બળતરાનાં બીજ
આજની જેમ તે દિવસેય ખૂબ વરસાદ હતો. પાણી ભરેલાં તસતસતાં વાદળ સવારથી એકઠાં થવા માંડેલાં. પછી તો આખેઆખાં ઘર તણાઈ જાય એવા જોરદાર પવન સાથે પાણી તૂટી પડેલું. સાંબેલાધાર વરસાદના મારથી બચવા ધરતી તરફડતી હતી. એ બંને ભાઈઓ જોડે નિશાળે ગયેલી, પણ પછી રજા પડી ગઈ એટલે પાણી ડખોળતાં ત્રણેય ઘેર પાછાં આવેલાં.
- મેં કહેલું કે આજ છોકરાંવને ન મોકલો, એક દા’ડામાં એવું તે શું ભણી કાઢવાનાં હતાં! આટલાં પાણીમાં બાપડાં સાવ પલળી ગયાં...
બાપુજી પર બાએ ઉકળાટ ઠાલવેલો. પછી તુલસી-ફુદીનાવાળી ચા બનાવેલી અને જોડે વઘારેલા ગરમગરમ મમરા. કોરા ટુવાલે બાએ ભારથી માથું ઘસી આપેલું, ‘પાણી પચી જાય તો શરદી લાગી જાય’ એવું બોલતાં બોલતાં. વરસાદ તો આખી સાંજ વરસતો રહ્યો પણ ઘરમાં બહુ સરસ લાગતું હતું. એકદમ હૂંફાળું હૂંફાળું. ભીંતો તો પાણીપોચી વાદળી જેવી થઈ ગઈ હતી. છતાંયે ક્યાંકથી ગરમાવો લાગતો હતો. એ ભરત અને નયન જોડે બહાર જતી ને પાછી અંદર ભરાઈ જતી. અગાશીમાંથી ધોધવો પડતો હતો તેની છાંટી ગાલ-આંખ પર ફરફરતી હતી. ભરત-નયનની કાગળની હોડીઓ પાણીમાં ઊંધી વળી જતી હતી. બાપુજી આરામથી વાંચતા હતા, રાતના જમવામાં બા કાંદાવાળી વઘારેલી ખીચડી બનાવતી હતી. મોડી મોડી કળીઓ બેઠેલી એવા મોગરાનું એક ફૂલ એણે હાથમાં રાખી મૂકેલું, તે દિવસનું સુખ પણ એ મોગરાના ફૂલ જેવું મહેક મહેક...
બા ભરત-નયનની જોડે જ રહેતી, એને ઘેર આવતી નહીં. છોકરીને ઘેર રહેવાય નહીં, બાની કાયમી દલીલ.
‘પણ મેં લગ્ન કર્યા નથી. છોકરાની પેઠે જ નોકરી કરું છું. મારું પોતાનું ઘર, સગવડ છે, પછી મારે ત્યાં કેમ નહીં?’ એ જીદ કરતી. બા પાસે હાથવગાં બહાનાં. ભરતનાં છોકરાંને કોણ રાખે, નયનની તબિયત બરાબર નથી રહેતી, બાપુજીને અહીંની હવા માફક આવે છે, એવું એવું તો કેટલુંયે એની પાસે હાજર હોય. બા કદી એની આંખમાં આંખ પરોવી વાત કરતી નહીં.
ભરત-નયનની વાત જુદી. એ બંને એમના સંસારની નાની-મોટી વળગણોથી મુશ્કેટાટ બંધાયેલા, પોતપોતાનાં કુટુંબની ઉપાધિઓથી લથપથ- બાને માટે એ લોકો પાસે સમય ન હોય, એટલે જ બા એમની સાથે સુખથી જીવી શકે. નાની ટીનુ કે વાસવને પરી અને રાક્ષસની વાર્તા કહી શકે, કથામાં જઈને પોતે બહુ સુખમાં છે અને નિરાંતે દિવસો કાઢે છે એવું બતાવી શકે.
‘મારે આમેય શું કામ છે હવે? ભગવાનનું ભજન ને આ બાળગોપાળની સેવા, વખત સરસ મઝાનો નીકળી જાય. તારે ત્યાં તું નોકરીએ જાય પછી હું એકલી ભૂત આખો દહાડો શું કરું?’
બાકી ભરત-નયન જોડે રહેવાનું શી રીતે ગમે એને? બેય ટાઢાંબોળ, બા જોડે ઘડી બે ઘડી બેસે એવા નહીં. ને આમ પાછા લવિંગિયા ફટાકડાની લૂમ જેવા, અને છતાં બા...
એ બપોરે પણ વરસાદ ઝળૂંબી રહેલો. સવારે તો મઝાનો તડકો, પીગળેલા સોના જેવો. એકાએક આકાશમાં કાળાકાળા પહાડ ફૂટી નીકળ્યા.
‘વૃંદા, કપડાં લઈ લે બહારથી. આ તો હમણાં તૂટી પડવાનો...’
બાની બૂમથી એ બહાર ગઈ ને હવામાં ફરફરતાં કપડાં માંડ એકઠાં કર્યા. બા જૂનું કબાટ ખોલીને બેઠી હતી. પીળા પડી ગયેલા ફોટાઓ, વર્ષોની વાસ સંઘરીને બેઠેલાં કપડાંની થપ્પીઓ, કાટવાળી ડબ્બીઓ, કોઈ લગ્નપ્રસંગે થયેલા ચાંલ્લાની યાદી, જૂના હિસાબની ફાટેલી ડાયરીઓ, સારા કે માઠા પ્રસંગે બજારમાંથી મંગાવેલી ચીજવસ્તુઓની નોંધ, ઝાંખા ઝાંખા અક્ષરોવાળા કાગળો... એને રસ પડ્યો અને એ ત્યાં જ બેસી પડી.
બેચાર ચોપડીઓ પણ નીકળી, બાપુજી ભણતા હશે ત્યારની હોવી જોઈએ. શેક્સપિયરનાં નાટકોય નીકળ્યાં, રોમિયો-જુલિયેટ, હેમલેટ... એણે આમ જ પાનાં ફેરવ્યાં, સાવ બેધ્યાનપણે અને નાનો ફોટો સરી પડ્યો. એક સાવ અજાણ્યો પણ અત્યંત સુંદર ચહેરો એની સામે હસી રહ્યો હતો. આટલું બધું રૂપ લઈને આ કુટુંબમાં કોણ આવ્યું હશે? બા કદાચ ઓળખતી હોય એવું ધારી એણે ફોટો બા સામે ધરી દીધો. ‘આ કોણ છે? ઓળખે છે?’
‘આ તારા બાપુજીનું લગન વખતનું પીતાંબર હજી કેટલું સરસ...’ બા બોલતી હતી અને ફોટો જોઈને તરત અટકી ગયેલી.
‘નથી ઓળખતી તું?’ બાને ચૂપ જોઈ એને થયું કે આ કદાચ કોઈ અપરિચિત વ્યક્તિ હશે.
એ ક્ષણે બાજી આખેઆખી બાના હાથમાં હતી. જો એણે કહી દીધું હોત કે હું આ ફોટાને ઓળખતી જ નથી તો બધું ત્યાં અટકી ગયું હોત, પણ બાથી એમ થયું નહીં. વર્ષો સુધી એક ખૂણે દાટી રાખેલી એક નાનકડી વાત કહેવાની એને ઈચ્છા થઈ આવી હશે. જોકે ત્યારેય એનો અવાજ સહેજ પણ કંપ્યો નહોતો.
‘એ પુષ્પાનો ફોટો છે. તારા બાપુજીને પુષ્પા જોડે પરણવું હતું. ગાંડપણ વળગેલું તે વખતે, બહુ ધમાલ થયેલી. પણ મોટાદાદાએ થવા ન દીધું. હશે કંઈ કારણ, પણ એને પરણાયું નહીં તે નહીં...’
એ બાની સામે સ્તબ્ધ બનીને જોઈ રહેલી. ‘મને ખબર હતી, મેં તો ચોખ્ખું કહેલું કે જે માણસને મારામાં રસ નથી એનાં છોકરાં મારે ન જોઈએ, એ ભાર વેંઢારવો નથી મારે... બહુ ઝઘડા ચાલ્યા એ બાબત, બાવી બની જાઉં એવું થતું એ દિવસોમાં, પણ પછી તો ભરતનો જનમ ને પછી...’ બાના શબ્દો તૂટી જતા હતા.
‘તેમાંયે તારા જનમ વખતે તો એટલો ક્લેશ હતો જીવને કે - ’ બાએ વાત પૂરી ન કરી. એણે કંઈ પૂછ્યું પણ નહીં. અનાયાસે જ ધગધગતી રેતીમાં પગ પડી ગયા હતા.
‘બારી બંધ કર પેલી, બધું પલળી જશે.’ અને એ બારી બંધ કરવા ગયેલી ત્યારે બહાર કશું દેખાતું નહોતું. એકધારા વરસાદે આસપાસની દુનિયા સાવ જ ઢાંકી દીધેલી.
એ ભીંજાયેલી બપોર પછી જીવન જરા બદલાઈ ગયું હતું. ત્યાર પછી બા ક્યારેય એના મોં સામે જોઈને, આંખમાં આંખ પરોવીને વાત કરતી જ નહોતી. એ કોઈક વાતથી ડરતી હતી. કંઈક કહેવાનું ટાળતી હતી. બાને જે ભય હોય તે, એને તો ખબર જ હતી કે આવી વાત કોઈને કહેવાય નહીં. પુષ્પાને બાપુજી ન પરણી શક્યા તે તો જાણે ઠીક, એવું તો બન્યા કરે, પણ ભરત-નયન અને એ પોતે, બધાં આમ જ આવી ચડ્યાં આ પૃથ્વી પર. સાવ વણમાગ્યાં, વણજોઈતાં, દેવનાં દીધેલ અને માગી લીધેલ એવું તેવું કશું જ નહીં. કાળી બળતરામાં અને ભયંકર અણગમામાં આ બીજ રોપાયેલાં. કદાચ બાનું ચાલ્યું હોત તો એણે ફૂટેલા અંકુર સુદ્ધાં ખેંચી કાઢી બહાર ફેંકી દીધા હોત. નરી લાચારીએ એને રોકી રાખી હશે ને એટલે જ ભરત-નયન અને વિષવેલ જેવી એ પોતે અહીં ઊછરી શક્યાં.
નયન-ભરતને આ વાતની સમજ ન પડે. નયન કેતકીના પ્રેમમાં ને પાછો તાજો તાજો પ્રેમ એટલે કેતકીની પાર બીજું કંઈ દેખાય નહીં : ભરત પૈસાના પ્રેમમાં ને એય નવો નવો પ્રેમ એટલે ભાન ખોઈ બેઠેલો. બેમાંથી કોઈને કશું કહેવાય નહીં.
બાએ નાછૂટકે ભાર વેંઢારેલો એ ત્રણેયનો. સહુથી વધારે એનો, કારણ એ ત્રીજી, બાની તીવ્ર અનિચ્છા છતાં જન્મેલી, માથે પડેલી, છેક જ અણગમતી. એ અણગમાનું ઝેર પોતાના લોહીમાં ભેળવીને જ અવતરેલી. જન્મીને એ રડી હશે ત્યારે બાએ કેવી ઘૃણાથી એની સામે જોઈને નજર ફેરવી લીધી હશે...
નહોતું સમજાતું એવું બધું હવે સમજાવા લાગ્યું હતું. બાપુજીની હાજરીમાં બાનું ભારે ભારે મૌન, ઘરનું ઉદાસ વાતાવરણ, તિરસ્કાર અને કંટાળાની વાસી લાગતી હવા, ક્યારેક છૂટકછૂટક શબ્દોમાંથી ભોંકાતો ક્રોધ! એટલે જ પેલી વરસાદી સાંજ એની સ્મૃતિમાં લપાઈને બેસી રહી હતી. સુખની એવી ક્ષણો એની પાસે ઝાઝી ક્યાં હતી? આખી દુનિયા પ્રલયમાં ડૂબે, પણ એનું ઘર આવું જ સુરક્ષિત, હૂંફાળા સુખમાં એને ઢબૂરી દેતું અડીખમ ઊભું રહેશે એવું ત્યારે એને લાગેલું અને માથામાં ફરતી બાની એ આંગળીઓ, હથેળીમાં મઘમઘતું મોગરાનું નાનકડું ફૂલ, આંખ ને ગાલ પર ઠંડા પાણીની ફરફર... સુખની આ પરિપૂર્ણ ક્ષણ એને એવી તો વળગી રહી કે આકાશમાં વાદળ ઘેરાતાંની સાથે જ એ તાજી થઈ ઊઠતી.
**************************************************************
આજે પણ એવો જ વરસાદ. ફોન ચાલે નહીં. કોઈક ઓળખીતાની દુકાને નયને ફોન કરીને એનું એડ્રેસ અને સંદેશો આપ્યો. ડોર-બેલ વાગ્યો ત્યારે આટલા વરસાદમાં કોણ આવી ચડ્યું હશે એની વિમાસણમાં એ હતી. દદડતી છત્રી બાજુ પર પકડી રાખી એ અપિરિચિત માણસે પેલો સંદેશો આપ્યો.
કંઈ સંતાડેલું નહીં સંદેશામાં. નયન આવી વાતમાં એકદમ સ્પષ્ટ અને વહેવારુ. સીધી જ વાત કે બા સવારે ગુજરી ગઈ છે, અને બપોરે લઈ જવાનાં છે. તમારી રાહ જોવાય છે. બા વળી કયે દિવસે એની વાટ જોતી હતી?
તરત જ નીકળવું પડ્યું. ગાડીઓનાં ઠેકાણાં નહોતાં. મોડી જ પહોંચી, પણ સાચે જ એની વાટ જોઈ સહુ બેઠેલાં. ત્યાંય થોડો થોડો વરસાદ હતો જ.
જમીન પર બા સૂતેલી, બાપુજી, ભરત-નયન, ભાભીઓ બધાં એકદમ સ્વસ્થ. ઉંમરે ગઈ છે બા, પાકું પાન કહેવાય. કોઈએ કોઈને આશ્વાસન આપવા જેવું હતું જ નહીં. એ હળવેથી બા પાસે બેસી ગઈ. ઠંડા ચહેરા પર, આંખ અને ગાલ પર હાથ ફેરવી લીધો. બાની આંગળીઓ એકદમ અક્કડ થઈ ગઈ હોય એવું લાગતું હતું.
‘વરસાદ વધી ગયો છે. થોડી તકલીફ તો પડવાની જ આપણને,’ બાપુજીનો ઘોઘરો અવાજ.
‘કલાકેકમાં અટકી જાય તો તો સારું. બાકી એ તરફ રસ્તા ઘણા ખરાબ છે એટલે વાહનો લઈ જવામાં મુશ્કેલી.’ નયનનો અવાજ.
‘રસ્તે પાણી ખૂબ ભરાય છે. મારો તો તાજો જ અનુભવ છે. હમણાં ચારેક દિવસ પહેલાં જ... ખાડા એટલા બધા છે કે મોટરો અટકી જ જાય,’ કોઈક અજાણ્યું.
પછી વાતચીત અટકી ગઈ, બાને લઈ જવાની એ બધાં રાહ જોઈ રહ્યાં હતાં.
‘સંદેશો બરાબર મળી ગયેલો?’ નયને ઠેઠ એના કાન પાસે આવી પૂછ્યું. એણે ડોકું હલાવ્યું. શું થયેલું એમ પૂછવાની એને જરૂર ન લાગી, છતાં કહેવું જ જોઈએ એવા ફરજના ભાવથી ભરતે વિસ્તારથી બધું કહ્યું, બા ક્યારે જાગી, પછી કેવી ફરિયાદ કરી, કેટલી ઝડપથી ડૉક્ટર આવ્યા અને છેવટે -
‘કઈ ગાડી મળી તને?’ બાપુજીએ એકદમ વહેવારુ પ્રશ્ન પૂછ્યાં.
આ કોઈની વાતો સાથે એને સંબંધ જ નહોતો. બાના શાંત ચહેરાને એ ધ્યાનથી જોતી રહી. ભલેને બાને માટે એનો જન્મ ઉત્સવ નહોતો. એ છેક જ વણજોઈતી આવી પડી આ ઘરમાં, છતાં વરસાદનો પેલો દિવસ, એ દિવસની પેલી ખોબા જેવડી ક્ષણો સાવ સાચા સુખથી ભરેલી હતી. પાણીભર્યા તસતસતાં વાદળ જેવી જ. ફરી ફરીને એ ક્ષણોને સૂંઘવાનું ગમતું હતું. એમાંથી પેલો મોગરો ફોરતો હતો. એ કડાકા ભડાકા અને નજરથી પકડાય નહીં એવી વીજળીની દોડાદોડ. વૃક્ષો પર ઝિલાતી ને નીચે તૂટી પડતી પાણીની અખંડ ધારા, રસોડાની માણવી ગમે એવી હૂંફમાં બેઠેલી બા. આમ આવ, તારા વાળ કોરા કરી આપું. નહીં તો શરદી લાગી જશે... એ પળો એકદમ નક્કર. એમાં કશું આભાસી નહીં, જો બનાવટ હોય તો બાની આંગળીઓમાં એટલી ઉષ્મા હોય જ નહીં. આટલું બધું સુખ આપવા માટે બાનું ઋણ સ્વીકારવું રહ્યું. બીજું કોણ એવા નિતાંત આનંદની ક્ષણો એને આપી શકે એવું રહ્યું હતું હવે?
સાવ નાની છોકરીની પેઠે એ બાને વળગી પડી. હવે વરસાદના દિવસોમાં એનું પોતાનું કહેવાય એવું કોઈ રહ્યું નહીં.
(લેખિકાઃ હિમાંશી શેલત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર