આજ દિવાળી... કાલ દિવાળી... દિવાળીનું મેડીયું....

11 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

‘મમ્મી નવું ફ્રોક જોઈએ...’

‘બેટા દિવાળી આવી રહી છે. દિવાળી પર....’

‘બા, ચણાના લોટનો લાડવો ક્યારે બનાવશો? ખાવાનું બહુ જ મન છે.’

‘દીકરા દિવાળી પર મગજ (લાડવો) બનાવવાની જ છું.’

‘પપ્પા, નવી પેન (ઈન્ડીપેન) અને શાહીનો ખડિયો લાવી આપો ને...’

‘બસ દિવાળીનું બોનસ મળશે ને, તરત જ લઈ આવીશ. સુરતથી ‘પ્રતાપ’ની પેન લાવીશું. તે જ સારી આવે...’

અને આમ ને આમ અમે નાનેરાઓ કાગડોળે દિવાળીની રાહ જોઈને શું શું મગાવવાનું છે તેનું લિસ્ટ મનમાં તૈયાર કરતાં રહીએ. આ વાત અને સંવાદો 1970-80નાં દાયકાનાં છે અને એમ કરતાં, રાહ જોતાં દિવાળી આવી જાય, ને દિવાળીનાં પાંચ દિવસ આગળથી ગામનાં ઘરોમાં ચહલ-પહલ શરૂ થઈ જાય.

લીપવા-ગૂંથવાનું કામ તો પહેલાથી જ થયું હોય એટલે ઘરની બધી સ્ત્રીઓ સાથે મળી ધૂઘરા, મગજ, ચણાના કરકરા લોટના લાડવા. ખડમડીયાં (સુંવાળી), મઠિયાં, થાપડાં ચેવડી બનાવવા બેસે અને નાનેરાં બીતાં બીતાં પૂછીએ, ‘જરાક ચાખવું છે.’ તો સામેથી જવાબ મળે ‘લક્ષ્મીપૂજા પછી ખાવાનું જ છે.’ આ બધું મેં મારાં પિતાનાં આજાબાપાનાં ગામ વલથાણ (કામરેજ તાલુકો)માં માણ્યું છે. તે સમયે આજાબાપાનાં ખેતરોમાંથી કપાસ આવી ગયેલો હોય તેને બારડોલી કપાસ લોટવાનાં જીનમાં નાંખવા જવા માટે ઘરનાં અન્ય પુરૂષો, આજાબાપા અને ખેતરે તેમજ ઘરે કામ કરવાવાળાં સૌ મજૂરો મળીને બળદ ગાડાં તૈયાર કરે અને પછી તેઓ બારડોલી જવા નીકળી જાય.

ત્યાંથી કપાસનાં પૈસા લઈને દિવાળી માટેની ખાસ ખરીદી માટે સુરત ઉપડી જવાનું હોય. નીકળતાં પહેલાં બાપા ઘરમાં જેટલાં છોકરાં-છોકરીઓ હોય એમને એકઠાં કરે અને પૂછે ‘તમારાં બધાં માટે દિવાળીનું સુરતથી શું શું લાવવાનું છે?’

બધાં એક સાથે કલબલાટ કરીને પોતાની ફરમાઈશ કરે. વારાફરતી બધાંની ફરમાઈશ બાપા સાંભળે ને છેલ્લે મોટાં અવાજમાં અમે બાપાને કહીએ. ‘બાપા ફટાકા તો ભૂલી જ ગયાં.’ અને બાપા અમારી સાથે હસતાં હસતાં કહે કે, ‘એ તો વગર કહ્યે લાવવાનો જ ને...’

વળી, ત્યારે બાપા ગામનાં સરપંચ અને પાંચમાં પૂછાતું નામ એટલે દિવાળી પર તેઓ તેમની એકની એક દીકરી અને તેનાં દીકરાનાં કુટુંબને દિવાળી કરવા તેમને ત્યાં બોલાવે. સાથે એમનાં પોતાનાં દૂરનાં બહેન-દીકરીઓ, જમાઈઓ બધાંને પણ દિવાળી કરવા બોલાવી લેતાં.

