અઢી અક્ષરનું અજવાળુંઃ મમ્મી

14 May, 2017
06:00 AM

સંકેત વર્મા

PC: youtube.com

એ દિવસે ફરી ચિન્ટુની સ્કૂલથી ફોન આવ્યો એના કલાસટીચરનો. 

‘પ્રાચીબહેન, પેરેન્ટ્સ મિટિંગમાં વાત થયેલી ને આપણે! સાર્થકના પરફોર્મન્સમાં હજુ બહુ ઈમ્પ્રુવમેન્ટ દેખાતું નથી.’  ટીચરે કહ્યું.

‘હમ્મ, મેડમ…’ પ્રાચી ધીમા અવાજે બોલવા જઈ રહી હતી પણ શું કહેવું એ સમજાતું નહોતું. પણ ત્યાં જ ટીચરે વાત આગળ વધારી દીધી.

‘આજે મધર્સ ડેની એક્ટિવિટીમાં ય એનું પાર્ટિશિપેશન નથી બરાબર. હું તમને ફરી કહું છું, એના પર સમય કાઢીને જરા ધ્યાન આપો.’

‘ઠીક છે મૅમ.’ પ્રાચી વધુ બોલી ન શકી. ફોન કપાયો. ચિન્ટુની ફરિયાદો બહુ હતી સ્કૂલમાંથી ! ગણિતમાં કાચો પડે છે, ધ્યાન આપતો નથી, ઘરે પેરેન્ટ્સના એટેન્શનની બહુ જરૂર છે, આ તે... પ્રાચી ય પ્રયત્નો કરતી. આ ફોન નવો ન હતો. પણ એ ફોનથી આજે એને ઓચિંતાનું યાદ આવ્યું કે આજે મધર્સ ડે છે. 

મમ્મી સાથેનો સબંધ એટલો દૂર થઈ ગયો હતો કે મધર્સ ડે યાદ પણ નહોતો. આમેય એ આવા ડે-બેમાં બહુ માનતી નહીં. પણ એને જરા યાદ આવી ગયું બધું. નાનપણની બે ચોટી વાળી દેતી મમ્મી, રોટલીમાં ગોળ નાંખીને ખવડાવતી મમ્મી, રસોઈ શીખવાડતી મમ્મી, ગણિતના દાખલા શીખવાડતી મમ્મી, સાયકલ ચલાવતા ય મમ્મીએ એને શીખવ્યું હતું. કેટલીય વાર છોલાયેલા ગોઠણે હળદર દાબેલી એણે. એને યાદ આવ્યું પહેલી વાર જ્યારે એણે બે પગ વચ્ચેથી નીકળતું લોહી જોયું હતું ત્યારે એ કેવી ગભરાઈ ગયેલી! આત્મહત્યા કરી નાખવાનું સુદ્ધા વિચારી નાખેલું ! પણ એ બધું કહેતા કહેતા જ્યારે એ મમ્મીને ભેટી પડેલી, ત્યારે બધા જ દુઃખો મમ્મી નામના સમુદ્રમાં વહી ગયેલા. દુનિયાના કોઈપણ દુઃખ, પીડાને પછાડી દેવાની તાકાત આવી ગયેલી. પહેલી વાર મમ્મીએ જ સમજાવેલું એને કે સ્ત્રી હોવું એટલે શું! એના માથા પર વ્હાલથી ફરતા હાથને યાદ કરીને વધુ દુઃખી થવાશે એવું એને લાગ્યું. મોટી બહેનની વિદાયમાં સમુદ્ર જેટલું રડી રડીને મમ્મીની સોજેલી આંખો જોઈ હતી ત્યારે એને વિચાર આવેલો કે મારી વિદાયમાં મમ્મી કેટલું રડશે! એને અંદરથી જરા જરા ઈચ્છા હતી કે મમ્મી રડે એના માટે. પણ સચિન સાથેનો પ્રેમ પપ્પા અને મમ્મીને મંજૂર નહોતો અને વિદાયના એ આંસુ પ્રાચી જોઈ જ ન શકી. વર્ષોથી વહેતી નદી આગળ કોઈ મજબૂત બંધ બંધાઈ જાય એમ બંને તરફથી લાગણીઓનો પ્રવાહ અટકી ગયો. પ્રેમ સૂકાઈ ગયો. અબોલાનો અવાજ એટલો પ્રચંડ હતો કે બીજું કશું સંભળાય એવું જ નહોતું.

‘પ્રાચીબે'ન…’ બહારથી અવાજ સંભળાયો. કામવાળી બાઈ આવી ગઈ હતી. 

 

પ્રાચીની યાદો દર વખતની જેમ રૂટિનમાં ખોવાવા લાગી. મમ્મી સાથે વાત કરવાનો તો વિચાર એને આજેય નહોતો આવ્યો. સૂકાઈ ગયેલો પ્રેમ બહુ કઠણ હોય છે. આવી નાની નાની યાદોની પ્રવાહિતા એને ઓગળી નથી શકતી. 

‘પ્રાચીબેન, લો આ તમારું કંઈક આવ્યું છે.’ એણે પ્રાચીને એક કવર આપ્યું. પ્રાચીએ એ સાદું સફેદ કવર ખોલ્યું અને અંદરથી ગડી વાળેલો એક લેટર નીકળ્યો. પ્રાચી ઉત્સુકતાથી એને ખોલી રહી. બ્લ્યુ શાહીથી લખેલા એક જ પાનાના એ પત્રના પહેલા શબ્દો વાંચીને એને જરા આંચકો લાગ્યો, હૃદય જરા થડકી ગયું,

‘પ્રાચી બેટા,’ 

અલ્પવિરામ પર પડેલું સૂકાઈ ગયેલું આંસુ બરાબર દેખાતું હતું. ઉચાટ સાથે એ આગળ વાંચતી ગઈ,

‘મજામાં હોઈશ. આજે મધર્સ ડે છે. મારો દિવસ. એટલે આ કાગળ લખવાનો મારો હક છે તને આજનો દિવસે. સાત વર્ષ. સાત વર્ષમાં એક વાર પણ મેં તારી સાથે વાત ન કરી. ટેવ છૂટી ગઈ છે. બોલી શકવાની હિંમત ભેગી કરવામાં તારી મમ્મી કાચી પડી. એટલે આ લખ્યું. બસ એ કહેવા કે તું મારી દીકરી છે. સાત વર્ષ પહેલાં મારા મોઢામાંથી નીકળી ગયેલું કે તું મારા માટે મરી ગઈ છે આજથી ! જીવતે જીવત એક મા માટે પોતાના સંતાનને આમ મારી નાખવું શક્ય છે શું!? તને ય ન ખબર પડી? તું ય મા નથી? સાત વર્ષનો એક એક દિવસ, એક એક રાત તારા વગર કાઢવો કેટલો મુશ્કેલ છે એ તને હવે સમજાયું હશે કદાચ. તારા પપ્પાના નિયમો, આપણી આબરૂ બધું એના સામે કેટલું નાનું, કેટલું નજીવું લાગે છે ! મને મારા પર જ ગુસ્સો આવે છે કે મારો પ્રેમ તને, તારા પ્રેમને સમજી શકવામાં નિષ્ફળ ગયો ! તારી વિદાયના આંસુ તે નથી જોયા મારી આંખમાં. પણ હું રોજ એના સાથે જીવું છું. તારા પપ્પાનો અહમ ક્યારનો ય એ આંસુઓમાં ઓગળી ગયો છે. પણ જીભ એની ય ઊપડતી નથી."

કાગળ પરની શાહી પ્રાચીના ટપ ટપ પડતા આંસુઓથી જરા ધ્રુજવા લાગી હતી. 

‘યાદ છે, તું નાની હતી ત્યારે એક ફ્રોક લેવાની તે જીદ કરેલી? એ જીદ કરીને લીધેલું ફ્રોક હમણાં મળ્યું ત્યારે આખી રાત એને છાતીએ લગાવીને રોઈ છું. તારી કોલેજબેગ, નવરાત્રીના ચણીયાચોળી, તે આપેલું બર્થડે કાર્ડ, બે ચોટી વાળો તારો ફોટો… બધું હું મારી જિંદગીમાંથી હટાવી શકતી નથી. રોજ નજર સામે આ બધું રાખીને મારી જાતને સાત વર્ષ સુધી સજા આપી છે મેં. આંખોમાંથી રોજ લોહી પડે છે! આ લખતા લખતા જીભ સૂકાઈ ગઈ છે દીકરા. આને પ્રાયશ્ચિત ગણે કે પ્રેમ, એક વાર તારી મમ્મી સાથે વાત કરી લે જે. આ વાંચીને તારી આંખમાં એકાદ આંસુ આવી ગયું હશે તો ય હું માની લઈશ કે તે મારી સાથે વાત કરી લીધી. બસ, તને છાતીએ ચાંપીને આટલા વર્ષોનું બધું જ એકસાથે રડી લેવું છે. ક્યારે આવીશ?

લી. 

તારી મમ્મી.’

ખારા થઈ ગયેલા એ કાગળને છાતીએ ચાંપીને પ્રાચી બેસુમાર રડી પડી, મમ્મીને ભેટી પડતી હોય એમ. છાતીમાં મુશ્કેટાટ બાંધેલી ગાંઠ છૂટી ગઈ હોય એમ એને હાશકારો થયો. 

ચિન્ટુ દોડતો ઘરમાં આવ્યો અને સ્કૂલબેગનો ઘા કરી એ બહાર ભાગી ગયો એના નાના દોસ્તો સાથે. એ બધું સરખું મૂકવા જઈ રહી હતી ત્યાં જ સ્કુલબેગમાંથી અમુક  રંગબેરંગી કાગળ જરા બહાર ડોકાયા. પ્રાચીને કલાસટીચરનો કોલ યાદ આવ્યો. સ્કૂલબેગ ખોલ્યું, એમાં રંગીન કાગળના બનાવેલા મોટા ફૂલની વચ્ચે લખેલું, ‘5 reasons you love your mother’ અને આજુબાજુની પાંચ પાંખડીઓમાં એ કારણો લખવાના હતા. પ્રાચીએ જોયું, એની દરેક પાંખડી પર એના ચિન્ટુએ બાલિશ ગ્રામરમાં એક જ જવાબ લખેલો, ‘Because her is my mother’!

અને કલાસટીચરની બાલિશતા પર જરા દયા ખાતા ખાતા એણે ફોન લીધો અને વર્ષોથી ડાયલ ન કરેલ એ નંબર પર ગ્રીન બટન દબાવ્યું, અને આંખો લૂછતી, સ્ક્રીન પર ચમકતું એ નામ, ‘Maa’ જોઈ રહી. 

                                          ***

માણસ આ પૃથ્વી પર આવ્યો ત્યારથી પ્રેમ ઝંખતો આવ્યો છે. પ્રેમ એ ચીજ છે જેની તરસ પૈસાની જેમ ક્યારેય છીપાતી નથી. પ્રેમ માણસની આખી જિંદગી બદલી નાખે છે. એના માટે માણસ કંઈપણ કરી છૂટવા તૈયાર થઈ જાય છે,  હજારો દાખલાઓ છે. પ્રેમ પામવા યુદ્ધો થઈ ગયા છે, હત્યાઓ થઈ ગઈ છે, થાય છે. સાચા પ્રેમની શોધ એ માનવજાતની કદી ન પૂરી થતી સૌથી લાંબી સફર છે. પણ જિંદગીનો સહુથી પહેલો પ્રેમ માણસ ક્યાંથી પામે છે? એને પેદા કરનાર, એની મા પાસેથી. અને પ્રેમની હજારો લાખો કરોડો વ્યાખ્યાઓમાં, દરેક માણસની પોતાની વ્યાખ્યામાં, એક વિશેષણ હંમેશા આવે છે: અનકન્ડિશનલ. બિનશરતી પ્રેમ. કોઈ શરતોની ફૂડદી વિનાનો પ્રેમ. તમે આપો અને મળે, એવો હિસાબી પ્રેમ નહીં. તમે જરા ગુસ્સો કરો અને બટકી જાય એવો તકલાદી નહીં, અપેક્ષાઓ પૂરી ન થાય અને હોલવાઈ જાય એવો નબળો કરાર નહીં. કદી ન બુઝાય, તમારી તમામ નબળાઈઓ છતાં, તમારી તમામ ભૂલો છતાં, તમારા લાખ ગુસ્સા છતાં વહેતો રહે એવો અણીશુદ્ધ પ્રેમ. લોકો કહે છે કે આવો પ્રેમ પરીકથાઓ સિવાય કયાંય હોતો હશે! વાત પણ સાચી છે. માનવસબંધોમાં લાગણીઓની થોડી તો થોડી, લેવડ-દેવડ બંને પક્ષે હોય તો જ એ ટકી રહે છે. પણ માનો પ્રેમ એટલે જ પરીકથા છે ! આખા જગતમાં શોધવાથી ય ન મળતો આવો પ્રેમ બહુ આસાનીથી તમે આ દુનિયામાં હતા જ નહીં ત્યારથી વહ્યા કરે છે. કોઈ શરતો વિના. અને જે ચીજ આસાનીથી મળી જાય એની કિંમત માણસ હંમેશા ઓછી કરે છે. માણસે સબંધોમાં આજ સુધી જો કોઈ વ્યક્તિને સૌથી વધુ ગ્રાન્ટેડ લઈ લીધી હોય તો એ એની મા છે. એના પર ગુસ્સો કરવાનો હક જાણે નાનપણથી જ આપણે લાઇ લઈએ છીએ. એના પર આપણે બહુ આસાનીથી ચિડાઈ જઈએ છીએ, એની નબળાઈઓ એને મોઢે મોઢ કડવા શબ્દોમાં કહી દઈએ છીએ, ‘તને કંઈ ખબર પડતી નથી...’, ‘તું મને થાળીમાં વધારે વધારે જમવાનું ન આપ્યા કર...’, ‘આટલું શીખવાડ્યું તો ય તને મોબાઈલ વાપરતા નથી આવડતું મમ્મી...’, ‘મારે નાસ્તો નથી જોઈતો મૂકતી નહીં...’, ‘મારે નથી આવવું બહાર તારી સાથે...’, ‘તું મારી ચિંતા ન કર, હું નાનો કિકલો નથી...’, ‘એવું ન હોય મમ્મી...’ વગેરે વગેરે બોલતા આપણે ખચકાતા નથી. અને મમ્મીઓ ય આપણામાં જે હોય એ વ્યક્ત કરતા આપણને ક્યારેય રોકતી નથી. બહુ ઓછો ગુસ્સો કરે છે. બસ હસી જાય છે, કાં તો કહી દે છે ‘ઠીક છે’, આપણા ‘તને ખબર પડતી નથી...’ ની સામે એ ખુશ થાય છે કે મારા દીકરા/દીકરીને કેટલી બધી ખબર પડે છે ! થાળીમાં એ તમારા લાખ ગુસ્સા છતાં બે રોટલી વધારે જ મૂકશે, તમે ગમ્મે તેટલા ઇરિટેટ થાઓ, એને એના દીકરાને ભૂખ્યો નથી જોવો, નાસ્તાનું પેકેટ તમને ખબર ન પડે એમ થેલામાં સંતાડી દે છે, મોબાઈલ વાપરવાની એને પડી ય નથી. એ તમારી ચિંતા કર્યા જ કરે છે કારણકે એને મન તમે નાના કિકલા જ છો હજુ. તમારી ‘આમ હોય, ને તેમ હોય, ને એવું ન હોય’ સામે એની પાસે કોઈ દલીલ નથી એવું નથી, એ દલીલ કરતી જ નથી. મમ્મીઓ, ખાસ કરીને દીકરાઓને કહેતી હોય છે, ‘ધ્યાન રાખજે, તારી બાયડી સામે આમ કરીશ એ નહીં ચાલે!’ ત્યારે કહેવાનું મન થઇ આવે છે કે મમ્મી, હું બહુ સારી રીતે જાણું છું કે તારા જેટલો મને કોઈ સહન નહીં કરી શકે ! મા સાથે સબંધ ‘સાચવવો’ નથી પડતો. એ જ બધુ સાચવી લે છે. પપ્પાને આપણે ‘તમે’ અને મમ્મીને ‘તું’ કહીએ છીએ. પપ્પા પ્રત્યે પ્રેમ નથી એવું નથી (એના માટે એક આખો અલાયદો આર્ટિકલ લખવો પડે), મમ્મી સાથે કંઈક અનોખું કનેક્શન છે. અને તમે નહોતા ત્યારથી એ કનેક્શન છે, તમારા અસ્તિત્વના ન હોવાથી લઈને, એ અસ્તિત્વને દુનિયા સામે મૂકવા, એને ટકાવવા દુનિયા સામે લડવા  સુધીનું એ કનેક્શન છે. એ એ વ્યક્તિ છે જેના ખુદના શરીરમાં તમારું આખું શરીર બન્યું છે. બે નાના એવા, નરી આંખે જોઈ પણ ન શકાય એવા કોષોમાંથી આખે આખી સંપૂર્ણ કાયા એના લોહી, માંસ, દૂધ અને વાત્સલ્યથી બને છે. પોતે ખરીદેલી સામાન્ય વસ્તુનો મોહ પણ માણસ છોડી શકતો નથી, આ તો પોતાના શરીરમાંથી એક આખું શરીર પેદા કરવાની વાત છે, અને આપણે કહીએ છીએ, ‘મમ્મી તું બહુ વેવલાવેડા કરે છે!’ હકીકત એ છે કે તમારી ખુશી માટે એ એના અપમાન, એના દુઃખ, પીડા, ઢળી જતી સુંદરતા, ઘસાઈ જતા શોખ, લોકોના ટોણા બધું જ સહન કરી જાય છે અને એવી રીતે કરી જાય છે જાણે આ બધું કરવું એ એના માટે સાવ સામાન્ય હોય !

કોણ છે મમ્મી? તે એ વ્યક્તિ છે જે તમારા જીવનના એક એક કણ, એક એક ક્ષણ, તમારી આદતો, તમારી બોલી, તમારા સ્વભાવ બધા પર છવાયેલી છે. છવાયેલી નહીં, એમાં ગૂંથાયેલી છે. મમ્મી એટલે એ વ્યક્તિ જેની કૂકરની ત્રણ સિટીઓ તમે હંમેશાં ગણતાં ભૂલી ગયા હો. મમ્મી એટલે અથાણાંની બરણી. મમ્મી એટલે સીધી સટ કપાયેલી કેરીની ચીર. નવશેકા શિયાળામાં ય પરાણે સ્વેટર પહેરાવે એ મમ્મી. તમારા ખાતર શેરીમાં કોઈપણ સાથે જંગે ચડી જાય એ મમ્મી. આખો દિવસ કામ કર્યા પછી ય એક્ઝામની આગલી રાતે તમારી સાથે જાગે એ મમ્મી. થાકીને ચૂર થઈ ગયા પછી ય, ધરાર પથારીમાં ન સૂઈને, ખુરશી પર જ ભૂલતથી ઝોકું ખાઈ જતી મમ્મી. તમે જ્યારે બહારગામ જવા રાતે 4 વાગે ય જાગો ત્યારે એ રાતને ય સવાર બનાવી દેતી વ્યક્તિ. ઘરની બહાર નીકળતી વખતે ભગવાનને પગે લાગવાનું કહેવાનું ક્યારેય ન ચૂકે એ મમ્મી. તમારા રક્ષણ માટે દુનિયાની બધી જ અંધશ્રદ્ધાઓ માની લે એ મમ્મી. તમારા ભવિષ્ય માટે રોજ ભગવાનને પ્રાર્થના કરતી વ્યક્તિ. ઉનાળાની ફ્રિજની બોટલ એટલે મમ્મી, શિયાળાનો મધરાતે ઓઢાડાતો ધાબળો એટલે મમ્મી. વહેલી સવારના તડકાને તમારી આંખ સુધી પહોંચતા રોકી લેતી વ્યક્તિ એટલે મમ્મી. પપ્પાની વઢ સામે હંમેશા તમારી વકીલ બનીને ઊભી રહે એ મમ્મી. તમારા અસ્તિત્વનો પહેલો કોળિયો એટલે મમ્મી. તમારા બાળોતિયા અને તમારા સંતાનના ડાયપર બદલતી મમ્મી. તમારા રૂમાલની ગડી અને તમારા કપડાંની ઈસ્ત્રી એટલે મમ્મી. મમ્મી એટલે એ વ્યક્તિ જેણે પોતાના જૂના ઘાવો પર ધ્યાન ય ન આપ્યા વગર તમારી આંગળી પર પડેલા નાનકડા ચીરા પર હળદર લગાવી છે. મમ્મી એટલે તમારા જૂના મોબાઈલનો હંમેશાં હાજર ઘરાક. મમ્મી એટલે કપડાં ધોઈને સૂકાઈ ગયેલા અને રોટલી કરીને બળી ગયેલા હાથ. મમ્મી એટલે દુખાવાથી ફાટી જતા તમારા માથામાં થતી રાહતની ચંપી. મમ્મી એટલે રોજ સાંજનો "શું જમ્યું" નામનો સવાલ. મમ્મી એટલે પોતાની તબિયત ભૂલીને તમને પરાણે પવાતી દવા. આટ આટલા પ્રેમ છતાં, મમ્મી એટલે એ સ્ત્રી જે તમારી પત્ની સાથે તમને ખુશી ખુશી અને ક્યારેક જરા દુઃખી થઈને ય વહેંચી લે છે.  મમ્મી એટલે દીકરી ના સાસરે જતો રાતનો અગિયાર વાગ્યાનો રેગ્યુલર કોલ. મમ્મી એટલે તમારી પહેલી શિક્ષક. મમ્મી એટલે જયારે જયારે પૈસા ખૂટે ત્યારે તોડાતો માટીનો ગલ્લો. અને મમ્મી એટલે ફાટેલો સાડલો જ નહીં, ડેનિમ જીન્સ એટલે ય મમ્મી. ગરમા ગરમ ભાખરી જ નહીં, ચટપટી પાણીપૂરી એટલે ય મમ્મી. સંતાન માટે સારેલા આંસુ જ નહીં, તમારી ટાંગ ખેંચતી સળી એટલે ય મમ્મી. માથે ફરતો વ્હાલનો હાથ તો ખરો જ, ક્યારેક ખેંચાતો કાન એટલે ય મમ્મી. ઘરકામ કરીને ટિફિન બનાવી આપતી જ નહીં, કોર્પોરેટમાં કામ કરીને સંતાનને નવો ફોન ગિફ્ટ કરે એ પણ મમ્મી. સફેદ થઈ જતા લાંબા વાળ એટલે ય મમ્મી અને સ્ટેપકટમાં હાઇલાઇટ એટલે ય મમ્મી. તમારા ઘરે આવેલ મહેમાન સામે મમ્મી તમારા કેટલા વખાણ કરી નાખતી હોય છે નહીં! મમ્મી એટલે તમારી સોશિયલ એડવર્ટાઇઝર. મમ્મી એટલે તમારી રિલેશનશિપ એડવાઇઝર. બે સંતાનોના ઝઘડામાં દુનિયાની સૌથી નિષ્પક્ષ- બાહોશ જજ એટલે મમ્મી. વગર કહ્યે તમારી મૂંઝવણ સમજી જતી વ્યક્તિ એટલે મમ્મી. ઘરમાં પગ મૂકતા સાથે પૂછાતો તમારો ‘મમ્મી ક્યાં છે’ સવાલ એટલે મમ્મી. દિવાળીનું ચોખ્ખું ઘર એટલે મમ્મી. ઉનાળાની અડધી રાતનું એક ગ્લાસ ઠંડું પાણી એટલે મમ્મી. વહેલી સવારનું એલાર્મ એટલે મમ્મી. બે ડિગ્રી તાવમાં ઠંડા પાણીનું પોતું એટલે મમ્મી. મમ્મી એટલે માતૃભાષા. ઘરની હાશ એટલે મમ્મી. 

મમ્મી એ સ્ત્રી છે, એ પત્ની છે, જે માતા બનતા સાથે જ પોતાનું સર્વસ્વ એના સંતાન પર કેન્દ્રિત કરી દે છે. ‘હું’ નામનો શબ્દ ભૂંસી નાખે છે અને પોતાનું સઘળું અસ્તિત્વ ‘મા’ નામના નાનકડા એક જ શબ્દમાં ઓગળી નાખે છે. એનો પતિ પ્રત્યેનો પ્રેમ પણ ફંટાઈ જાય છે જરા જરા. અને પછીની આખી જિંદગી એ સંતાન માટે જ જીવતી જાય છે. ઉપર સ્ટોરીમાં છે એમ, ક્યારેક નારાજ હોય છતાં એનું માતૃત્વ, એનો પ્રેમ ક્યારેય સૂકાતો નથી. એને પ્રેમ કરવાનું એક જ કારણ હોય કે એ મા છે. મા એ વ્યક્તિ છે જે પોતાના સંતાનના નામ પાછળ પોતાનું નામ પણ ન માગ્યા સિવાય પોતાની આખી જિંદગી સંતાનના નામે કરી દે છે. ઈશ્વર કહેવાની અતિશયોક્તિ ન કરીએ તો ય, મા એ માનવજાતમાં ઈશ્વરની સૌથી નજીક પહોંચેલું વ્યક્તિત્વ હશે. 

એક વખત, ખાલી એક વખત (એના મરવાની ઈચ્છા સાથે તો સપનાનાં સપનાંમાં ય ન હોય) એના મહત્ત્વ, તમારી જિંદગીના એક એક શ્વાસમાં એની હાજરીનો અનુભવ કરવો હોય તો વિચારી જોજો. એ નહીં હોય ત્યારે? હૃદય ઉપર કોઈએ હિમશીલા મૂકી દીધી હોય એવું લાગશે. શરીર કંપી જશે. રડી પડાશે! આ છે મા ! જો તમારી મા તમારી સાથે હોય તો માનજો કે તમે બહુ નસીબદાર છો !

પણ આપણી બધામાં એક સામાન્ય તકલીફ શું છે ખબર છે? આપણા સૌથી નિકટના, ઝંઝાવાતોમાં આપણને ઝાલી રાખનારા, પગ ભાંગે ત્યારે ઘોડી બનતા સ્વજનોને જ આપણે ક્યારેય કહી નથી શકતા કે હું તને પ્રેમ કરું છું. પત્નીઓ અને પ્રેમિકાઓ જરા નસીબદાર છે પણ મા-બાપ આમાં બહુ કમનસીબ છે. મમ્મીને આપણે મોઢે કહી નથી શકતા કે મમ્મી આઈ લવ યુ. ગર્લ્સ તો હજુય એક્સપ્રેસિવ હોય છે પણ દીકરાઓ શરમાઈ જાય છે (આ લખનાર ઇન્કલુડેડ). તો આ મધર્સ ડે પર એક હગ કરીને, ગાલ પર કિસ કરીને એને ‘લવ યુ સો મચ’ કહેવા જેવું ખરું કે નહીં! આવું કંઈ લખીને ય એક્સપ્રેસ કરવું જેવું ખરું કે નહીં ! મને ખાતરી છે, આ એક જ એક્સપ્રેશન, આ થોડા જ વાક્યો, એની જિંદગીની મધર્સ ડે પરની સૌથી મોંઘી ગિફ્ટ હશે! 

(શીર્ષક: જય વસાવડા)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.