જવાબદારી
સવારની ચા સાથે પેપર લઈને રોહન બેઠો છે. આજે રજા એટલે શાંતિથી ચા પીતા પીતા એ પેપર વાંચી રહ્યો હતો. પેપરમાં ઘણા સમાચારો વાંચ્યાં, ધરતીકંપના સમાચારો વાંચતા એ વિચારે ચઢી ગયો. વર્ષો પહેલા જ્યારે તે ફક્ત બે વર્ષનો હતો ત્યારે ભયંકર ધરતીકંપ થયેલો ત્યારે પણ આજ ફ્લેટમાં ત્રીજે માળે તેઓ રહેતા હતા. તે ધરતીકંપમાં આખા શહેરમાં અને તેની આસપાસના વિસ્તારમાં ઘણું નુકસાન થયેલું. ઘણી બહુમાળી ઈમારતોમાં તિરાડો પડી ગયેલી. રોહનના બિલ્ડીંગનું બાંધકામ સારું હોવાથી ત્યાં કોઈ તકલીફ થઈ નહોતી. પણ...
એ સમયે રોહન ત્રીજે માળે ફ્લેટમાં ઉંઘતો હતો. સવારનો સમય હતો અને પપ્પા કોઈક કામે ઘરની બહાર ગયા હતા અને મમ્મી એપાર્ટમેન્ટમાં નીચે શાકભાજી લેવા ગઈ હતી. અને અચાનક ધરતીકંપ થયેલો. આખી ધરતી અને આખું એપાર્ટમેન્ટ હચમચી ગયેલું. આખા એપાર્ટમેન્ટમાં નાસભાગ મચી ગઈ. બધા દોડીને હાંફળાફાંફળા નીચે તરફ દોડવા લાગ્યા. મમ્મી તો રીતસરની રડવા લાગી. એમને ખ્યાલ હતો કે હું ઘરમાં ઉંઘી રહ્યો છું. મારા માટે એ ત્રીજે માળે ફ્લેટ તરફ આવવાના પ્રયત્નો કરવા લાગી પણ, એપાર્ટમેન્ટના લોકો એટલી ઝડપથી નીચે તરફ દોડી રહ્યા હતા કે મમ્મીથી ઉપર આવી શકાયું નહીં.
ધરતીકંપના આંચકા હજુ ચાલું હતા. મમ્મીની આંખોમાં આંસુ હતા. એ ઉપર તરફ જવાના પ્રયત્નોમાં હતી ત્યાં જ પપ્પા દોડી આવ્યા અને લગભગ દોડતા એકી શ્વાસે ઉપર ત્રીજે માળે દોડી આવ્યા. આ બધાથી બેખબર હું તો ઉંઘતો જ હતો. એમણે મને ઉંચકી લીધો અને સડસડાટ એપાર્ટમેન્ટની નીચે ઉતરી ગયા.
ચહલપહલ અને દોડાદોડીથી હું જાગી ગયો અને આસપાસના માહોલથી ગભરાઈને તરત પપ્પાને જોરથી ભેટી પડ્યો. શું થઈ રહ્યું એની કંઈ સમજ પડી નહીં. કુતૂહલતાથી હું એ બધું જોતો રહ્યો હતો. એ વાતને તો વર્ષો વીતી ગયા પણ રોહનને આજે પણ એ ઘટના યાદ છે.
આજે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું. એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં 26 જાન્યુઆરીની તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રધ્વજમાં ફૂલ મૂકીને જુવાન છોકરાઓ ધ્વજને સ્તંભ પર ચઢાવી રહ્યા છે. કેટલાક ખુરશીઓ ગોઠવી રહ્યા છે, તો કેટલાક લોકો નાસ્તાની વ્યવસ્થામાં પરોવાયા છે. નાના બાળકો ઉત્સાહમાં આમતેમ દોડી રહ્યા છે. વડીલો ભેગા મળીને કંઈક ચર્ચા કરી રહ્યા છે. રોહન પણ મિત્રો સાથે વાતોએ વળગ્યો. એપાર્ટમેન્ટના લગભગ ઘણાં લોકો કોમન પ્લોટમાં આવી ચૂક્યા હતા. હજુ થોડી વાર હતી અને ત્યારબાદ ધ્વજવંદનનો કાર્યક્રમ શરૂ થવાનો હતો.
ત્યાં જ અચાનક ધરતી ધ્રૂજવા લાગી. ધરતીકંપનો જોરદાર આંચકો આવ્યો અને આખી ધરતી અને એપાર્ટમેન્ટ ધ્રૂજવા લાગ્યા. રોહને એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતાના એપાર્ટમેન્ટ તરફ દોટ મૂકી. એ એકી શ્વાસે સડસડાટ દાદર ચઢવા લાગ્યો. કેટલાક લોકો વચ્ચે પણ આવ્યા, પણ એ બધામાંથી રસ્તો કરીને રોહન ખૂબ ઝડપથી ઉપર તરફ દોડવા લાગ્યો. પોતાના ફ્લેટમાં પહોંચીને અંદરના રૂમમાં પહોંચ્યો.
લાંબા સમયની માંદગીને કારણે લગભગ પથારીવશ તેના પપ્પાને બાથમાં ઉંચકી લીધા અને બને એટલી ઝડપથી પણ, અત્યંત સાવચેતીથી તે એના પિતાને એપાર્ટમેન્ટની નીચે લઈ આવ્યો. કોમન પ્લોટમાં એના પપ્પાને ખુરશી પર બેસાડ્યા. રોહનના પપ્પા એની સામે જોઈ રહ્યા હતા, વિચારી રહ્યા હતા, રોહન 2 વર્ષનો હતો ત્યારની ઘટના...
રોહને જોયું કે, પપ્પા મારી સામે જોઈ રહ્યા છે તો એ પપ્પાની પાસે ગયો અને એમના ખભે હાથ મૂકીને કહ્યું, 'પપ્પા હું ઉંઘતો હતો ત્યારે તમે જાગેલા તો હવે તમારા આરામના સમયે જાગવાની જવાબદારી મારી...'
એના પિતા કશું બોલી શક્યા નહીં. માત્ર એમના ખભા પરનો રોહનનો હાથ દાબ્યો અને આંખમાંથી હૂંફાળું પાણી સરી પડ્યું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર