એક ટાઉનશીપ, અનેક રહસ્યો
આશીર્વાદ ટાઉનશીપ એટલે શહેરમાં ખૂબ ચર્ચાયેલી અને વખણાયેલી રો-હાઉસ સોસાયટી. કુલ પચાસ રો હાઉસ ધરાવતી આ સોસાયટીનું બે વર્ષ પહેલાં ભૂમિપૂજન થયેલું ત્યારથી આશીર્વાદ ટાઉનશીપ ટોક ઑફ ધ ટાઉન બનેલી. કારણ કે, એના ભૂમિપૂજન માટે મુખ્યમંત્રી ઉપરાંત મુંબઈથી ખાસ ફિલ્મ સ્ટાર્સ અને કિકેટર્સ આવેલા, જેમને જોવા માટે શહેરના તો ઠીક આસપાસના ગામડાંના લોકો પણ આવેલા. વળી, ત્યારે એવી જાહેરાત પણ થયેલી કે, ગેસ્ટ બનીને આવેલા ફિલ્મસ્ટાર્સ પણ ટાઉનશીપમાં પોતાનું રો-હાઉસ બુક કરાવી રહ્યા છે, જેના કારણે ધડાધડ સ્પોટ બુકિંગ થયેલું અને ભૂમિપૂજન થયાંના દસેક દિવસમાં જ શહેરના માલેતુજારોએ અને ઉચ્ચ મધ્યમવર્ગના લોકોએ ત્રીસેક રો- હાઉસનું બુકિંગ કરાવી દીધેલું. બાકી રહેલી કસર રેડિયો અને લોકલ ટેલિવિઝન ચેનલ્સ પર આવતી એડ્સ અને શહેરભરમાં ઠેરઠેર લાગેલા હોર્ડિંગ્સે પૂરી કરી, જેને કારણે ત્રણેક મહિનાના ગાળામાં જ આશીર્વાદ ટાઉનશીપનું બુકિંગ ફુલ થઈ ગયું.
બીજી તરફ ટાઉનશીપમાં રો-હાઉસીસના નિર્માણનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું હતું, જેને પગલે ટાઉનશીપની વિશાળ સાઈટ પર ચારસો જેટલા મજૂરો રાત-દિન મજૂરીએ લાગી ગયેલા. આ ઉપરાંત રોજ નીતનવા લોકોની આવાજાહી, ઈંટ-રેતી લાવતી ટ્રકોની ઘરેરાટીઓ, કોન્ટ્રાન્ક્ટર્સનો ઉહાપોહ અને મજૂરોને ધ્યાનમાં રાખીને સાઈટની આજુબાજુ ખૂલી ગયેલી નાની-મોટી રેકડીઓ ટાઉનશીપની સાઈટ પાસે એક જીવંત માહોલ ઊભા કરતા હતા. હજુ કાલ સુધી જે જગ્યા શહેરથી દૂર ગણાતી હતી અને જે જગ્યાએ સાંજના સમયે કોઈ જતું પણ નહોતું એ સાઈટ એના ધમધમાટને કારણે શહેરની મધ્યમાં આવી ગઈ હોય એવું લાગતું હતું. દોઢેક વર્ષ આ રીતે કામ ચાલ્યું હશે ત્યાં ટાઉનશીપના બિલ્ડર્સ બુકિંગ કરાવનારાઓને પઝેશન આપવાની તૈયારી કરી રહ્યા હતા. કેટલાક લોકોએ તો ટાઉનશીપના કામની સાથોસાથ જ પોતાના રો-હાઉસમાં પોતાને ગમતું ફ્લોરિંગ અને ફર્નિચરનું કામકાજ શરૂ કરાવી દીધું હતું.
જેમણે ટાઉનશીપમાં પોતાના ઘરો બુક કરાવેલા એ લોકો ટાઉનશીપમાં રહેવા આવવા માટે ખૂબ ઉત્સુક હતા અને નવા ઘરમાં કંઈક આ પ્રકારની લાઈફ સ્ટાઈલ સાથે જીવીશુંનું આયોજન કરી રહ્યા હતા. પરંતુ કોણ જાણે અચાનક એવું તે શું બન્યું કે, ટાઉનશીપના તમામ મજૂરો બીજી સાઈટ્સ પર કામે વળગી ગયા હોવા છતાં અને ટાઉનશીપ એકદમ તૈયાર થઈ ગયા હોવા છતાં ત્યાં કોઈ રહેવા નહોતું આવતું. એક બે કુટુંબો જરૂર આવ્યા હતા, પરંતુ તેઓ પણ થોડા જ દિવસોમાં ટાઉનશીપ ખાલી કરીને પહેરેલે કપડે ત્યાંથી ભાગેલા. આ તો ઠીક, જેમણે મોટેઉપાડે રો- હાઉસ બુક કરાવેલા એ લોકોએ ડાઉનપેમેન્ટના પૈસા જતાં કરીને પણ ધડાધડ પોતાના બુકિંગ કેન્સલ કરાવી દીધા. જોકે બિલ્ડર્સના ડરે એ લોકો કોઈની સાથે એ વાતની ચર્ચા નહોતા કરતા કે, એમણે પોતાના બુકિંગ કેમ કેન્સલ કરાવ્યા! એક સમયે તો એવી સ્થિતિ આવી કે, ટાઉનશીપના રો-હાઉસની રખેવાળી કરવા માટે કોઈ વોચમેન નહોતા મળતા અને યોગ્ય દેખરેખ અને માવજતના અભાવે સાવ નવા તૈયાર થયેલા રો-હાઉસ ખંડેર થઈ ગયા, જેમાં કૂતરાં અને ગાયોએ ડેરો જમાવ્યો હતો.
ટાઉનશીપના નિર્માણમાં આવડો મોટો ઘાટો જવાને કારણે ટાઉનશીપના એક બિલ્ડરે આત્મહત્યા કર્યાના સમાચાર પણ મળ્યાં. પરંતુ આ સાથે શહેરમાં જાતજાતની અફવાઓ પણ ઉડવા માંડી કે, બિલ્ડર્સને આવા તો અનેક ઘાટા જતાં હોય છે. એવડી અમથી વાતમાં કંઈ બિલ્ડર આત્મહત્યા નહીં કરે. વળી, જે ગ્રુપે આશીર્વાદ ટાઉનશીપનું નિર્માણ કર્યું હતું એ બિલ્ડર્સ ગ્રુપ કંઈ જેવું-તેવું ગ્રુપ નહોતું. આ ગ્રુપે શહેરમાં અનેક મોટા પ્રોજેટ્સ કર્યા હતા અને તેઓ અબજોમાં રમતા હતા. વળી, એમણે આશીર્વાદ ટાઉનશીપમાં બુકિંગ કરાવનારા લોકોના ડાઉનપેમેન્ટ્સ ક્યાં પાછા આપ્યાં હતા? એમના માટે આવી ખોટ ચાય કમ પાની જ કહેવાય ત્યારે ગ્રુપમાંના એક બિલ્ડરે આત્મહત્યા કેમ કરી? એવું તે શું હતું કે એકદમ તૈયાર થયેલી સોસાયટીમાં કોઈ રહેવા સુદ્ધાં ન આવ્યું અને તમામ પચાસ રો-હાઉસનું બુકિંગ ધડાધડ કેન્સલ થયું? દોઢ વર્ષ સુધી ખૂબ ધમધમેલો એ વિસ્તાર ફરી કેમ નિર્જન થઈ ગયો? શું નિર્જનતા જ એ વિસ્તારની નિયતિ છે?
આવા અનેક પ્રશ્નો છેલ્લા છ મહિનાથી ઊભા છે, પરંતુ કોઈએ આમાં ઊંડા ઉતરવાની અને જવાબો શોધવાની તસ્દી લીધી નથી. રખેને ક્યાંક આ વાતમાં ઊંડા ઉતર્યા અને બહાર નીકળવાનો કોઇ રસ્તો જ ન હોય તો? આખરે એવી અનેક સુરંગો હોય છે, જે એકતરફી હોય છે... જેમાં અંદર જરૂર જઈ શકાય, પરંતુ બહાર નીકળવાનો રસ્તો એક જ હોય અને એ રસ્તો એટલે મૌત! જોકે આ રહસ્ય હવે લાંબું નથી ટકવાનું, આવતા બુધવારે એનો પર્દાફાશ થશે જ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર