એક ટાઉનશીપ, અનેક રહસ્યો (ભાગ બે)
આશીર્વાદ ટાઉનશીપનો પ્રોજેક્ટ ફેઇલ થઈ ગયો અને પસાચ રો-હાઉસમાંથી એક પણ ઘરમાં કોઇ રહેવા ન આવ્યું એ વાત આશ્ચર્ય પમાડે એવી હતી ત્યાં આશીર્વાદ ટાઉનશીપ તૈયાર કરનાર બિલ્ડર ગ્રુપમાંના એક બિલ્ડરે આત્મહત્યા કરી લીધી એટલે આ કિસ્સો વધુ ચર્ચાસ્પદ બન્યો. પૈસાની તાકાતને કારણે બિલ્ડરની આત્મહત્યાના કિસ્સાને પોલીસ ઈન્વેસ્ટિગેશનમાંથી બાકાત રખાયો હતો, તો સોસાયટીમાં ઘટેલી કોઇક ગેબી ઘટનામાં શું બન્યું હતું એ જાણવાની પણ કોઈની હિંમત નહોતી.
પરંતુ સત્ય ક્યારેય છૂપું રહી શકતું નથી. જેમ પાણી એનો રસ્તો કરી લે એમ સત્ય પણ એનો રસ્તો કરી લેતું હોય. સત્યનો નાતો જ વિસ્ફોટ સાથે છે. સત્ય ક્યારેય વિસ્ફોટ વિના બહાર આવતું નથી. એક સવારે શહેરમાં હાહાકાર મચી ગયો. શહેરના એક એક ઘરના દરવાજે એક ચીઠ્ઠી પડી હતી. રાત્રે એ ચીઠ્ઠીઓ કોણ મૂકી ગયું હતું એની કોઈને ખબર નથી. હેરત ઉપજાવે એવી વાત તો એ હતી કે, કેટલીક સોસાયટીઓમાં તો બે-ત્રણ વોચમેનો અને સીસીટીવી કેમેરાની દેખરેખ હોવા છતાં ઘરના દરવાજે ચીઠ્ઠીઓ કઈ રીતે આવી એનું પગેરું નહીં જડ્યું!
જોકે ચીઠ્ઠીઓમાં આલેખાયેલી વાતો જ એટલી ચકચારી હતી કે, ચીઠ્ઠી કોણ મૂકી ગયું છે એ વિશે જાણવામાં કોઈએ રસ ન લીધો. ચીઠ્ઠીની ચકચાર છેક શહેરના કમિશ્નર સુધી પહોંચી અને કમિશ્નરે જ્યારે ચીઠ્ઠી વાંચી ત્યારે તેઓ પણ દંગ રહી ગયા. ચીઠ્ઠીમાં કંઈક આવું લખ્યું હતું,
વહાલા નગરજનો,
સત્યને દબાવી શકાય ખરું, પરંતુ સત્યને બદલી શકાતું નથી. અને જે મૂર્ખ હોય એ જ સત્યને દબાવવાનો પ્રયત્ન કરે, કારણ કે, સત્ય થોડી ક્ષણો, કલાકો, દિવસો કે મહિના સુધી હંગામી ધોરણે ભલે દબાઈ શકે, પરંતુ એનો ઘટસ્ફોટ થયાં વિના રહેવાનો નથી.
ખૈર, મારે તો તમને સત્ય કહેવાનું છે. હું કોણ છું એ વાત હવે મારે માટે ગૌણ બની ગઈ છે, કારણ કે, હું મૃત્યુલોકના નિયમો કે દાયરાથી પર થઈ ચૂકી છું. પરમ તત્ત્વ પાસે પહોંચ્યા બાદ એ બાબત પણ ગૌણ થઈ જાય છે કે, ત્યાં હું કયા પ્રકારના સમાજમાંથી આવતી હતી કે કયા પ્રકારનું જીવન જીવતી હતી. હવે મને એ બાબતે અટ્ટહાસ્ય કરવાનું મન થાય છે કે, માણસ જાત કેટલી મૂર્ખ છે, જે સિવિલાઈઝેશનને નામે પહેલા સમાજ રચે છે અને એ જ સમાજ પછી એના માટે બદીઓ તૈયાર કરે છે!
મૃત્યુલોકમાં મારી સાથે જે ઘટના બની એની જ હવે વાત કરું. આ નગરમાં જ્યારે આશીર્વાદ ટાઉનશીપનું કામકાજ શરૂ થયું ત્યારે છેક મધ્યપ્રદેશથી અમને મજૂર તરીકે અહીં બોલાવાયેલા. રોજી મળે એ આશાએ અમે પણ હોંશે હોંશે અહીં આવેલા અને અહીં કામ શરૂ કરેલું. છોટિયા સાથેના મારા લગ્નને પણ સાતેક મહિના જ થયાં હતા એટલે ગરીબાઈ હોવા છતાં અમારું એ નવું જીવન અમને આનંદ આપતું હતું.
છએક મહિનાથી આશીર્વાદમાં કામ કરતા અમે ત્યાં લગભગ ઠરીઠામ જેવા થઈ ગયા અને ખૂબ મહેનતથી ત્યાંનું કામ કરતા હતા. આખો દિવસ મજૂરી કરીએ, સાંજે થોડો દારૂ પીને જમીએ અને પછી થોડો આનંદ કરીને ટાઉનશીપની બાજુમાં આવેલા અમારા ઝૂંપડાં અથવા અધકચરા તૈયાર થયેલા ઘરોમાં રાત ગુજારીએ.
મારી ઉંમર વીસેક વર્ષની હશે અને એ ઉંમરે જોબન ફાટફાટ થઈ રહ્યું હતું. ટાઉનશીપમાં કામ કરતા મજૂરોના પુરુષો તો એમની પુરુષ સહજ આદતથી મને જોતાં જ, પરંતુ ઘોળે દિવસે ત્યાં કામ કરવા આવતા કોન્ટ્રાક્ટર્સ, આર્કિટેક્ટ્સ અને બિલ્ડર્સની આંખોમાં પણ મને જોઈને ચમક આવી જતી અને જીભે લાળ ટપકતી. એ બધાના ભાવો જોઈને હું મારું જોબન સંતાડવાનો લાખ પ્રયત્ન કરતી, પરંતુ જોબનને તે કોઈ ઢાંકી શક્યું છે આજ સુધી?
એવામાં એક સાંજે અચાનક એક ગાડી ટાઉનશીપ પર આવીને ઊભી રહી. મજૂરીએથી અમે હજુ પરવાર્યા જ હતાં ત્યાં શેઠની ગાડી જોઈને અમને આશ્ચર્ય થયું. માહોલ વરસાદનો હતો અને વાતાવરણમાં ધુમ્મસ પથરાયેલું હતું. વરસાદને કારણે ઠંડક પણ ઘણી હતી. જોગાનુજોગ હું અને છોટિયો જ પહેલા રો-હાઉસની પાસે હતા એટલે શેઠે અમને ગાડી પાસે આવવાનું કહ્યું અને ‘એક જગ્યાએ કામ છે, જલદી ચાલો’ એવું કહ્યું.
શેઠ જેવો શેઠ અમને એમની ગાડીમાં બેસવાનું કહે તો કોણ ના પાડે અને સામો સવાલ પણ કોણ કરે? એટલે અમે બેસી ગયા અને શેઠે ગાડી ટાઉનશીપની બહાર મારી મૂકી. ગાડીમાં બે શેઠ બેઠાં હતા એટલે અમને થયું ક્યાંક મજૂરીનું નાનુંમોટું કામ તાત્કાલિક આવ્યું હશે.
હજુ તો ગાડી થોડી આગળ ગઈ હશે ત્યાં શેઠે ગાડી થોભાવી. બાજુમાં બેઠેલા શેઠ ઉતરીને પાછળ આવી ગયા અને છોટિયાને આગળ બેસવા કહ્યું. શેઠે આવું કર્યું એટલે અમને થોડું અજુગતું તો લાગ્યું, પણ પછી વિચાર્યું હશે કંઈ. પાછળ તો હું પણ બેઠી હતી એટલે શેઠ મારી લગોલગ આવીને બેસી ગયા. ગાડી ફરી શરૂ થઈ ત્યાં આગળ બેઠેલા શેઠે છોટિયાને કહ્યું, ‘જો છોટું આજે અહીં જે થાય એ વિશે બહાર કોઈની સાથે વાત નહીં કરતો. ફાયદો તારો જ છે. જો મોઢું ખોલ્યું તો જાનથી જશે અને મોઢું બંધ રાખવા હું તને પૈસા પણ આપતો રહીશ.’
આટલું કહ્યા બાદ હજુ તો અમે કંઈ સમજીએ એ પહેલા બાજુમાં બેઠેલો શેઠ મારી પર ઝપટી પડ્યો અને એણે મને ચૂંથવાનું શરૂ કર્યું. એનાથી બચવા મેં બૂમ બરાડા પણ પાડ્યા, પરંતુ ચાલુ ગાડી અને નિર્જન રસ્તા પર મારી બૂમોની કોઈ અસર નહોતી. છોટિયો બાપડો ગરીબડો થઈને એમને વિનવી રહ્યો હતો કે, હું બેજીવની છું… ભગવાનને ખાતર મને છોડી દો… પરંતુ શેઠીયા તો રાક્ષસ થઈને આવેલા હતા એટલે મને છોડી તો નહીં, પણ ગાડીની પાછલી સીટે મારા બંને હાથ રૂમાલથી બાંધી મને ચૂંથી કાઢી.
બીજા શેઠને પણ મારા પર હાથ સાફ કરવાનો વિચાર હતો, પરંતુ પહેલા શેઠ સાથેની ઝપાઝપીને કારણે હું ઘણી ઘાયલ થઈ હતી અને હરામીના જુલમને કારણે હું બેભાન થઈ ગઈ હતી. આ કારણે બીજા શેઠે મને ચૂંથવાનો વિચાર માંડી વાળ્યો અને ગાડી ફરી ટાઉનશીપ તરફ વાળી.
ટાઉનશીપ સુધી ગાડી પહોંચી ત્યાં સુધીમાં હું ભાનમાં તો આવી ગઈ હતી, પરંતુ મારા શરીરમાં લેશમાત્ર તાકાત બચી ન હતી. ગાડીમાંથી હું જેમતેમ બહાર ઉતરી અને છોટિયાએ મને ઝાલી એટલામાં શેઠે ફરી ધમકી આપી કે, બહાર જો કોઈ વાત કરી છે તો તમારી વાત તમે જાણો! અમે રહ્યા ગરીબ માણસ એટલે કોઈને વાત તો શું કરવાના? પરંતુ એ પીડા સહી શકાય એવી નહોતી. પણ ગરીબોનેય અપમાન તો સહન ન જ થાય. પણ જવું ક્યાં અને અમીરોની આ દુનિયામાં અમારા માટે ન્યાય કોની પાસે માગવો?
ઝૂંપડાં પર આવ્યા બાદ અમારી વચ્ચે એક પણ શબ્દની આપ-લે નહીં થઈ. ઝપાઝપીમાં મારા પેટમાનું બાળક ઉથલો મારી ગયું હતું અને એ મૃત્યુ પામ્યું હતું. જેને કારણે મારી પીડામાં હજુ વધારો થયો હતો. જોકે શરીરની એ પીડાઓ કરતા વધુ પીડાદાયક તો હતું મારું અપમાન. એની પીડાનો કોઈ ઈલાજ જ ક્યાં હતો?
હું કલાકેક સુધી કણસી હોઈશ, ત્યાં છોટિયાએ કહ્યું,
‘ચાલ આપણે બંને આપઘાત કરી લઈએ. આ દુઃખ સાથે ક્યાં સુધી જીવીશું?’
મને છોટિયાની વાત વાજબી લાગી અને કોઈ પણ વિરોધ કર્યા વિના મેં મરવા માટે તૈયારી દાખવી. ઝૂંપડીના સ્ટવમાં કેરોસિન તો હતું જ, જેને છાંટીને છોટિયાએ માચીસ મારી દીધી અને મારી પાસે આવી, મને બાઝીને સૂઈ ગયો. થોડી જ વારમાં ઝૂંપડું આગની લપેટમાં આવી ગયું અને આજુબાજુમાં હોહા મચી કે અમારે ત્યાં આગ લાગી ગઈ. અન્ય મજૂરોએ અમને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ અમને મદદ પહોંચે એ પહેલાં જ અમારું ભડથું થઈ ગયેલું.
બીજા દિવસે સવારે શેઠીયાઓ ત્યાં આવ્યા તો એમણે મજૂરોને કહ્યું કે, આ અકસ્માતની જાણ બહાર કોઇને ન થવી જોઈએ અને ગામ રહેતા અમારા પરિવારને આર્થિક સહાય આપવાના આશ્વાસન સાથે અમારા બંનેની લાશ સગેવગે કરી દેવામાં આવી. ભોળા મજૂરો પણ અમારા મોતને અકસ્માત માનતા રહ્યા, જેમણે ક્યારેય કોઈને એ નહીં કહ્યું કે, આ ટાઉનશીપમાં ક્યારેક આગ લાગી હતી અને એક દંપતીનું અવસાન થયું હતું!
અમારા અવસાનને બધા ભલે અકસ્માત કહેતા હોય, પરંતુ પેલા બે શેઠિયા એ વાતે માહિતગાર હતા કે, આ જરૂર આત્મહત્યાનો કિસ્સો હતો. અમારા આત્મા પણ અવગતે ગયા હતા એટલે અમે શેઠિયાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. રોજ સાંજ પડ્યે એમની આડે આવતા અથવા એમના સપનાંમાં એમને ખૂબ પજવતા. અમારા ત્રાસને કારણે એક શેઠે તો બે દિવસમાં જ આત્મહત્યા કરી લીધી. અમારું મૃત્યુ ટાઉનશીપમાં થયેલું એટલે અમે રોજ રાત્રે ત્યાં ફરવા નીકળતા. સાંજને ટાણે કોઈક પોતાનું ઘર જોવા આવે તો અમે એને અચૂક નજરે ચઢતાં અને ક્યારેક એમને પજવતાં પણ ખરાં… આ કારણે જ સોસાયટીના તમામ બુકિંગ કેન્સલ થયાં હતા.
હવે અમે બીજા શેઠના મોતની રાહ જોઈ રહ્યા છીએ. એ શેઠ એટલે પેલો જ નરાધમ જેણે મને ચૂંથી હતી. એનું મોત આસાનીથી આવવાનું નથી, એણે હજુ રિબાવું પડશે અને બેજીવી બાઈના મોતનો બદલો ચૂકવવો પડશે….’
આટલું વાંચ્યા બાદ શહેર આખાની ઉંઘ હરામ થઈ ગઈ હતી. પોલીસ કમિશ્નરે ટાઉનશીપના બિલ્ડર્સની તપાસ કરીને મજૂરણના બળાત્કારીને શોધી કાઢીને એને જેલમાં પણ બેસાડ્યો છે. જોકે એના જીવ પર કોઈ ખતરો નહીં આવે એ માટે એના પર સતત પહેરો રાખવામાં આવે છે. પણ એમને ક્યાં ખબર હતી કે, એ બેજીવી મજૂરણ હવે માણસોના પહેરાથી પર થઈ ચૂકી હતી… એ તો એનો બદલો લઈને જ રહેશે… હવે એને કોણ અટકાવી શકવાનું?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર