અમારો પહેલો પ્રેમ એટલે પુસ્તકો!
વિશ્વ પુસ્તક દિને જ્યારે છ ગુજરાતી સાક્ષરોના પુસ્તક પ્રેમ વિશેના ઈન્ટરવ્યૂ પ્રકાશિત કરેલા ત્યારે જ અમે કહેલું કે, જેઓ પુસ્તકોને ખરેખર પ્રેમ કરે છે તેઓ તો પ્રત્યેક દિવસે પુસ્તક દિવસ ઉજવતા હોય. એટલે આજે જ્યારે આ મુલાકાતો પ્રકાશિત થઈ રહી છે ત્યારે આજે કોઇ વિશેષ દિવસ નથી તો આ મુલાકાતો કેમ છાપી એવું વિચારવાનો કોઈ અર્થ નથી. આજે જે વ્યક્તિઓના ઈન્ટરવ્યૂ પ્રકાશિત કરવામાં આવ્યા છે એ બંને વ્યક્તિઓની પુસ્તકો પ્રત્યેની ઘેલછા વિશે ઘણા ઓછા લોકો જાણે છે. સંજય વૈદ્યને આપણે હંમેશાં કેમેરા સાથે જ જોયા છે તો યંગ એન્ડ ટેલેન્ટેડ ગાયક- સ્વરકાર પ્રહર વોરાને સુગમ સંગીતના કાર્યક્રમો ગજાવતા જોયા છે. આ બંને કળાકારોનો મૂળભૂત સંબંધ અનુક્રમે કેમેરા અને માઈક કે વાદ્યો સાથેનો છે, પરંતુ સમય મળ્યે તેઓ પુસ્તકોની હૂંફ પણ માણી લે છે. રાધર એમ પણ કહી શકીએ કે, પુસ્તકો સાથે ટાઇમ સ્પેન્ડ કરવા માટે તેઓ રીતસરના પ્રયત્નો કરે છે અને પોતાની વ્યસ્તતામાંથી થોડો સમય ચોરીને તેઓ પુસ્તકોની સોબત માણે છે. વિશ્વ પુસ્તક દિને છ સાક્ષરોને જે સવાલો પૂછાયેલા એ જ સવાલો આ બે કલાકારોને પણ પૂછાયા છે, જોકે જવાબો એટલા અંતરંગ છે કે, વાચકોને મજા પડી જવાની છે.
પ્રશ્નઃ પુસ્તકો સાથે પહેલીવાર દોસ્તી ક્યારે બંધાયેલી?
(સંજય વૈદ્ય)
હું આઠમાં ધોરણમાં હતો ત્યારથી પુસ્તકો સાથે મારી મૈત્રી બંધાઈ ગયેલી.
(પ્રહર વોરા)
લગભગ છ-સાત વર્ષની ઉંમરથી મને પુસ્તકોની સોબત ગમતી. નાનો હતો ત્યારે ‘ચંપક’ મેગેઝિન ઘરે આવતું અને એમાં પ્રકાશિત થતી વાર્તાઓ અને અન્ય વાચન સામગ્રનીને કારણે ઘણી કાચી વયથી મને શબ્દોની દુનિયા આકર્ષતી. વળી, ઘરનું વાતાવરણ પણ એવું કે, અમને જો પુસ્તકો સાથે સોબત નહીં બંધાય તો જ નવાઈ! મારા કાકા મને નાનપણથી પુસ્તકો અપાવતા તો મારી કઝીન એષા મુનશી પણ ખૂબ વાંચતી. વળી, દાદી મને જાતજાતની વાર્તાઓ કરતા, જે વાર્તાઓ સાંભળીને બીજું ઘણુંય જાણવાની ઉત્કંઠા જાગે એટલે ફરી પાછા પુસ્તકોને શરણે જઈએ અને એમાં ખૂંપી જઈએ. બાળપણમાં મેં એવું ઘણી વખત અનુભવ્યું છે કે, કોઈ મને રમકડું અપાવે એના કરતા પુસ્તક અપાવે એમાં મને વધુ આનંદ આવતો.
