લોકતંત્ર મેં વહી હોતા હૈ જો મંજૂરે મતદાર હોતા હૈ
આખરે ગઈકાલે ચૂંટણી ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ તાલુકા-જિલ્લા પંચાયતોના પરિણામો આવી ગયા. સમગ્રતઃ પરિણામનો અભ્યાસ કરીને એક જ વાક્યમાં પરિણામોની મુલવણી કરવાની હોય તો એમ કહી શકાય કે, ભાજપનું નાક બચી ગયું! કારણ કે, છ મહાનગરપાલિકાઓમાં ભાજપે જીત જાળવી રાખી છે. નગરપાલિકાઓમાં પણ ભાજપનું સારું પ્રદર્શન છે. બીજી તરફ કોંગ્રેસની આગેકૂચ થઈ કે કોંગ્રેસનો ઉદય થયો એમ પણ નહીં કહી શકાય. કારણ કે, કોંગ્રેસને જે કોઈ સફળતા મળી છે એની પાછળ અન્ય વિકલ્પ તરીકેની એ પક્ષની પસંદગી હતી. કોંગ્રેસનો પ્રભાવક પ્રચાર કે એના મુદ્દા જવાબદાર નહોતા. પ્રભાવકતા સાથે ગુજરાત કોંગ્રેસને છેલ્લા ત્રણ દાયકાથી કોઈ લેવા દેવા નથી. ઈવન રાષ્ટ્રીય સ્તરે પણ એ જ સ્થિતિ છે.
મનપાના પરિણામો દરમિયાન રાજકોટમાં બપોરે ત્રણ વાગ્યા સુધી ચડસાચડસી ચાલી અને ખૂદ મુખ્યમંત્રીને પણ પસીનો છૂટી ગયેલો. મુખ્યમંત્રી સુરત-રાજકોટના પરિણામોનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. આખરી વોર્ડ ક્રમાંક 6ની મતગણતરી બાકી હતી ત્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ 34-34 સીટ સાથે સમાંતરે ઊભા હતા. નસીબજોગે વોર્ડનંબર 6 ભાજપ માટે લાભદાયી પુરવાર થયો અને 38 બેઠકો સાથે રાજકોટ મનપામાં ભાજપની જીત થઈ.
અખબારી અહેવાલોમાં તો એવું પણ વાંચવા મળ્યું છે કે, રાજકોટની તમામ બેઠકો પરના પરિણામો જાહેર થયાં બાદ ખૂદ મુખ્યમંત્રીએ વોર્ડનંબર 6ના ઉમેદવારોને ફોન કરીને વધામણા આપ્યાં અને નાક બચાવી લેનાર એ ચારેય કોર્પોરેટર્સને મનપામાં સારા વિભાગો આપવાનું પ્રોમીસ અપાયું. આ ઉપરથી ભાજપ અને મુખ્યમંત્રી કેટલી હદે થરથર્યા હશે એનું અનુમાન લગાવી શકાય છે. ભાવનગર મનપામાં પણ ભાજપે વર્ષ 2010ની સરખામણીએ સાત સીટ ગુમાવી છે, જ્યાં આ વખતે કોંગ્રેસે 18 સીટ મેળવી છે તો ભાજપે 34 સીટ સાથે ફતેહ મેળવી છે.
પાટીદાર આંદોલનના એપી સેન્ટર બનેલા સુરતમાં ભાજપે કુલ 116 બેઠકોમાંથી 80 બેઠકો અને કોંગ્રેસે 36 બેઠકો મેળવી છે. વર્ષ 2010ની સરખામણીએ ભાજપે 16 બેઠકો ગુમાવી છે. ગુમાવેલી બેઠકોનો આંકડો નાનો નથી. પાટીદારોનો દબદબો ધરાવતા વરાછા-કતારગામ જેવા વિસ્તારોમાં કોંગ્રેસે વર્ષો, અરે દાયકાઓ બાદ કંકુના કર્યા છે. તો વડોદરામાં પણ કુલ 76 બેઠકોમાં કોંગ્રેસે 14 બેઠકો મેળવી છે અને 54 બેઠકો સાથે ભાજપે સત્તા ટકાવી રાખી છે.
જોકે ભાજપની આ જીતને ‘દબદબો જાળવી રાખ્યો’ કે, ‘જંગી જીત’ કે ‘વિરોધ પક્ષોનો સફાયો’ જેવા છાપાળવા શબ્દોથી નવાજી શકાય નહીં. કારણ કે, એક જામનગર મહાનગરપાલિકાને બાદ કરતા અન્ય પાંચ મહાનગરપાલિકામાં ભાજપે પોતાની નોંધપાત્ર બેઠકો ગુમાવી છે. અલબત્ત, થોડી ઘણી બેઠકો ઘટે એનાથી ધરાર એવું પણ નહીં કહી શકાય કે, ‘રાજ્યમાં ભાજપના વળતા પાણી!’ પણ એક વાત નક્કી કે, જે રાજ્યમાં નરેન્દ્ર મોદીના નામે પથરાં પણ તરી જતાં અને સવર્ત્ર ભાજપ જંગી જીત સાથે બહુમતિમાં રહેતું, ત્યાં આવા નાનાં-મોટા ગાબડાની ગંભીર નોંધ લેવી જ રહી. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સત્તા ટકી ગઈ છે એ રૂઆબમાં ભાજપ રહેશે અને રાજ્યમાં પક્ષની સ્થિતિનું યોગ્ય મુલ્યાંકન કરવાની જગ્યાએ નેતાઓ જીત અને સત્તાના નશામાં ધૂત રહેશે તો 2017માં ગુજરાતમાં પણ બિહારવાળી થાય તો નવાઈ નહીં.
ગુજરાત ભાજપે એ પણ યાદ રાખવાનું છે કે, ગુજરાતમાં વિરોધપક્ષ જેવું કશું છે જ નહીં. ગુજરાત કોંગ્રેસ કુંભકુર્ણની નિદ્રામાંથી હજુ બહાર નથી આવી. નેતૃત્વની બાબતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની છાપ નિર્બળ છે. બાપુ, મોઢવાડિયા, ગોહિલ કે સિદ્ધાર્થ પટેલ જેવા નેતાઓ મીડિયામાં ભલે પોતાનું શક્તિ પ્રદર્શન કરતા હોય કે જે-તે વિસ્તારોમાં પોતાનો દબદબો જાળવી રાખતા હોય. પરંતુ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસે જોઈએ એવી પકડ મજબૂત કરી નથી. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મોદી મોઢવાણિક હતા કે ઓબીસી કે પછી, ભાજપનું ગુજરાત મોડલ સાચું કે માત્ર ખયાલી પુલાવ છે એ રીતની મીડિયામાં કોઈને ઉઘાડા પાડવાની કેજરીવાલ જેવી નીતિઓ પડતી મૂકીને રાજ્યમાં નક્કર સંગઠનાત્મ કાર્યોમાં એમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. મોદી વિહોણા ગુજરાત ભાજપને હાલની ચૂંટણીઓમાં આ બાબતનો પણ ફાયદો થયો છે. સામેનો વિકલ્પ ઝાઝો મજબૂત નથી એ સિદ્ધાંતે હજારો મતદારોએ ભાજપને મત આપ્યાં છે.
એટલે વર્ષ 2017 પહેલા બીજી કોઈ રાજકીય નવાજૂની કે આંદોલનો થાય એ પહેલા ભાજપે એના મૂળિયાં સિંચવા પડશે. નહીંતર કાલના પરિણામોની જેમ 2017માં કદાચ નાક તો બચી જશે, પણ વિધાનસભામાં વધુ બેઠકોના ભોગે સત્તા પર બેસવું પડશે. યાદ રહે, હજુ તો કેજરીવાલનો પક્ષ પણ ગુજરાતમાં રેકી કરી રહ્યો છે. દિલ્હીમાં મોદી-શાહ અને બેદીની ત્રિપુટીને ભોંય ભેગી કરનારા આ પક્ષના ભવિષ્યને ગુજરાતમાં અવગણવું મોટી રાજકીય ભૂલ સાબિત થશે. ભાજપ જેમ અર્બન ક્લાસમાં પ્રચલિત છે એમ કેજરીવાલના પક્ષે અર્બન ક્લાસની મેજોરિટી ધરાવતા રાજ્યમાં જ જીત મેળવી છે. એટલે કાલ ઊઠીને ગુજરાતનો અર્બન ક્લાસ ‘આપ’ તરફ મીટ માંડે તો નવાઈ નહીં.
બીજી તરફ જિલ્લા-પંચાયતો અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે વર્ષો બાદ આવી મોટી જીત હાંસલ કરી છે. કોંગ્રેસને તો બગાસું ખાતા પતાસું પડવા જેવી સ્થિતિ થઈ. બીજી તરફ જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપની હારને પગલે પાટીદારો કિંગ મેકર હોવાની વાતે ખાંડ ખાઈ રહ્યા છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં કંઈ પાટદારોની એટલી બધી વસ્તી નથી, દક્ષિણ ગુજરાત અને પાટીદારોની ઓછી વસ્તી ધરાવતા સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના તાલુકા-જિલ્લાઓમાં પણ ભાજપને હાર મળી છે. એટલે પાટીદારોએ કિંગ મેકર હોવાનો જશ ખાંટવાની જરૂર નથી. ગ્રામ્ય વિસ્તારોમાં વસતી ગુજરાતની અન્ય જાતિઓ પણ ભાજપના પાછલા વર્ષોના પરફોર્મન્સથી નારાજ છે. તો જ આ મેન્ડેટ મળ્યો છે.
ગ્રામ્ય વિસ્તારના લોકોનો આ જનાદેશ સરઆંખો પર તો હોવો જ જોઈએ. પણ કેટલાક રાજકીય પક્ષોના કાર્યકરો આ જનાદેશને એવું કહીને અવગણી રહ્યા છે કે, ‘ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની જીત થાય એ સ્વાભવિક છે.’ કેમ ભાઈ? ગ્રામ્ય વિસ્તારોના મતદારો ભારતના નાગરિકો નથી? એમના મતનું એમની સ્મસ્યાઓનું કે રાજકીય પક્ષોને લઈને એમની માન્યતાઓનું કોઈ મુલ્ય નથી?
પણ ખૈર, લોકતંત્રમાં, ‘વહી હોતા હૈ, જો મંજૂરે મતદાર હોતા હૈ.’ જે લોકો મતદારોને અવગણીને શેખી મારશે એ લોકો શેખી મારતા જ રહી જશે. આ કારણે જ એમ કહી શકાય કે, ગુજરાતના બંને રાજકીય પક્ષો માટે આંખ ઉઘાડનારા પરિણામો આવ્યાં છે. ખાનપુર કાર્યાલયમાં ફટાકડા ફોડવાની સાથે ભાજપે ચિંતન કરવાની પણ જરૂર હતી. તો વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવીને નિષ્ક્રિય બની ગયેલી કોંગ્રેસે યાદ રાખવું પડશે કે, પતાસા દર વખતે મોઢામાં નહીં પડે. આપ જેવા પક્ષો કે અન્ય કોઈ પ્રાદેશિક પક્ષ ગુજરાતમાં માથું ઉંચકે એ પહેલા બંને રાષ્ટ્રીય પક્ષોએ એમના ભાલામાંના તીર સજાવી દેવા પડવા પડશે.
અને હા, કાલના પરિણામે આપણી આગળ એક મોટો પ્રશ્ન એ ઊભો કરી દીધો છે કે, પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ‘ગુજરાત મોડલ’ અને આનંદીબેન સરકારનું ‘ગતિશિલ ગુજરાત’ માત્ર શહેરી વિસ્તારો પૂરતું જ મર્યાદિત છે? ઉદ્યોગપતિઓ પૂરતું જ સીમિત છે? એ વિકાસ મોડલ અને ગતિશિલતા ખેડૂતોને લાગુ પડતી નથી? તો પછી ગ્રામીણ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપને આવો જાકારો કેમ મળ્યો? સોચને કી બાત હૈ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર