મારા પપ્પા મારા દોસ્ત
(પ્રશાંત સોમાણી)
હજુ એવો પ્રસંગ એકાદ ઝંખું છું,
મુખે કોળીયો દેતો હાથ ઝંખું છું.
ગમે ત્યાં હોવ સુખ શાતા મળે તમને,
ખુદા પાસેથી વરદાન ઝંખું છું.
.....પ્રશાંત સોમાણી
નસેનસમાં રક્ત બનીને વહેતા માતા અને પિતાના સંબધો સહુના જીવનમાં મુઠ્ઠી ઊંચેરા હોય છે.. માને કુદરતે સહજ રીતે નાજુક ઋજુ હૃદય આપ્યું હોય છે... અને એ લાગણીઓ સહજ રીતે મમતા બની પ્રગટ થતી હોય છે. પણ બાપને કઠોર હ્રદયનો માનવામાં આવે છે, પણ હકીકતમાં એવું નથી હોતું . આખા પરિવારને ટકાવવા કઠોરપણું દર્શાવી ટકવાનું હોય છે જોકે ઋજુ હ્રદયના પિતા મળવાએ પણ અહોભાગ્ય છે અને મને એવા પિતા મળ્યાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.
મંદિરના કોઈ ખૂણે ચંદન ઘસાતું જોઉં ને મને મારા પિતા યાદ આવે. પિતા એ એવી વ્યક્તિ હશે દરેક ઘરમાં જે ઘરની ચાર દીવાલમાં વધારે સમય નહીં રહી શકે, પણ એ ચાર દીવાલ ઊભી કરવામાં આખી જિંદગી ખર્ચી કાઢશે. આપણને એમના સાંધા મારેલા કપડાં, તૂટીને કેટલી વાર ખીલીથી ડંખતી ચપ્પલ, સફેદ થતાં જતા વાળનો કોઈ જ ખ્યાલ નથી આવતો. કેટલીય વાર બસ પરિવાર માટે ખુશીની સુગંધ પ્રસારતા રહે છે મૂક બનીને અને એમના ગુણગાન ગાવાના હોયને શબ્દમાં તો કલમ સાથે આંખ પણ ટપકતી રહે...
એક શાનદાર પ્રતિભાના માલિક એટલે મારા પપ્પા મહેન્દ્રભાઈ જમનાદાસ સોમાણી. તેમની સાથે વીતાવેલ એક એક ક્ષણ યાદ છે. મારા એડમિશન વખતે પકડેલી આંગળીથી અંતિમ વિદાય વખતે મારા ખોળામાં મૂકેલ મસ્તક. શું લખું એ કંઈ જ સમજાતું નથી. મેં તો એક જ વ્યક્તિમાં બે વ્યક્તિ ગુમાવી. પપ્પા અને મિત્ર.. કદાચ આવા મિત્ર પિતા-પુત્રની જોડી ઓછી હશે, જેમાં પોતાની ગર્લફ્રેન્ડની ચર્ચા પણ બિન્દાસ્ત કરી શકાય. એક પ્રસંગ યાદ આવે છે કે...
એક દિવસ સાંજનાં ચાર વાગ્યા હતા મારો ને ક્રિષ્નાનો(ત્યારની ગર્લફ્રેન્ડ અને આજની પત્ની) લેન્ડલાઇન ફોનથી વાત કરવાનો સમય અને પપ્પાને બહાર જવાનો સમય. રાહ જોઇને બેઠેલો કે પપ્પા બહાર જાય એટલે ફોન કરું. પણ પપ્પા બહાર ગયા જ નહીં. હું પણ બે-ત્રણ વખત કહી આવ્યો, ‘આજ તમારે જવાનું નથી...’ પપ્પા કહે, ‘ના આજે એકને રંગેહાથ પકડવાનો છે.’ હું કઈ સમજ્યો નહિ એટલે અંદર જતો રહ્યો. મારો ફોન ના ગયો એટલે ક્રિષ્નાએ સામેથી કોલ કર્યો. મને તો ખબર જ હતી કે એનો જ હશે. એટલે અંદરના રૂમમાંથી રિસીવર ઉપાડીને ધીમા અવાજે ક્રિષ્નાને કહી દીધું કે પપ્પા ઘરે છે એટલે પછી કોલ કરું છું. અને થોડીવારમાં પપ્પાએ બૂમ પાડી અને મને બોલાવ્યો.
મને કહે પકડવાનો હતો એ પકડાઈ ગયો છે. હું બહાર જાઉં છું. અને હા, ધ્યાન રાખજે કે આપણા ઘરમાં બે રિસીવર છે. એટલે ખબર પડી ગઈ કે બંદા પકડાઈ ગયા છે. મને કહે, ‘કાલે બોલાવી લેજે એને ઘરે...’ મેં પૂછ્યું, ‘પપ્પા તમને કેમ ખબર પડી...? ને કેમ શક ગયો...’ મને કહે, ‘ડોફા હું પણ તારો બાપ છું... આમ જ થોડા આ વાળ ધોળા કર્યા છે? આ લેન્ડલાઇનનું બીલ આવે એટલે ખબર પડી જાય કે ભાઈ સાહેબ ક્યા ટીંગાણા છે. જેનું બીલ ત્રણસોથી વધુ નહોતું આવતું એ 1250 એ પહોચ્યું એટલે સમજાય બેટા કે ખીચડી શું રંધાઈ રહી છે. હવે આખી સ્ટોરી તું કહીશ કે હું શોધી લઉં...?’ એટલે મેં બધું કહી દીધું અને પપ્પા કહે, ‘મેડમજીને બોલાવી લેજો કાલે...’ અને આપણો ભાંડો ફૂટી ગયો.
એક દિવસ કોલેજ જતાં પપ્પાએ પૂછ્યું, ‘ખીસામાં કેટલા પડ્યા છે?’ મેં કીધું હશે ‘પચાસ રૂપિયા જેટલું...’ બીજા કોઈ પૈસા તો લાગવાના નથી સ્ટેશન સુધી ચાલીને જવાનું ને બસનો પાસ એટલે બીજા પૈસાની શું જરૂર...? મને કહે, ‘આ બીજા સો રાખ. હવે તું ગર્લફ્રેન્ડવાળો કહેવાય એટલે રાખવા પડે અને કાનમાં કીધું કે વાવાઝોડું ગમે ત્યારે ત્રાટકે આપણે તૈયાર રહેવાનું.’ હું ને પપ્પા ખૂબ હસી પડ્યા હતા અને પપ્પાનો એ ચહેરો આજ પણ યાદ છે.
પપ્પા રાજયકક્ષાના ખો-ખો, કબડ્ડી, બાસ્કેટબોલ અને આર્ચરીના ખેલાડી. અઢળક ઇનામો અને સર્ટિફિકેટ્સ જીતેલા. NCC ના “A” સર્ટિફિકેટ વિનર. ડ્રામામાં પણ સ્કૂલ ચેમ્પિયન! આવી અઢળક સિદ્ધિઓના તેઓ માલિક, પણ નસીબ જરા આડું ચાલ્યું અને ગોલ્ડન સ્પુનબોય એવા મારા પપ્પા હીરા ઘસવાની સ્થિતિમાં આવી ગયા. પણ કદી હિંમત હાર્યા નહિ અને મને હારવા દીધો નથી કદી. જોકે સમય પોતાનું કામ કાયમ કરતો જ રહે છે. સમયચક્ર ફર્યું અને પાછા અમને ખૂબ સરસ રીતે સાચવી લીધા. બસ મારે સાચવાનો વારો આવ્યો ત્યારે જ એમણે સાથ છોડી પોતાની મસ્તીમાં અલવિદા લઇ લીધી. બસ પપ્પા વિશે એટલું જ કહી શકીશ કે આઇ લવ યુ પપ્પા..
સ્વર્ગથી આશિષ તમે આપો પપ્પા,
હાથ મારા શીશ પર રાખો પપ્પા.
વૃક્ષનો એ છાંયડો બનતાં તમે,
આવનારા દુઃખ દર્દ કાપો પપ્પા.
ભીંત પર ફોટો નથી, છે લાગણી,
જિંદગીભર સાથમાં લાગો પપ્પા.
આપ તો દિલમાં વસો છો રાત’ દી,
છે તમારો આશરો સાચો પપ્પા.
આપને જોનાર પણ ના ઓળખે,
માનવીમાં દેવતા લાગો પપ્પા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર