બોલવાની આઝાદી પર ઉગ્ર સવાલો
ગયા વર્ષે ઓગસ્ટના અંતમાં હું પટેલ સમુદાયના અનામત આંદોલન થયેલી હિંસા દરમિયાન હું કવરેજ કરવા ગુજરાત ગયેલો. ત્યારે એ હિંસામાં 8 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પાટીદારોના એ આંદોલનનું નેતૃત્વ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ કરી રહ્યા હતા. તેઓ પોલીસની નજરથી દૂર, એક ગુપ્ત જગ્યાએ પત્રકારો સાથે મુલાકાત કરી રહ્યા હતા. એ દરમિયાન સ્વાભાવિક જ વાતાવરણ તણાવયુક્ત અનુભવી શકાતું હતું.
એ રિપોર્ટિંગ દરમિયાન પત્રકારોની એક ટીમે અમારી સાથે દરેક જગ્યાએ આવીને અમને ખૂબ મદદ કરી. તેઓ અમને મદદ કરી રહ્યા હતા પરંતુ તેઓ પોતે કવરેજ નહોતા કરી રહ્યા. મેં એમને પૂછ્યું કે, 'શું તમે તમારી ચેનલ માટે આટલી મોટી ઘટનાનું કવરેજ નહીં કરો?'
તો જવાબ મળ્યો, સ્થાનિક ચેનલોના સંપાદક અને માલિકોએ હિંસક રિપોર્ટીંગ પર મનાઈ ફરમાવી છે. વધુમાં તેઓએ કહ્યું કે, આવું તેમણે રાજ્ય સરકારના દબાણ હેઠળ આવીને કર્યું છે.
આંદોલન અને એ દરમિયાન બનેલી હિંસક ઘટનાઓ દરમિયાન ગુજરાતની રાજ્ય સરકારે ઈન્ટરનેટ અને વાઈફાઈ કનેકશન પર પ્રતિબંધ લાદી દીધા હતા. કેટલાક લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યની સરકાર એમ નથી ઈચ્છતી કે આંદોલનના સમાચાર રાજ્યની બહાર જાય.
એ જ રીતે ગયા મહિને તમિલનાડુમાં પણ સ્થાનિક પત્રકારોએ બહારથી આવેલા પત્રકારોને ખૂબ મદદ કરી. આ મદદનું કારણ હતું મુખ્યમંત્રી જયલલિતાનો ડર. મીડિયાના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જયલલિતાના રાજમાં અત્યાર સુધીમાં 200 પત્રકારો અને અખબારો વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક અખબારના જણાવ્યાનુસાર તો તામિલનાડુ માનહાનિના આરોપો અને કેસોની રાજધાની બની ચૂકી છે.
આવા બધા બનાવોને કારણે વર્ષ 2015 ‘ફ્રી સ્પીચ’ અથવા ‘બોલવાની આઝાદી’ માટે એક માઠું વર્ષ સાબિત થયું છે. જે દરમિયાન 8 પત્રકારો અને બે બુદ્ધિજીવીઓની હત્યા પણ થઈ છે. આ બે રાજ્યો ઉપરાંત ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ સ્થાનિક પત્રકારોએ સરકારી નારાજગી અને સેન્સરશિપનો સામનો કરવો પડ્યો હતો.
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જગિન્દર સિંહ નામના એક પત્રકારનું એવા સમયે સળગી જવાને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે પોલીસ એ પત્રકારના ઘરે તેની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી હતી. યાદ રહે, કે જગિન્દર સિંહ ઉત્તરપ્રદેશના એક મંત્રીની વિરૂદ્ઘ સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા કરતા હતા!
જગિન્દર સિંહની જેમ જ પત્રકાર સંદીપ કોઠારી, અક્ષય સિંહ, રાજા ચતુર્વેદી અને હૈદર ખાન પણ વિવિધ પ્રશાસનો, માફિયા અને ગોટાળાના સમાચારોને પ્રસિદ્ધ કરવામાં જોતરાયા હતા. આ તમામ પત્રકારોના મૃત્યુ અંગે અત્યાર સુધી ચોક્કસ ખુલાસો પ્રગટ થયો નથી.
મીડિયા પર નજર રાખનાર ઓનલાઈન પત્રિકા ‘ધ હૂટ’ના જણાવ્યા અનુસાર વર્ષ 2015માં પત્રકારો, સામાજીક કાર્યકર્તાઓ અને શિક્ષણવિદો વિરૂદ્ધ રાજ્ય સરકારે માનહાનિના કુલ 48 કેસ દાખલ કર્યા. પત્રકારો પર હમલાની 30 ઘટનાઓ બની અને તેઓ વિરૂદ્ધ રાજદ્રોહના 14 કેસો દાખલ થયા. વિવિધ મેગેઝિનોએ એવો દાવો કર્યો હતો કે, ગયા વર્ષે સૌથી વધુ સરકારી નારાજગીનો મીડિયાની વ્યક્તિઓએ સામનો કરવો પડ્યો હતો.
અભિવ્યક્તિ સ્વતંત્રતાની બાબતે દેશની રાજ્ય સરકારો પર પોતાની વિરૂદ્ધ થયેલી ટીકાના અવાજને દબાવી દેવાનો આક્ષેપ થયો હોય તો કેન્દ્ર સરકાર પર પણ સેન્સરશિપનો આરોપ લગાડવામાં આવ્યો હતો. કેન્દ્રીય માહિતી અને પ્રશાસન મંત્રાલયે ગયા વર્ષે સામુહિક બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી નિર્ભયા પર બનેલી ડોક્યુમેન્ટરી પ્રસિદ્ધ નહીં કરવાનો આદેશ તમામ ચેનલોને આપ્યો હતો. જેનું પાલન થયું અને વિરુદ્ધમાં 'BBC'ને એક લીગલ નોટીસ પણ ફટકારવામાં આવી.
મંત્રાલય દ્વારા મુંબઈમાં વર્ષ 1993ના સિરિયલ બોમ્બ ધડાકાના દોષી યાકૂબ મેમણને ફાંસી આપવાની ઘટના અંગે વિશેષ પ્રસારણ કરનારી ત્રણ ન્યૂઝ ચેનલોને પણ કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી, જે અંગે દેશભરના માધ્યમોમાં ઘણી નિંદાઓ થઈ હતી.
આ ઉપરાંત વર્ષ 2015માં લગભગ 20 જેટલી ફિલ્મોને સેન્સર બોર્ડની કાતરનો સામનો કરવો પડ્યો હતો. જોકે આવા અન્યાય છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને સેન્સર બોર્ડની વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની કોઈ જરૂરિયાત લાગી નહીં.
આમ, આવી જ કેટલીક ઘટનાઓને કારણે વર્ષ 2015 ‘ફ્રી સ્પીચ’ કે બોલવાની આઝાદી માટેનું ખરાબ વર્ષ ગણી શકાય. અગ્રણી પત્રકાર, કલાકાર અને સામાજિક કાર્યકર્તાઓને એ વાતનો ડર છે કે, વર્ષ 2016 આનાથી પણ ખરાબ સાબિત થશે.
(પ્રસ્તુત લેખ 'BBC'ની પોર્ટલ પર પ્રકાશિત થયો હતો. પત્રકાર ઝુબૈર અહમદના આ લેખનો અહીં ભાવાનુવાદ કરવામાં આવ્યો છે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર