પરીશ્રમના ખેપીયા : મારા બાપુ
(ડૉ. શરીફા વીજળીવાળા)
આયખાના ઓવારે ગોઠંબડાં ખાતાં ઘણાને અઢળક મળ્યું હશે અને કદાચ મને ઘણુંય નહીં મળ્યું હોય, પણ મને એક વાતની ખાતરી છે કે મારા જેવા ઝિંદાદિલ બાપ કો' કરમીને જ મળે.
હું સમજણી થઈ તે જ દિવસથી મેં મારા બાપુ કાસમભાઈ વીજળીવાળાને સાઈકલ પર લાદીને જિંદગીને ખેંચતા જ જોયા છે. એકવડીયો બાંધો, પાંચ-સાત થીંગડાંવાળાં કપડાં, સદાની સાથી એવી ખખડધજ સાઈકલ, અને મોઢા ઉપર દુનિયાથી બાદશાહી ભોગવતા માણસનું હાસ્ય. બાપુના ચહેરા પર બારે મહિના હાસ્યની ફુલગુલાબ મોસમ ખીલેલી રહેતી.
બાપુનું બાળપણ, અમલદારીની રોનકમાં વીતેલું, પણ એ રોનક એમની વેરણ બની. બાપનો પ્રેમ કે માની લાગણીથી તેઓ હંમેશાં વંચિત જ રહ્યાં. મા-બાપનું એક માત્ર સંતાન હોવા છતાં શેરીઓમાં અને ખેતરોમાં રખડીને મોટા થયા. એમના બાપુની ભારે ધાક (આજે પણ એટલી જ છે). પસાયતાઓની ફોજ લઈને ફરતા દાદાને બાપુ શું કરે છે, એ જાણવા-જોવાનો સમય જ નો'તો. દાદા દ્વારા લોકો પર ગુજારાતા જુલમ બાપુ ફાટી આંખે જોયા કરે ને તેર-ચૌદ વર્ષની વયે જ આ ફાટી આંખોએ બાળપણને ટપક કરતું, ટપકાવી દીધેલ ક્યાંક અજાણી ભોં પર, ભીતર સંકોડાતા બાપુએ 'રૂપિયો કેમ થાય છે એ ખબર પડે છે?' નો જવાબ આપવા સાઈકલ પકડી લીધી અને આ સાઈકલ બાપુને એવી જળોની જેમ વળગી છે કે હમણાં એકસઠમેં વર્ષે ભાઈએ પરાણે છોડાવી ત્યારે છૂટી.
પ્રસંગોપાત વડપણનું છૂટા હાથે દાન કરતા દાદાની અમલદારશાહી સ્વરાજ આવતાં ગઈ. એ જ અરસામાં બાપુનાં લગ્ન થયાં. એમની પાસે ન મળે ભણતર કે ન મળે વ્યવહારબુદ્ધિ. બાએ પણ નિશાળની પગથાર ભાળેલી નહીં. પણ બાપુ પાસે જમા ખાતે ખુદા પરનો અડગ વિશ્વાસ અને કોઈનેય છેતરવાનું મન ન થાય એવું ભોળપણ ભારોભાર હતાં. આવા સદ્ધર ખાતા પર કયો ધંધો ચાલે? બા પાસેથી સાંભળેલી વાતો મુજબ એ વર્ષોમાં બાપુ સાઈકલ પર આજુબાજુનાં 25-30 ગાઉનાં ગામડાંઓમાં મોસમે મોસમની ચીજો વેચતા. બરફથી માંડીને બોર સુધીની ફેરી કરી પણ તોય હાડલાંઓએ કુસ્તી બંધ ન કરી. એકાંતરે બાપુ ધંધા બદલતા હતા, પણ એમનું તકદીર બદલવાનું નામ નહોતું લેતું, આવું જ ચાલ્યું 10-12 વરસ. આવક હતી એટલી જ રહી ને અમારા કુટુંબની સંખ્યામાં અમારાં પાંચ ભાઈ-બહેનોનો ઉમેરો થયો. જીંથરી રહેવાનું ને બાપુ છેક ધોળા સુધી સાઈકલ પર જાય. ધોળાના શેઠે એમને છાપાં વેચવા આપ્યાં અને બાપુની સ્થિતિમાં એક સ્થિરતાનો વળાંક આવ્યો. એક-બે વરસ પછી ધોળાના શેઠે સોનગઢ ખાતેની એજન્સી જ બાપુને આપી દીધી. નવ જણા ખાવાવાળાને 400 રૂપિયા મહિને મળે. બા અને બાપુને બે છેડા ભેગા કરવા એ નેવનાં પાણી મોભે ચડાવવા જેવું લાગે.
બા બિચારી છાણાં-બળતણ, સીવવાનું, ખેત-મજૂરી વગેરે કર્યે જ રાખે, પણ તોય ચાદર ટૂંકી જ પડે. જે ઉંમરે છોકરાં નિશાળેથી આવીને માને ચુપચાપ બેઠેલી જોઈ સમજી જાય કે, 'નક્કી કશુંક હશે.' ત્યારે અમે સમજી જતાં કે મા ચુપચાપ બેઠી છે તે 'નક્કી આજે કંઈ જ નહીં હોય.' ને કંઈ પણ બોલ્યા વગર જ થેલા મૂકી રમવા દોડી જતાં. લોકો કહે છે, ડહાપણની દાઢ સોળ-સત્તર વર્ષે ઉગે છે, પણ અમને ભાઈ-બહેનને તે સાત-આઠ વર્ષની ઉંમરે જ ફૂટી ગયેલી. બાળપણને બહુ વહેલું હળવેથી આવજો' કહી દીધેલું. અને આ બધું છતાં અમે કોઈ નાસ્તિક ન થયાં. આસ્તિક થયાં તેનું મુળ કારણ બાપુ. રાતે રમીને આવીએ ત્યારે બા-બાપુ ખાવાની કંઈ વ્યવસ્થા કરી બેઠાં જ હોય. મને યાદ નથી અમે ક્યારે પણ ભૂખ્યાં સૂતાં હોઈએ. રોજ રાતે આવું શાહી ભોજન આરોગી વિક્રમ રાજાના સિંહાસને બેઠા હોય એમ ફળિયામાં બેઠા બેઠા બાપુ ભવિષ્યનાં રંગીન સપનાંને શબ્દોના તારે પરોવતા જાય. એક સીવવાનો સંચો લેવો છે, એક સાઈકલ... યાદી લંબાતી જાય ને બાના હોઠ પરનું હાસ્ય પણ લંબાતું જાય. એને આવતી કાલની સાંજ દેખાય, પણ બાપુને એવી કોઈ ચિંતા વળગે નહીં. કીડીને કણ ને હાથીને મણ આપનાર હજાર હાથવાળા પર એને ભારોભાર વિશ્વાસ. 'આજે આપ્યું તે કાલે ભૂખ્યાં થોડાં સૂવાડશે?' 'નસીબમાં હોય તે થાય જ' આ બધા બાપુના તકીયાકલામ.
બાપુની એક ખેવના જે ઝંખનાનું રૂપ પકડી ગયેલી તે એ કે અમને ભાઈ-બહેનોને ભણાવવાં, એને માટે ભલે પછી તૂટી જવું પડે અને એમના સુકલકડી શરીરને એમણે તોડી પણ નાખ્યું. રાજકોટથી ભાવનગરની સાઈકલ રેસમાં માત્ર 1000 રૂપયડી માટે ઝંપલાવ્યું ને શિહોરનું ફાટક નડતાં ત્રીજા નંબરનું માત્ર પ્રમાણપત્ર પકડી હસતાં હસતાં ઘરે આવેલા.
દિવસના મોટા ભાગના કલાકો એમના સાઈકલ પર જ જતા. વહેલા પાંચ વાગ્યે ઊઠી એક આખી તપેલી ચા ગટગટાવી નીકળી પડે. એમની ખખડધજ સાઈકલ પર ખૂલ્લે ગળે કંઈ લલકારતા હોય. કંઈ પણ ચાલે, એક વાર મેં એમને 'દુનિયા કા મેલા, મેલે મેં લડકી...' ગાતા ટોકેલા. પણ એમને ખબર નહોતી કે તેમણે એવું કશું ગાયેલું, છતાં એમની હંમેશાંની આદત મુજબ એ મારી સામે હથિયાર ટેકવી દે. 'હવે નહીં ગાઉં.' પણ બીજે દહાડે એના એ. આજુબાજુનાં ગામોમાં બાપુ માટે એક કહેવત કે 'સવારે ઊઠીને કાસમભાઈનું મોઢું જોનારનો ડિવસ સુધરી જાય.'
મા-બાપને મન બધાં જ સંતાન સરખાં જ હોય છતાં એકાદ સંતાન પર વિશેષ ભાવ રહેવાનો જ. બાપુના વિશેષ ભાવની અધિકારીણી હું બનેલ. નાનપણથી જ. ભાઈ-બહેનો મને 'બાપુના ગળાનું હાડકું' કે 'ચમચો' કહી ખીજવે. ઈર્ષા કરે. બાપુને ફરિયાદ કરું તો હસીને ટાળી નાખે. એ ઘણુંય નક્કી કરે પક્ષપાત નહીં કરવાનો, પણ એમનાથી રહેવાય નહીં. જો કે આની પાછળ આજે મને એ કારણ દેખાય છે કે હું બાની સામું બહું બોલતી પરિણામે મોટા ભાગે બા મારા પ્રત્યે ચીડાયેલ જ રહે. એટલે કદાચ બાપુ મારા પ્રત્યે વધારને વધારે ઢળતા ગયા. હું મામાને ઘેર કે ગમે ત્યાં જાઉં મારા માટે બાપુ બધા છાપાં સાચવી રાખે. ખોટ ખાઈને પણ, બા ગુસ્સે થાય તો પણ. પાંચમા ધોરણમાં હતી ત્યારથી જ 10-12 ગાઉ દૂર આવેલ શિહોર છાપાં લેવા મોકલે. જૈનોના મેળાવડામાં છાપાં વેચતાં, લહેકા કરતાં શીખવાડે. આજે 50 માણસ વચ્ચે પણ જે ખુમારી સાથે બોલી શકું છું એનાં બી બાપુએ વાવેલાં. મારાથી બે જ વર્ષ મોટા ભાઈ ભણવામાં બહુ હોશિયાર. બાપુની એવી જીદ કે એ જેટલા ટકા છઠ્ઠા ધોરણમાં લેવા તેટલા જ બે વર્ષ પછી મારે લાવવાના. બે વર્ષ પછી ભાઈના સાચવી રાખેલા પરિણામ સાથે મારું પરિણામ સરખાવી બાપુ બાળકની માફક ખુશ થઈ જાય. આ બાળપણે બાપુના મોઢા પરથી આજે પણ વિદાય નથી લીધી. એમને છેતરવા એટલે ડાબા હાથનો ખેલ, કદાચ એટલે જ ઘરના પૈસાને લગતો વ્યવહાર બાએ સંભાળ્યો હશે.
બચપણમાં લશ્કરી શિસ્તમાં ઉછરેલ બાપુએ અમને બધાંને છૂટો દોર આપી રાખેલ. જેને જે કહેવું હોય કે કરવું હોય તેમાં બીજા સલાહ આપી શકે, નિર્ણય નહીં. એ શિરસ્તો આજે પણ બાઅદબ જળવાય છે ઘરમાં. બાપુ સાથે અમે ઉગ્ર ચર્ચા કરી શકતાં. છાપાનાં ધંધાને કારણે રાજકારણ અમારો પ્રિય વિષય. બાપુને હું સામસામા પક્ષનાં. આ જામતી દલીલોમાં ઉંમર, સંબંધ બધું જ ભૂલીને લડતાં. અંતે હારીને બા કહે : 'તું મોટી થઈને વકીલ થાજે, એક પણ કેસ હારીશ નહીં.'
દરેક પગલે પથ્થરની તોતિંગ દિવાલમાં માથું અફાળીને રસ્તો કાઢવાનો હોવાથી અમે બધાં નાનેથી જ જિંદગી સાથે બાખડતાં શીખી ગયેલા. નાનેથી જ લડાયક મિજાજના એટલે કોઈનું કંઈ સાંખી લઈએ એ વાતમાં માલ નહીં. દવાખાનાવાળા, જેટલા દવાખાનામાં નોકરી કરે તેમના છોકરાને ભણવાના ચોપડા આપે ને નિશાળે લેવા-લઈ જવાની બસમાં સગવડ આપે. મારા ઘરમાં તો કોઈ નોકરી કરે નહીં, પણ અમે બધાં ભાઈ-બહેન ભણવામાં એક્કા. દવાખાનાના હેડનો છોકરો પણ અમારી પાછળ પાછળ ફરે. આથી અમને પણ બસની અને ચોપડાની સગવડ મળેલ. (એના વગર કદાચ ભણવું વધારે મુશ્કેલ બન્યું હોત.) આપણા સમાજમાં ઉંમરનાં ધોરણે નહીં પણ પૈસાનાં ધોરણોએ વ્યવહાર ચાલતો હોઈ બધા બાપુને 'તુ' કહીને બોલાવે અને અમારાં લમણાં ફાટી જાય. બાપુએ એક જમાનામાં મરઘાં ઉછેરનો ધંધો કરેલો. એટલે સરખેસરખા છોકરાઓ અમને 'કાસમ કુકડી, ભરી બંદૂકડી...' પ્રાસમાં બેસાડીને ચીડવે ને અમે લોહીલુહાણ થઈ જઈએ એવાં ઝઘડીએ. બાપુ ઘણું સમજાવે કે બોલનારનું મોં ગંધાય, એની લાયકાત દેખાડે છે. પણ અમે એમ શાનાં ટાઢા પડીએ? એક વાર દવાખાનાના સારા હોદ્દા પરની વ્યક્તિએ બાપુ વિશે કંઈક પૃચ્છા કરી. મોટો ભાઈ આમ પણ જરા તપેલ મગજનો. મોઢે જ ઝાપટી આવ્યો કે 'તારે કામ હોય એ મને કહી દે. હું કહી દઈશ મારા બાપુને.' પેલો કેમનો સાંખી લે અવળચંડાઈ? એણે બાપુને ફરિયાદ કરી. બાપુએ એકદમ ટાઢા કોઠે પરખાવ્યું કે, 'જો ભાઈ, તમારા બધાંની તેનાત હું સ્વીકારી લઉં છું, પણ મારાં છોકરા શા માટે માટે સાંખે? વળી મને એમના પર એટલો ભરોસો છે કે એણે જે કર્યું હશે તે વિચાર્યા વગર તો નહીં જ કર્યું હોય.' બાપુ અમારા પક્ષે ન ચડ્યા હોત તો? આ કારણે જ અમે ભાઈ-બહેન અભાવમાં ઉછર્યા છતાં લઘુતાગ્રંથીના ઓછાયાથી પણ દૂર રહ્યાં. આખલાની જેમ શિંગડાં વીંઝી દુનિયા સામે મોરચો માંડતાં જ શીખ્યાં.
વરસના અંતે નિશાળમાં ગણવેશનું પાંચ-સાત થરું થીંગડું પણ ઘસાઈ ગયું હોય તે શિક્ષક ક્લાસની બહાર કાઢે, યુનિફોર્મ નહીં પહેરવા બદલ, તો ઉંચા માથે ઊભા રહેતા. બાપુના લેંઘાની તો આઠ-દસ નકલ એમની સાઈકલ ખાઈ ચૂકી હોય. આથી યુનિફોર્મની વાત તો એમને કહેવાય જ નહીં. અને આ બધાં છતાં આજે પણ જે વાતની મને અનહદ નવાઈ લાગે છે અને જે કારણે બાપુ પરનું માન વધતું જ જાય છે તે એ કે આવા દિવસોમાં પણ અલ્લાઉદ્દીનના ચિરાગની માફક દશેરાના દિવસે અમને મિઠાઈ ચખાડતા ને દિવાળીની રાતે આખો ખોબો ફટાકડા અમારા દરેકને ભાગે આવતા. રાતના 10-11 વાગ્યે એક જ તાકામાંથી સીવેલા બધાંયનાં કપડાં પણ આવી જતાં. પતંગ ટાણે બંને ભાઈને બાપુ જ દોરી પાઈ આપતા અને ઉનાળે કેરી પણ ચાખેલ. કોઈ જ અભાવ બાપુએ અમને ઉંડો નહીં ઉતરવા દીધેલ. એમનાથી અજાણ્યો અભાવ અમને અડી જતો. પણ એને અંદર ઉતરવાનો અવકાશ બાપુ છોડતા નહીં.
કેટલાંય વર્ષો સુધી ઘરમાં લાઈટ નહીં. અમે બધાં ફાનસે વાંચીએ. શહેનશાહો એવા કે ફળિયામાં પોતપોતાની ખાટલીએ વાંચવાની જીદ. મને આજે પણ બરાબર યાદ છે કે એ વર્ષોમાં ઘરના બજેટમાં સૌથી મોટો ખર્ચો ઘાસલેટનો હતો. બાપુએ તોય ક્યારેય અમને એવું મજાકમાં પણ નથી કહ્યું કે, 'તમે સાથે બેસીને વાંચો.'
બાપુ માટે ધીરજ, સહનશીલતા શબ્દો ઉપમા, રૂપકને ધોરણે ટૂંકા પડે. 'ધીરજનાં ફળ મીઠાં' એ જેનો તકીયા કલામ હતો એવા બાપુને મેં માત્ર ને માત્ર બે વાર ધીરજ ખોતા જોયા છે. 1972નું એ વર્ષ. મોટી બહેનને સણોસરાની લોકભારતી સંસ્થામાં ભણવા મૂકેલ. એ જમાનામાં વર્ષે બે-અઢી હજારનો ખર્ચો આવે. એમાં પડ્યો કાળઝાળ દુકાળ. છાપાંની એજન્સીઓ ટપોટપ રદ થવા માંડી. પૈસા નહીં ભરી શકવાને કારણે બાપુ ચારેગમથી ભીંસાયા. હવે ઝીંક નહીં જ ઝીલાય એવી એમના હૈયે ધાક પેસી ગઈ અને એમણે હામ ખોઈ દીધી. 'તમે તમારું સંભાળી લેજો. હું હવે ઘર છોડીને જતો રહેવાનો છું. બને તો મોટા થઈને જેના પૈસા લીધા છે તેને પાછા આપી દેજો. હું જતો રહીશ પછી તમારે ગળે તો કોઈ પડી નહીં શકે...!!' બાની હાલત શી થઈ હશે એ આલેખવા પાનાં ટુંકા પડે. અમે બધાં કલ્પાંતીએ પણ બાપુએ જાણે કાનના ભોગળ જ ભીડી દીધેલ. દિવસ આખો ઘરમાં ચૂલો ન ચેત્યો. છેક ઝડવઝડ દિવસ રહ્યો ત્યારે રોઈ રોઈને નાનો ઝોબો વળી ગયો ને એણે બાપુની જીદ મેલાવી. પણ આ વર્ષો બહુ કાઠાં ગયાં. પૈસો જીવવા માટે કેટલો જરૂરી છે એ અમે બધાં બરાબર સમજી ગયાં.
આ વર્ષોમાં હીરા ઘસવામાં ભારે તેજી ચાલે. સારા સારા ઘરના છોકરાઓ ભણવાનું છોડી મહિને 1000 પાડવા માંડેલ. ઘરની હાલત જોઈ મોટો પણ લલચાય, પણ બાપુ ફરી રાજા પાઠમાં આવી ગયેલ. 'વેચાઈ જઈશ પણ તમને ભણાવ્યે પાર કરીશ.' 1976ના વર્ષે મોટો પણ કૉલેજમાં દાખલ થયો. એક જોડી કપડાંએ એણે કૉલેજનાં ત્રણ વર્ષ ખેંચેલ (એટલે જ આજે એને કપડાંનો ગાંડો શોખ છે). બે છોકરાનાં ટિફિન ત્રણ ગાઉથી લઈ આવે બોર્ડિંગમાં, એના બદલામાં એને એ ટિફિનમાંથી ભાત-શાક મળે. ઘરે તોય એણે હરફ નથી કાઢ્યો આ બાબતે કદીએ. મોટી બહેનને સરકારી નોકરી મળી પણ વર્ષ માટે. પગાર માત્ર મહિને રૂ. 100. બાપુને એના આવવા-જવાના સામા વધારે આપવા પડતા. આમાં '76ના ગાંડા વરસાદે ડગમગી ગયેલ ઘરને ઢાળી દીધું. પડતા પરના આ પાટાને અમે સામી છાતીએ ઝીલ્યું. મજૂર ઈંટ વગેરે તો સપનામાંય નો'તાં આવતાં. ભાઈ પથ્થર ખોદે, અમે લાવીએ ને બા ગારા સાથે માંડતા જાય. બે દિવસમાં અમે દીવાલને પાછી ઊભી કરી દીધેલ.'
ટકી રહેવા ઝાંવાં નાખતા બાપુને બીજો ઘા 'ગુજરાત સમાચારે' માર્યો. 1980માં, મોટો ભાઈ કૉલેજના છેલ્લા વર્ષમાં. નાનાને વડોદરા મેડિકલમાં એડમિશન મળ્યું તે એને ત્યાં મૂક્યો. હું 12માં ધોરણમાં. બાપુએ કેટલાને માથે કરેલા તે તો છેક આટલાં વર્ષે ચૂકવીએ છીએ ત્યારે ખબર પડે છે. પણ બાપુએ ત્યારે ગંધ સરખી ન આવવા દીધેલ. આમાં 'ગુજરાત સમાચાર' પૈસા નહીં મોકલાવાને કારણે બંધ પડ્યું. 'સંદેશ' વાળો ખેંચે બે-ત્રણ મહિના. પણ 'ગુજરાત સમાચાર' વાળો ભારે અધીરીયો, બાપુ આના તેના કરીને રૂ. 800 ભેળા કરી અમદાવાદ ઉપડ્યા. 'ગુજરાત સમાચાર' વાળાએ પૈસા જમા કર્યા ને પછી ઘા માર્યો 'આજથી તમારી એજન્સી બંધ થાય છે.' બાપુના ગુડા જ વળી ગયા (કદાચ એટલે જ, આજે પણ કોઈ કારણ વગર મને 'ગુજરાત સમાચાર' પ્રત્યે ભારોભાર કઢાપો છે. દીઠે ડોળે પણ મને એ છાપું નથી ગમતું.) ભાંગેલ ટાંટીયે બાપુ ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે એમને સાવ જ ભાંગી નાખવા હું તૈયાર બેઠેલી. હા, હું જ, જેમના માટે એમની પ્રબળ ઝંખના કે તારે તો ડૉક્ટર બનવાનું જ છે. નાનો બનશે એટલે તારો છૂટકો જ નથી. અને એ દિવસે હું 12માં ધોરણની પરીક્ષા અધુરી છોડી ભાવનગરથી ઘરે નાસી આવેલ. પહેલી વાર ઘરની બહાર બાપુ મને મૂકી આવેલા ભાવનગરની હોસ્ટેલમાં, જે હું ન જીરવી શકી ને ભાગી આવી. બાપુ તો અવાચક જ થઈ ગયા! મારી આંખો પણ અનરાધાર નીતરે ને બાપુએ અવાચકતાને ખંખેરી મને પાસે લીધી. બરડે હાથ ફેરવીને કહે કે, 'કંઈ નહીં દીકરા, આપણે વર્ષ હાર્યા છીએ કંઈ જિંદગી થોડાં હાર્યા છીએ?' પણ એ વર્ષ બાપુને જાણે કે બરાબરનું તાવી રહ્યું હતું. મોટાભાઈના માઈક્રો બી.એસસીના છેલ્લા વર્ષ પર ચાતક નજરે મીટ માંડીને બેઠેલ બાપુ રોજ કહે કે, 'હવે તો હું ઢબઢબીને કાંઠે આવી ગયો છું.' પણ બાપુનું કપાળ એટલું કૂંણું નો'તું. પરીક્ષાના પંદર દિવસ પહેલાં જ મોટાને ટાઈફોઈડ થયો ને પરીક્ષા ન અપાઈ. ઘરમાં માણસ મર્યા જેવું માતમ ફેલાયું. આમાંથી સૌ પહેલા બહાર પણ બાપુ આવ્યા. 'કંઈ નહીં ભાઈ, તારે મૂંઝાવું નહીં, હું કેવો બેઠો છું? આપણે એવું માનીશું તું ચાર વર્ષનો કોર્સ ભણતો હતો.'
મોટી બહેન બાપુના ખભાનો ભાર વહેંચતી થઈ તોય છેડા ભેગા થવાનું નામ નો'તા લેતા. બીજા વર્ષે મેં 68 ટકા સાથે બારમું પાસ કર્યું ને મેડિકલના દરવાજા દેવાઈ ગયા. બાપુ મારા કરતાંય વધારે દુઃખી થઈ ગયા. પણ તરત જ 'ધાર્યું ધણીનું થાય' કહી મારો સામાન બાંધવા મંડી પડ્યા. બાપુ, કે જેમને મેં ક્યારેય રોતાં નહીં જોયલા, તે મને એના ગળાના હાડકાને કે જેણે ઘર ને નિશાળ સિવાયની દુનિયા જોયેલી જ નહીં તેને વડોદરા સુધી સામાન સાથે એકલી જતી જોઈ ધ્રૂસકી ઉઠ્યા. 'મારી પાસે ટિકિટના પૈસા હોત તો હું તને એકલી થોડી જવા દેત?' કહીને ઢગલો થઈ ગયા.
જિંદગી સાથે બથોડા લેતા, પડતા, આખડતા બાપુએ અમને બધાંને ભણાવ્યાં. જિંદગીની ઝાળ અમારા સુધી બહુ ઓછી પહોંચવા દીધી. બાપુના ભોળપણનો લાભ દુનિયાએ જરૂર ઉઠાવ્યો હશે, પણ કુદરતે એમને નથી છેતર્યા. આજે જ્યારે બાપુની આંખ ઠરે એવું અમે ભણ્યાં છીએ. પડ્યો બોલ ઝીલાય છે, ભાઈ જાણીતો ડૉક્ટર છે ને ગામના 'તું' કહેનારા પહેરણની ચાળથી ખુરશી સાફ કરી બાપુને બેસાડે છે ત્યારે ય એમના મોં પરની મસ્તીમાં એક તસુનોય ફેરફાર નથી થયો. એના એ જ ઝભ્ભા-લેંઘા સાથે સાઈકલની સવારી, નાનકડો ફરક એટલો જ કે થીંગડાં વગર જ! તેઓ સાઈકલે બેસીને કહે છે. 'આ બધી સમય સમયની વાત છે.'
આજે પણ હું સૌથી લાડકી છું, વિશેષાધિકાર ભોગવું છું. આજેય બાપુ મને વડોદરા આવું ત્યારે બસસ્ટેન્ડે મૂકવા આવે છે. પાછી જાઉં છું ત્યારે માથે હાથ મૂકીને જોઈ રહે છે. સામે, જાણે કહેતા હોય 'બહુ ભણી, હવે ઘરે આવતી રહે.' પણ મને ખાતરી છે. એ ક્યારેય એમના મોંથી નહીં કહે, કારણ કે એ મારા બાપુ છે, જેણે મને નાનપણથી 'તને ગમે તે જ કરવું'નો મંત્ર ભણાવ્યો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર