મારા પપ્પા મારું બળ

19 Jun, 2016
12:04 AM

mamta ashok

PC:

(હિરલ દેસાઈ)

દુનિયાના દરેક પિતાને Father's dayની ઘણી ઘણી શુભકામનાઓ. Father's day એટલે પિતાનો દિવસ, પણ એક દીકરી માટે તો એ નાની હોય ત્યારથી જ રોજ Father's day હોય. વળી, મારા માટે મારા પપ્પા એટલે મારું સર્વસ્વ. આખી દુનિયામાં સૌથી અમૂલ્ય વ્યક્તિ, જે મારી દરેક વાતને સહન કરે અને મને એમના પર કુદરતી રીતે જ આંધળો વિશ્વાસ કે મારા પપ્પા મારી સાથે હોય તો હું આખું જગત જીતી લઉં અને કોઈ મારો વાળ પણ વાંકો ના કરી શકે.

શરૂથી શરૂ કરું તો હું મારા પપ્પાની બિલકુલ કાર્બન કોપી. દેખાવમાંય અને સ્વભાવમાંય! અમે બંને અંતર્મુખી સ્વભાવના અને થોડા તોછડાયે ખરા. જિદ્દી અને જટિલ! લાગણીશીલ તો ઘણા પણ ન તો લાગણી બતાવતા આવડે ન જતાવતા આવડે! મોટેભાગે તો કોઇના પ્રત્યેની લાગણીયે ગુસ્સો કરીને વ્યક્ત કરીએ. પ્રેમના શબ્દો અમને બંનેને બોલતા નહીં આવડે અને બીજાને જો પ્રેમથી બોલતા જોઈએ તો હસીને મનમાં વિચારીએ કે આ શું લાગણીવેડા કર્યા કરે? વારંવાર લાગણીવેડા કરતા લોકો અમને હંમેશાં નમાલા લાગ્યા છે!

સિદ્ધાંતો અને કાયદા અમારા પોતાના બનાવેલા અને એનું પાલન કરવામાં જરાયે બાંધછોડ નહીં ચાલે. હવે પરણીને સાસરે આવી છું પણ મને આજેય એવું લાગે કે મારા પપ્પા આખી દુનિયામાં સૌથી વધારે પ્રેમ મને જ કરે. મારા નાના ભાઈનેય એવું લાગે કે અમારા બેમાં પપ્પાની સૌથી વધારે લાડકી હું!  આમ તો હું એમની મોટી દીકરી, પણ પપ્પાનો પ્રેમ મને વધારે મળે. આ લખવામાં સ્માઈલી મૂકાતું હોત તો હું અહીં જીભ કાઢવાવાળું ઈમોજી મૂકીને ભાઈને ચીઢવી લેત!

નાની હતી ત્યારથી મારા જન્મદિવસ પર પપ્પા મારે માટે નવા કપડા લાવે અને હુંય જન્મ દિવસને દિવસે એ જ પહેરું. આજે 30 વરસની ઉંમરેય એ વાત કોમન કે મને નવા કપડા જ જોઈએ! પપ્પાને ફેશનનો ઝાઝો ખ્યાલ નહીં હોય એટલે મારા પપ્પા પોતાની સમજ પ્રમાણે એક જ ડિઝાઈનના જુદા જુદા રંગોના બે-ત્રણ જોડી ડ્રેસ લઈને આવે. પપ્પાની લાગણીઓ અને એમના પ્રેમની આગળ તો ભલભલી બાબત પાણી ભરે, પણ એક જ ડિઝાઈનના બે-ત્રણ ડ્રેસો પહેરે કોણ? એટલે પછી હું એક તરકીબ કરું અને હું પપ્પાના વોલેટમાંથી કપડાની દુકાનનું બિલ ચોરીને બીજા દિવસે દુકાનમાંથી ડ્રેસ બદલાવી લાવું! પપ્પાની ચોઈસનો એક ડ્રેસ રાખું અને બીજા બે બદલાવી દઉં અને દુકાનવાળા કાકાને કહી પણ આવું કે મારા પપ્પાને કંઈ કહેતા નહીં કે હું કપડા બદલાવી ગયેલી! દુકાનવાળા કાકા પણ મસ્ત સ્માઈલ આપીને મારા માથે થપકી મારીને કહે, ‘દીકરી એટલે દીકરી.’ અને મારા ભોળા પપ્પાને ખબર પણ નહીં પડે કે એમની લાડકી જે ડ્રેસ પહેરે છે એ તેઓ લાવેલા એ ડ્રેસ નથી, પણ બીજા છે! (કદાચ ખબર હશે તો મારું મન રાખવા તેઓ કંઈ બોલતા ના હોય એવું હવે મને એક દીકરાની મા બન્યા પછી લાગે.) અને કદાચ એટલે જ આજે મારા માટે મારા જન્મદિવસ કરતા મારા પપ્પાનો જન્મદિવસ વધારે મહત્ત્વનો. લગ્ન પછી આ નિયમ મેં બનાવેલો કે પપ્પાનો બર્થ ડે આવે તે પહેલાં હું પપ્પા માટે શર્ટ મોકલાવી આપું અને પપ્પા પણ મારી જેમ એ જ પહેરે.

મારી જિંદગીના દરેક નાના કે મોટા ઉતાર-ચઢાવમાં મારા પપ્પા મારી સાથે મજબૂત ઢાલ બનીને ઊભા રહે. મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ એટલે ગ્રેજ્યુએશનનું મારું છેલ્લું વરસ. પહેલેથી જ ભણવામાં હોંશિયાર એવી હું જ્યારે કૉલેજના છેલ્લા વર્ષમાં ફેઈલ થયેલી ત્યારે મારું આખું ઘર ખૂબ જ રડેલું પણ મને હસતે ચહેરે હિંમત આપનારી એક માત્ર વ્યક્તિ તે મારા પપ્પા. આમ તો હું, એક જ વિષયમાં ફેઈલ થયેલી, પણ મને બધા જ વિષયોની પરીક્ષા પાછી આપવાનું સજેશન આપવાવાળા પણ મારા પપ્પા જ! એ એક વરસમાં હું જે વાતો શીખેલી તે આટલા વરસના ભણતરમાં હું ક્યારેય નહીં શીખી. બસ ત્યાર પછી મેં અને મારા પપ્પાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

T.Y.B.Sc.ની પરીક્ષા પાસ કરાવીને મારા પપ્પાએ મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય લીધો. એમણે મને બેંગ્લુરુમાં માસ્ટર્સ માટે મોકલવાનું નક્કી કર્યું. એવું નહીં હતું કે, હું ગુજરાતમાં માસ્ટર્સ નહીં કરી શકતી હતી, પણ મારા પપ્પાની દૂરદૃષ્ટિનો નિર્ણય હતો, કદાચ પપ્પાને ત્યારે ખ્યાલ આવી ગયો હશે કે લગ્ન પછી મારે આવા જ દૂરના શહેરોમાં વસવાટ કરવાનો છે એટલે કદાચ ટ્રેનિંગના ભાગરૂપે એમણે એ નિર્ણય કરેલો! અને ઘર કે પરિવારથી ક્યારેય દૂર નહીં રહેલી હું જ્યારે એકાએક 1400 k.m. દૂર ગઈ ત્યારે અસલ જિંદગીના પાઠ ભણવા મળ્યા મને.

એ સમયે મારા પપ્પાના આ નિર્ણયમાં ઘણા લોકોએ વાંધાવચકા કરેલાઃ 'દીકરીની પાછળ આટલો ખર્ચ કરવાની જરૂર નથી….' 'આ ઉંમરે દીકરી કંઈ ખોટું કરશે…' ‘જુવાન દીકરીઓનો ભરોસો નહીં…’ એવા અનેક વાક્યો સંભળાવેલા મારા પપ્પાને પણ મારા પપ્પા એમના એ નિર્ણયથી પાછળ ના હટ્યા અને મને સારામાં સારી જિંદગીની ભેટ આપી. અને મેં ય કદી એમનો મારા પરનો અતૂટ વિશ્વાસ તોડ્યો નથી. પ્રામાણિકતા મને આમ તો એમના તરફથી જ લોહીમાં મળેલી. આટલી સ્વતંત્ર જિંદગી આપવા માટે હું એમની ખૂબ આભારી છું, અને એ ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું પપ્પા.

મને ક્યારેય કોઈનો મોબાઈલ નંબર યાદ નથી રહેતો. વર્ષોથી મને ફક્ત એક જ નંબર યાદ અને એ પણ મારા પપ્પાનો! મારે ઘણી વાર ઘરના સભ્યોનું સાંભળવા પણ પડે છે કે, ‘નંબર યાદ રાખવાની ટ્રાય તો કર. કોઈ વાર મોબાઈલ ખોવાઈ જાય કે કંઈ ઈમર્જન્સી થાય તો કામ આવે.’ આમ તો મારા માટે દસ આંકડાના બે-ત્રણ નંબર્સ યાદ રાખવા કંઈ મોટી બાબત નથી, પણ મને અન્ય સ્વજનનોના નંબર્સ યાદ રાખવાની ક્યારેય જરૂર નથી લાગી. એનું કારણ એ જ કે મને હંમેશાં એવું જ લાગે કે, હું જો મુશ્કેલીમાં હોઈશ અને આ નંબર પર એક વાર મારી વાત થશે તો દુનિયાના કોઈપણ ખૂણામાંથી મારા પપ્પા આવશે મારી તકલીફ દૂર કરવા!

હું અને પપ્પા એવા તંતુથી જોડાયેલા છીએ કે અમને ક્યારેય એકબીજા સાથે એકબીજાની તકલીફ શેર કરવાની જરૂર નથી પડી. પપ્પા સાથે ફોન પર મારી બહુ જ ઓછી વાત થાય, પણ આટલા વર્ષોમાં પપ્પાનો રેકોર્ડ છે કે જે દિવસે મને કંઈ તકલીફ થઈ હોય, કે મને એકલું લાગતું હોય, હું માંદી હોઉં કે કોઈ ગડમથલમાં હોઉં ત્યારે મારા પપ્પાનો અચૂક ફોન આવે. અને મને એક મિનિટ માટે થાય કે મેં તો આ વાત કોઈને કહી જ નથી તો પપ્પાનો કેવી રીતે ફોન આવ્યો મારા પર? અને પપ્પાને કઈ રીતે ખબર પડી કે હું કોઈ પ્રોબ્લેમમાં છું. પછી ફોન ઉંચકું ત્યારે સામેથી ખબર પડે કે પપ્પાએ એમ જ ફોન કરેલો. અમારી અડધી મિનિટથીય ઓછી વાત થાય, પણ એ વાત દરમિયાન મારામાં જાણે કોઈ શક્તિનો સંચાર થઈ જાય અને મારામાં બધી મુસીબત સામે લડવાની હિંમત આવી જાય અને મારો પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ જાય. હું હંમેશાં જીતી જાઉં એ લડાઈમાં, પછી ભલે એ લડાઈ દુનિયા સામે હોય કે મારી પોતાની જાત સાથે!

Thank you Papa & HAPPY FATHER'S DAY.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.