પછી વારો આવે પરિવારની દીકરીઓ, બહેનો અને વહુઓનો... બાપા બધાને પાસે બોલાવે ને એક પછી એક બધાંને પૂછે કે તેમને સુરતથી શું જોઈએ છે? મારી માતા જે એમનાં એકનાં એક (મોંઘા) દોહિત્રની વહુ, એમને ખાસ બોલાવીને પૂછતાં ‘તને શું જોઈએ?’ મારી માતા દર દિવાળીએ એક બાંધણીની સાડી મગાવતી. તેઓ મારી માતાની ખૂબ જ કાળજી રાખતાં અને કહેતાં માસ્તરની દીકરીને પરણાવી ને લાવ્યો છું તો મારે તેનું વિશેષ ધ્યાન રાખવું પડે. (તે સમયે સમાજમાં માસ્તરનું સારું એવું સન્માન હતું.)
છેલ્લે પિતાજીનાં આજીબાનો નંબર આવે. પણ બાપા એમને પૂછે તે પહેલાં જ આજીબા કહી દે ‘મારે તો કશું નહીં જોઈએ.’
પછી બાપા જાય... અને અમે રાહ જોવા બેસીએ કે ક્યારે બાપા આવે ને મનગતું લાવે. આ બાજુ આજીબા દર વર્ષે ઘરે માટીનાં દીવડાં અને માટલું મૂકવા આવતી મણી કુંભારણને અમુ પાલી (જૂનું માપ) ઘઉં આપે ને સાથે આપે સવા પાંચ રૂપિયા રોકડા! પછી વારો આવે ઘરનાં વાળંદનો. તેને પણ આજી ઘઉં ને પૈસા આપે.

દિવાળી પહેલાં બાપા ઘરે દરજી બેસાડીને બધાંનાં નવાં કપડાં (બેસતાં વર્ષ માટે) તૈયાર કરાવતાં તે બંને પતિ-પત્નીને બોલાવીને આજીબા ને મારાં પિતાનાં મામી ઘઉં, દાળો અને તેમની સિલાઈનાં પૈસા આપે. હળ બનાવવાવાળાં, દાતરડાં, કોદાળી, કુહાડી, પાવડાં, તગારાં બનાવનારા બધાંને જ દિવાળીનું ઘટતું-કરતું આ ઘરેથી મળી જાય. ઘર તેમજ ખેતરે કામ કરતાં દૂબળાં (હળપતિ) સમાજનાં મજૂરોનાં પૂરાં કુટુંબો જે અમારી સાથે જોડાયેલાં હોય તે બધાં ને કપડાં અને મિઠાઈનાં પૈસા ખુલ્લા હૃદયે પહોંચાડાય. કોઈ માંદુ-બિમાર હોય તો તેને દવાનાં પૈસા પણ અપાય. જાણે આખું ગામ એક કુટુંબ!

અને પછી બાપા સુરતથી આવે એટલે અમે બધાં બાળકો તેમને વિંટળાઈ જઈએ. મારા દાદીમાના ભાગે બધાં છોકરાઓ અને વહુ-દીકરીઓને તેમણે ગમતું જે મગાવેલું હોય તે સોંપવાની જવાબદારી અપાય. સૌ પુરૂષો પોતાનાં માટે નવી ધોતીઓ અને પહેરણ- બંડી લઈને ખુશ થતાં હોય તો, વહુઓ દીકરીઓ ચાંદીનાં સાંકળા, નવાં લૂગડાં-સાડી લઈને હરખાતી હોય. અમને બાળકોને દરેકને ફટાકડાનો ભાગ અલગ પાડી આપવામાં આવે. અમે તો અમારા ઘરેલુ કામવાળા મંગરીયાનાં દીકરાનો પણ ભાગ પાડીએ!

દર દિવાળીએ જ ખાવા મળતી સુરતની ‘મોહન’ અને ‘ઠાકોર’ની મિઠાઈઓ સાચવી સાચવીને ખાઈએ. અમારી બધાંની આ ખુશી-હરખ, આજીબા અને તેમનો દોહીત્ર એટલે મારા પિતા વચલી પઠાર (ઘરનો વચ્ચેનો ઓરડો)ની એક થાંભલીએ ઊભા ઊભા સંતોષનાં ભાવ સાથે જોયાં કરે. ધનતેરસનાં દિવસથી સાથિયાં બરાબર પાડજો એવું બોલીને મારી દાદીમાં મને રંગ-કરોટી આપી દે. અગિયારસની સાંજે તુલસી ક્યારા આગળ સાથિયો પાડીને શરૂઆત થાય. ફટાકકા કરતાં મને સાથિયાં પાડવામાં વધુ રસ.
ધનતેરસે બળદો-ગાયોનાં શિંગડા રંગવામાં આવે. સાથે જ ગેરુનાં હાથનાં થાપા તેમનાં શરીર પર પણ દઈએ! મારાં પિતા સમજાવતાં અમને બાળકોને જાય ‘આ જમીન છે, ખેતર છે, સાથે ગાય, ભેંસ, બળદો છે, તે જ આપણું ધન. તેનાંથી જ આપણે જીવન જીવીએ, સ્વસ્થ રહીએ એટલે આપણે તેની પૂજા કરીએ.’ પર્યાવરણ અને માનવજીવનનો પરસ્પરનો આત્મીય સંબંધ!

કાળીચૌદશે વહેલાં ઊઠીને બાળકોને નહડાવવાની પડાપડી થાય. કારણ કે મોટાં બધાં એવું કહે કે, કાળી ચૌદશે જે મોડાં ઊઠે તે વધારે કાળાં થઈ જાય. પછી ઘઉં, જુવારનાં કરકરા લોટનાં ખાટાં વડાં ગરમ ગરમ ઊતરતાં હોય. પહેલો ઘાણ ઊતરે એટલે ઘરનાં વડિલો ચોતરે જઈને ચાર દિશામાં વડાં ફેંકીને ભૈરવ તેમજ દિગપાલો ને આપી આવે.

રાત્રે અળધો-બળધો નીકળે તેમાં ‘તાવ જાય તરીયો જાય, રોગ જાય, રાયો જાય...’ એવું બોલવામાં આવે. વળી મોડી રાતે ગામનાં કોઈ બંધ ઘરની ઓટલી પર બેસી અમારાં કરતાં થોડાં મોટાં છોકરાં વાતે લાગ્યાં હોય ત્યાં સાંભળવા મળે કે, આજે તો ડાકણો કૂવા પર સુતરનાં તાંતણા પર બેસી હિંચકા ખાશે અને કાળી ચૌદશ સાધશે. અમે નાનાં ગભરાઈને મા-બાપને શોધવા લાગીએ. ડર બહુ લાગે, પણ આવી વાતોમાં રસ પણ બહુ પડે. તે સમયે બધે દીવાનો જ રિવાજ હતો. લાઈટનાં તોરણ હજુ ગામો સુધી નહોતા પહોંચ્યા.

વળી, દિવાળીનાં દિવસે સાથિયા સ્પર્ધાની અલગ મજા હોય! બધાં જ એકબીજાનાં આંગણે પૂરાતાં સાથિયાં જોવા નીકળે. જરૂર લાગે ત્યાં સ્ત્રીઓ એકબીજાને મદદ કરે. હંસાતૂંસી ખરી પણ વેરભાવ નહીં. લગભગ બધાંના જ હ્રદયમાં ‘આપણે ગામનાં અને ગામ આપણું' એવો સ્પષ્ટ ભાવ હોય. દિવાળીનાં દિવસે જ ગામનાં યુવાનોની ટોળી વાંસને લગભગ 1.5થી 2 ફૂટ જેટલી કાપીને ઉપરથી ચાર ચીરા પાડી તેની અંદર કોપરાંની ખાલી કાચલી બેસાડી દે. તેમાં કપાસીયાં ભરે અને ઉપરથી થોડું દિવેલ રેડે અને મશાલ પ્રગટાવે, જેને લઈને તેઓ ગામનાં દરેક ઘરમાં જઈને બોલે (ખાસ કરીને નવી આવેલી વહુ, ભાભીઓને)

‘આજ દિવાળી, કાલ દિવાળી, દિવાળીનું મેડીયું

ઘરમાં છે પણ બોલતી નથી, દિવેલ છે પણ પૂરતી નથી...

દિવાળીનું મેડીયું’

આવું ટોળું ચાલતું હોય તેમાં એક જણ ગામમાં જે છોકરું એક વર્ષનું થયું હોય તેને તેડીને ચાલતો હોય, તેથી ગામનાં દરેક ઘરમાં ખબર પડે કે ફલાણાંને ત્યાં આ છોકરું એક વર્ષનું થયું.

થોડીવારમાં તે મેડીયું (મશાલ)માં પેલી નવી વહુ માથું ઓઢતી આવે અને દિવેલ (એરંડીયું તેલ) પૂરે. ગામનાં બધાં દિયરો, નવી ભાભી પાસે એક રૂપિયો માગે અને આમ દિવેલની સુગંધવાળો ધૂમાડો ગામનાં ઘરોમાં ફરી વળે... મારી દાદીમાં મને સમજાવતાં કે, આમ કરવાથી ઘરનાં હાનિકારક જંતુ મરે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે.

વળી, ફટાકા ફોડતી વખતે તો જબરી મજા આવે. યુવા વર્ગ હિંગોરામાં કાણું પાડીને એમાં બે પ્રકારનાં રસાયણો ભેળવી મોટાં બોમ્બ ધડાકા બનાવતાં, ભોંય ફટાકડા પણ બોમ્બ જેવાં ફોડાતાં.

ને નવું વર્ષ બીજા દિવસે... ઘરનો આગલો ઓરડો સરસ ચાદરો અને ગાદી-તકિયાથી સજાવાયેલો હોય. પાન-બીડીની તાસકો, નવો રંગેલો હિંચકો તેની પોલીશ કરેલી ચમકતી પીતળની સાંકળો... લોકો આવતાં જાય, સાલ મુબારકની આપ-લે થાય, દિવાળીની બોણી અપાતી જાય, બાપા સરપંચ તરીકે અને સ્નેહી તરીકે દરેકને મળે, લોકો પગે લાગે ત્યારે એક એક રૂપિયો આપે... તેમાં અમારાં માંના કેટલાક તોફાની બીજીવાર કે ત્રીજીવાર પગે લાવગા જાય અને બાપા ઓળખી જાય એટલે પીઠ પર ધબ્બો લગાવીને કહે ‘જા હારો પાછો આવ્યો કે...’ ને સાંજ પડ્યે ઘરની સામે બોરસલ્લીનાં ઝાડની નીચે ચોતરાં પર બેસીને બાપા મંગરીયાને પૂછતાં હોય ‘કાં એલા.. ઓણનું વરહ કેવું રીયું?’ ને મંગરીયો ઉત્તર આપે, ‘બાપા બો હારું રે... આ બધાં કેટલાં ખુશ થીયાં... તે હારું જ કહેવાય.’

આ બધું યાદ કરતાં મને આપણાં ગુજરાતનાં મહાન લેખક શ્રી પન્નાલાલ પટેલનો ‘પરથમીનો પોઠી’ યાદ આવી ગયો. ખરેખર ખેડૂત તો પૃથ્વીનો પોઠીયો જ કહેવાય. ત્યારે નાનાં-નાનાં સુખોની મજા અલગ હતી. ગ્રામલક્ષ્મીની જાહોજલાલી, કોઈની પાસે ઝાઝા પૈસા કે બેન્ક બેલેન્સ નહીં હોય, પણ અભાવો વચ્ચે પણ મસ્તી અને મૌજ. કોઈની પાસે ગાડી, બંગલા, અવનવાં વરણાગીયા તૂત નહીં છતાં આનંદમાં કોઈ ખોટ નહીં.

ત્યારે ગામનું અર્થતંત્ર જ ખેતી ઉપર. કેટલાક લોકો નોકરી પણ કરતાં, પરંતુ કોઈ મોટી એલફેલ આવક અચાનક વધી જાય એવું કોઈને વળગણ નહીં. સાચી રીતે સહુનો સાથ, સહુનો વિકાસ. બધાની જ જરૂરતો સંતોષાઈ રહેતી. ગામની લક્ષ્મી ગામમાં જ ફરતી રહેતી અને સાથે આપણી, ભાષા, ભૂષા અને ભોજન! આ ત્રણનું આવાં મોટાં તહેવારોમાં એટલું મહત્ત્વ કે સંસ્કૃતિ અને પરંપરા સાચવવાં આજે લોકો ફાંફા મારે તેવું કરવાની કોઈ જરૂર નહીં. આ તો થઈ ગઈકાલોની દિવાળી....

હવે આજની દિવાળીની વાત કરીએ તો દશેરાથી અથવા તે પહેલાંથી જ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો અને વાંચન માધ્યમો અનેક પ્રકારની જાહેરાતો તેમજ ઓનલાઈન ખરીદારીથી ખદબદવા માંડે. એ તો ઠીક પરંતુ અત્યારનાં છોકરાંવ ને તો રોજ દિવાળી! મોટી દુકાનો, મોલની ચમકતી દુકાનોમાંથી એમણે છાશવારે ખરીદી કરવાની અને મોજમસ્તીમાં કોઈ ખોટ નહીં. નવાં કપડાં માટે દિવાળીની રાહ તો જોવાની જ નહીં. અને લાઈટનાં તોરણો પણ દરેક દુકાને રોજ જ લાગેલાં રહે. આ બધામાં મહત્ત્વની વાત તો એ છે કે વ્યક્તિગત જરૂરતો અને બિનજરૂરી મોજ-મસ્તીમાં ડૂબેલી આ પેઢીને બીજાનો ખ્યાલ કરવાનું શિખવાનું કયાં મળશે? બધી જ રીતે બજાર પર આધારીત સમાજ પારસ્પર્યનું મહત્ત્વ સમજી શકશે ખરો?

ઉપર ગઈકાલની દિવાળીમાં વર્ણવાયું તેવું સુખ અને સમાજને સમાજશાસ્ત્રી ‘એરિક ફ્રોમ’નાં શબ્દોમાં કહીએ તો Pace of Pace સમાજની અવધારણાં બજારની રખડતી લક્ષ્મી (પૂંજી)એ નષ્ટ કરી નાંખી. બાળકોને પણ માગે એટલે મળી જાય એવો જ ખ્યાલ, એટલે રાહ જોવાની મજા અને એવા ભાવથી આખો સમાજ વંચિત રહેવાનો. પહેલા સમાજ બજાર પર ઓછો આધારિત રહેતો, પણ હવે તો બજાર સમાજ પર સવારી કરે છે. સામાન્યજનની તમામ પ્રકારની ખુશી હવે બજાર પર આધાર રાખે છે. વળી, બજાર બધાંને ધીમે ધીમે પાલતું બનાવે એટલે બધાં જ તેનાં વ્યસની થતાં જઈ રહ્યાં છે.

આમ ને આમ બજાર આધારિત સંસ્કૃતિએ આપણી ભાષા, ભૂષા અને ભોજન પર સતત હુમલો કરી કરીને આપણને લાચાર બનાવી મૂક્યાં છે. આપણે પરંપરા, પર્યાવરણ, સંસ્કૃતિ સાચવવાનાં રોદણાં રડીએ છીએ. પરંતુ કરતાં કશું નથી. આજના બજારની આવારા લક્ષ્મીથી અભિભૂત આપણે સૌ સુખ અને આનંદનાં ટાપુ શોધવાનો દેખાવ કરતાં રહીએ છીએ. ચેતી જવાનો સમય હજુ પણ છે.

છેલ્લે દિવાળીમાં મેડીયાં (મશાલ) જેવી એક વાત સાથે લેખ પૂરો કરીશ. હિન્દી ભાષાનાં જનચેતનાનાં લેખક અને કવિ શ્રી ગજાનન ‘મુક્તિ બોધ’ દ્વારા એક રૂપકકથા લખવામાં આવી હતી. એક જંગલમાં અનેક પક્ષીઓ હળીમળીને રહેતાં અને સૌ મહેનત કરીને ભોજન મેળવતાં. એક દિવસ એક પારધી આવ્યો. તેણે પક્ષીઓ સામે પ્રસ્તાવ મૂક્યો કે, ‘હું તમને રોજ એક ઉધઈ ખાવા આપીશ. તમે મને રોજ તમારાં પીછાંમાંનું એક પીછું આપજો’ ઘરડા પક્ષીઓને આ પ્રસ્તાવ સ્વીકાર નહોતો. પરંતુ નાનાં અને યુવા પક્ષીઓ ઉત્સાહિત થઈ ગયાં. તેમણે પારધીની વાત માની લીધી કારણ કે, હવે તેમણે ભોજન શોધવાં મહેનત નહીં કરવી પડે!

બધાં રોજ એક પીછાંના બદલે એક ઉધઈ ખાય. એમ કરતાં એક દિવસ એવો વખત આવ્યો કે, તેમનાં શરીર પરથી બધાં પીછાં ગાયબ થઈ ગયાં. હવે એમનાથી ઉડાતું નહીં. થોડું ઘણું ચલાતું પણ જાતે ભોજન શોધવાનું તેમને આળસ પણ આવવા માંડ્યું. પેલાં ઘરડાં પક્ષીઓએ તેમને ચેતવ્યાં અને કહ્યું, ‘જાવ તમારાં પીછાં પેલાં પારધી પાસેથી લઈ આવો. તેઓ ગયાં અને પોતાના પીછાં માગ્યાં. તો પેલા પારધીએ કહ્યું, ‘હું ઉધઈનો વેપાર કરું છું પીછાંનો નહીં!’ અને પેલાં પીછાં વગરનાં પક્ષીઓ ધીમે ધીમે મરી ગયાં. ઘરડાં પક્ષીઓ બચી ગયાં. મિત્રો આટલી આ વાતથી આપણે પણ ચેતી જઈએ તો ઘણું. બાકી તો, ‘આજ દિવાળી... કાલ દિવાળી... દિવાળીનું મેડીયું...’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.