ખરીદી

29 Jul, 2016
12:00 AM

mamta ashok

PC:

(વાર્તાકારઃ હિમાંશી શેલત)

સસ્તા સાબુથી ધોવાઈ ધોવાઈને ચામડા જેવી થઈ ગયેલી ચાદર પર એની આંગળી ફરતી રહી, પછી ગાદી નીચે દબાયેલું એક કવર એણે ખેંચ્યું. ચોળાયેલું ડાઘાવાળું, ફૂલેલું. અંદરની નોટ કોરી કડકડતી તો નહોતી જ. કોઈકે તો બે ટુકડા થઈ ગયા હોય તેવી પણ પધરાવી દીધેલી. એકદમ સિફતથી, સફાઈથી, પાછલી બાજુએ પટ્ટી લગાવીને સાંધેલી. એ તો બદલાવી લેવાશે, વાંધો નહીં, પણ આજે ખરીદી માટે જવું તો હતું જ.

છએક મહિના પહેલાંની ઘટના. ભદ્ર વર્ગની થોડી મહિલાઓ આ વિસ્તારમાં કંઈક પૂછપરછ કરવા આવેલી. વિગતો કાગળમાં લખી લે, અને એવું તેવું, વાતો તો બધી એ લોકોએ મૌસી જોડે બેસીને જ કરી, છતાં એ ત્યાં હાજર હતી તે વખતે. એ મહિલાઓમાં એક ચહેરો યાદ રહી ગયો. રંગરોગાન, ચીતરેલી આંખ, હોઠ, કંઈ નહીં. એકદમ સાફ, ધોયો હોય તેવો ને તેવો. સાદો ટપકી જેવો ચાંદલો. લટ એકેય કાઢી નહોતી. સાદાઈથી ઓળેલા વાળ પાછળ બાંધી દીધા હતા. અને સાડી... બસ, પછી એની નજર વળગી ગઈ સાડીને, બદામી રંગની, વણાટમાં મોટી રાતી બોર્ડર, અંદર ઝીણાં રાતાં ટપકાં. આમ તો સુતરાઉ લાગતી હતી, પણ એ સાડી એવી તો ગમી ગઈ કે બનવારીએ સાડીઓથી ભરી દીધેલું પોતાનું આખું કબાટ એને નકામું લાગ્યું. બનવારીનો ધંધો જ સાડીનો, નવી નવી લઈ આવે. અહીંની બધી છોકરીઓ અને મૌસીઓ સુધ્ધાં ઈર્ષ્યા કરે એની. પછી મોં વાંકું કરી બબડે કે બનવારી અપને લિયે થોડી લાયેગા...પણ બનવારીને ગમે ભડકીલા રંગ, અને ચકળ-વકળ કપડાં, અથવા તો પછી સાવ પાતળી પાણી જેવી એકરંગી સાડીઓ, આરપાર જોઈ શકાય તેવી. જોકે બનવારીને મૂળ તો કપડામાં રસ જ ઓછો, ભલે ધંધો એનો સાડીઓનો રહ્યો. એ તો કાયમ પાતળી સાડી પહેરવા કહે, અને એવું કશુંક નામનું જ પહેરીને એ ઊભી હોય ત્યારે બનવારીને ઘેન ચડવા માંડે, એના હાથ લંબાય તરત. આ બાબતો હવે જૂની જ ગણાય. ટેવાઈ ગયેલી એ એનાથી. એટલે બનવારી તો જાણતોય ના હોય, કે બજારમાં આવી સાડીઓ પણ મળે. એને ખરીદી લાવવાનું કહેવામાં મઝા નહીં. આમેય પૈસા પૂરતા ભેગા થયા હતા. દિવસ પણ ખરીદીનો જ હતો. ત્યારે જ તો આંગળીઓ એ ફૂલેલા કવરને અડે ન અડે ત્યાં આખા શરીરમાં ઝણઝણાટી. એવી સાડી ખરીદી, પહેરી, મોનાને મળવા જવું હતું. પેલી મોટરમાં બેસીને આવી હતી એ. બાઈની જેમ, ચહેરા પર કોઈ રંગરોગાન નહીં, જેવો આપ્યો છે ઉપરવાળાએ, તેવો જ લઈને.

બપોરનો તડકો સાંકડી ગલીમાં ધાક જમાવે. આખી ગલીમાં ઠંડક મળે એવો લીલો રંગ શોધ્યો ન જડે. એક બે ખખડધજ દાદર વળી લીલા રંગેલા, પણ એ તો ઉબકા આવે તેવો રંગ. મકાનો છેક જ નિમાણાં થઈ તડકાની દાદાગીરી વેઠી રહેતાં. આમ તો આ સમયે અહીં કોઈ ધબકારા હોય નહીં, પણ આજે તો બારી-બારણાં ઉઘાડાં હતાં, એકાએક રસ્તાની ધાર પર, ઓટલા પર, ઊંચી એડીની ટપાટપ સમેત ચળકતા રંગો, બૂમાબૂમ, મજાક હસવું ઠલવાઈ ગયાં.

‘અરે રઝિયા, તેરા પર્સ તો યહાં રહ ગયા...’

‘અરી સતિયા, બાજારસે અપને વાસ્તે એક ટૉવેલ લે આના...’

‘ક્યૂં તેરા વો સ્કૂટરવાલા નહીં લાતા?....’ અને થોડું નફ્ફટ હસવાનું ચાલ્યું.

‘મન્નો, જલ્દી કર, બાજારમાં એટલા નખરાં બી કરવાની જરૂર?’

‘અગ સુનિતા, હે બગ, છોટીલા...’

‘નીના, અપને લિયે જરા બ્રેડ ઓર અંડે...’

‘મૌસી, વો દવાવાલી ચિઠ્ઠી દે દે...’

રિક્ષાઓ ઊભી રખાઈ. રંગો રિક્ષામાં સમેટાઈ ગયા, કે તરત જ ખોલીઓનાં બારીબારણાં પાછાં ટપોટપ ભિડાયાં. ગલ્લા-દુકાનોવાળાની બાવરી આંખો ફરી પાછી રડ્યાખડ્યા ઘરાકો તરફ વળી.

રિક્ષામાં બેઠી બેઠી એ જાતને પેલી બદામી, રાતી વણાટની કિનારવાળી સાડીમાં જોવા લાગી. પડખે ચમેલી હતી. હલકા ચમકદાર ગોગલ્સ ચઢાવેલા, એટલું તો ઠીક, ખુલ્લા ગળાનું ચસોચસ, ચામડીને ચોંટીને રહેલું ગુલાબી બ્લાઉઝ. ચમેલી જાણે હતી હાડચામ, સાવ સપાટ. પાંચ મહિના થયા આવ્યાને, કંઈ જામ્યું નહોતું. સુલુ કહેતી હતી કે રોગ છે કોઈ ચમેલીને તો. આવી ને આવી રહે છે. મૌસીને તો માથે પડી. આવું હોય તો કોણ આવે?

મોના દૂર છે તો સારું જ છે. સતરૂપ છે તો ખરચને પહોંચી વળાય. આજે સતરૂપ જો એને આવી જુઓ તો તો - સતરૂપને રંગ વિનાનો ચહેરો જ ગમે નહિં. લિપસ્ટિક હોવી જ જોઈએ. આંખો ચીતરવી પડે, ભમર પર આઈબ્રો પેન્સિલ ફેરવવી જ પડે. સતરૂપને તો ઓરડીયે ન ફાવે. મૌસી બધે ભગવાનના ફોટા લટકાવે તે ન ગમે. મૌસીને તો એવું કે દીવાલને એક ખૂણેથી બીજે ખૂણે ભગવાનના જેટલા મળ્યા તેટલા ફોટા હાજર. હનુમાનજી પણ ખરા. તેને જોઈ સતરૂપ ખિખિયાટા કાઢે. એ ઠાઠવાળી હોટલમાં લઈ જાય, શહેરની બહાર. લાગતું તો હતું જ, ના, ખાતરી હતી. લગભગ, કે બનવારી - સતરૂપનાં મૂલ નામ અલગ હોવાં જોઈએ. જોકે એ અંગે પંચાત કરવાની જરૂર નહોતી જણાઈ. આ તરફ આવતા લોકો ક્યાં કદી પૂરાં ઠામઠેકાણાં આપે છે? મરજીમાં આવે ત્યારે આંટો મારી જાય, નહીં તો મહિનાઓ સુધી ગાયબ. મૌસી કહે કે મરદલોક જોડે ઝાઝી લપ્પન-છપ્પનમાં પડવાનું નહીં. ધંધાથી મતલબ. એમને કે આપણે. વચ્ચે બનવારી પાંચેક મહિના દેખાયો નહોતો. સુંદરી ખબર લાવેલી કે બનવારીની ઘરવાળીને બચ્ચું થયું તે પિયર ગયેલી. થોડા દિવસ બનવારી જઈ આવ્યો ત્યાં. હોય કદાચ.

પોતાને પાતળી સાડી પરાણે પહેરાવી ઘેઘૂર આંખે તાકી રહેલો બનવારી એની સામેથી ખસ્યો નહીં. જાણીને જ આજે એણે બનવારીએ આપેલી કોઈ સાડી પહેરી નહોતી. ને મોં સાફ, લપેડા વગરના ગાલ, હોઠ, આંખ, સતરૂપ બોલી જ પડે, જો જુએ. તો, કે યે ક્યા રોતી સૂરત... હમ ગયે નહીં અભી...

ચમેલીએ કોણી અડાડી.

‘ચલો ન... અંદર હી બેઠના હૈ ક્યા?’

તડકામાં હવે ચમક-ચમક પર્સ અને ચળક ચળક કપડાં, રંગીન ચહેરા, બનાવટી ઘરેણાંનો ઠઠારો, માથામાં મોટાં બક્કલ, હેરપિન તો ક્યાંક સજાવેલાં વાસી ફૂલોની અને અત્તરની ઉગ્ર માદક ગંધથી બજારની સુસ્તી ઊડી ગઈ. બપોરે નિરાંતે ખરીદી કરવા નીકળેલી ગૃહિણીઓ જરા વસ્ત્રો સંકોરી સંકોરીને કામ પતાવવા ઉતાવળી થઈ. ક્યાંક ક્યાંક કુહૂલતથી અત્યાર સુધી ઝોકાં ખાતાં માથાં ટટ્ટાર થઈ ગયાં અને આંખો ચંચળ.

એ તો સીધી સાડીની દુકાનમાં જ દાખલ થઈ. આજે બીજું કંઈ નહીં. માત્ર પેલી સાડી, થપ્પીઓ ખડકાઈ. એ જ મોટાં ભડક લાલ ગુલાબી ફૂલ અને ખોટી જરીની ચમકતી કોર, પારદર્શક પોત, બધું જ આરપાર.

‘ના, ના, આ નહીં, ઐસા કુછ નહીં...’

ગડીઓ ઉકેલતા હાથ થંભી ગયા. એણે આસપાસ, આમતેમ નજર ફેરવી, અચકાતાં અચકાતાં. પછી એક તરફ ગોઠવાયેલી સાદી બોર્ડરવાળી સાડીઓ જોતાં જ એની આંગળી એ દિશામાં ઊંચકાઈ. થપ્પી નીચે આવી ગઈ. સાડીઓ પથરાતી ગઈ. હાથ ફેરવી ફેરવીને એ એકેએક સાડીને ધ્યાનથી જોવા લાગી. વણાટમાં કિનાર અને કેટલા બધા સરસ રંગ, આવી પસંદગીનો વખત પહેલી જ વાર આવ્યો હતો. સુંદરીને નજીક બોલાવી, સાડી દેખાડવા.

‘યે, ઐસી? યે પહનોગી?’ એને થયું સુંદરીને ખોટું જ પૂછી બેઠી. પૈસા ચૂકવી દીધા. સરસ, રતાશ પડતો કેસરી રંગ કિનારમાં, બાકી આખી આછા બદામી રંગની બસ, આવી જ જોઈતી હતી એને અને પહેરવાની હતી મોનાને મળવા જતી વખતે, એણે ક્યાં સતરૂપ કે બનવારી જોડે કે બીજા કોઈનીયે જોડે બહાર જતાં પહેરવી હતી તે - સુંદરીને એમાં કંઈ ખબર ન પડે.

હજી તો બધાંની ખરીદી ચાલતી હતી. નીના કાનમાં મોટાં લટકણિયાં ગોઠવી પૂછી રહી હતી, કે કેવું લાગે છે. ‘એકદમ હિરોઈન... લે લે અચ્છી હે....’

બંગડી-ચાંદલાની દુકાને એક ઝૂમખું હતું. દુકાનવાળાઓને પણ જરા રંગત આવતા જતા વળી તમાશો હોય તેમ અટકી અટકીને આગળ વધતા હતા. ચમેલી થાકી.

‘ચલ તેરા હો ગયા તો ચલેં? યે સબ તો દેર કરેંગે. સર ભારી ભારી લગતા હૈ...’

આમ ભરીભીડમાં ઊભા રહેવાનું બરાબર નહીં. એણે સડસડાટ પસાર થતી રિક્ષાઓ થોભાવવા વારંવાર હાથ હલાવ્યો, કોઈ અટક્યું નહીં. એક લારીવાળો બરફના ગોળા બનાવતો બનાવતો ચમેલીને જરાતરા જોયા કરતો હતો, ઠેઠ આંખના ખૂણેથી. પછી બરફની છીણ પરથી લાલ નારંગી શરબત દદડ્યું, તેની સામે હોઠ પર જીભ ફેરવતો, સિસકારા બોલાવતો તાનમાં આરડવા લાગ્યો :

‘...ઉપર રે... અટરિયા પે... કબૂતર રે... હાય...’

ચમેલી પણ એની સામે લટ આમળતી ઊભી રહી ગઈ. એણે હાથ પકડી ચમેલીને ખેંચી ઝડપથી ચાલવા માંડ્યું. બુધ્ધુ ચમેલી... યે સબ મુફ્ત તમાશાવાલે, હાથ પે રખેંગે નહીં કુછ, સબકે સબ સાલે....

‘બાજારમાં ઠીક કપડા પહેનકે....’ પછી એ આમ જ બોલતી બંધ થઈ ગઈ. આ કંઈ જગ્યા નહોતી આવું કશુંયે કહેવાની. અત્યારે તો પહેલી વાત અહીંથી પાછાં જવાની.

ભીડમાં શરીરો ભટકાતાં હતાં, ઘસાઈ ઘસાઈને પસાર થઈ જતાં હતાં. ચીકણાં પરસેવે ગંધાતાં શરીરો, અથડાઈને એણે ચમેલીને એક બાજુ ઊભી રાખી, અને જરા આગળ રિક્ષા શોધવા એકલી જ ગઈ સાથે કોઈ ન હોય તો એક રીતથી સારું, એ તો આજે છેક જુદી જ હતી, સાદી સાડીમાં, સાફ ચહેરામાં, ઠઠારા વગર, બિલકુલ કોઈ ઘરેલુ -

કોઈ ભરાવદાર કોણી અને પછી પુષ્ટ હાથ એની છાતી સાથે જોરથી અથડાયો, ભીંસાયો. સળગતું લાકડું ચંપાયું.

‘ભાઈસા’બ, જરા ઠીક ચાલો તો... રસ્તા તો એવા સાંકડા નથી...’

પેલા બે જણ ચાળો કરીને એની સામે પીળા દાંત દેખાડી હસી રહ્યા.

‘ગલતી હો ગઈ... જાન કે તો નહીં કિયા જાન...’ પછી આંખનો એક ગંદો ઉલાળો. સાડી ખભે બરાબર લપેટી, સખતાઈ દેખાડી. એ ઉતાવળે પગલે ખસી ગઈ. ફરી વાર એ બંને તરફ નજર ફેંક્યા વગર જ. એકે બીજાને ધબ્બો મારી આંખ મિચકારી.

‘દેખ બે રંડી કા રૌબ તો દેખ...’

પછી કશું બન્યું નહીં.

ઓરડીમાં આવી એ લાંબો સમય બેસી રહી. સાંજે તૈયાર થતી વખતે સતરૂપવાળા મોટા અરીસામાં પોતાનો ચહેરો એણે નિરાંતે જોયો, લિપસ્ટિક લગાડતા પહેલાં, આંખો ચીતરીને કાળી કરતાં પહેલાં. આમ તો આવું મોં કોઈ પણ સ્ત્રીનું હોઈ શકે. અલગ કંઈ જ નહોતું એમાં.

પેલી ખરીદેલી સાડી ગડીબંધ જ કબાટમાં ગોઠવી દીધી. બનવારીએ આપેલી પાતળી ભડકરંગી સાડીઓના ઢગલામાં એ એક સાડી ક્યાંયે સંતાઈ ગઈ. આમ તો મોનાને મળવા જતી વખતે એ સાડી પહેરવાની હતી, પણ પછી તો એણે મોનાને મળવા જવાનો વિચાર જ માંડી વાળ્યો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.