વહાલનું સરનામું મારા પપ્પા

19 Jun, 2016
12:00 AM

શ્વેતા સુતરીયા

PC:

(શિવાની ભરાડ)

કેટલા કઠણ હૃદયથી એક પિતા,

વહાલસોઈ દીકરી ને વિદાય આપે છે.

એના દર્દના એહસાસ નો,

અંદાજ પણ ક્યાં લગાડાય છે.

બાળપણથી માવજત કરેલી એક કળી ને,

તાજી  જ ખીલે ત્યાં બીજા ને સોંપે છે.

માથે હાથ પસવારી જેણે મોટી કરી,

 એ જ હાથ છોડી એ ચાલી જાય છે.

છતાંય નિસ્વાર્થ ભાવે એ દીકરી માટે,

હંમેશાં સુખ જ માગે છે.

ક્યારેય કશું જ ન કહેતા પપ્પા,

વિદાય વેળા એ છૂટ્ટા મોઢે રડી લે છે.

કેટલા કઠણ હૃદયથી એક પિતા,

પોતા ની દીકરી ને વિદાય આપે છે.

- " પાંપણ "

વહાલા પપ્પા,

જય શ્રી કૃષ્ણ ભૂદેવ! હાહા, હસું આવ્યું ને ? આજ કાલ તો ઘર માં પપ્પા બોલું  તો બે વ્યક્તિઓ ની આંખો ઊંચી થાય છે, અને એવા આ સંજોગ માટે ભગવાન ને દિલથી થૅન્ક્સ!! વિચારું છું કે પહેલા કયા પપ્પા ને સંબોધું ? મને સમજાતું નથી કે બંને વચ્ચે ફર્ક જ ક્યાંથી કાઢું ? આજકાલ તો બેય ભેગા થઈ ને મારી ઉડાવે છે, નવી નવી ખીજો પાડે છે, નાની નાની વાતે મારું ધ્યાન રાખે છે  અને  મૂડમાં હોય તો મારી ટીમ માં પણ આવી જાય છે.

મને એમ લાગે છે કે આ દુનિયામાં એક જ એવી વ્યક્તિ હશે, જેને જશ લેવાનો ગમતો જ ના હોય તો એ મારા, તમારા અને આપણા સૌ ના પપ્પા !! આટલી વાત તો બધા ના જ પપ્પા માં કૉમન હશે. મને ઘણી વાર વિચાર આવે છે કે કોઈ વ્યક્તિ આટલી નિસ્વાર્થ કેમની હોઈ શકે ? થાક શબ્દ જેની ડિકશનરીમાં નથી એ વ્યક્તિ મારા થાક નો કેટલો ખ્યાલ કરે ?મારી સગવડતા જો જરાક  નહીં સચવાય તો એનો રંજ તરત થઈ જાય ને વળી મારી સગવડતા સાચવતા પોતા ને અગવડ પડે તો પણ એમના ચહેરા પર હાસ્ય જ રમતું હોય! એવું શું હશે તમારામાં પપ્પા ? પોતાના બાળકોને સાચવવાનો એટલો બધો આનંદ આવતો હશે? પોતે પીડા સહી ને પણ હસતા ચહેરાઓ જોવાનું  તમને એટલું  બધું ગમતું હશે?

પપ્પા, મેં હંમેશાં એક સારા માણસ બનતા તમારી પાસેથી શીખ્યું છે. અલબત્ત, તમે કદી બેસાડી ને શિખામણ નથી આપી એક સિવાય! અને એ એક શિખામણ આપી હતી એનો તમને અને મને કેટલો ગર્વ છે એ તો આપણે બંને જાણીએ જ છે !

મમ્મી તો રોજ હજારો વાતો કરે, હજારો વાતો પર ટોકે, વાત-વાતમાં શિખામણ આપે, પણ જે કશું જ  ના બોલી ને આચરણ કરી ને શીખવાડે એ પપ્પા! મને જીવન જીવવા ની સાચી રીત તમે જ શીખવાડી છે અને હજી પણ શીખવાડતા જ જાઓ છો. જેના ગુસ્સામાં પણ પ્રેમ અને કાળજી હોય એવી વ્યક્તિને સમજવી અઘરી છે. કારણ એટલું જ કે બહારથી આટલા ટફ લાગતા પિતાના અંતર ને સમજવું એટલું જ ટફ છે. મારી નાની નાની માગો પૂરી કરવા અથાગ મેહનત કરતા પપ્પા, મારી મોટી મોટી ગૂંચવણો ના ઝટ હલ  શોધી નાખતા પપ્પા, રડતી રડતી આવું તો ચીડવી ચીડવી ને હસાવી દેતા પપ્પા! મારા હાથની બળેલી ભાખરી મિષ્ટાનની જેમ આરોગતા મારા પપ્પા! મારા માટે મમ્મીને ખીજાતા મારા પપ્પા! જરૂર પડે તો મિત્ર બની જતા અને ઘણી વાર હિટલર બનતા પપ્પા! ભોળા ભૂદેવ અને ધીર-ગંભીર વિચારો કરતા મારા પપ્પા! જવાબદારીનો ભાર લઈને ફરતા તોય હળવાફૂલ લાગે એવા મારા પપ્પા! કદાચ તમને જાણ નથી પણ તમારી દરેક નાની નાની વાતો ની હું નોંધ લઉં છું એટલે તો દરેક વાતે તમારી પાછળ પોલીસ બની ને ફરું છું. કદાચ એક દીકરી થી વધારે કોઈ એક પિતા ન ક્યારેય નહીં સમજી શકે.

જીવન ની કપરીમાં કપરી પરિસ્થિતિમાં પણ તમે કેમના હસતા  રહો છો ? કોઈ નોખી જ માટીના માનવી લાગો છો મને તો ! તમે કેમની વિદાય આપી હશે  મને?આટલું સાચવી ને મોટી કરેલી દીકરી ને તરત એક ક્ષણ માં બીજા ને સોંપી દેવાની? એવી હિંમત તમારા માં ક્યાંથી આવતી હશે પપ્પા?  અડધું જીવન સુધી જેની ઢાલ બની ને ઊભા રહ્યા એને બીજા ને સોંપતા કાળજું કેવું કપાયું હશે? કદાચ એ તમારા જીવનની સૌથી નાજુક ઘડી હશેને પપ્પા? છૂટ્ટા મોઢે રડવાનો તમને એ એક જ અવસર મળે છેને પપ્પા? કાલે જ મારા બાળપણની એક નાની સરખી વાત કરતા તમારી આંખમાં કેવા આંસુ આવી ગયા હતા. તમે કદી કોઈ ને પામવા નથી દેતા કે તમારા હ્ર્દયમાં શું ચાલે છે. તમારી આંખો પણ એ સમજી ગઈ હશે, એટલે જ આવેલા આંસુઓને પાછા  દિલમાં ઉતારી દેવાની ઝડપ એમાં આવી ગઈ છે! તમારીને મારી આંખો એક સરખી જ છે. ફર્ક બસ એટલો જ છે કે એક આંખના સપનાં બીજી આંખે પૂરા કર્યાં તો ગર્વ અને ખુશીયોથી બીજી આંખ ભીની થઈ છે. એવી જ બીજી બે આંખો કાયમ ને આગળ વધવા ની દિશા બતાવતી રહે અને મૂક છતાંય ઢગલો આશીર્વચનો આપતી રહે છે !

ચાલો એક વાત યાદ કરાવું. તમને આપણું સ્કુટર યાદ છે ? એમાં આગળ ઊભા રહી ને આપણી શાન સવારી નીકળતી, હું કેવી પોરસાતી હતી! બિલકુલ એવા જ હાવ-ભાવ ત્યારે પણ આવ્યા તા જ્યારે તમે મારું સ્કુટર લઈ આવ્યા ! કેવું લાવી ને ચાવી હાથ માં આપી હતી યાદ છે ? મારી પાછળ બેસી ને કેહતા તું મારી દીકરી એટલે સરસ જ ચલાવે! કાલે જ્યારે મેં ગાડી કાઢી ત્યારે ફરી એના એ જ ભાવ મેં તમારા ચેહરા પર જોયા પપ્પા! તમને અંદાજોય નથી પપ્પા કે એ ભાવ માં શું હતું ! એ ભાવની સાચી ખુશી તો કદાચ તમારા દિલ ને જ ખબર હશે . આજે મોટી મોટી ગાડીઓ જાતે ચાલવું ને તો પણ સ્કુટરમાં આગળ ઊભા રહી ને જે શાન લાગતી હતીને એ લાગતી નથી !!

તમે હમણા  જ  એવું બોલ્યા ને કે હું જરાય નથી બદલાઈ. હા, પપ્પા તમારા માટે હું કદી જ નહીં બદલાઉં ! હું ભલે  મોટામાં મોટી હસ્તી બની જાઉં, પણ તમારી દીકરી હોવાથી ઊંચું સન્માન મારી માટે છે જ નહીં ! મને તમારી દીકરી હોવા નો જે ગર્વ છે એવો ગર્વ કદાચ મને કદી કોઈ વાત, કોઈ ઉપલબ્ધી પર નહીં થાય. અને એમ પણ હું શું કામ બદલાઉં? નાની નાની ફરિયાદો ને ચર્ચાઓ જે તમારી સાથે કરતી એ હવે અહીં બીજા પપ્પા સાથે કરું છું. હા, થોડી મોટી થઈ ગઈ એટલે તૂટી-ફ્રૂટી જેવી નાની વાતો પર જીદ નથી કરતી. જોકે હવે બે ની જગ્યા એ ચાર આંખોના સપના પુરા કરવા ની જવાબદારી ઉપાડી લીધી છે ! હું હંમેશાં કેહતી ને તમને, કે તમને મારા પર ગર્વ થશે એવા જ કાર્ય હું કરીશ પપ્પા ! તમારે ક્યારેય નીચે નહીં જોવું પડે, પાક્કું પ્રોમિસ પાડ્યું ને ?

Love you Dad. Happy Father's Day..

- એ જ તમારી વહાલી દીકરી

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.