બસ, મેં એક જ વાર એમને આખી જિંદગી માટે દુઃખી કર્યાં
હજુ, બે દિવસ પહેલાં 16મી જૂને મોટાભાઈનું ઘર છોડ્યે સત્તર વર્ષ થયાં.
ફાધર્સ ડે આવી રહ્યો છે એ સોશિયલ મીડિયાને કારણે ગૂંજી રહ્યું હતું. આમ તો અમારા બંનેની રોજિંદી જિંદગીમાં કેટલીયવાર પોતપોતાના પપ્પાના ઉછેર અને કેળવણીની વાતો આવી જ જાય છે. છતાંય, 16મી જૂનની સાંજે મેં અને મારા જીવનસાથી કૃષ્ણકાંતે બંનેએ પોતપોતાના પપ્પા સાથેના સંસ્મરણોને ખાસ વાગોળ્યાં. અમારા બંને માટે પોતપોતાના પપ્પા હીરો છે. દીકરી માટે તો એનો પહેલી વિજાતીય વ્યક્તિ અને વિજાતીય છતાં પવિત્ર પ્રેમ એટલે એના પપ્પા. મારું પણ કંઈક આવું જ છે.
છેલ્લે ક્યારે અવાજ સાંભળ્યો હતો કે છેલ્લે ક્યારે સ્પર્શ કર્યો હતો...?
એ વાત યાદ આવે છેને તો પણ આજે મારા રુંવાડા ઉભા થઈ જાય છે. છેલ્લે ફોન કરેલો કે, મારે મારા ઓરિજિનલ સર્ટિફિકેટ જોઈએ છે. તો એટલા રૂક્ષ અવાજે એમણે ના કહી. કહ્યું, બધું સળગાવી દીધું છે. અને પટાક દઈને ફોન મૂકી દીધો. એક એંગેજ ટોન મારા કાનમાં સંભળાતો રહ્યો. અને જાણે મારા મનને તમ્મર ચડી ગઈ હતી.
છેલ્લાં સ્પર્શની વાત તો લખવા બેસું છું ત્યારે મારા શબ્દો કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર મને ધૂંધળા દેખાય છે. 17મી જુલાઈ, 2010ની સાંજે મોટાભાઈ ચાલવા નીકળેલા. ઘરથી થોડેક જ ફૂટ દૂર હતાં. ત્રણ ગાયો ઝઘડી રહી હતી અને એમાંથી એક ગાયે પાટું મારી. મોટાભાઈ પડી ગયાં અને એમને બ્રેન હેમરેજ થઈ ગયું. આ વાતની મને તો બહુ પછી ખબર પડી. મોટાભાઈ સિરીયસ છે એ વાત મને ઘણાં બધાં લોકોએ ફોન અને મેસેજ દ્વારા પહોંચાડી. ઘરના કોઈ વ્યક્તિનો ભેટો ન થાય એ રીતે હું મોટાભાઈને રાજકોટની વોકહાર્ડ હૉસ્પિટલના આઈસીયુમાં મળવા ગયેલી.
143 નંબરના બેડ ઉપર મોટાભાઈ સૂતા હતા. મેડીકેટેડ ટેપથી ચોંટાડી દેવાયેલી આંખો થોડી ખુલ્લી હતી.
તરત જ મનમાં સવાલ થયો, શું આ આંખોને મારી રાહ હતી?
બેડની નજીક ગઈ. નક્કી કરી રાખ્યું હતું કે, નવ વર્ષ પછી જોઈ રહી છું એટલે રડીશ તો નહીં જ. થોડીક મિનિટો કે થોડીક સેકન્ડ માટે પણ મારે મારી આંખોમાંથી મોટાભાઈની છબી ધૂંધળી નથી થવા દેવી.
