રોજ એક કલાક આપણે માટે જ
વિશ્વની પરમ સત્તા માટે માનવજાતે અનેક નામો અને સંબોધનો પ્રયોજેલાં છે : પ્રભુ, લૉર્ડ, પિતા, અલ્લાહ, પરમાત્મા, ખુદા, ઈશ્વર, ઠાકુર, સર્વલોકમહેશ્વર, રબ્બિલ, પરવરદિગાર, દીનબંધુ, સાહિબ, અંતર્યામી, કૃપાસાગર, માલિક, સ્વામી, કરુણાનિધિ, જગદીશ, પતિત-ઉધારન, જગન્નિયંતા, દુઃખભંજન, અઘ-ખંડન, શરણવત્સલ, સત્યનારાયણ ઇત્યાદિ. ભગવાન માટે કોઈએ પણ ન પ્રયોજ્યું હોય એવું મૌલિક સંબોધન મહાત્મા ગાંધીએ ‘આત્મકથા’ની પ્રસ્તાવનામાં પ્રયોજ્યું છે : ‘શ્વાસોચ્છવાસનો સ્વામી’ પરમેશ્વર અને જીવન વચ્ચેનો દિવ્ય સેતુ શ્વાસ છે. એ સેતુ તૂટે તેનું નામ જ મૃત્યુ!
કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે સ્વજનો વાતવાતમાં કહે છે : એમણે બરાબર સવા પાંચ વાગે શ્વાસ મૂક્યો. એવું કહેવાયું છે કે રોજ આપણે લગભગ 21,600 વાર શ્વાસ લઈએ છીએ. મનુષ્ય પોતાના એંસી વર્ષના જીવન દરમિયાન લગભગ છ કરોડ અને વીસ લાખ વાર શ્વાસ લેતો હોય છે. મનુષ્યનું જીવન કેટલાક શ્વાસોનું બનેલું છે એવી પણ માન્યતા છે. શ્વાસ ખૂટતા લાગે ત્યારે ગમે તેટલો માલદાર માણસ કરોડ રૂપિયા ખર્ચીને પણ એક વધારાનો શ્વાસ પ્રાપ્ત કરી શકતો નથી. શ્વાસ જીવનસ્ત્રોત છે. જેમ સૂર્યના કિરણને સૂર્યથી વિખૂટું ન પાડી શકાય, તેમ પ્રાણીને મહાપ્રાણથી વિખૂટું પાડી શકાતું નથી. આપણે આપણા શ્વાસ થકી કોઈ રહસ્યમય મહાસત્તા સાથે પ્રતિક્ષણ જોડાયેલા છીએ. જીવતા હોવું એટલે જ જોડાયેલા હોવું!
શ્વાસાનુભૂતિ માટે એ પ્રયોગ કરવા જેવો છે. નદીમાં કે સ્વિમિંગપુલમાં એકાદ મિનિટ માટે ડૂબકી માર્યા પછી પાણીની સપાટી પર ડોકું બહાર કાઢવામાં બને તેટલો વિલંબ કરવાનું રાખવું. બહાર નીકળતાં પહેલાંની છેલ્લી પાંચ-સાત સેકન્ડ દરમિયાન જે છટપટાહટનો અનુભવ થાય તે અત્યંત મૂલ્યવાન છે. કોઈ મિત્ર આપણું ડોકું પાણીમાં ઉપરથી દબાવી રાખે ત્યારે પૂરી તાકાતથી આપણે એના હાથને હટાવી દઈને ઉપર આવવા માટે જોર કરીએ છીએ. એ જોર આપણામાં રહેલી પ્રબળ જિજીવિષાનો તરફડાટ છે. ડૂબકી માર્યા પછી એકાદ મિનિટ બાદ સમજાય છે કે શ્વાસ છે તો જીવન છે. ઈશ્વરની કૃપા છે કે માણસ આપોઆપ શ્વાસ લે છે અને છોડે છે. જો એવી રચના પ્રભુએ કરી ન હોત તો કેટલાક માણસો શ્વાસ લેવાનું પણ ભૂલી જાત! શ્વાસ વગર જીવવાનું શક્ય નથી, તોય શ્વાસ પ્રત્યે મનુષ્ય લગભગ લાપરવાહ છે. ભારત તરફથી દુનિયાને અનેક મૂલ્યવાન બાબતો પ્રાપ્ત થઈ છે. એમાં સૌથી મૂલ્યવાન ભેટ છે. પ્રાણાયામ. પતંજલિએ પ્રચલિત કરેલા અષ્ટાંગયોગ (રાજયોગ)માં પ્રાણાયામનું સ્થાન છે.
આપણી જીવાદોરી ઑક્સિજન છે અને એને માટેનો ભારતીય પર્યાય છે : प्राणवायु. યોગીઓ પ્રાણાયામની તાલીમ આપતી વખતે કહે છે : હવે ‘પ્રાણ’ અંદર લો. ઑક્સિજન જેવા પ્રાણદાયી વાયુને આપણે ત્યાં સાક્ષાત્ પ્રાણનો દરજ્જો મળ્યો છે. એ જ રીતે પ્રાણશક્તિ સાથે પ્રાણબ્રહ્મનો અનુબંધ રચાયો છે. પ્રાણશક્તિ સ્થૂળ નથી. એની સૂક્ષ્મ કક્ષાએ સંકલ્પશક્તિ (Volition) પ્રગટ થાય છે. નબળી સંકલ્પશક્તિ (વિલ પાવર) ધરાવનાર ઢીલા માણસને ‘મંદપ્રાણ’ કહેવામાં આવે છે. મક્કમતા, પહેલ કરવાની તત્પરતા (ઈનિશિયેટિવ) અને ધ્યેયલક્ષિતા માટે સંકલ્પશક્તિ જરૂરી છે. જાણકારો કહે છે કે શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેનો ગાળો અત્યંત મહત્ત્વનો છે. એ સમયગાળામાં સતત દોડતું મન સ્થિર થઈ શકે, તો ઘણો લાભ થઈ શકે. દેહમાં રહેલા પાંચ પ્રાણવાયુને પ્રાણ-અપાન-સમાન-વ્યાન-ઉદાન કહે છે. જીવનમાં છીછરાપણું પ્રવેશી જાય તે સાથે આપણા શ્વાસ-ઉચ્છવાસ પણ ઊંડાણ ગુમાવતા રહે છે. એવું ન બને તે માટે જરૂર છે. ઊંડા શ્વાસનું મહત્ત્વ સમજવાની.
છાંદોગ્ય ઉપનિષદમાં પ્રાણનો મહિમા સુંદર રીતે થયો છે. નારદ સનત્કુમારને પૂછે છે : ‘ભગવાન! આશાથી મહાન કોણ?’ સનત્કુમાર કહે છે : ‘પ્રાણ આશાથી પણ મહાન છે. જેમ ગાડાનાં પૈડાંની નાભિમાં જડેલા આરા નાભિને આધારે રહેલા હોય છે, એમ આ આખુંય જગત પ્રાણને આધારે રહેલું છે.’ (7, 15, 1). આટલું કહ્યા પછી સનત્કુમાર નારદને આગળ કહે છે :
પ્રાણ જ પિતા છે. (પ્રાણો પિતા)
પ્રાણ જ માતા છે. (પ્રાણો માતા)
પ્રાણ જ ભાઈ છે. (પ્રાણો ભ્રાતા)
પ્રાણ જ બહેન છે. (પ્રાણો સ્વસા)
પ્રાણ જ આચાર્ય છે. (પ્રાણો આચાર્યઃ)
પ્રાણ જ બ્રાહ્મણ છે. (પ્રાણો બ્રાહ્મણઃ)
વાતનો સાર એ જ કે પ્રાણ જગતનો આધાર છે અને મનુષ્યનું સર્વસ્વ છે.
આવનારાં વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ત્રણ શબ્દો ઘરે ઘરે પહોંચી જવાના છે : પ્રાણાયામ, ધ્યાન અને યોગ, ટેકનોલૉજી સ્વભાવે તાણવર્ધક છે. શરૂઆતમાં માણસો તાણના મારણ તરીકે આ ત્રણે બાબતો અપનાવશે, પરંતુ વખત જતાં એ બાબતો જીવનની શૈલીમાં વણાતી જશે. પશ્ચિમના દેશોમાં એવી શરૂઆત નાના પાયે થઈ ચૂકી છે. ડાયાબિટીસ થાય પછી ધ્યાન શરૂ થાય એ એક વાત છે. ડાયાબિટીસ ન થાય તે માટે યોગનો સ્વીકાર થાય એ બીજી વાત છે. સ્વસ્થ જીવનની આકાંક્ષા સાથે પ્રાણાયામ, ધ્યાન અને યોગ આપણી દિનચર્યામાં વણાઈ જાય એ વાત ખૂબ મહત્ત્વની છે.
શ્વાસાનુભૂતિ એ જ પ્રાણાનુભૂતિ! ઊંડા શ્વાસ વારંવાર લેનારને રોકડો લાભ થાય છે, તેવો સૌનો અનુભવ છે. ફેફસાંમાં પ્રવેશેલો પ્રાણવાયુ કેટલો ઉપકારક છે તેનો ખ્યાલ અનુભવીને આવી જાય છે. કોઈ પણ દેશની પ્રગતિ એ દેશના નાગરિકોની સરેરાશ પ્રાણશક્તિ પર આધાર રાખે છે. પ્રાણશક્તિનું સૂક્ષ્મીકરણ સંકલ્પશક્તિ દ્વારા પ્રગટ થાય છે. આજની દુનિયામાં સૌથી વધારે પ્રભાવશાળી સંકલ્પશક્તિનો પરચો ઈઝરાયલે બતાવ્યો છે. જે દેશમાં પ્રાણાયામ, ધ્યાન અને યોગનો મહિમા સદીઓથી થતો રહ્યો છે. ભારતમાં ગરીબી ટકી છે તેનું ખરું કારણ પ્રાણશક્તિ અને સંકલ્પશક્તિ ઓછી પડી તેમાં રહેલું છે. આપણે ત્યાં ગૃહસ્થજીવન માટે ‘ગૃહસ્થાશ્રમ’ શબ્દ પ્રયોજ્યો છે. બન્યું એવું કે આપણા ઘણા આશ્રમોમાં સંસાર પેસી ગયો, પરંતુ સંસારમાં આશ્રમજીવનનો પ્રવેશ ન થયો! સંસાર છોડ્યા વગરનો ધર્મોદય અત્યંત મહત્ત્વનો છે. શ્વાસાનુભૂતિ માટે ધ્યાનસ્થ ચિત્તે શ્વાસ-ઉચ્છવાસને સાક્ષીભાવે નીરખવાના છે. પ્રાણશક્તિની માવજત માટે રોજ એકાદ કલાક જુદો ફાળવવા માટે સાધુ થવાનું અનિવાર્ય નથી. આપણે અસાધુ ન થઈએ તોય ઘણું! આપણા ‘શ્વાસોચ્છવાસનો સ્વામી’ એમાં રાજી રાજી! કવિ હરીશ મીનાશ્રુની પંક્તિઓ બાકી બધી વાત કહી દેશે :
સાધો, હરિવરના હલકારા,
સાંઢણીએ ચઢી હલકથી આવે
લઈ ચલે બાવન બ્હારા.
અમે સંતના સોબતિયા,
નહીં જાદુગર કે જોશી,
ગુજરાતી ભાષાના નાતે
નરસિંહના પાડોશી.
એની સંગે પરમ સ્નેહથી
વાડકીના વ્યવહારા.
ભાષા તો પળમાં જોગણ
ને પળમાં ભઈ સુહાગી.
શબદ એક અંતર ઝકઝોરે
ગયા અમે પણ જાગી.
જાગીને જોઉં તો
જગત દીસે નહીં રે દોબારા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર