No one killed Narulla

12 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

પરમ દિવસે સલમાન ખાનના બહુ ચર્ચિત હિટ એન્ડ રન કેસનો ચુકાદો આવી ગયો. બોમ્બે હાઈકોર્ટે નીચલી અદાલતના તમામ ચુકાદાઓને અવગણીને સલમાનને નિર્દોષ જાહેર કર્યો. મે મહિનામાં મુંબઈની નીચલી અદાલતે સલમાનને તમામ આરોપો દોષી જાહેર કરીને એને પાંચ વર્ષની સજા ફટકારી હતી. જોકે સલમાન જે આરોપોમાં ગુનેગાર ઠરેલો એ તમામમાં એનો ગુનો ગેરઈરાદાપૂર્વકનો હતો. ગેરઈરાદાપૂર્વક થતાં ગુનામાં આટલી મોટી સજા થાય એ જાણીને કાયદાના જાણકાર ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કરેલું. જોકે સામાન્ય માણસ માટે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે, માત્ર છ મહિનાના ગાળામાં એક આરોપીને એના તમામ આરોપોમાં ગુનેગાર ઠેરવવામાં આવે છે અને પછી વડી અદાલત તમામ સબૂતોને તથ્યહીન જણાવીને એ જ આરોપીને નિર્દોષ જાહેર કરીને 'ન્યાય' આપે છે. તો સાચું કોણ? નીચલી અદાલતે સલમાનને કયા કારણો દોષી ઠેરવેલો? પોલીસની જેમ અદાલત પર ગેરમાર્ગે દોરાયેલી? આવું સામાન્ય કિસ્સામાં તો બનતું નથી.

સલમાનનો આ હિટ એન્ડ રન કેસ જટિલ છે. અથવા એમ પણ કહી શકાય કે, આ કેસને જાણીજોઈને જટિલ કરાયો છે. મુંબઈ જેવા ભરચક અને ક્યારેય નહીં ઉંઘતા શહેરમાં હિટ એન્ડ રનનો કેસ થાય અને એમાં સાક્ષીઓ અને યોગ્ય પુરાવા જ નહીં જડે એ આશ્ચર્યની વાત છે. વર્ષ 2002 પછી આખો કેસ કોઈ ફિલ્મની કહાનીની જેમ કરવટો બદલતો રહ્યો છે. મુખ્ય સાક્ષી તરીકે કોન્સ્ટેબલ રવિન્દ્ર પાટીલ વારંવાર એમના બયાન બદલતા રહ્યા અને આખરે બિમારીમાં અવસાન પામ્યાં તો ગાયક કમાલ ખાન ઘટના સ્થળે હાજર હોવા છતાં એને ગવાહી આપવા જ નહીં બોલાવાયો.

વળી, આ કેસમાં એક તબક્કો એવોય આવેલો, જ્યારે આ હાઈપ્રોફાઈલ કેસની ફાઈલો સમૂળગી ગુમ થઈ ગયેલી, જે થોડા મહિનાઓ બાદ ફરીથી મળી પણ આવી હતી. અકસ્માત સમયે કારમાં સલમાન, રવિન્દ્ર પાટીલ અને કમાલ ખાન ઉપરાંત ચોથી વ્યક્તિ હાજર હતી કે નહીં એ વાત પર પણ બે મત છે. સલમાનનો બચાવ પક્ષ સમયાંતરે કારમાં ચોથી વ્યક્તિ હાજર હોવાની વાતને સમર્થન આપી રહ્યો છે, બચાવ પક્ષ એ ચોથી વ્યક્તિને કારના ડ્રાઈવર તરીકે ઓળખાવી રહ્યો છે. એટલે તેઓ સીધી રીતે એમ કહી રહ્યા હતા કે, ઘટના સમયે સલમાન કાર ચલાવતો ન હતો. પણ ચોંકારનારી વાત એ છે કે, સલમાનની એ ગાડીના ડ્રાઈવરના નામ પણ વારંવાર બદલાતા રહ્યા છે.

અચાનક તેર વર્ષ બાદ એટલે કે ગયા માર્ચ મહિનામાં અશોક સિંઘ નામની વ્યક્તિ આખા કેસમાં નાટ્યાત્મક ઢભે એન્ટ્રી મારે છે, જે પોતાને સલમાનના ડ્રાઈવર તરીકે ઓળખાવે છે અને નીચલી અદાલતમાં તે સત્તાવાર બયાન આપે છે કે, હિટ એન્ડ રનની એ ઘટનાના દિવસે એટલે કે, 28 સપ્ટેમ્બર 2002ના દિવસે સલમાનની લેન્ડ ક્રુઝર એ ચલાવતો હતો. જોકે નીચલી અદાલતે અશોક સિંઘના બયાનને અવગણીને પોલીસે રજૂ કરેલા પુરાવા મુજબ સલમાનને ગુનેગાર ઠેરવ્યો. વળી, થોડા મહિના પછી મુંબઈ હાઈકોર્ટ પોલીસના તમામ પુરાવાને અધૂરા અને સાબિતી વિનાના ઠેરવીને એક માત્ર અશોક સિંઘના બયાનને માન્ય રાખીને સલમાન ગાડી ચલાવતો ન હતો એમ પુષ્ટ કરે છે અને સલમાનને નિર્દોષ જાહેર કરે છે. અશોક સિંઘે બ્રાંદ્રા પોલીસ સ્ટેશનમાં હજુ સુધી સત્તાવાર રીતે પોતાનું બયાન નોંધાવ્યું નથી. એનો આક્ષેપ છે કે, અકસ્માતના બીજા દિવસે એ સાંજે સાડાચાર સુધી પોલીસ સ્ટેશનમાં હાજર હતો પરંતુ પોલીસે એનું બયાન નોંધ્યું ન હતું. આ સ્ટોરીમાં હજુ એક ફિલ્મી વળાંક એ છે કે, અકસ્માતના બીજા દિવસે અશોક સિંઘ જે પોલીસ ઑફિસરને મળ્યો હતો એ પોલીસ ઑફિસરનું પણ અવસાન થયું છે!

આખરે ઘણા બધા ઉતાર ચઢાવ બાદ લગભગ દોઢ દાયકો થવા આવ્યો ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો. નામદાર કોર્ટના નિર્ણયને વખોડી શકાય નહીં. અલબત્ત એ ચુકાદા સામે વાંધો હોય તો ઉપલી અદાલતમાં એને પડકારી જરૂર શકાય. સલમાન સામે મહારાષ્ટ્ર સરકારે કેસ કર્યો હતો. જોકે આ કેસ પુરતું સરકાર કયા પક્ષની છે એ પણ મહત્ત્વનું ફેક્ટર છે. સલમાનનો હિટ એન્ડ રન કેસ થયેલો ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપીની સરકાર હતી અને આજે ત્યાં ભાજપની ફડણવીસ સરકાર છે. મહારાષ્ટ્ર સરકાર મુંબઈ હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરવાની વાત કરી રહી છે. ફડણવીસ સરકાર સુપ્રિમ કોર્ટમાં જશે કે નહીં એ બાબતે હજુ કોઈ સમાચાર સાંપડ્યા નથી.

આ તો થઈ કેસ અને કાયદાની વાત. પરંતુ પરમ દિવસે મુંબઈ હાઈકોર્ટે સલમાન ખાનને નિદોર્ષ જાહેર કર્યો ત્યારે સમાજ તરીકે આપણે કેટલા પછાત છીએ એ વાત પણ જોવા મળી. સલમાન ખાન નિર્દોષ જાહેર થતાં જ એના ચાહકો ઢોલનગારા લઈને 'ગેલેક્ષી' એપાર્ટમેન્ટની બહાર પહોંચી ગયા. સલમાનની ચોકમાં લોકો મન ભરીને નાચ્યાં. આખરે એમના ભાઈજાન નિર્દોષ જાહેર થયા હતા. સારી વાત છે. પણ આપણે એ પણ યાદ નહીં રાખી શક્યા કે, સલમાન જે કેસમાં નિર્દોષ જાહેર થયો એ ઘટનામાં એક ગરીબ માણસનું મોત પણ થયું છે. સલમાન ગાડી ચલાવતો હતો કે, નહીં ચલાવતો એ બે નંબરની વાત છે. પણ ઘટના સમયે સલમાન એ ગાડીમાં હાજર હતો, જે વાત કોઈ નકારી શકે એમ નથી. માથું ચકરાવી નાંખે એવું સત્ય એ હતું કે, સલમાનની એ ગાડીની નીચે એક ગરીબ કચડાઈ મર્યો હતો. સમાજ તરીકે આપણા માટે સલમાન જ મહત્ત્વનો? વિના કોઇ કારણ જાનથી હાથ ધોઈ બેસેલો પેલો આમ આદમી નહીં? કદાચ એટલે જ આપણે ઢોલનગારા લઈને નીકળ્યાં.

અને છેલ્લો મુદ્દો એ કે, હાઈકોર્ટે પરમ દિવસે ડ્રાઈવર અશોક સિંઘની હિંમતને બિરદાવી હતી. પરંતુ અશોક સિંઘ પર કોઈ કાર્યવાહી થશે કે નહીં એ વિશે કોઇ ચર્ચા નથી. આખરે ગાડી કોઈ તો ચલાવી હશે ને? અશોક સિંઘ કહે છે કે, ગાડી મેં ચલાવી હતી તો એ હેઠળ એના પર ખટલો ચાલશે ખરો? કે ભાઈ છૂટી ગયા એટલે ભયોભયો?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.