પ્રશ્નઃ પુસ્તકો પ્રત્યેના તમારા પ્રેમને વ્યાખ્યાયિત કરી શકો ખરા?
(સંજય વૈદ્ય)
મને વાંચનનું એડિક્શન છે એમ કહીએ તો ચાલે અથવા એને બીજી રીતે વ્યાખ્યાયિત કરવું હોય તો એમ પણ કહી શકાય કે, વાંચવું એ મારે માટે શ્વસન પ્રક્રિયા સમાન છે. સવારે ઉઠું પછી રાત્રે ઉંઘું ત્યાં સુધીમાં જો મને કંઈ જ વાંચવાનું નહીં મળે તો છેલ્લે હું ક્લાસિફાઈડ એડ્સ પણ વાંચુ! પણ હું વાંચુ તો ખરો જ!
(પ્રહર વોરા)
પુસ્તકો પ્રત્યેનો મારો પ્રેમ અવર્ણનિય છે. વાંચનની બાબતે હું ગાંધીજીને અનુસરું છું. બાપુ પ્રવાસો દરમિયાન તો વખત મળ્યે વાંચતા જ પરંતુ નૈસર્ગિક વિધિ દરમિયાન મળતા થોડાં સમયનો પણ ઉપયોગ કરી લેતા. સંગીતના મારા કાર્યક્રમોને કારણે મારે સતત ટ્રાવેલિંગ કરવું પડે છે અને ક્યારેક આણંદ તો ક્યારેક અમેરિકા જવું પડે. જોકે દુનિયાના કોઇ પણ ભૌગોલિક સ્થળે હું એકલો નથી જતો. મારી સાથે ઓછામાં ઓછું એક પુસ્તક તો હોય જ છે!
પ્રશ્નઃ તમે ખરીદેલું સૌથી મોંઘુ પુસ્તક કયું? એની કિંમત કેટલી અને એ ખરીદતી વખતે કોઇ ખચકાટ થયેલો ખરો?
(સંજય વૈદ્ય)
એક વાર હું કોલકાતા એર્પોર્ટ પર મારી ફ્લાઇટની રાહ જોતો હતો ત્યારે મારી નજર એક પુસ્તક પર પડેલી. 'વર્લ્ડ હિસ્ટરી થ્રૂ કેમેરા' નામના એ પુસ્તકની કિંમત 13000 રૂપિયા હતી. જોકે એ પુસ્તક જોઇને હું એટલો બધો ખુશ થયેલો કે, એની કિંમત બાબતે મને જરા સરખો પણ ખચકાટ નહોતો થયો. આ ઉપરાંત ગયા વર્ષે અમદાવાદ પુસ્તક મેળાની મુલાકાત દરમિયાન મારી નજર 'બિયોન્ડ ટાઈમ' નામની એક કોફી ટેબલ બુક પર પડી. એ પુસ્તક મને એટલું ગમી ગયું કે, બુક સ્ટોલ પર ઉપલબ્ધ એની ત્રણેય કોપી મેં એકસાથે ખરીદી લીધેલી. એ ત્રણ કોપીની કિંમત 9990 રૂપિયા હતી. આ વાત અહીં નથી અટકતી. એ જ દિવસે મેં રેર બુક સ્ટોલ પરથી 15000 રૂપિયાની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુશનની ઓરીજનલ કૉપી પણ ખરીદેલી.
(પ્રહર વોરા)
પુસ્તકો ખરીદવાનો આનંદ જ એટલો હોય છે કે, એ બાબતે ખચકાટ જેવું ક્યારેય અનુભવાયું નથી. કોઇ એક ચોક્કસ પુસ્તકની કિંમત વિશે હું કહી શકું એમ નથી. પરંતુ ત્રણેક વર્ષ પહેલા અમદાવાદના નેશનલ બુક ફેરમાંથી એકસાથે ચારેક હજારના પુસ્તકોની ખરીદી કરેલી. અલબત્ત, ત્યારે પણ કશુંક નવું વાંચવાનો રોમાંચ એટલો હતો કે ખચકાટ અનુભવવાનો સવાલ જ ઊભો નહીં થયેલો.
