રેસ્ટ ઈન પીસ તારક મહેતા

01 Mar, 2017
03:18 PM

PC: khabarchhe.com

મારો જન્મ 26 ડિસેમ્બર, 1929. ભગવાન ઈસુના તહેવારોના એ દિવસો. હું અને મારી મા ત્યારે અમદાવાદના એક પ્રસૂતિગૃહમાં હતાં.

તા. 31 ડિસેમ્બરે પ્રસૂતિગૃહની એકમાત્ર ખ્રિસ્તી નર્સ ફરજ ઉપરથી ઘેર જવાની ખૂબ ઉતાવળી હતી. રાત્રે ક્રિસમસની પાર્ટી હશે. પાર્ટીમાં જવાની અધીરાઈમાં નર્સે એની પેશન્ટ એટલે કે મારી માના કાચા ટાંકા કાપી નાખ્યા અને ચાલી ગઈ. તે પછી ટાંકા પાક્યા. પાર્ટીમાં ગયેલી નર્સ બીજા બે દિવસે ફરજ ઉપર ફરકી જ નહિ. ડૉક્ટર કોણ હતા? ક્યાં હતા? મને ખબર નથી. વર્ષો પછી મને ફક્ત એટલું જાણવા મળ્યું, સમયસર સારવાર ન મળતાં મારી માતાનું મૃત્યુ થયું હતું. જન્મદિવસ પછીના અગિયારમે દિવસે હું માતાવિહોણો થયો.

આ વિરાટ વિશ્વમાં દસ દિવસનું જંતુ-હું-કઈ પ્રબળ જિજીવિષાને આધારે જીવતું રહ્યું એ મારે માટે એક કોયડો છે. હું જીવિત છું એ એક નક્કર વાસ્તવિકતા છે.

* * * * *

હું મારી જાતને લેખક નહીં પણ મનોરંજક 'એન્ટરટેઈનર' માનતો આવ્યો છું. લોકોનાં રંજન માટે મેં નાટકો લખ્યાં, તેમાં અભિનય કર્યો, ઘણાં નાટકોનાં દિગ્દર્શન કર્યાં, ટુન ટુન સાથે એક જાહેરખબરિયા ટચૂકડી ફિલ્મમાં કામ કર્યું, એક ફેશન શૉમાં કૉમેડિયન મૉડેલ તરીકે નાચ્યો. આ બધું જ લોકોનાં રંજન માટે, સાથે સાથે પાપી પેટને માટે.

* * * * *

મારી મા ગુજરી ગઈ ત્યારે હું દસ દિવસનો હતો એમ જ હું સાંભળતો આવ્યો છું. મારા પિતાની નોંધ પ્રમાણે હું 9 દિવસનો હતો. શો ફરક પડે છે?

અગત્યની વાત એક જ છે, મારી મા ગુજરી ગઈ ત્યારે હું જીવતો હતો. એના મૃત્યુ વખતે હું હાજર હતો પરંતુ એના મૃત્યુનો સાક્ષી નહોતો. જંતુની અવસ્થામાં હતો.

એ ક્ષણથી હું મોટો થયો, પુખ્ત થયો ત્યાં સુધી એક જ ઉદ્દગાર સાંભળતો રહ્યો, બિચ્ચારો તારક! એ બિચ્ચારી અવસ્થામાંથી બહાર આવતાં મારો આખો જન્મારો નીકળી ગયો. જોકે હજી એ લેબલ ઊંડે ઊંડે ક્યાંક ચીટકી તો રહ્યું જ છે. શારીરિક રોગની દવા મળી જાય પણ આ હાડેહાડ વ્યાપી ગયેલા બિચ્ચારાપણામાંથી સાજા થવા માટે બહુ મહેનત કરવી પડે છે.

છેવટે આવી સ્મરણકથા લખવી પડે છે.

એ 'બિચ્ચારા' શબ્દ સાથે એક ખાસ વાક્ય પણ મારે કાને પડયું : જેની આપણને જરૂર છે તેની ઉપરવાળાને વધારે જરૂર છે.

આશ્વાસનનું આ ચીલાચાલુ વાક્ય.

એ વાક્યે મને નાનપણથી જ સદંતર નાસ્તિક બનાવી દીધો છે. અલ્યા ભાઈ, મારા કરતાં મારી માતાની ઉપરવાળાને વધારે જરૂર હતી તો એને બિચારીને તમારે નીચે મોકલી આપવાની જરૂર શી હતી? મેં કંઈ અરજી-એપ્લિકેશન તો નહોતી કરી કે મારે આ મનહરગૌરીને પેટે જ જન્મ લેવો છે. તમારે જેમની જરૂર નહોતી એવી કોઈ પણ સ્ત્રીને પેટે મને જન્મ આપી શક્યા હોત. આવી ક્રૂર રમત શું કરવાની? જેમાં મને છોડીને જનાર મનહરગૌરી દુઃખી થાય, હું 'બિચ્ચારો' દુઃખી થાઉં અને ભરજુવાનીમાં મારા બાપ જનુભાઈ દુઃખી થાય.

મારી જગ્યાએ તમે હો તો તમે પણ નાસ્તિક થઈ જાવ.

* * * * *

મારા પિતાશ્રી કોઈ વાર ગમ્મતમાં તો કોઈ વાર ગુસ્સામાં મને નિશાચર કહીને બોલાવતા.

એમણે છેલ્લી નોકરી મુંબઈની ક્રાઉન મિલમાં કરેલી. માગ્યો પગાર પણ મળેલો. નોકરીમાં ફાવી ગયું પછી મિલ તરફથી ફ્લેટ પણ મળેલો. એ ગાળામાં બા-બાપુ લગભગ એક વર્ષ મારી સાથે રહ્યાં.

એ દિવસોમાં ઘણી વાર કૉમિક સિચ્યુએશન ઊભી થતી. ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં હુ ગેઝેટેડ ઑફિસર. સમયનું કોઈ બંધન નહોતું. સરકારી કામકાજ એના સમયે થવું જોઈએ. આરામની નોકરી હતી (જે મેં 26 વર્ષ કરી). ચાલુ નોકરીએ હું નાટકો લખતો. રિહર્સલો કરવા પણ જતો. મજા હતી. છેલ્લાં રિહર્સલોમાં ઘેર આવતાં મોડું થાય. ઝટ ઊંઘ ન આવે. લખવા-વાંચવામાં પરોઢ થઈ જાય.

જનુભાઈ મિલમાં જવા માટે સવારે 5 વાગ્યે જાગે ત્યારે મને એ 'ગુડ મૉર્નિંગ' કહે અને હું એમને 'ગુડ નાઈટ' કહું. બાપનો જીવ એટલે મને ઉજાગરા કરતો જોઈને અકળાય.

'નિશાચર છે નિશાચર. રાક્ષસ... હમણાં જુવાનીમાં ખબર નહિ પડે. જતે દિવસે ઉજાગરા ભારે પડશે.'

'પણ બાપુ, હું દિવસે ઊંઘું છું...'

'દિવસની ઊંઘ અને રાતની ઊંઘમાં ઘણો ફરક છે. તને રાક્ષસને હમણાં નહિ સમજાય.'

મારી આરામની નોકરીને કારણે એમને આખા સરકારી તંત્ર ઉપર અણગમો થઈ જતો. એમાં પણ ગમ્મત થતી. જનુભાઈ ટેક્સટાઈલના ટૉપ ટેક્નિશિયન. એમને તગડો પગાર મળતો. મારી નવી નવી નોકરી હતી. શરૂઆતનો સામાન્ય પગાર. એમના પગારમાંથી જેટલો આવકવેરો કપાતો તેની રકમ લગભગ મારા પગર જેટલી થતી. મજાકમાં બધાને કહ્યા કરતા, 'અમારા જેવાની મહેનત ઉપર આ સરકારી નોકરો તાગડધિન્ના કરે છે. મારો ઈન્કમટેક્સ સીધો મારા છોકરાના ખિસ્સામાં જાય છે અને એ મારો બેટો, નોકરી કરવાને બદલે નાટકો કરે છે. સરકારી તંત્રમાં આવું અંધેર ચાલતું હોય પછી આ દેશ ક્યાંથી ઊંચો આવે.'

તેમની વાત અક્ષરશઃ સાચી હતી (અને છે) તેથી હું એમને જવાબ આપતો નહોતો.

'તમારી જેમ હું મહેનત કરું તો સાહેબોની આંખે ચઢી જઉં. મારું નામ બ્લેક લિસ્ટમાં મુકાઈ જાય,' હું કહેતો.

મારા જીવનનો આ સૌથી સુખદ સમય હતો. તે પહેલાંનાં વર્ષોમાં જાણ્યેઅજાણ્યે મેં એમને ઘણાં સંતાપ્યા હતા, પણ એમની વત્સલતામાં કદી ઓટ આવી નહોતી.

* * * * *

એક વાચકબંધુએ શીલા ભટ્ટ પર પત્ર લખ્યો, તારક મહેતા તે કંઈ ભાવિ વડાપ્રધાન છે કે તમે એમની આત્મકથા છાપો છો! તેના કરતાં કંઈ બૌદ્ધિક લેખો છાપો.

આનાથી હાસ્યાસ્પદ બીજું શું હોઈ શકે? મારા વાચકબંધુને ભાવિ વડાપ્રધાનની આત્મકથા બૌદ્ધિક લાગે છે. વિન્સ્ટન ચર્ચિલની આત્મકથાને બાદ કરતાં જગતના કોઈ વડાપ્રધાને બૌદ્ધિક આત્મકથા લખી હોય તેવું મને યાદ નથી આવતું. વળી એ મિત્ર તેમાં 'ભાવિ' શબ્દ વાપરે છે. કયો નેતા છાતી ઠોકીને કહી શકે, પોતે વડા પ્રધાન થવાનો છે અને તેથી બૌદ્ધિક આત્મકથા લખી રહ્યો છે, જ્યારે કોઈ માણસ રાજકારણી નેતાને બૌદ્ધિક ગણવા માંડે ત્યારે એ માણસની જ બુદ્ધિ વિષે શંકા જાય.

મારે એ વાચકબંધુને એટલું જ કહેવાનું છે, બુદ્ધુમાંથી બુદ્ધ થવા માટે તપશ્ચર્યા કરવી પડે છે. ગુજરાતીમાં બૌદ્દિક મેગેઝિનોનાં અવસાન થઈ ગયાં છે અને જે બે-ત્રણ ચાલે છે તે દયાદાનના ઑક્સિજન ઉપર નભી રહ્યાં છે. 'ઇન્ડિયા ટુડે'નું નિયમિત સેવન કરવાથી બૌદ્ધિક બની નહિ જવાય.

સામાન્ય રીતે વાચકો કે વિવેચકોની ટીકાઓનો હું જવાબ આપતો નથી. એમની પસંદગી-નાપસંદગી જાહેર કરવાનો એમને અધિકાર છે. દરેક વાચક કે વિવેચકને મારી કૃતિઓ ગમવી જ જોઈએ એવો આગ્રહ રાખવો મને ના પોસાય. હું તો પહેલેથી જ વ્યવસાયી લેખક રહ્યો છું. તદ્દન જાડી ચામડી મેં ઓઢી લીધી છે, કોઈને ભેળપૂરી ગમે તો કોઈને ઈડલીઢોસા, મારી વાનગી હું પરાણે કોઈના ગળામાં ઠાંસતો નથી.

પણ આઠ રૂપિયા ખર્ચીને 'ઈન્ડિયા ટુડે' ખરીદતો વાચ અચાનક પોતાને બૌદ્ધિક સમજીને લેખકનું અપમાન કરવા માંડે ત્યારે તો મારે જવાબ આપવો જ પડે. તેમાંય ખાસ કરીને જ્યારે હું મારા વિષે જ આ પોથી લખવા બેઠો હોઉં ત્યારે મને વડાપ્રધાન સાથે સરખાવીને હલકો પાડવાનો પ્રયત્ન કોઈ કરે તે કેમ સાંખી શકાય?

ગુજરાતી નાટકોના પ્રેક્ષકો પણ ઘણી વાર આવી રીતે વર્તતા હોય છે. કોઈ વાર થિયેટરનું એરકન્ડિશનર બગડી ગયું હોય, બફારો થતો હોય તો તરત જ બૂમાબૂમ શરૂ, 'ટિકિટના પૈસા પાછા આપો.'  થિયેટરનું એરકન્ડિશનર બગડી જાય તેમાં નાટકનો નિર્માતા કે કલાકારો શું કરે? સ્ટેજ પર જઈને હું એમને સમજાવું છું, 'ભાઈઓ, અહીં સ્ટેજ પર લાઈટોની બળબળતી ગરમીમાં અમે નાટક ભજવવા તૈયાર છીએ. સ્ટેજ કરતા ઑડિટોરિયમમાં ઉકળાટ ઓછો છે. અમારા કરતાં તમને ઓછો ત્રાસ પડશે.'

તો જવાબમાં પ્રેક્ષક કહે છે, 'હોશિયારી ના મારો. તમને નાટક ભજવવાના પૈસા મળે છે, જ્યારે અમે તો ખર્ચીને બેઠા છીએ. અમે શું કામ ત્રાસ ભોગવીએ?'

આ પ્રેક્ષકોને કઈ રીતે સમજાવવા કે ગણ્યાગાંઠ્યા કલાકારોને બાદ કરતાં મેક-અપવાળા, ઈસ્ત્રીવાળા, નેપથ્યના સહાયકો, મજૂરોને કંગાળ મહેનતાણું મળતું હોય છે. પ્રેક્ષકે એની ઠંડકની ચિંતા હોય છે ત્યારે નાટક સાથે સંકળાયેલા કેટલાક માણસોને એમના રેશનની ચિંતા હોય છે. નાટકના થિયેટરમાં દંગલ મચાવતો પ્રેક્ષક સિનેમામાં એરકન્ડિશનર બગડ્યું હોય ત્યારે નિસાસા નાખતો, રિબાતો બેસી રહે છે. જાણે છે ત્યાં એનું કંઈ વળવાનું નથી.

 

(પ્રસ્તુત અંશો તારક મહેતાની આત્મકથા 'એક્શન રિપ્લે'માંથી સાભાર લેવાયા છે.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.