ચટપટી મમલી

08 May, 2016
12:07 AM

mamta ashok

PC:

મારી ચટપટી મમલી,

તારા માટે કોઈ સંબોધન કરવું હોય ને તો હું કરીશ ‘ચટપટી મમલી.’ કારણ કે, તું મીઠડી છે, ક્યારેક થોડીક ખાટી, તો ક્યારેક થોડી-થોડી તીખી... એટલે જ તું ચટપટી લાગે! જોકે, સાચું કહું, તારી સામે આવું કહેવાની મારી હિંમત ના થાય, એટલે આ વાત આ પત્રમાં લખી નાખી જો જો, આ વાંચીને પાછી બહુ તીખી ના થતી હોં.... મમલી!

ચલ, હવે હું તને એક સરસ મજાની વાત પૂછું... તને ખબર મમ્મી, તારું અને ડેડનું પ્રથમ સંતાન હોવાનો એક છૂપો ગર્વ છે મને. તારા અને ડેડનાં પ્રેમનું પ્રથમ પ્રતીક... આ હા હા, કેવી મજા પડે આ વાત વિચારીને. હા, હવે તું મને કહે કે, જ્યારે હું તારા ગર્ભમાં રોપાયેલી ત્યારે તેં કેવું અનુભવ્યું હતું? કેમ કે, તારા માટે એ પહેલી જ વારનું હતું. શરીરની અંદર એક નાનકડો જીવ સ્થપાય, વિકસે, ઉછરે! કેવું લાગતું તને એ મહિનાઓમાં? ખુશી, બેચેની, ગભરામણ, ડર, મૂંઝવણ બધું એક સાથે અનુભવ્યું હશેને તે?

અને પછી જેમ જેમ તારી અંદર મારો વિકાસ થતો ગયો હશે, એમ એમ તારી તકલીફો પણ વધતી ગઈ હશેને? તને ઊઠવા-બેસવામાં, સૂવામાં અડચણો પડતી હશે, ક્યારેક જમવાનું જ ના ભાવે તો ક્યારેક વળી ઊંઘ જ ના આવે, ક્યારેક હરખ તો ક્યારેક શરમ! કેટકેટલાં અનુભવો અને લાગણીઓ તેં અનુભવી હશે, નવ મહિનાની અંદર. આ બધું તો ખરું જ ખરું, પછી મારો જન્મ થયો એ સમયની પીડા! અને હા, જ્યારે પહેલીવાર તેં મને ઊંચકીને ચૂમી હશે, ત્યારે તેં અનુભવ્યું હશે એ કદાચ તારા માટેય અવર્ણનિય હશે, હેં ને?

મારા આવ્યા પછી તો તે તારી આખી લાઈફ સ્ટાઈલ જ બદલી કાઢી હશે, હેં ને મા? હું ગમે ત્યારે સૂઈ જાઉં, ગમે ત્યારે જાગું, ગમે ત્યારે કપડાં બગાડું કે ભૂખી થાઉં, બિમાર પડું અને તું દરેક વખતે, કોઈ પણ સમયે બધું જ પડતું મૂકીને બસ મારા માટે હાજર થઈ જતી હોઈશ. મને પારણામાં સૂવડાવતી સૂવડાવતી તુંય ક્યારેક એકાદ ઝોકું ખાઈ લેતી હોઈશ. વરસાદમાં, ઠંડીમાં કે તડકામાં હું બીમાર ના પડું એટલે કદાચ તેય ઘણીવાર બહાર જવાનું ટાળ્યું હશેને?

મને યાદ છે, હું પેલ્લેથી જ બહુ તોફાની. વારે ઘડીએ પડી-આખડીને આવું અને કાયમ તું મને સમજાવે. જરાક શાંતિ રાખ, પણ ખબર મમલી, એ શાંતિ હું ક્યારેય નથી રાખી શકી. હજુય ઘણું બધું પડી-આખડીને જ શીખું છું.

અને એક બીજી વાત કહું? આ તારા ટાઈમ ટેબલ ક્યારેક બહુ અકળાવે છે હોં મને. ટાઈમ ટેબલ એટલે બંધનો! આટલાં વાગ્યે સૂઈ જ જવાનું, આટલા વાગ્યે જાગવાનું, જમવાનું, ટી.વી. જોવાનું, રમવા જવાનું વગેરે વગેરે... ત્યારે બહુ ગમતું નહોતું પણ આજે સમજાય છે કે, મારી અંદરની શિસ્ત, સમયપાલનતા, ચોકસાઈ જેવાં ગુણો તારા આ ટાઈમ ટેબલના કારણે જ વિકસ્યા છે.

મને હંમેશાં લાગ્યું છે કે હજુ સુધી હું કાંઈ ઝાઝું કરી શકી. તારા અને ડેડ માટે પણ. આજે હું જે પણ છું, એ તે બચપણમાં શીખવેલાં, સીંચેલા સંસ્કારોને લીધે છું. ખુદના વિચારો વ્યક્ત કરી શકું છું, સાચા-ખોટાને પારખી શકું છું, કેમ કે તે પહેલેથી એ સ્વતંત્રતા આપી કે વિચાર કરો, નક્કી કરો, અનુસરો, સ્વીકારો, પડો, ઊભા થાઓ, આગળ વધો અને સતત શીખતા રહો.

તું પોતે સાયન્સ ગ્રેજ્યુએટ છે અને તે હંમેશાં ભણવાને પ્રોત્સાહન આપ્યું. મને યાદ છે મારું સ્કૂલ ટાઈમ ટેબલ. તું બધી નોટ્સ બનાવતી મારા માટે અને દરરોજ જે હું સ્કૂલમાં શીખતી એ તું મને સાંજે પાકું કરાવી દેતી. આનાથી રોજનું કામ રોજ કરવાની આદત પડી. હું બહું સામાન્ય વિદ્યાર્થીની હતી પણ તે મારા માટે અસામાન્ય મહેનત કરી હતી કાયમ.

તારી ઈચ્છા ખરી કે તારી ત્રણ દીકરીઓમાંથી એકાદ સાયન્સ ફીલ્ડમાં જાય, પણ વિજ્ઞાનમાં ત્રણેયમાંથી એકની પણ રુચિ નહીં. અને તે ક્યારેય કોઈ જાતનું દબાણ કર્યું નહીં. અમને ત્રણેયને એ મોકળાશ આપી, એવું વાતાવરણ આપ્યું અને હંમેશાં તારાથી બનતી મદદ કરી કે જેથી અમે અમને ગમતું ભણીએ.

તે વગર કહ્યે, વગર જણાવ્યે તારો વિશ્વાસ અમારી અંદર સ્થાપિત કરી દીધો કે તમને ગમે તે કરો, ગમતું કરવાથી, જે કરીએ તેમાં ખૂબ આનંદ પણ મળે. ક્યારેક કદમો ડગમગ થયાં ત્યારે તારો આ વિશ્વાસ જ અમારો ટેકો બની ગયો અને ડગમગતા કદમોએ આગળની રાહ નક્કી થતી રહી. તમને લાગશે હું આ બધું શું લખી રહી છું? પણ મા... આ બધી એવી બાબતો છે, જેના થકી આજે 'હું' છું.

ઘણીવાર હું તારા પર ગુસ્સો કરી નાખું છું, પણ પાછળથી રડું પણ છું કેમ કે તારી ને મારી અંદર જે વિચારભેદ છે, મિટાવી શકવા અશક્ય છે, પણ એક વાત કહું મમ્મી, આ વિચારો જ તો, તને 'તું' બનાવે છે અને મને 'હું'! બે અલગ-અલગ ઈન્સાનો, બે જુદાં-જુદાં વ્યક્તિત્વો, અધૂરાં છતાં એકબીજાથી જોડાયેલાં...

સંતાન એના જન્મ સમયે એની માથી શારીરિક રીતે અલગ થઈ જાય છે પણ બંને મનથી કાયમ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હું ગમે ત્યાં રહું પણ મને તારા વગર બિલકુલ ગમતું નથી હોતું અને ઘરે પાછા ફરવાનું એક માત્ર કારણ પણ તું જ છે મા...

જિંદગીના સંઘર્ષોના દિવસોમાં તને બાઝીને રડી પડવાનું મન થાય છે મને ઘણીવાર, પણ તારી સામે ઢીલા પડી જવાની બીક લાગે છે. કેમ કે મેં ખુદ તને લાઈફમાં ક્યારેય ઢીલી પડતી નથી જોઈ. તારી કોઈ પણ શારીરિક તકલીફમાં મેં તને હંમેશાં હસતી જોઈ છે. ઘરનો કોઈ પ્રશ્ન હોય કે કોઈ સામાજિક વાત હોય, તું હંમેશાં એનો સામનો કરતી આવી છે. ભાગવું એ તારો સ્વભાવ જ નથી. સામનો કરો, હિંમત રાખો, બદલાવ લાવો નહીંતર જે છે એ સ્વીકારો અથવા પોતાનો અલગ રસ્તો બનાવી લો. મેં તને સદા આ રીતે જીવતા જોઈ છે. અને એટલે જ હું તારા જેવી બનવા માગું છું. દેખાવે ભલે હું પપ્પા જેવી છું, ગુણો પણ મારી અંદર પપ્પાના જ વધુ છે પણ છતાં જિંદગી મારે તારા જેવી જીવવી છે.

અત્યારે આ પત્ર લખવા બેઠી છું તો કંઈ કેટલાય બનાવો - પ્રસંગો આંખો સામેથી પસાર થાય છે. અમે નાનાં હતા ત્યારે દરજીકાકા પાસે બેસીને, કલાકો સુધી એમને સમજાવવાની માથાકૂટ કરતી અને અમારાં માટે અવનવાં કપડાં સીવડાવતી તું... હું દૂધ પીવાની ચોર એટલે હાથમાં વેલણ લઈને સામે ઊભેલી તું... શિયાળાની રાતે મચ્છરદાનીની ઉપર ધાબળા નાખતી તું.... ક્યારેક બહારથી આવવામાં મોડું થઈ જાય તો બાલ્કનીમાં આંટા મારતી તું... ક્યારેક ક્યારેક ડેડ અમારા તોફાન-મસ્તીમાં અમને સાથ આપે ત્યારે ડેડને આંખો કાઢતી તું... અમે બહેનો જ્યારે અંદરો-અંદર ઝઘડીએ ત્યારે ચૂપચાપ બધું જોયા કરતી અને છેલ્લે એક જ વાત કહેતી 'હવે બસ કરજો, નહીંતર ત્રણેય નીકળો મારા ઘરની બહાર...' અને ત્યારે હિટલર જેવી લાગતી તું...  અને આજની વાત કરું તો તે ક્યારેય મને મારી અંગત કોઈ બાબતો માટે ટોકી નથી. હું ઢગલો બુક્સ ખરીદું અને પછી કલાકો એમને વાંચતી રહું. ઈવન તેં તો ક્યારેય મારો સેલફોન જોવાનોયે પ્રયાસ નથી કર્યો. આટલો વિશ્વાસ મૂક્યો છે તે અમારામાં એ માટે તને ખૂબ ખૂબ વહાલ અને આટલી સ્વતંત્રતા આપી છે તે એટલે જ ક્યારેય આ સ્વંતત્રતાનો ગેર-ઉપયોગ કરવાનું સૂઝ્યું નહીં. જીવનના અલગ અલગ તબક્કે, જિંદગીએ જે આપ્યું કે જે લઈ લીધું એ બધું જ તારી જોડે શેર કરતી રહી છું...

હા, ક્યારેક ક્યારેક મને તારી વધુ પડતી ચોકસાઈ અને તને મારી વધુ પડતી બેફીકરાઈ (તારા મતે આળસ) નથી ગમતી. નથી ગમતી તો નથી ગમતી એમાં શું? પણ તું મારી મા છે અને મને મારા જીવથીયે વહાલી છે અને હું તારી દિકરી છું અને બધાથી સવાઈ છું. આ સનાતન સત્ય છે અને રહેશે.

મમ્મી, મારો એક ફ્રેન્ડ છે, મારા જેવો જ. પોતાના જ મનનું કરે એવો, એટલે ક્યારેક એનેય એની મમ્મી ખીજાય. પણ આજે હું એને કહેવાની છું કે, ‘મમ્મી ક્યારેય ખીજાતી નથી હોતી, એ બસ ફીકર કરતી હોય છે. જીવ બાળતી હોય છે, અને એય આપણા ભલાં માટે થઈને!’

કેમ કે, જ્યારે આપણને તકલીફ થાય, દર્દ થાય ત્યારે એ તકલીફ, એ દર્દ એને બેચેન કરી મૂકે. એ આપણને હંમેશાં આગળ વધતા જોવા માગે છે, જાણે છે કે ઠોકરો વાગશે, ઘા લાગશે, ઊભા થવાશે, ફરી પડાશે અને એમ જ આગળ વધાશે પણ માનું મન જ એવું! એટલે એ જે ફીકર કરે છે એને આપણે 'ટોકવાનું' નામ આપી દઈએ.

કેટકેટલુંય કહેવું છે મારે તને હજુ તો, પણ લાગણી સામે શબ્દો ખૂટી પડે એમ હવે અત્યારે મારી કલમ પણ ચાટકી રહી છે. લાગણી શબ્દોની મોહતાજ નથી હોતી, પણ સાચું કહું... આ પત્ર લખીને મને આ શબ્દો તારા સુધી પહોંચાડવાની બહુ જ મજા પડી. ક્યારેક મેં તારી અંદર શ્વાસ લીધા હતાં, એટલે તું સદા મારી અંદર શ્વસતી રહીશ. અને મારી પ્રેરણા બનતી રહીશ...

બસ અત્યારે આટલું જ.

તને ખૂબ હેરાન કરતી પણ, ખૂબ જ પ્રેમ કરતી એવી તારી દીકરી

ફરઝાના...

Love You Maa....

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.