એક ડર પેદા કરે એવો સન્નાટો આઇસીયુમાં હતો. નજીક જઈને એમના ચરણ સ્પર્શ કર્યાં. વંદન કર્યાં. થોડાં જ કલાકોમાં એમનું વેન્ટીલેટર હટાવી દેવાનું છે એ મને ખબર હતી. એટલે જ એમની સમ્મુખ ભગવાનને યાદ કર્યાં. મોટાભાઈને સોરી કહ્યું. ભગવાનને પ્રાર્થના કરી કે, આ મારું સોરી એમને કહ્યું છે. હવે તું એમના જીવને શાંતિથી નીકળી જવા દે જે. કોઈ દર્દ ન થાય. આમ પણ મેં ઘર છોડ્યું એ પછી એક દર્દમાં એ જીવ્યાં છે. હવે એમને મુક્તિ આપી દેજે.
મોટાભાઈના માથાં ઉપર સ્પર્શ કર્યો તો પાટો એકદમ ભીનો હતો. લોહીનો ગરમાટો ફીલ થયો. ગંગાજળના થોડાં ટીપાં એમના મોઢામાં રેડ્યાં. માથાં પર કપાળ સુધી પાટો હતો. નાક અને ગાલ થોડાં થોડાં દેખાતા હતા. એ બંને ગાલને એકદમ હેતથી સ્પર્શ કર્યો. એ સમયે મને ફીલ થયું કે, મોટાભાઈના આત્માએ, સુષુપ્ત મને મારી હાજરીની નોંધ લીધી છે. બેભાન હતાં પણ આત્મા સચેત હતો. કદાચ એ એમની જ્યોતિની રાહ જોતો હતો? એમનું શરીર સહેજ હલ્યું. હું એકદમ ચમકી ગઈ. કૃષ્ણકાંત મારી સાથે હતા. એણે આ હલચલની નોંધ લીધી. બસ, થોડીવાર ત્યાં ઊભી રહી અને પછી નીકળી ગઈ.
2001માં ઘર છોડ્યું ત્યારે કોઈ દિવસ વિચાર નહોતો કર્યો કે, આ રીતે મોટાભાઈને મળવાનું થશે. આ વાતને આજે યાદ કરું છું તો આંખોનો સૂનકાર અસ્તિત્વ સાથે જોડાઈ જાય છે.
ફાધર્સ ડે પર ઘણીબધી યાદો ઘેરી વળે એ સ્વભાવિક વાત હોય છે. આપણે જીવીએ ત્યાં સુધી આપણાં મા-બાપ આપણાંથી કોઈ દિવસ અલગ થતાં જ નથી એ વાત આપણે સૌ અનુભવતા જ હોઈએ છીએ.
આ લખવા બેઠી છું તો સૌથી પહેલો એક પ્રસંગ આંખો સામે તરવરી ઊઠે છે.
હું લગભગ દસેક વર્ષની હોઈશ. સવારે સાડા દસ વાગે તો અમારા ઘરમાં બધાએ જમી લીધું હોય. એક દિવસ મોટાભાઈ ઓફિસે જતા હતા અને ભાભી એવું બોલ્યાં કે, આ રાવલની ગગીઓને જેવું તેવું તો ચાલશે નહીં. જાણે સાત ખોટની છુઓ બધી....
મોટાભાઈ સુવેગા (સ્કૂટર) લઈને ઘરની બહાર નીકળતા જ હતા કે, એમણે આ વાત સાંભળી લીધી.
એ બહાર ગયા. સુવેગાની ઘોડી ચડાવીને પાછાં આવ્યાં. આજ પછી મારા છોકરાંવને તારે સાત ખોટના નહીં કહેવાના. એ બધાંય સાત નહીં પણ ચૌદ ખોટના છે. અને પછી બંને વચ્ચે મીઠો ઝઘડો થયો. નેચરલી પત્નીના પિયરને લગતી બે-ચાર વાતો કટાક્ષમાં મોટાભાઈએ કહી અને ઓફિસે જવા નીકળ્યા. એ દિવસે હું અને મારી બહેનો પારુલ તેમજ સોની સાથે હતાં. અમે ત્રણે તો જાણે આસમાનમાં વિહરતા હતા...
અમે મૂળ તો જૂનાગઢ નજીકના માણાવદર ગામના. મોટાભાઈ મતલબ કે મારા પપ્પા પ્રભુલાલ રાવલ માણાવદર દેના બેંકમાં નોકરી કરતા. અમે ચાર બહેનો. કલ્પના, પારુલ, જ્યોતિ અને સોનલ. અમારા લોકોના અભ્યાસ માટે માણાવદરથી અમે રાજકોટ આવીને વસ્યા. 1980ની સાલમાં આવ્યા ત્યારે હું છ વર્ષની હતી. અમારા ભણતરમાં કોઈ અડચણ ન આવે એટલે મોટાભાઈ પ્રમોશન લેવા માટે સક્ષમ હોવા છતાં તેમણે પ્રમોશન ન લીધું. અમે ચાર બહેનો સ્વભાવ અને દેખાવમાં એકમેકથી તદન જુદી છીએ. હા, મારા ફીચર્સ થોડા મોટાભાઈ જેવા છે એવું હું માની લઉં છું. અને મને એવું વિચારવાનું ગમે પણ છે.
મોટાભાઈને પહેલેથી મારા પર બહુ જ આશા હતી કે આ મારી દીકરી એક દિવસ ડૉક્ટર બનશે. પણ હું એમનું આ સપનું પૂરું કરવાને અસમર્થ હતી. કેમકે મને સાયન્સ ભણવાનું બહુ અઘરું લાગતું હતું. ઘરે એવું કહેવાની હિંમત ન હતી કે મારે આર્ટ્સ કે કોમર્સમાં ભણવું છે. આમ પણ નાનપણથી અમે જે એજ ગ્રુપમાં હતાં એ સમયમાં મા-બાપની આંખોનું સપનું જ આપણી આંખોમાં જોવાતું હોય છે. હું ભણવામાં દસમા ધોરણ સુધી તો બહુ જ હોશિયાર હતી. વળી, સાતમા ધોરણ સુધી તો મોટાભાઈ રોજ ભણવા માટે બેસાડતા. સવારે હું સાત વાગ્યામાં તૈયાર થઈને એમની પાસે બેસી જાઉં. એ સેટી ઉપર બેસે અને હું નીચે શેતરંજી નાખીને બેસું. પાટી-પેનથી લેસન કરવાનું. ખાસ તો ગણિત અને અંગ્રેજી મોટાભાઈ શીખવતાં. થોડી ભૂલ થાય તો સટાક કરતી થપ્પડ પડી જતી. ગાલ ચમચમી જતો અને ચાર આંગળાની છાપ પણ પડી જતી. આ મારથી બચવા આગલે દિવસે સાંજે લેસન કરી નાખતી.
હું નીચે બેઠી હોઉં. ચોપડી ઉપરથી મોટાભાઈને ઉંધી દેખાય. એ કડકડાટ વાંચી જતાં. ત્યારે મને એમ થતું કે, મોટાભાઈ કેટલા હોશિયાર છે. દોઢ-બે કલાકના લેસનમાં કોઈ બીજી વાત ન થાય. તંદુરસ્તીની બાબતમાં એકદમ ચુસ્ત એવા મોટાભાઈ 71 વર્ષ જીવ્યા. એકસરખું વજન એ જાળવી શક્યા. નાના હતાં ત્યારે અમે ચાલવા જતા. હાથ પકડીને ચાલવાની મજા અને એ સ્પર્શનો આનંદ આજે પણ સંવેદનાઓ ઝણઝણાવી દે છે.
પુસ્તકોને સાચવવાની બાબત હોય કે, ભણવાની બાબત હોય મોટાભાઈને નબળું જરાય ન ચાલે. માર્ક્સ વધઘટ થાય તો એમની લાગણી વધઘટ થતાં જોઈ છે. આમ પણ મારાથી મોટી બહેન પારુલ એમના સપનાંનું રિઝલ્ટ લઈ આવતી એટલે એ સૌથી વહાલી જ રહી. અને એનું જ ઘરમાં ચાલતું. એ કહે એ કલરનું ફ્રિઝ આવે અને એ કહે એ જ બ્રાન્ડનું ટીવી આવતું.
અમે રાજકોટ આવી ગયાં હતાં. પણ ઘરમાં વાતાવરણ બહુ જ રિજિડ હતું. સાત વાગા પછી બહાર નહીં જવાનું, ડ્રેસ જ પહેરવાના, સ્લીવલેસ, જીન્સ પહેરવાનો તો સવાલ જ ન હતો. જો કે મેં વેસ્ટર્ન ડ્રેસ પહેરવાનું શરુ કર્યું પછી ખાસ કોઈ કચકચ એમણે કરી ન હતી. ઘરમાં મોટા અવાજે હસવાનું નહીં. છોકરીઓ સાથે જ મિત્રતા રાખવાની. અમારાં કોઈનો છોકરો કલાસમેટ ઘરે ન આવી શકે. જો કે મોટાભાઈએ એટલી તકેદારી પણ રાખી હતી કે, અમને ગર્લ્સ સ્કૂલ અને કૉલેજમાં જ ભણાવ્યાં.
બહુ જ રિજિડ ખરા પણ મેં બોબી ફિલ્મ મારા પપ્પા સાથે જોઈ છે. આ વાત મને હજુ સુધી ગળે નથી ઉતરતી. એ જમાના બોલ્ડ કહેવાય એવી જુલી ફિલ્મ પણ ટીવી ઉપર અમે બધાએ મોટાભાઈ સાથે જોઈ હતી. એ ઉપરાંત બેસ્ટ મુવીઝ મને મોટાભાઈએ જ બતાવી છે. સમાંતર સિનેમા કે ક્લાસિક મૂવી, ગુરુ દત્ત, સત્યજીત રેની બંગાળી મૂવીઝ અમે બંનેએ સાથે જોઈ છે. અશોકકુમારની એક મૂવી આશીર્વાદ તો એમણે અમને કોઈના ઘરે જોવા માટે મોકલ્યાં હતા. કેમકે ત્યારે અમારા ઘરે ટીવી ન હતું.
એટલી સંવેદનશીલ મૂવી હતી એ, બાપ-દીકરી વચ્ચેના પ્રેમની અને લાગણીની વાત એમાં હતી. આ પિક્ચર જોવાનો આગ્રહ રાખતા મોટાભાઈ મારી સાથે જ એકદમ નિષ્ઠુર થઈ ગયા? ધરતીકંપની ક્લિપિંગ્સ ન્યૂઝમાં આવતી હતી ત્યારે એક કરુણ ફ્રેમ આવી અને મોટાભાઈએ એમની આંખો આગળ હાથ ધરી દીધાં હતાં. કેટલાં સંવેદનશીલ છતાંય મને કેવી એક ઝાટકે છોડી દીધી?
મને ઓછા માર્કસ આવતાં રહ્યાં અને અમારું અંતર વધતું રહ્યું. આમ પણ અમે મોટાં થઈ ગયાં પછી મોટાભાઈ એક મર્યાદામાં જીવવા લાગ્યા. બીજી બધી બહેનપણીઓના પપ્પા અને એમની વચ્ચેનો સંબંધ જોઈને મને હંમેશાં એવું લાગતું કે, મને કેમ આવો સંબંધ નથી મળ્યો? મારી બહેનપણી એના પપ્પા સાથે ચર્ચા કરી શકે, સ્પર્શી શકે, વહાલ કરી શકે પણ અમે એવું કંઈ ન કરી શકતા. મોટાભાઈએ એક કોચલામાં પોતાની જાતને પૂરી દીધી હતી. સંવેદના એમની સપાટી પર બહુ રેરલી આવતી. બાર સાયન્સમાં ઓછાં માર્કસ આવ્યાં ત્યારે એ સૌથી વધુ દુઃખી હતાં. બીએસસી માઇક્રોબાયોલોજીમાં ઓછાં માર્કસ આવ્યાં. લેબોરેટરીના કોર્સમાં એડમિશન ન મળ્યું. એ પછી બીએસસી કેમેસ્ટ્રી કર્યું. એમાં સારા માર્કસ આવ્યાં પણ એમ.એસસીમાં એડમિશન ન મળ્યું. આ ચાર વર્ષ મારી જિંદગીના સૌથી ખરાબ વર્ષો હતાં. હું શું કરીશ અને મારું શું ભવિષ્ય હશે એ જ વિચારે હું વધુને વધુ ડિપ્રેશનમાં જવા લાગી. મને કોઈ દિશા જ સૂઝતી ન હતી. જિંદગીમાં કોઈ રોમાંચ જ ન હતો. મજા જ ન હતી એવું ઘણીબધી વાર લાગતું. સૌથી મોટું પેલું ગિલ્ટ, મોટાભાઈના સપનાં પ્રમાણે હું ભણી ન શકી. એ ગિલ્ટ કેમેય પીછો નહોતું છોડતું. એ પણ એટલે જ કે હું એમની હોશિયાર દીકરીના લિસ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી. સંવાદ નહીં કરવાની ખાઈ એટલી પહોળી થતી ગઈ કે એ અબોલા સ્વરૂપે જ જીવાતી હતી.
જર્નલિઝમમાં એડમિશન લીધું અને એ ખાઈ વધુ પહોળી થઈ. 1996માં ચિત્રલેખામાં ઇન્ટર્નશીપ અને એ પછી નોકરી મળી. બસ પતી ગયું. અમારો સંબંધ એક ઘરમાં હતો પણ એની અંદરનો ધબકાર મીસીંગ હતો. એમને માટે બ્રાહ્મણની દીકરી માટે નોકરી એટલે ટીચરની સેફ નોકરી. પણ મારી તકદીર તો મને જુદે રસ્તે લઈ જતી હતી. બહારગામ જવાનું, રાત્રે મોડાં ઘરે આવવાનું આ બધું શરૂ થયું એમાં તો પરિસ્થિતિ વધુ અઘરી બની ગઈ.
એક વખત મોડી આવી ત્યારે મને કહ્યું કે, જ્યોતિબેન, (ગુસ્સામાં હોય ત્યારે મોટાભાઈ બહુવચનમાં બોલતા) આ તમારું પત્રકારત્વ મને નથી ગમતું. ત્યારે મેં કહ્યું કે, મને ગમે છે. મારે કરવું છે.
એમને સામે દલીલો કરે એ તો જરાપણ પસંદ ન હતું. એટલે અમારી રહીસહી રીલેશનશીપ પણ ડચકાં ખાવા લાગી. એક એવો ભાર મનમાં રહેતો કે, મને ગમે છે એ એમને નથી ગમતું.
મારી સ્ટોરીઝ નામ સાથે ‘ચિત્રલેખા’માં આવવા લાગી. ઓફિસમાં કોઈ પૂછે પણ ખરાં કે રાવલભાઈ ચિત્રલેખામાં જે નામ આવે છે એ તમારી દીકરી જ્યોતિ જ છે? અનિચ્છાએ એમને હા પાડવી પડતી. એમને મારા લખાણનું નામનું કે કામનું કોઈ દિવસ ગૌરવ થયું જ નહીં.
હા, એક વખત મારી સ્ટોરી એમણે દાદીમા દયાબેનને વાંચીને સંભળાવી હતી ત્યારે મને મજા પડી હતી. મેં 1996ના દશેરા વિશેષાંકમાં ભૂપત બહારવટિયાના પત્ની તેજબાઈનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. ઘરે ‘ચિત્રલેખા’ લઈ જતી પણ એમણે વાંચીને કોઈ દિવસ અપ્રિશિયેટ નથી કર્યું.
ઘરમાં ભાભી- મતલબ કે વિણાબેન આડકતરો સપોર્ટ કરતાં. પારુલ અને સોની પણ સાથ દેતાં. પણ મોટાભાઈ નારાજ રહ્યાં તે આજીવન નારાજ જ રહ્યાં. એમાં વળી, કૃષ્ણકાંત સાથેના પ્રેમની વાતો એમના કાને આવી. પરણેલાં, બે સંતાનોના પિતા અને મારા કરતાં અગિયાર વર્ષ મોટાં, બીજી જ્ઞાતિના વ્યક્તિ સાથેનો પ્રેમસંબંધ તેઓ તો શું દુનિયાનો કોઈ પિતા ન સ્વીકારી શકે. હજુ, એમનો એ દુઃખી અને રડતો ચહેરો મારી આંખોમાંથી નથી ખસતો જે દિવસે મોટીબહેન પારુલના દીકરા પાર્થની છઠ્ઠી હતી અને ઘરે નનામો ફોન ગયો હતો. જેમાં મારી અને કૃષ્ણકાંતની રિલેશનશીપની સચ્ચાઈ હતી. એ ચહેરો આજે પણ મને ધ્રૂજાવી જાય છે. મારાં પિતા હોવાનું બહુ મોટું દુઃખ એમણે વેઠ્યું છે. છેલ્લે જ્યારે મેં કૃષ્ણકાંત સાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો ત્યારે એકાદ મહિનો ઘરમાં ધમાલ ચાલી. છેલ્લે મને એવું કહ્યું હતું કે, તું જ્યારે આ ઘર છોડીને જાય ત્યારે તારી આ બેગ લઈ જજે. એમાં તારા કાગળિયા છે. જો કે, હું પહેરેલાં કપડે નીકળી ગઈ હતી. કમાઈ હતી એ રૂપિયા લીધા વગર. હા, મને કહ્યું હતું કે, તું દુઃખી થા તો પાછી આવતી નહીં. આ ઘરના દરવાજા તારા માટે કાયમ બંધ જ રહેશે.
હા, એમની સાથેના અનેક મતભેદો છતાંય એમનું ઘર અને એમને મૂકીને નીકળતાં મારો જીવ માંડ માંડ ચાલ્યો હતો. એક વાત લખીશ કે, ત્યાંથી નીકળી પછી મારી જાતને એ માહોલમાંથી કટ્ઓફ કરી નાંખી છે મેં. મેં કોઈ દિવસ કોઈના સમાચાર જાણવાની કોશિશ નથી કરી. કોઈ દિવસ કોઈને પૂછ્યું નથી કે ઘરના લોકો કેમ છે? જે નથી જ મળવાનું એની પાછળ દોડવાનો કોઈ અર્થ નથી.
મોટાભાઈની અંતિમ પળોમાં મેં એમને સોરી કહ્યું હતું. સાથોસાથ એ વાત પણ સાચી છે કે, મને મારા નિર્ણયનો કોઈ અફસોસ નથી. ઘર તો એક દિવસ દરેક દીકરીએ છોડવાનું જ છે. મારે પણ છોડવાનું હતું. એ છોડી દીધાં પછી જિંદગીમાં મળ્યું છે એનો સતત અને સખત આનંદ છે. કંઈ ખૂટતું નથી લાગ્યું. કૃષ્ણકાંતના હાથની કુમળી ચામડીમાં ઘણીવાર મોટાભાઈના સોફ્ટ હાથનો ટચ ફીલ કરવા મથતી રહું છું. કૃષ્ણકાંતની કેટલીક પરફેક્ટનેસને મોટાભાઈ સાથે જોડી દઉં છું.
સાચી વાત તો એ છે કે, મારા માટે મોટાભાઈ પહેલેથી હીરો જ રહ્યાં છે. કેમકે, મને હંમેશાં એવું જ લાગ્યું છે કે, મોટાભાઈ રિજિડ હોવા છતાં બહુ સારા હતા. નિયમો અને બંધનોમાં અમને રાખતા હતા છતાંય લિબરલ હતા. દીકરીની જેમ મને નથી ઉછેરી. દીકરાની જેમ મને નથી ઉછેરી. મને ક્યાંય પાછી ન પડું એવી તો એમણે ઉછેરી જ છે. નમતું નહીં જોખવાનો કે ગુસ્સાવાળો મિજાજ વારસામાં મળ્યો છે. જિદ્દી સ્વભાવ અને ધાર્યું જ કરવાની આદત એમના જ બાગનો ભાગ હોવાનું ફીલ કરાવે છે. હા, બાગની સંવેદના અને સંસ્કાર મેં જાળવ્યાં છે. ભલેને એ માળીએ મને એક ઝાટકે એના દિલના બાગમાંથી ફેંકી દીધી છે. એ જ સંવેદના છે જેને કારણે આજે પણ મારી આંખો કોઈ સંવેદનશીલ વાતને લઈને વરસી પડે છે. ઘરમાં આર્થિક, માનસિક કે લાગણીની જરુર હોય ત્યારે હું જાણે મોટાભાઈના સંસ્કારોને જીવતી હોય એવું લાગે છે. મોટાભાઈના ઘરની જેમ મારે ઘરે પણ મહેમાનો ખૂટતાં નથી. મારો જીવ એમની જેમ બહુ ઉદાર છે. ઘર ખાલી નથી હોતું અને બધાં લોકોને ઉદાર દિલથી સાચવવાનો વારસો મેં જાળવી રાખ્યો છે. મારી અંદર જે કંઈ સારું છે એ મોટાભાઈનું જ આપેલું છે. મુઝમેં જો કુછ અચ્છા હૈ સબ ઉસકા હૈ...
મારા માટે એ દુનિયાના સૌથી ચારિત્ર્યવાન અને સંપૂર્ણ વ્યક્તિત્વ હતા. વાચનનો વારસો પણ એમણે જ આપ્યો છે. વાચનની સાથે વિચારોની સ્પષ્ટતા અને સાચું કહી દેવું એ પણ મને મોટાભાઈ તરફથી ડીએનએમાં જ મળ્યું. મને બાળપણમાં ચારેક અનુભવો એટલાં ખરાબ થયા હતાં કે, મારા માટે દુનિયાના તમામ પુરુષો બહુ જ ખરાબ કક્ષામાં આવતાં હતાં. મારા પિતા મોટાભાઈ એક જ સ્વચ્છ મનના છે એવી દૃઢ માન્યતા સાથે હું એકવીસ વર્ષ સુધી જીવી. એ પછી કૃષ્ણકાંતનો પરિચય થયો અને જિંદગીને જોવાની અને જીવવાની એક નવી દિશા ઉઘડી.
મોટાભાઈએ મને એમણે એમની મરજી વિરુદ્ધ કામ કરવા માટે કે જીવનસાથી માટે કોઈ દિવસ ટોર્ચર નથી કર્યું. કોઈ દિવસ સંભળાવ્યું નથી. કોઈ દિવસ કડવા વેણ નથી કહ્યાં. એમનો ચહેરો જ બધું કહી દેતો. એમનો કડપ જ એવો હતોને કે, ઘરમાં એમને પાછળથી બધાં હિટલર જ કહેતાં. એમની ઘરમાં એન્ટ્રી થાય કે સોંપો પડી જતો. આજે વિચારું છું ત્યારે એવું જ લાગે છે કે, ચાર દીકરીઓનો પિતા આવું જ વર્તન કરે. મને એ ત્યારે પણ ખોટાં નહોતા લાગતા અને આજે પણ ખોટાં નથી લાગતા.
હા, અમારી વચ્ચે સંવાદ બહુ ઓછો થતો. પિતાસહજ અંતર અને મતભેદ મનભેદમાં પલટી ગયાં. મારો રસ્તો સાવ જુદો થઈ ગયો. છતાં એ રાહ પર આંગળી પકડનારા જન્મદાતા અને મારા માટે દુનિયાના બેસ્ટ વ્યક્તિને હું આદરપૂર્વક વંદન કરું છું. બહુ જ મર્યાદિત વસ્તુઓ વચ્ચે અમે જીવ્યાં છીએ પણ કોઈ દિવસ કંઈ ખૂટતું હોય એવું અમને લાગ્યું નથી. ઘણીવખત મને એવું લાગે છે કે, મોટાભાઈનો સાચો વારસો મારી અંદર જ ઉતર્યો છે. જે રીતે હું જીવું છું એ જ રીતે એમણે પરિવારજનો માટે પોતાનો ભોગ આપ્યો છે. બધું જ કરી છૂટ્યાં છે. બસ એ વ્યક્ત નહોતાં થતાં જલદીથી. ભલે એ વ્યક્ત નહોતાં થતાં, ભલે કદાચ પારુલ એમને અમારા ચારેયમા સૌથી વધુ વહાલી હતી. પણ એમની સંવેદનશીલ, ડાહી, સમજુ અને એમના સંસ્કારોને જાળવી રાખનારી તો હું એમની સ્પેશિયલ દીકરી જ છું. મારી અંદર આજે જે હું જીવું છું એ એમનું જ છે.
છેલ્લે એમનો વ્યક્ત થયાનો કિસ્સો યાદ કરીને મારો લેખ પૂરો કરું.
મારી મોટીબેન કલ્પનાના લગ્ન હતાં. દાંડિયારાસની સાંજે હું મારા નવા ચણિયાચોળી લઈને આવી હતી. મારાથી નાનીબેન સોની કોઈ વાતે જીદે ચડી હતી. મારી પાસે નવા કપડાં નથી એમ કહીને એણે દેકારો મચાવી દીધો હતો. મોટાભાઈ આ સાંભળીને આવ્યાં. અને બોલ્યાં શું છે? મેં તરત જ કહ્યું કે, કંઈ નથી મોટાભાઈ. આ સોનીને નવા કપડાં પહેરવા છે. ઓલા મારા ચણિયાચોળી લાવી છુંને એ હું એને આપી દઈશ. તમે ચિંતા ન કરો. કંઈ નથી થયું. હું મારો બીજો ડ્રેસ પહેરી લઈશ. તમે જાવ બીજાં કામ પતાવો.
હું હાર્ડલી ચૌદ વર્ષની હોઈશ. એ દિવસે મોટાભાઈ મારી આંખોમાં જોઈને બોલ્યાં હતાં કે, મારી સમજુ અને ડાહી દીકરી તું એક જ છે. બસ, આ વાત વારેઘડીએ યાદ આવી જાય છે. હવે, મોટાભાઈ એવું કહેવા માટે નથી કે મારી સમજુ અને ડાહી દીકરી તું એક જ છે. હવે, એવું કહેવા માટે ઘરનો એક સભ્ય પણ વાત નથી કરવાનો કે, આ લેખ તે બહુ સરસ લખ્યો છે. સાચી વાત એ છે કે, જે છે તેમાં જ જીવવામાં હું માનું છું. એટલે જ લખું છું, લાઇફ ઇઝ બ્યુટીફૂલ.... કેમકે, મોટાભાઈએ હું સાતેક વર્ષની હતી ત્યારે મને સૌથી અઘરો સ્પેલીંગ પૂછ્યો હતો અને સ્પેલીંગ હતો બ્યૂટીફૂલનો. મને ત્યારે એ આવડી ગયેલો...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર