પરત કરાયેલા આ ઈનામોથી કોઈ ફરક પડશે ખરો?

13 Oct, 2015
05:02 PM

mamta ashok

PC:

પોતાને સ્વાયત્ત જાહેર કરનારી કેન્દ્રિય સાહિત્ય અકાદમી, જેના દેશભરમાં ફેલાયેલા સદસ્યો જુદીજુદી વિચારધારાઓ ધરાવે છે. જેમાનાં કેટલાક સદસ્યો કેન્દ્રિય મંત્રાલયો દ્વારા નિયુક્ત કરાયેલા આઈએએસ સ્તરના વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ હોય છે. જેનો એક એક પૈસો સંસ્કૃતિ મંત્રાલયથી આવે છે અને એનો તમામ કારભાર પણ અહીંથી જ ચાલે છે. છતાં આ અકાદમી સાહિત્યને એક જીવંત સંઘર્ષમય રણક્ષેત્ર અને લેખકોને પ્રતિબદ્ધ અને જવાબદાર માનવો માનવાનો ઈન્કાર કરે છે.

જોકે અકાદમીની આ અધોગતિ માટે એની સાથે સંકળાયેલા લેખકો જ જવાબદાર છે, જેમણે અકાદમીના પુરસ્કારો અને પોતાના ફાયદા માટે ક્યારેક મૌન સેવ્યું છે તો ક્યારેક વહાલા-દવલાની નીતિ અપનાવી છે.

અહીં એ બધાના નામ લઈને વાત કરવાથી કોઈ ફાયદો થવાનો નથી પરંતુ આજે જે લોકો દાભોલકર, પાનસરે, કલબુર્ગીની હત્યાના વિરોધમાં પોતાના પુરસ્કારો પરત કરી રહ્યા છે અને અકાદમીના પોતાના પદો પરથી રાજીનામાં આપી રહ્યાં છે એ જ લોકો એક સમયે અકાદમીના પુરસ્કારોને વખોડતા હતા. વળી, એમાનાં એક સાહિત્યકાર તો અકાદમી પુરસ્કારને ‘કૂતરાનું હાડકું’ કહેતા હતા! પણ વક્રતા એ છે કે, એ જ સાહિત્યકાર અકાદમીના પુરસ્કારને પ્રાપ્ત કરવા માટે વલખાં મારતા પણ નજરે ચડેલા! અને એમણે જ અકાદમીની અનેક યોજનાઓમાં ગફલા પણ કરેલા! પરંતુ આશ્ચર્યની વાત એ છે જ્યારે એ સાહિત્યકારે પોતાનો પુરસ્કાર પરત કર્યો ત્યારે એમણે પત્રમાં એવું લખ્યું કે, તેઓ વર્ષોથી લેખકોની સમસ્યાઓને લઈને પીડિત, દુખી અને ભયભીત છે!

તો પુરસ્કાર પરત કરનારા એક લેખક વર્ષો સુધી સંસ્કૃતિ મંત્રાલયમાં અકાદમીના પ્રભારી રહ્યા હતા. વર્ષો સુધી અકાદમીના ઉંચા પદો પર જવાબદારીઓ નિભાવી હોવા છતાં એ મહાશયને રિટાયર્ડ થયા પછી એક્ષટેન્શન જોઈતું હતું. આ લેખકના પાખંડની પરાકાષ્ટા એ છે કે, હાલમાં તેઓ એક એવી સંસ્થા સાથે જોડાયેલા છે, જે સંસ્થામાં આવતો તમામ પૈસો સરકારી છે અને બંધારણીય દૃષ્ટિએ પણ એ સંસ્થા કેન્દ્રિય મંત્રાલયના તાબા હેઠળની સંસ્થા છે.

એક લેખિકા શીખ સંહાર, બાબરી ધ્વંસ અને મેરઠ- ગુજરાતની ઘટનાઓ વખતે મૌન રહી, પરંતુ સ્ટેંસના પરિવારને સળગાવી દેવાયો અને દલિતો પર તથાકથિત અત્યાચારો થયા ત્યારે અચાનક એમનો તકસાધુ આત્મા જાગી ઉઠ્યો. આ બધા લોકો અકાદમીના પતનના માત્ર સાક્ષી જ નથી પરંતુ અકાદમીના પતન માટે એમણે એમનો યથાયોગ્ય ફાળો પણ આવ્યો છે.

એવું પણ નથી કે અત્યાર સુધી પ્રતિબદ્ધ લેખકો, લેખક સંઘો કે થોડા ઘણાં પ્રગતિશીલ લેખકોએ અકાદમીના ઉતરતા જતા સ્તર અને એમાં રમાતી રમતોનો વિરોધ નથી કર્યો. પરંતુ માધ્યમોમાં આવી બધી બાબતો ક્યારેય ઝળકી નથી. એ બધી વાતો કરતા મીડિયાને કદાચ પુરસ્કાર પરત કરવાવાળી વાતો જ વધુ ચકચારી અને પ્રચાર પ્રસાર કરવા યોગ્ય લાગી હશે!

આપણી વિટંબણા એ પણ છે કે, માત્ર થોડા હજાર ભારતીયોને બાદ કરતા, ન તો કોઈ આ અકાદમીને ઓળખતું કે નથી કોઈ અકાદમીના એવોર્ડ પરત કરનારા લેખકોને ઓળખતું. મોટાભાગના લોકો તો આ વિવાદને સમજી જ નહીં શક્યા હોય! કારણ કે, જ્યારે આપણો આત્મા હજારો નિર્દોષ માણસોની હત્યા પછી પણ નથી ખળભળી ઉઠ્યો તો ભારતમાં પ્રવર્તતી સાંપ્રદાયિક, જાતિય અને ઉંચ-નીચની હિંસા વચ્ચે દાભોલકર, પાનસરે અને કલબુર્ગી જેવાની હત્યા  શું હેસિયત ધરાવે છે?

જ્યારે આપણો સમાજ જાગૃત થવા જ નથી માગતો, જ્યારે આ દેશના બૌદ્ધિકોએ પોતાની જાત સાથે અને સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો હોય ત્યારે સરકારને પરત કરાયેલા આ બે-પાંચ પુરસ્કારો અને પદવીઓ કઈ ક્રાંતિ કરવાના? અલબત્ત, પુરસ્કાર પરત કરવાની આ ઘટનાઓને પગલે દેશમાં થોડોઘણો ઉહાપોહ જરૂર મચ્યો છે. પરંતુ આ ઘટનાઓ દેશના તમામ બુદ્ધિજીવીઓને સ્પર્શે કે આ બાબત સામાન્ય લોકોનું જનઆંદોલન બની રહે એવું બનવાનું નથી.

દાભોલકર, પાનસરે અને કલબુર્ગીની હત્યાઓ અને એની સાથે જોડાયેલું રાજકારણ અને સાંપ્રદાયિક મુદ્દાઓ પર કેન્દ્ર તથા રાજ્ય સરકારો અને અકાદમીઓ તરફથી જે રીતની પ્રતિક્રિયા લેખકો અને બૌદ્ધિકો ઈચ્છે છે એ ક્યારેય શક્ય નથી. રિવાજ મુજબ અકાદમીઓ વધુમાં વધુ તો પોતાનો ખેદ વ્યક્ત કરતી રહેશે. આથી વિશેષ કશું જ નહીં થાય.

આમ પણ સંસ્કૃતિ, વિવિધ કલાઓ અને સાહિત્ય આ દેશમાં અત્યંત દયનિય સ્થિતિમાં છે. આ બાબતો લગભગ હાંસિયામાં ધકેલાઈ રહેલી છે. વળી, દેશની કોઈપણ રાજકીય પાર્ટી લેખકો સાથે નથી. દેશના લાખો શિક્ષકો અને વકીલો પણ આ મુદ્દાને લઈને ઉદાસીન જણાઈ રહ્યા છે. અખબારો પણ આ મુદ્દાને યોગ્ય ગંભીરતાથી નથી ઉઠાવતા ત્યારે ભારતનો સામુહિક અંતરઆત્મા છે કે નહીં એ બાબતે જ પ્રશ્ન ઊભો થાય છે. સાચા કે ખોટા સૈદ્ધાંતિક મતભેદ અને સર્વસંશયવાદ મોટા પ્રમાણમાં વ્યાપ્ત હોય ત્યારે દેશભરના બધા લેખકો એકમત થઈને સડક પર ઉતરે એવી પણ કોઈ આશા દેખાઈ રહી નથી.

આવા સાર્વજનિક અને સામુહિક રાજીનામાં અને પુરસ્કાર પરત કરવાની ઘટનાથી થોડો-ઘણો, સાચો-ખોટો વ્યક્તિગત કીર્તિ લાભ જરૂર થશે. લેખકોના બાયોડેટામાં પણ એકાદ બે સાચી ખોટી લાઈન ઉમેરાઈ જશે. પરંતુ સરકાર કે અકાદમીને આનાથી બહુ ઝાઝો ફરક પડવાનો નથી. તેઓ તો પોતાના મગરના આંસુઓ સાથે પોતાના રોજિંદા કાર્યક્રમોમાં અને કાવાદાવામાં પરોવાઈ જશે.

‘અન્યાય ફિર ભી ચુગતા રહે(ગા) મેરે દેશ કી દેહ’.

લેખકઃ વિષ્ણુ ખરે

(આ લેખ BBC હિન્દી પર પ્રકાશિત થયો છે, જેનો અહીં ભાવાનુવાદ કરાયો છે.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.