જરૂર મળશે. ઈશવિશ્વાસ અને સ્વ-વિશ્વાસ હંમેશાં રાખજે. અને, મોજ કર. હું છું હજુ."

આ  વાતને એક વર્ષ થયું. પણ પપ્પાએ કદી કોઈ બંધન નથી રાખ્યું. હા, મારા વિકાસ પૂરતી અપેક્ષા જરૂરથી રાખી છે.એમણે મને હંમેશાં સાથ આપ્યો છે. તેઓ એક પ્રેમાળ મિત્ર બન્યા, જાણે – અડધી રાતનો હોંકારો. તેમનું જીવન મેં બહુ સરળતા પૂર્વક વીતતું જોયું છે. દરેક મુશ્કેલી સમજ્યા પછી સ્પષ્ટ નિર્ણય લેતા એમની પાસેથી શીખ્યો છું. તેઓ મારા માટે આદર્શ રહ્યા છે. જ્યારે- જ્યારે જીવનમાં રોલ મોડલ વિશે પ્રશ્નો પૂછાયા ત્યારે મારા જવાબમાં માત્ર ‘પપ્પા ...!’ જ જીભ પર આવ્યું છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.