પ્રશ્નઃ તમારી લાઈબ્રેરીમાં કુલ કેટલા પુસ્તકો હશે? એ બધાની કિંમત નક્કી કરવા બેસીએ તો આશરે કેટલા રૂપિયાના પુસ્તકો થતાં હશે?
(સંજય વૈદ્ય)
મારી લાઈબ્રેરીમાં લગભગ 2500 જેટલા પુસ્તકો હશે. એ બધાની કિંમત નક્કી કરવાનું કામ ખરેખર મુશ્કેલ છે.
(પ્રહર વોરા)
મારી પર્સનલ લાઈબ્રેરીમાં પંદરસોથી બે હજાર જેટલા પુસ્તકો તો હશે જ. પુસ્તકોની કિંમત નક્કી કરવી મારા માટે અત્યંત કપરું કામ છે કારણ કે મારા માટે એ તમામ અમૂલ્ય છે. જે પ્રિય હોય, દિલની કરીબ હોય એની તે વળી કિંમત અંકાતી હશે? પણ હવે તમે પૂછી જ રહ્યા છો તો હું સવાલ ફગાવી નહીં શકું. એટલે આશરે પણ ગણતરી માંડીએ તો મારા પુસ્તકોની કિંમત ત્રણેક લાખ સુધી તો પહોંચતી હશે.
પ્રશ્નઃ તમને પુસ્તક ખરીદી કરવાની કઈ ઢબ વધુ ગમે? બુકશૉપમાં જઈને પુસ્તકોની ખરીદી કરવાનું ગમે કે ઑનલાઈન પરચેઝ કરવાનું ગમે?
(સંજય વૈદ્ય)
બુક શૉપમાં જઈને પુસ્તકોની ખરીદી કરવાની મજા જ કંઈ ઓર હોય છે. પુસ્તકોની દુકાનમાં જઈને પુસ્તકો ખરીદવાનું મને એવું ઘેલું છે કે, ઘણી વખત તો મારે મારી જાત પર લગામ નાથવી પડે કે બસ, હવે આજે નથી જવું! મને યાદ છે, થોડા વર્ષો પહેલા હું જ્યારે દુબઈ ગયેલો ત્યારે એરપોર્ટ પરથી હું સીધો એક બુક શૉપમાં પહોંચેલો અને લગાતાર ચાર કલાક સુધી મેં પુસ્તકોની ખરીદી કરેલી અને ત્યાર પછી મેં હોટેલમાં ચેકઈન કરેલું! હજુ થોડા સમય પહેલા હું પોંડીચેરી ગયેલો ત્યારે મેં 9000 રૂપિયાના પુસ્તકો લીધેલા અને 4000 રૂપિયાની અગરબત્તી લીધેલી. જોકે હમણા ઓનલાઈન ખરીદી કરવાનું પેશન પણ વળગ્યું છે.
(પ્રહર વોરા)
બંને રીતો મને પસંદ છે. વર્ષો પહેલા જે વસ્તુ આપણે ખરીદી ન શક્યા હોય એ અચાનક ઇન્ટરનેટ પર જડી જાય તો એનો આનંદ અનેરો હોય છે. વર્ષો પહેલા રાજ કપુરની દીકરી રીતુ નંદાએ ‘રાજ કપૂર સેયઝ’ નામનું પુસ્તક લખેલું, જે મેં ક્રોસવર્ડમાં જોયેલું. ત્યારે એ પુસ્તકની કિંમત ઘણી હતી અને હું કમાતો-ધમાતો પણ નહોતો. એટલે ત્યારે એ પુસ્તક નહીં ખરીદી શકાયેલું. દસેક વર્ષ પછી એક વાર ફ્લિપકાર્ટ પર મને અચાનક એ જડી ગયું અને મેં તરત જ એ ઓર્ડર કરાવી દીધું. ઓનલાઇન ખરીદી હોય કે બુકશૉપમાં જઈને ખરીદવાનું હોય, હું હંમેશાં પુસ્તક ખરીદવાના બહાના શોધતો હોઉં છું. થોડા સમયથી તો મેં એક નવો શોખ કેળવ્યો છે કે, શૉ માટે મારે જ્યાં પણ જવાનું થાય ત્યાં મને જરા સરખોય સમય મળે તો હું એ શહેરમાંથી એક પુસ્તક ખરીદી લઉં છું.
પ્રશ્નઃ તમને ઈ-બુક્સ વાંચવાની ગમે કે પુસ્તક હાથમાં લઈને વાંચવાનું ગમે?
(સંજય વૈદ્ય)
હાથમાં, ઘૂંટણ પર રાખીને કે પછી ઉંઘા સૂતા સૂતા અથવા છાતી પર પુસ્તકો રાખીને જ વાંચવાનું વધુ ગમે.
(પ્રહર વોરા)
મારા આઈપેડમાં અને મોબાઈલમાં ઘણી બધી બુક્સ છે. પણ પુસ્તક હાથમાં લઈને બેસીએ ત્યારે પાના ફેરવવાનો જે આનંદ મળે છે એવો આનંદ ઈ-બુક્સમાં નથી આવતો.
પ્રશ્નઃ તમે કોઈને તમારાં પુસ્તકો વાંચવા આપો ખરા? જો વાંચવા આપતા હો અને એ પુસ્તક તમારી પાસે નહીં આવે તો તમે શું કરો?
(સંજય વૈદ્ય)
હા, દિલ સે દેતા હું! મને પુસ્તકો વાંચવાનો જેટલો શોખ છે એટલો જ શોખ વંચાવવાનો પણ છે. કૉલેજના અધ્યાપક તરીકે મેં મારા વિદ્યાર્થીઓને અનેક પુસ્તકો વાંચવા આપ્યાં છે. મારા વિદ્યાર્થીઓના બર્થ ડે પર પણ હું એમને પુસ્તકોની જ ભેટ આપતો હોઉં છું અને ભેટ તરીકે મેં 'ટ્યુઝડેઝ વિથ મૂરી'ની સૌથી વધુ કોપીઓ વહેંચી છે. લોકો પુસ્તક વાંચવા લઈ જાય પછી મોટાભાગે પાછા નથી આપી જતાં, પણ તોય મને એ ગમે છે. મારો આ શોખ મને પોષાય એવો છે!
(પ્રહર વોરા)
હું જનરલી કોઇના પુસ્તકો વાંચવા લેતો નથી. અને જેમના પુસ્તકો લીધા હોય એમને પણ મેં સત્વરે પરત કર્યા છે. અને મારા પુસ્તકોની વાત કરું તો, હું કોઈને મારા પુસ્તકો વાંચવા આપતો જ નથી કે, જેથી એને પાછા મેળવવાની પળોજણમાં પડવું પડે!
પ્રશ્નઃ તમારા સૌથી પ્રિય પાંચ પુસ્તકો કયા?
હાઈલા! આ તો સૌથી ડિફિકલ્ટ સવાલ છે. જોકે તોય હું એનો જવાબ તો આપીશ જ!
ચંદ્રકાન્ત બક્ષી
ગુણવંત શાહ
અશ્વિની ભટ્ટ
આઈન રેન્ડ
ઓશો
તમને થશે કે, આ તો લેખકોના નામ છે, પુસ્તકોના નામ ક્યાં છે? પણ પાંચ પ્રિય પુસ્તકોના નામ આપવા ખરેખર મુશ્કેલ કામ છે. આ માટે મને ખરેખર માફ કરજો.
(પ્રહર વોરા)
કૃષ્ણાવતાર (કનૈયાલાલ મુનશી)
મહામાનવ સરદાર (દિનકર જોશી)
ફ્રિડમ એટ મિડનાઈટ (લેરી કોલિન્સ અને દોમિનિક લેપિયર)
આર.ડી. બર્મન ધ મેન, ધ મ્યુઝિક (અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને બાલાજી વિટ્ટલ)
અમિતાભ બચ્ચન (સૌમ્ય બંધોપાધ્યાય)
પ્રશ્નઃ કોઈ પણ એક પુસ્તક લઈને તમને સ્વર્ગમાં જવાનું કહેવામાં આવે તો તમે કયું પુસ્તક લઈને જાઓ?
(સંજય વૈદ્ય)
કોઇ એક પુસ્તક લઈને સ્વર્ગમાં જવાનું હોય તો હું ઓશોનું 'મહા ગીતા' પુસ્તક લઈ જાઉં.
(પ્રહર વોરા)
તો હું ‘કૃષ્ણાવતાર’ જ લઈને જાઉં. એમાં ભીમના કથાનકનું જે વર્ણન થયું છે એ લાજવાબ છે. આ ઉપરાંત જો એક પર એક ફ્રી જેવી કોઇ સ્કીમ હોય તો હું કમલા સુબ્રમણ્યમનું ‘મહાભારત’ લઈને જાઉં.
પ્રશ્નઃ ક્યારેય પુસ્તકોની ચોરી કરી છે ખરી? એટલે કે કોઇ લાઈબ્રેરીમાં અથવા મિત્રને ત્યાંથી કે કોઇક સંબંધીને ત્યાંથી ગમતું પુસ્તક ઉઠાવી લીધું હોય એવું?
(સંજય વૈદ્ય)
હોઉ! બિન્ધાસ્ત! ઘણી જગ્યાએ મેં પુસ્તકોની ચોરી કરી છે. જોકે એ બધી ચોરીઓ મેં નાની ઉંમરે કરેલી. અને એ પણ માત્ર અલભ્ય પુસ્તકો જડી ગયા હોય ત્યારે અથવા ક્યારેક ખીસાને પરવડે એમ ન હોય ત્યારે એવું કર્યું છે. સાચું કહું તો હવે મને એનો ખૂબ અફસોસ થાય છે.
(પ્રહર વોરા)
ના. મેં નાનપણથી જે પુસ્તક માગ્યું છે એ મને મળ્યું છે અને મોટા થયાં પછી હું પોતે જ મારા પુસ્તકો મગાવી લઉં છું એટલે ક્યારેય મને કોઈનું પુસ્તક ગમી જાય તો હું તરત એ પુસ્તક ઓર્ડર કરી દઉં છું.
પ્રશ્નઃ તમે લખેલાં કે સંપાદિત કરેલાં પુસ્તકોની સંખ્યા કેટલી?
(સંજય વૈદ્ય)
લગભગ વીસેક જેટલા પુસ્તકો મારે નામે બોલાતા હશે, જેમાંના કેટલાક મેં પોતે પ્રકાશિત કર્યા છે તો કેટલાકનું એડિટિંગ, ડિઝાઈનિંગનું કામ મેં કર્યું છે. કેટલાક પુસ્તકો એવા પણ છે, જેમાં મારા ફોટોગ્રાફ્સ સમાવવામાં આવ્યા છે.
પ્રશ્નઃ તમે ક્યારેય લખ્યું છે ખરું?
(પ્રહર વોરા)
હા. મારા ગુરુ અને આપણી ભાષાના જાણીતા લેખક રતિલાલ બોરીસાગર વિશે ‘અમારા બોરીસાગર’ નામના એક પુસ્તકનું સંપાદન થયેલું, જેમાં મેં ‘આનંદ ઉર્મિનું ઝરણું’ નામે એક લેખ લખેલો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર