ઈશ્વર કે ધર્મ નહીં, પણ દેશ મહાન
વ્યક્તિની હત્યા કરવાનું કામ અત્યંત સહેલું છે, પરંતુ વ્યક્તિના વિચારની હત્યા કરવાનું કામ કપરું છે. એમાંય જે વિચાર સમાજના છેવાડાના જણના ઉત્થાન માટેનો હોય કે માતૃભૂમિની આઝાદી અને દેશની પ્રગતિ માટેનો હોય ત્યારે એ વિચારની હત્યા કરવાનું કામ કપરું નહીં, પણ અશક્ય બની જતું હોય છે. એવા વિચારોને અમરત્વ મળી જતું હોય છે અને એટલે જ ખંધા અંગ્રેજો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં જરૂર સફળ થયા હોય, પરંતુ એ ત્રણેય શહિદોના વિચારને ફાંસીને માચડે ચઢાવી શક્યા નથી. મા ભારતીની ફળદ્રુપ જમીનમાં મૂળિયાં નાંખી ગયેલો નેશન ફર્સ્ટનો એ વિચાર આજે પણ પહેલા જેટલો જ પ્રસ્તુત છે અને એની પ્રસ્તુતિ આવનારી સદીઓ સુધી જેમની તેમ રહેશે.
ખૈર, ભગતસિંહની શહીદીના આજના દિવસે આપણે આજના જ કેટલાક વિવાદો અને ભગતસિંહના કેટલાક વિચારોનું મૂલ્યાંકન કરીએ. ભગતસિંહ નિરીશ્વરવાદી એટલે નાસ્તિક હતા. ઈશ્વર કે કોઈ પણ ધર્મ કરતા એમને દેશમાં અત્યંત શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાને કારણે જ તેઓ અંગ્રેજી હકૂમત સામે લડતા રહ્યા અને એ શ્રદ્ધાના જોરે જ તેઓ 23મી માર્ચ 1931ના દિવસે લાહોરની જેલમાં ફાંસીએ પણ લટકી ગયા! ભગતસિંહની શહીદી જો એળે નહીં જવા દેવી હોય તો આજના દિવસે આપણે એ ચિંતન કરવું રહ્યું કે, આપણા માટે ધર્મ પહેલો કે દેશ? કારણ કે ધર્મ પસંદ કરવો કે એનું અનુસરણ કરવું એ અત્યંત પર્સનલ બાબત છે અને દેશની સમસ્યાઓની અવગણના કરવી કે દેશ સાથે ગદ્દારી કરવી એ સાર્વત્રિક બાબત છે.
હાલના સમયમાં ધર્મ અને રાજકારણની ભેળસેળ એટલી હદે થઈ ગઈ છે કે, આપણો આખો દેશ ગરીબી, મોંઘવારી, ગંદકી, બેરોજગારી- ઓછા પગારભથ્થા અને ભૂખમરો, ખેડૂતોની આત્મહત્યા, આતંકવાદી ઘટનાઓ, છાશવારે થતું રહેતું સ્ત્રીઓનું શોષણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ચાલતા વ્યાપક ભ્રષ્ટાચાર, જંગલો અને વૃક્ષોના થઈ રહેલા આડેધડ નાશ જેવી સમસ્યાઓ ભૂલીને હિન્દુ-મુસ્લિમ અને સેક્યુલરોના ત્રણ વિભાગમાં વહેંચાઈ સોશિયલ મીડિયા વોરમાં વ્યસ્ત થઈ ગયો છે. સર્વત્ર મચેલો આ કોલાહલ સાવ નકામો અને અર્થવિહિન છે. પણ આપણા સૌ ભારતીયોની આ કમનસીબી છે કે, 1947થી લઈને આજ સુધી આપણા દેશનો મોટો વર્ગ સાક્ષીઓ અને ઔવેસીઓને રવાડે ચઢતો રહ્યો, આપણે સૌ વહેંચાતા રહ્યા-લડતા રહ્યા અને એક દેશ તરીકે તૂટતા રહ્યા.
હશે. આ બાબતોના લોહીઉકાળામાં પડીશું તો જીવાશેય નહીં. અને આપણે તો આમેય ભગતસિંહને યાદ કરવા છે આજે. આપણી ભાષાના વરિષ્ઠ પત્રકાર અને હાલમાં ‘સંદેશ’માં મેગેઝિન એડિટર તરીકેની ફરજ બજાવતા અલકેશ પટેલે આપણને એક અદભુત અનુવાદની ભેટ આપી છે. દિલ્હીના ઇતિહાસના પ્રોફેસર ડી.એન. ગુપ્તાના પુસ્તકનો એમણે ‘ભગતસિંહ ચૂંટેલાં ભાષણો અને લખાણો’ નામે અનુવાદ કર્યો છે અને ખ્યાતનામ ‘નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા’એ આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. પુસ્તકમાં આપણને પ્રભાવિત કરી દે એવા ભગતસિંહે પોતે લખેલા લેખો, એમનાં ભાષણો અને દિલ બહેલાવી દે એવા એમના પત્રોનું સંપાદન અને ભાષાંતર થયું છે.
એ પુસ્તકમાંનો ભગતસિંહનો એક લેખ એટલે, ‘હું શા માટે નાસ્તિક છું?’ કેટલાક નાસ્તિકો પોતાની જાતને બૌદ્ધિકમાં ખપાવવા કે પોતાને અસામાન્ય સાબિત કરવા માટે નાસ્તિકતાને માર્ગે નીકળી જતાં હોય છે. પોતે કેમ નાસ્તિક છે અને તેઓ ઈશ્વરનું અસ્તિત્વ કેમ નથી સ્વીકારી શકતા એ વિશે તેઓ ક્યારેય તર્કબદ્ધ દલીલો રજૂ કરી શકતા નથી અને આખી જિંદગી માત્ર ઈશ્વર નામના તત્ત્વને પડકારીને એ તત્ત્વને ગાળો ભાંડતા રહે છે.
અંગ્રેજ સરકારના ઈશારે ચાલતી લાહોર કોર્ટે દેશદ્રોહના ગુના હેઠળ ભગતસિંહને ફાંસીની સજા જાહેર કરી દીધી હતી. મોત માથે ઝળૂંબી રહ્યું છે એવી ખબર પડી જાય ભલભલો ભૂપતિ થથરી ઊઠે અને એવા સમયમાં ઈશ્વર નામના સહારે જઈને મનને શાંત કરીને મોતના ડરથી છુટકારો મેળવે પરંતુ પોતાના અંતિમ દિવસોમાં લાહોર કોર્ટમાં કેદ ભગતસિંહે ન તો ઈશ્વરને કોઈ પ્રાર્થના કરી કે કોઈ દૈવીય તત્ત્વ આગળ પોતાનો જીવ બચાવી લેવાની કે હિંમત આપવાની આજીજી કરી.
એમના અંતિમ દિવસોમાં ઈશ્વરના નામથી ધરપત મળી રહે એ માટે એક સહકેદીએ ભગતસિંહને ઈશ્વરની પ્રાર્થના કરવાની સલાહ આપેલી. પોતે ક્યાં કારણોસર અને કોના માટે પોતાની જાતની આહુતિ આપવા જઈ રહ્યા છે એની એમને પૂરી જાણકારી હતી અને મોતના ભયથી ભાંગી પડે એ ભગતસિંહ નહીં. એટલે એમણે ઈશ્વરને શરણે જવાનો ઇનકાર કર્યો. આ કારણે એમના એક સહકેદીએ એમને ટોણો માર્યો કે, હમણાં ભલે ભગતસિંહ ગમે એટલી ફિલોસોફી કરે પરંતુ અંત નજીક આવશે ત્યારે ભગતસિંહ આપોઆપ ભગવાનને યાદ કરશે. લાહોર જેલમાં અને ક્રાંતિકારી મિત્રોમાં ભગતસિંહ વિશે એવી માન્યતા પણ પ્રવર્તવા માંડી હતી કે, ભગતસિંહ અત્યંત અહમી અને આપખુદ વ્યક્તિ છે, જેના કારણે જ તેઓ ઈશ્વરના હોવાપણાનો સ્વીકાર કરતા નથી. પણ પોતે ઈશ્વરમાં કેમ નથી માનતા એ વિશેની એમની એમનો તર્ક જરા જુદો હતો. એટલે મોતને ભેટે એ પહેલા ભગતસિંહ મિત્રો અને લોકોમાં ફેલાયેલી આ ગેરમાન્યતા દૂર કરવા માગતા હતા, જેને પગલે એમણે ‘હું શા માટે નિરીશ્વરવાદી છું’ એ વિશે એમણે વિસ્તૃત અને તર્કબદ્ધ દલીલો સાથેનો લેખ લખેલો, જે લેખ એમના અવસાન પછી લાલા લજપતરાય ‘ધ પીપલ’ સાપ્તાહિકમાં જૂન 1931માં પ્રકાશિત થયેલો.
લેખમાં ભગતસિંહ દલીલ રજૂ કરે છે કે, માણસ બે સંજોગોમાં નિરીશ્વરવાદી થઈ શકેઃ જો એ પોતાની જાતને ઈશ્વરનો હરીફ માનતો હોય તો અથવા જો માણસ પોતાની જાતને જ ઈશ્વર માનતો હોય તો! પરંતુ આ બંને બાબતમાં નિરીશ્વરવાદી વ્યક્તિની પોકળતા છતી થઈ જાય છે, કારણ કે પહેલા કિસ્સામાં એ ઈશ્વરને હરીફ માને એનો અર્થ એ કે તે ઈશ્વરના હોવાપણાને તો સ્વીકારે જ છે. તો બીજા કિસ્સામાં માણસ એવું વિચારતો હોય છે કે, આખી કુદરતની દરેક હિલચાલની પાછળ કોઈક એક સર્વોચ્ચ શક્તિમાન તત્ત્વ જવાબદાર છે અને તો જ એ પોતાની જાતને સર્વશક્તિમાન માનતો હોય છે.
પરંતુ ભગતસિંહ આ બંને વિચારોનો છેદ ઉડાવે છે. અને સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે, ‘હું કોઈ પ્રકારની સર્વોચ્ચ શક્તિ હોવાનો ઈનકાર કરું છું અને મારી આ પ્રકારની વિચારધારા અહંકારને કારણે કેળવાયેલી નથી.’ ચુસ્ત આર્યસમાજી કુટુંબમાં જન્મ અને ઉછેર થયો હોવા છતાં તેમજ સ્કૂલ અને કૉલેજના વર્ષોમાં ગાયત્રીમંત્રો સહિત વિવિધ પ્રાર્થના કરતા રહેવા છતાં ભગતસિંહને નાનપણથી ધર્મોની જરૂરિયાત વિશેની શંકાઓ થયા કરતી. અલબત્ત એમની કાચી વય દરમિયાન એમને ઈશ્વર નામના તત્ત્વમાં શ્રદ્ધા જરૂર હતી. એમણે જ લખ્યું છે કે, ‘શીખ કે અન્ય કોઈ પણ ધર્મોની માન્યતાઓ કે સિદ્ધાંતોમાં મને વિશ્વાસ નહોતો બેસતો. છતાં ઈશ્વરના અસ્તિત્વ અંગે મને મક્કમ વિશ્વાસ હતો.’
જોકે દેશની આઝાદીને પોતાનું જીવન લક્ષ્ય બનાવ્યા પછી, જ્યારે તેઓ ક્રાન્તિકારી પક્ષમાં જોડાયાં પછી ઈશ્વરના હોવાપણા વિશે પણ એમને પ્રશ્નો ઊઠવા માંડ્યા, જેનું નિરાકરણ આણવા એમણે ભારત ઉપરાંત વિશ્વભરના સાહિત્યનો ઊંડો અભ્યાસ આદર્યો. વિવિધ પુસ્તકોના અભ્યાસનું એક કારણ એ પણ હતું, કે પોતે ક્રાન્તિકારી ચળવળ સાથે કેમ જોડાયા અને દેશમાં ક્રાન્તિની જરૂર શા માટે એ અંગેની ચર્ચાઓ દરમિયાન પોતે નક્કર રજૂઆતો કરી શકે.
આ અભ્યાસ દરમિયાન એમણે અરાજકતાવાદી નેતા બકુનિનથી લઈને કાર્લ માર્ક્સની વિચારધારાનો તેમજ લેનિનથી લઈને ટ્રોટ્સકી સુધીના નેતાઓના જીવન અને એમની ફિલસૂફીનો અભ્યાસ કર્યો. ઉપરના તમામ નેતાઓ નિરીશ્વરવાદીઓ હતા અને આ તમામનો ભગતસિંહ પર અત્યંત પ્રભાવ પડ્યો, જેને પગલે વર્ષ 1926 સુધીમાં ભગતસિંહને બ્રહ્માંડની રચના કરનાર, માર્ગદર્શન આપનાર અને તેને નિયંત્રણમાં કરનાર કોઈ સર્વોચ્ચ શક્તિના અસ્તિત્વની વાત નિરર્થક લાગવા માંડી. અને પોતે નિરીશ્વરવાદી છે એવું એમણે જાહેરમાં સ્વીકારવા પણ માંડ્યું.
જોકે એવા દિવસો હતા, જ્યારે ભગતસિંહ મુક્ત વાતાવરણમાં હરીફરી રહ્યા હતા અને એમના પર શારીરિક અથવા માનસિક અત્યાચારો કે દબાણ નહોતા થયાં. માણસ કોઈ પણ પ્રકારની પીડાથી મુક્ત હોય તો તો સ્વાભાવિક રીતે એને ઈશ્વરની યાદ નથી આવતી. પરંતુ જ્યારે માણસની યાતનાની શરૂઆત થાય કે એનો ખરાબ સમય શરૂ થાય ત્યારે જ એને ઈશ્વરનું શરણ અને ધ્યાન અને યોગ નજરે ચઢતા હોય છે!
જોકે 1927ના મે મહિનામાં જ્યારે લાહોરમાં એમની ધરપકડ કરવામાં આવી અને એમને કેદ કરીને સરકાર દ્વારા એમના પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા ત્યારે એમની ખરી કસોટી થઈ ગયેલી. એ સમયે ભગતસિંહ નિર્દોષ હોવા છતાં અંગ્રેજ સરકાર ધારે તે કરી શકે એમ હતી અને એમના પર આરોપો લાગ્યા હતા એની શું સજા હોય એની પણ ભગતસિંહને ખબર હતી. છતાં એમણે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર ન કર્યો એ ન જ કર્યો.
જેલના આ અનુભવ વિશે તેઓ લખે છે કે, ‘મક્કમ નિર્ધાર પ્રમાણે મેં કદી પ્રાર્થના ના કરી અને એ પરીક્ષામાંથી હું સફળતાપૂર્વક પાર ઉતર્યો. આવી કોઈ બાબત(ઈશ્વર)નો સહારો લઈને ફાંસીના માચડેથી બચવા માટે મેં એક ક્ષણ માટે પણ ઈચ્છા કરી નહોતી. આમ હું મક્કમ નિરીશ્વરવાદી છું, હતો અને હજુ સુધી એવો જ રહ્યો છું. શ્રદ્ધા માણસની પીડા ઓછી કરી શકે છે એટલું જ નહીં પરંતુ ક્યારેક એ પીડાઓને આનંદદાયક પણ બનાવી શકે છે. વ્યક્તિ ઈશ્વર એ સૌથી મજબૂત આધાર અને આશ્વાસન હોય છે, ઈશ્વર વિના વ્યક્તિએ માત્ર પોતાના પર આધાર રાખવા પડતો હોય છે અને જીવનના ઝંઝાવાતો અને સંઘર્ષમાં આવા કોઈ આધાર વિના એકલા ઊભા રહેવું એ રમત વાત નથી.’
ઈશ્વરની સાથોસાથ ધર્મોએ ઊભી કરેલી કેટલીક માન્યતાઓનો પણ તેઓ છેદ ઉડાવે છે. તેઓ લખે છે કે, ફાંસીના માચડે ચઢ્યા પહેલાં ભગવાનમાં શ્રદ્ધા રાખનાર હિન્દુ કદાચ આવતા જન્મે રાજા થવાનું વિચારશે કે મુસ્લિમ કે ખ્રિસ્તી સ્વર્ગમાં વૈભવી સુખ-સુવિધાની આશા રાખશે, પરંતુ હું જાણું છું કે જે ક્ષણે મારા ગળે ફાંસીનો ગાળિયો ભરાવવામાં આવશે તે સાથે મારા પગ નીચેથી પાટિયું ખસેડી લેવામાં આવશે, એ જ છેલ્લી ક્ષણ હશે. તે ક્ષણે મારો અથવા કહો તો મારા આત્માનો અંત આવી જશે.’ આમ આ વાત દ્વારા તેઓ આ લોક, પરલોક કે સ્વર્ગ, જન્નત કે નર્ક, જહન્નુમ જેવી માન્યતાઓને મૂળમાંથી વાઢે છે.
આ જ લેખમાં ભગતસિંહે ભારત દેશની સમાજવ્યવસ્થાની પણ આકરી ટીકા કરી છે. ખાસ ધ્યાન ખેંચે એવી બાબત એમણે એ લખી છે કે, વિશ્વમાં ગરીબીથી મોટો અપરાધ કોઈ નથી અને ગરીબથી મોટો અપરાધી કોઈ નથી. સાથે જ વર્ષો સુધી ધન અને સત્તા પોતાના હાથમાં રાખવા માટે જૂજ લોકોએ ધર્મને નામે કેવા અવાસ્તવિક તૂત ઊભાં કર્યાં છે એ વિશે તર્કબદ્ધ ઉદાહરણો આપ્યાં છે. ધર્મને કારણે જ મૂડીવાદ અને ભૂખમરાને વેગ મળ્યો છે એવું પણ સ્પષ્ટ કર્યું છે.
ભગતસિંહના ઈશ્વર કે ધર્મો વિશેના વિચારોને સાવ અવગણી શકાય એમ નથી. ઈશ્વરની વાત કોરાણે મૂકીને ધર્મોની વાત કરીશું તો ગણતા ગણતા સાંજ થઈ જાય એટલા પાખંડો આજ સુધીમાં ઉઘાડા પડ્યા છે. તો અનેક પાખંડો આજે પણ આપણી આંખ આગળ પૂરબહારમાં ચાલી રહ્યા છે, જેને સીધી અથવા આડકતરી રીતે સત્તાનો પણ સાથ મળતો રહ્યો છે.
સામાન્ય માણસ એ પાખંડો સામે અવાજ ઉઠાવી શકે એમ નથી કારણ કે કરોડોના કોલાહલમાં એકનો અવાજ સાવ નગણ્ય પુરવાર થાય પરંતુ એક દેશ તરીકે મોટો સમૂહ આ બાબતે જાગૃત થાય તો કોઈની મજાલ નથી કે, દેશમાં ધર્મને નામે કોઈ આંતરિક મતભેદો ઊભા કરી શકે. આજથી પંચ્યાશી વર્ષ પહેલાં માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે દેશ માટે ફાંસીને માચડે ચઢેલા એક યુવાનના આ વિચારો છે. આ વિચારો પોલા તો ન જ હોઈ શકે. એ વિચારો પર વિચાર કરવા જેવો તો ખરો જ.
ક્રાન્તિ જિંદાબાદ. ભારતમાતા કી જય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર