ઈન્દિરાની જીદ અને મોરારજીને અન્યાય

27 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પ્રમુખ- ઉપ્રમુખ પદ હેઠળ ચાલતી આજની કોંગ્રેસ પાર્ટીનું આઝાદીની ચળવળમાં કોઈ યોગદાન હતું નહીં. ચૂંટણીઓ દરમિયાનના ભાષણોમાં કે લોકસભા અથવા મીડિયાના ભાષણોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મહાત્મા ગાંધી કે સરદાર પટેલ જેવા નેતાઓના નામ વટાવી ખાવાની આદત છે અને તેઓ છાશવારે એવું કહેતા સંભળાયા છે કે, 130 વર્ષથી કાર્યરત આ રાજકીય પક્ષે દેશને ઘણા મહાપુરુષો આપ્યાં છે કે, આ પક્ષના નેતાઓએ દેશ માટે ઘણું બલિદાન આપ્યું છે. પણ, આ મા-દીકરાની વાતમાં ઝાઝું તથ્ય નથી. રાજકીય લાભ ખાંટવા માટે જ તેઓ આ પ્રકારના ગપગોળા મૂકતા રહે છે.

કાલ ઊઠીને શરદ પવાર કહે કે, મારા પક્ષ નેશનલ કોંગ્રેસ પાર્ટીએ આઝાદીમાં ઘણું યોગદાન આપ્યું છે અથવા બંગાળમાં મમતા બેનરજી એમ કહે કે, મારા તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ આઝાદીમાં લોહી રેડ્યું છે. તો એ માની નહીં લેવાય એમ જ રાહુલ અને સોનિયા ગાંધીના દાવાને પણ માની લેવાય નહીં. પક્ષના નામમાં કોંગ્રેસ લખાયું હોય એટલે કંઈ દેશના ઈતિહાસ સાથે તમારો નાતો બંધાઈ જતો નથી. સોનિયા-રાહુલની આજની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનો જન્મ 1969 પછી થયો છે અને આ પક્ષનો ઈતિહાસ 1947 સાથે નહીં પણ 1984 સાથે સંકળાયેલો છે.

ભારતના રાજકારણમાં ઈન્દિરા ગાંધીની છાપ લોખંડી કે વિકાસશીલ મહિલા તરીકેની ભલે હોય, પરંતુ જ્યારે જ્યારે લોકશાહીના મૂલ્યોના જતન અને હનનની ચર્ચા થશે ત્યારે ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને એમના લોકતંત્ર વિરુદ્ધના આકરા વલણના દાખલા અપાતા રહેશે. આપખુદશાહી અને લોકતાંત્રિક પદ્ધતિના ખંડનનો સૌથી પહેલો દાખલો એમણે વર્ષ 1969માં બેસાડેલો, જ્યારે દેશના ત્રીજા રાષ્ટ્રપતિ ડૉ ઝાકિર હુસૈનનું અવસાન થયેલું. આ ઘટના બાદ જ ટિળક-ગાંધી કે સરદારના સમયથી ચાલી આવેલી કોંગ્રેસમાં ભંગાણ પડેલું અને મૂળ કોંગ્રેસ વિસર્જિત થઈને લઘુમતિની કારણ વિનાની આળપંપાળ કરતી કે વારસાગત રાજકારણમાં માનતી આજની કોંગ્રેસનો જન્મ થયેલો.

1969માં રાષ્ટ્રપતિ તરીકેના ચાલુ કાર્યકાળ દરમિયાન ડૉ ઝાકિર હુસૈનનું અવસાન થતાં નવા રાષ્ટ્રપતિને ચૂંટવાની તાતી જરૂરિયાત ઊભી થઈ. આ માટે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ એમની સરકારના નાણામંત્રી મોરારજી દેસાઈ સાથે કેટલીક મિટીંગ કરીને એમની સાથે આ બાબત અંગે ગંભીર ચર્ચાઓ કરી. 1969નું એ વર્ષ ગાંધી જન્મ શતાબ્દીનું વર્ષ હતું અને ગાંધીજીએ હંમેશા છેવાડાના જણના ઉત્થાનની હિમાયત કરી હતી. મોરારજી દેસાઈની અંગતપણે એવી ઈચ્છા હતી કે આ વખતે દલિત વર્ગમાંથી આવતા કોઈક નેતાને રાષ્ટ્રપતિ બનાવાય તો સારું, જેથી ગાંધી વિચારને યોગ્ય સન્માન મળે. અને દેશમાં સમાનતાનો એક ઉત્તમ દાખલો પણ બેસે. આ માટે એમણે જગજીવનરામ અને સંજીવૈયાના નામનું સૂચન પણ કર્યું. જોકે જગજીવનરામ પોતાના આવક વેરાના કેટલાક વિવાદોને કારણે ભારે ચર્ચામાં હતા, જેથી તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરી શકાય એ વિશે મોરારજી સ્પષ્ટ હતા. આથી એમણે સંજીવૈયાની હિમાયત કરી.

એ દરમિયાન બેંગ્લુરુમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી જેમાં કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિ પદ માટેના પોતાના ઉમેદવારનું નામ નક્કી કરવાના હતા. એ બેઠકમાં બેંકોના રાષ્ટ્રીયકરણના મુદ્દે ડખો થતાં શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ અંગે ચર્ચા થઈ શકી નહીં. કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓએ તો ઈન્દિરા અને મોરારજીને જ રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નામાંકન નોંધાવવાની સલાહ આપી હતી. પરંતુ આ બંને નેતાઓને રાષ્ટ્રપતિ ભવન કરતા લોકસભામાં જ વધારે રસ હતો એટલે એમણે પોતે રાષ્ટ્રપતિ બનવાની વાતે નનૈયો ભણ્યો.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે જ્યારે કોંગ્રેસની મિટીંગ શરૂ થઈ ત્યારે ઈન્દિરા ગાંધીએ નાટ્યાત્મક રીતે જગજીવનરામના નામની હિમાયત કરી, જ્યારે મોરારજી જગજીવનરામ પરના ભ્રષ્ટાચારના આરોપોને કારણે એમની તરફેણમાં જરાય નહોતા. એટલે મોરારજી દેસાઈ જગજીવાનરામની સામે સંજીવ રેડ્ડીને ટેકો આપવાનું નક્કી કર્યું. અને કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ સંજીવ રેડ્ડીનું સમર્થન કર્યું. કોંગ્રેસ કમિટીએ જ્યારે આ બાબતે મતદાન કર્યું ત્યારે જગજીવનરામને માત્ર ત્રણ મત મળ્યા હતા, જેમાંના બે તો જગજીવન અને ઈન્દિરા ગાંધીના મત હતા. એની સામે રેડ્ડીને પાંચ મત મળ્યા હતા. લોકતાંત્રિક પદ્ધતિએ થયેલા આ મતદાન મુજબ રેડ્ડી કોંગ્રેસના કાયદેસરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કહી શકાય. પરંતુ ઈન્દિરા ગાંધીએ આ લોકતાંત્રિક પદ્ધતિનો ઉપહાસ કર્યો અને જગજીવનરામને રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસ તરફના ઉમેદવાર બનાવવાની જિદ ચાલુ રાખી.

મોરારજી દેસાઈએ સંજીવ રેડ્ડીના નામને સમર્થન આપ્યું અને એમના પગલે અન્ય પીઢ કોંગ્રેસી નેતાઓએ પણ રેડ્ડીને સમર્થન આપ્યું એટલે ઈન્દિરા ધુંઆપૂંઆ થઈ ગયા. આ બાબતને ઈન્દિરાએ પોતાના અંગત અપમાન તરીકે લઈ લીધું અને મોરારજી જ આ બાબત પાછળ જવાબદાર છે એવું સમજીને એમનો બદલો લેવાનું એમણે નક્કી કર્યું. બેંગ્લુરુની મિટીંગ પતાવીને મોરારજી દિલ્હી પહોંચ્યા ત્યાં તો ત્રણેક દિવસ પછી નાણાં મંત્રાલયની એમની ઓફિસમાં ઈન્દિરા ગાંધીનો એક ખાસ માણસ એક પત્ર લઈને આવ્યો. જેમાં જણાવાયું હતું કે, વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હવેથી નાણાં મંત્રાલયની જવાબદારી સંભાળશે. જોકે કાગળમાં એવું પણ લખાયું હતું કે, મોરારજી ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તરીકે ચાલુ રહેશે. પછી એમને શું જવાબદારી અપાશે તે અંગેનો નિર્ણય ઈન્દિરા ગાંધી પોતે કરશે.

મોરારજીને આ બાબત અપમાન જનક લાગી, કારણ કે ઈન્દિરાએ પોતે મોરારજી સાથે કોઈ વાતચીત ન કરતાં પોતાના માણસ સાથે એક પત્ર લખીને તેમને પદ છોડવા કહ્યું હતું. વળી નાણામંત્રી તરીકેના એમના પદ પરથી આ રીતે રુખસદ આપી દેવાનું કોઈ ખાસ કારણ પણ નહોતું. આ કારણે મોરારજીએ તરત જ ઈન્દિરા ગાંધીને પત્ર લખીને જણાવી દીધું કે, તમારા વર્તનને જોતા એમ જ લાગે છે કે હું તમારા મંત્રીમંડળમાં ન રહું એ જ સારું. આ સાથે એમણે ઈન્દિરાને પોતાનું રાજીનામુ પણ મોકલી આપ્યું.

આ કિસ્સો ઈન્દિરા ગાંધીની આપખુદશાહીનો શ્રેષ્ઠતમ નમૂનો છે. જવાહરલાલ વડાપ્રધાન હતા ત્યારે પણ એવું ઘણી વખત બન્યું હતું કે, કોંગ્રેસમાં એમના કોઈ નિર્ણયનો વિરોધ થયો હોય કે, જવાહરલાલને પક્ષમાં સમર્થન ન મળ્યું હોય. પરંતુ નેહરુએ વિચારભેદને દુશ્મનાવટનું રૂપ ક્યારેય નહોતું આપ્યું, જ્યારે આ નેહરુપુત્રી પોતાની વિરૂદ્ધનો એકપણ મત ચલાવી લેવા માગતા નહોતા. ઈન્દિરાના આવા સ્વભાવ અને એમનું આવું વર્તન ભારતના બદલાયેલા રાજકારણની તાસીર રજૂ કરતું હતું. આ વર્ષો બાદ જ ભારતના રાજકારણમાં આંતરિક પક્ષાપક્ષી, તકવાદ, ભ્રષ્ટાચાર અને નિમ્નસ્તરના રાજકારણને પ્રોત્સાહન મળ્યું હતું.

મોરારજીનું જ્યારે રાજીનામુ સ્વીકારાયું ત્યારે કોઈ રાજકારણીનું રાજીનામુ નહીં પરંતુ તકવાદ અને ભ્રષ્ટાચારને સ્વીકારાયા હતા. જેમાં મૂલ્યોનું કોઈ મહત્ત્વ નહોતું. મોરારજીએ મંત્રીમંડળમાંથી ભલે રાજીનામું આપી દીધું હોય પરંતુ તેઓ કોંગ્રેસના પીઢ નેતા હતા. એટલે કોંગ્રેસમાં હજુ પણ એમનો ગજ વાગતો હતો. અલબત્ત ઈન્દિરા ગાંધીની સત્તા અને એમના પ્રભુત્વને ધ્યાનમા રાખતા કેટલાક કોંગ્રેસીઓ ઈન્દિરાની ચાપલુસી જરૂર કરતા હતા. જેના કારણે કોંગ્રેસમાં ઈન્દિરા તરફી અને મોરારજી તરફી સભ્યોના જૂથો સ્પષ્ટપણે નજરે ચઢતા હતા. કેટલાક કોંગ્રેસી નેતાઓની સ્થિતી એવી પણ હતી કે તેઓ ઈન્દિરાની સત્તાથી ગભરાતા હતા, જેના કારણે પણ તેઓ કમને ઈન્દિરાના કેટલાક તઘલખી નિર્ણયોને સમર્થન આપતા હતા.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો પ્રશ્ન હજુ ઊભો જ હતો અને નાણામંત્રાલય ગુમાવ્યા છતાં મોરારજી પોતાના વિચાર ઉપર અડગ હતા અને તેઓ જગજીવનરામનો સાફ વિરોધ કરી રહ્યા હતા. જોકે ક્યાં શું રંધાયું એની ઝાઝી ખબર નથી પરંતુ જગજીવનરામની જગ્યાએ ઈન્દિરા રાતોરાત વિ.વિ.ગીરીના નામની માળા જપવા માંડ્યા. ગીરી કોંગ્રેસના સાન્માનિય નેતા હતા છતાં રેડ્ડીની સામે તો વામણા જ સાબિત થતા હતા, જેના કારણે મોરારજી તેમજ કોંગ્રેસના અન્ય નેતાઓએ રેડ્ડીને જ સમર્થન આપવાનું જારી રાખ્યું. જોકે ઈન્દિરાના દબદબા આગળ કોંગ્રેસના નેતાઓની એક ન ચાલી અને આખરે વિ.વિ.ગીરી રાષ્ટ્રપતિ બન્યા.

કોંગ્રેસની સામાન્ય સભાઓમાં જ્યારે પણ ઈન્દિરાના કોઈક નિર્ણયનો વિરોધ થાય ત્યારે ઈન્દિરા શામ-દામ-દંડ-ભેદની નીતિનો ઉપયોગ કરતા અને પોતાનો જ કક્કો સાચો પડાવતા. એક સામાન્ય સભામાં તો એમણે ત્યાં સુધી કહી દીધું હતું કે, 'બહુમતીનો વિરોધ હોય તો પણ પક્ષમાં કે પ્રધાનમંડળમાં વડાપ્રધાનના નિર્ણયને સૌ કોઈએ માથે ચડાવી લેવો જોઈએ.' ઈન્દિરાના આ વિધાન પરથી આપણે ક્યાસ કાઢી શકીએ છીએ કે ઈન્દિરાને લોકશાહીના મૂલ્યોમાં કેટલી શ્રદ્ધા હતી. આપણું બંધારણ પણ બહુમતીના મતને સ્વીકાર આપે છે ત્યારે કોઈ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે લોકતાંત્રિક પદ્ધતિથી ચુંટાઈ આવતા કોઈપણ નેતા જો બહુમતીના મતનો અનાદર કરે તો દેશમાં કટોકટી ન લદાય તો જ નવાઈ.

ધીમે ધીમે ઈન્દિરા કોંગ્રેસ પર પોતાનો દબદબો જમાવતા ગયા અને કોંગ્રેસમાં પોતાનો વિરોધ કરી રહેલા નેતાઓને બરતરફ કરવાની યોજના પણ તેઓ વિચારતા ગયા. આ પાછળનું કારણ એ હતું કે કોંગ્રેસની કારોબારીએ ઈન્દિરાના કેટલાક આપખુદશાહી નિર્ણયો અને પક્ષના નેતાઓની અવહેલના બદલ ઈન્દિરા સામે પગલા લેવાનું નક્કી કર્યું હતું. જેમાં ઈન્દિરાનું કોંગ્રેસનું સભ્યપદ પણ રદ થઈ શકે એવી સ્થિતિ ઉદ્દભવી હતી. જો ઈન્દિરાનું કોંગ્રેસનું સભ્યપદ રદ થાય તો ઈન્દિરાને સંસદમાં મુશ્કેલી ઉભી થાય અને એમણે વડાપ્રધાન તરીકે ટકી રહેવા માટે તાત્કાલિક પોતાનો પક્ષ રચીને સંસદમાં બહુમતી મેળવવી પડે. આવું કરવું ઈન્દિરા માટે મુશ્કેલ થઈ પડે એટલે એમણે તાત્કાલિક એમને સમર્થન આપતા સંસદીય પક્ષના કોંગ્રેસીઓની એક મિટીંગ બોલાવી લીધી અને પોતાની કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે જાહેર કર્યા.

સંસદીય પક્ષની બેઠક બાદ ઈન્દિરાએ એમની ચાપલૂસી કરતા નેતાઓ અને જુદાજુદા પક્ષોના અન્ય નેતાઓને ભેગા કરીને એક સંગઠન ઊભું કર્યું જેને એમણે શરૂઆતમાં નવી કોંગ્રેસ અને પાછળથી કોંગ્રેસ તરીકે જાહેર કર્યું. વળી પોતાની વગનો લાભ લઈને એમણે ચૂંટણી કમિશનર પાસે જૂની કોંગ્રેસનું ધૂંસરી જોડેલા બે બળદોનું પ્રતિક પણ મેળવી લીધું. ચૂંટણી કમિશનરની આ મદદ બાદ એમને ઈન્દિરાએ કાયદા આયોગમાં મહત્ત્વના પદની લહાણી પણ કરી હતી.

થયું એવું કે હવે એક જ કોંગ્રેસના બે ભાગ પડી ગયા હતા જેમાં પક્ષના કેટલાક સભ્યો સરકારમાં હતા અને બાકીના સભ્યોએ વિપક્ષમાં બેસવાની ફરજ પડી હતી. સરકારમાં બેસેલી કોંગ્રેસ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે ઓળખાઈ અને વિપક્ષમાં બેસેલી કોંગ્રેસ, કોંગ્રેસ (O) એટલે કે ઓર્ગેનાઈઝેશન કોંગ્રેસ તરીકે ઓળખાઈ. એક જ પક્ષના ચૂંટાયેલા નેતાઓ આંતરિક વિખવાદને કારણે સરકાર અને વિપક્ષમાં એમ બંને જગ્યાએ બેસે એવું ઈતિહાસમાં પહેલી જ વખત બન્યું હતું. જો કે વિખવાદની પાછળ ઈન્દિરા ગાંધીના બદઈરાદા જવાબદાર હતા. એ વાત અવગણી શકાય નહીં.

ભારતના રાજકારણનો આ એક સૌથી મોટો વળાંક હતો, જ્યાં લોકસભામાં એક તરફ નીતિ અને સૈદ્ધાંતિક મૂલ્યો વિપક્ષમાં બેઠા હતા અને બીજી તરફ અનીતિ સત્તા ભોગવી રહી હતી. કોંગ્રેસના આ ભાગલા જ ભવિષ્યની કટોકટી અને નવી જનતા પાર્ટીના જન્મનું ગર્ભાધાન હતું. સિદ્ધાંતોને ખાતર સત્તાને તાબે ન થયેલા મોરારજીની રાજકીય કારકિર્દીનો આ કિસ્સો ભલે બહુ ચગ્યો ન હોય પરંતુ લોકો દ્વારા લોકો માટે ચાલતા તંત્રમાં સિદ્ધાંતોનું કેટલું મહત્વ હોય છે અને આ સિદ્ધાંતોનું હનન થાય ત્યારે લોકોએ કેટલું ભોગવવું પડે છે એનો ક્યાસ આ કિસ્સા પરથી કાઢી શકાય છે.

હવે પછીના લેખમાં મળીએ મોરારજી દેસાઈના જીવનની અન્ય કેટલીક વાતો સાથે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.