વિરોધની આવી વિકૃત રીત?
કેરળમાં ‘બીફબેન’ના વિરોધ પ્રદર્શનના નામે જે થયું એ સાંખી લેવાય એવું નથી. આ રીતે જાહેરમાં કોઈ પ્રાણીની હત્યા કરીને સરકારનો વિરોધ કરવો એ સ્વસ્થ લોકતંત્રની નિશાની પણ નથી. આ ઘટના આપણને ફરીથી એ વિચારવા મજબૂર કરે છે કે, લોકતંત્રમાં વિરોધ કરવાનો કે અભિવ્યક્ત થવાનો જે અધિકાર અપાયો છે એ અધિકારનો આ રીતનો ઉપયોગ કેટલે અંશે યોગ્ય? ક્યાંક એનો દુરુપયોગ તો નથી થઈ રહ્યોને?
ભારતમાં વિરોધ પ્રદર્શનની પ્રથા આપણી લોકશાહી અને બંધારણ કરતા પણ જૂની છે. સવિનય કાનૂન ભંગથી લઈને મીઠાનો કાયદો તોડવાની વાત અથવા અન્ય કોઈ પણ સત્યાગ્રહો જોઈ લ્યો, જેનો આશય માત્ર ને માત્ર વિરોધ કરવાનો જ હતો. પરંતુ એ બધાય વિરોધ પ્રદર્શનનો આશય માત્ર ને માત્ર સરકાર(અંગ્રેજો)ની આંખો ઉઘાડવાનો જ હતો. સરકારની સામા પડીને વ્યવસ્થા તંત્રને તોડી નાંખવાનો કે સામાન્ય માણસોને અસર કરવાનો આશય નહોતો.
જોકે આઝાદી બાદ થતાં વિરોધ પ્રદર્શનોમાં સરકારના જે-તે નિર્ણય કે પગલાંનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની જગ્યાએ ટોળાંશાહીમાં આખી સરકારને ભાંડીને ફાવે એમ કરવામાં આવે અને સરકારી સંપત્તિઓથી લઈ જાહેર સ્થળોએ ખાનાખરાબી કરવામાં આવે. હજુ થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર સામે પાટીદારોએ અનામત આંદોલન છેડેલું ત્યારે ટોળાંએ સુરતમાં અડધો ડઝનથીય વધુ સરકારી બસો સળગાવી દેવાયેલી અને જાહેર રસ્તાઓ પર તોડફોડ કરાયેલી, જેની જનજીવન પર અસર થયેલી.
આ તો ઠીક ગયા વર્ષના અંતમાં સરકારના નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં એક વિચિત્ર પ્રકારનો કાર્યક્રમ જાહેર થયેલો, જેમાં તેઓ દૂધ કે શાકભાજી અને અનાજ રસ્તા પર ઢોળવા- ફેંકવાના હતા. જોકે આ વિરોધપ્રદર્શનનો જ રાજ્યભરમાં વિરોધ થયો એટલે કોંગ્રેસે એ કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો, જેના કારણે કોંગ્રેસ માનમાં પણ રહી. નહીંતર મોટાપાયે માછલા ધોવાયા હોત એમના પર… અલબત્ત, વ્યક્તિગત ધોરણે અથવા ખેડૂત સંઘો કે સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા લોકોએ ત્યારે આ રીતે જ સરકારની સામે વિરોધ નોંધાવ્યો હતો. એક તો આમેય નોટબંધીના સમય વખતે પૈસાના અભાવે લોકો પરેશાન હતા એમાં આ રીતે દૂધ કે શાકભાજી જેવી અત્યંત મહત્ત્વની ચીજવસ્તુઓ કંઈ એમ જ રસ્તા પર ફેંકવું કેટલું યોગ્ય?
એ જ રીતે કેરળમાં વિરોધ પ્રદર્શનના નામે જાહેરમાં ગાય કાપવાનું જે તરકટ થયું એ અત્યંત વિકૃત અને ઘૃણાસ્પદ કૃત્ય છે. આ તો ઠીક એ ગાયનું બીફ પાછું લોકોમાં પણ વહેંચવામાં આવ્યું. આ પ્રકારના અરેરાટીભર્યા વિરોધ પ્રદર્શન લોકશાહીના સ્વાસ્થ્ય બાબતે સારા કહી શકાય નહીં. વળી, એ પણ જોવું રહ્યું કે, હિન્દુઓની બહુમતિ ધરાવતા આ દેશમાં જાહેરમાં ગાયને કાપવા પાછળ માત્ર બીફબેન જ જવાબદાર છે કે, કોમી વૈમનસ્ય વધારવા, સામાજિક સ્થિતિ ડામાડોળ કરીને સરકારને પરેશાન કરવાનો પણ આશય હતો? કારણ કે અત્યંત નાજૂક એવા આ કિસ્સામાં જો બે કોમ વચ્ચે ઘર્ષણ થાય તો શાંતિ સ્થાપવા કે બધુ થાળેઠેકાણે પાડવામાં સરકારની આકરી પરીક્ષા થઈ જાય, જેનો સીધો લાભ પણ લઈ શકાય.
યાદ રહે કે, જેમ સરકારને નિર્ણયો લેવાનો કે કાયકા બનાવવાનો અથવા જૂના કાયદામાં ફેરબદલ કરવાનો અધિકાર છે એમ લોકોને એ નિર્ણય, કાયદો અથવા નવો સુધારો પસંદ નહીં હોય તો પોતાનો મત રજૂ કરવાનો પણ અધિકાર બંધારણે આપ્યો છે. મત રજૂ કરવા માટે એણે સરકારના નિર્ણયની સામે વિરોધ પ્રદર્શન કે સરઘસો યોજવા હોય તો એ માટેની પણ એને છૂટ છે, પણ એ છૂટ ચોક્કસ મર્યાદામાં મળેલી છે. ઘણી વાર અધિકારના ઓથા હેઠળ સીમાનું ઉલ્લંઘન કરી ન કરવાનું કે ન કહેવાનું પણ કરાય છે, જેને પગલે જ અનેક સમસ્યાઓ ઊભી થાય છે.
યુથ કોંગ્રેસના નેતાઓ દ્બારા કેરળમાં ભજવાયેલો આ ખેલ કોંગ્રેસના ડૂબતા જહાજને વધુ નુકસાન પહોંચાડે એમ છે. વિરોધ પક્ષોએ એમના નેતાઓને વાણી-વર્તન પર કાબૂ મેળવવાની સલાહ આપવી જ પડશે અને એનો કડક અમલ પણ કરાવવો જ પડશે. નહીંતર વિરોધના નામે જો તાયફા કરવા ગયા તો એમને બકરું કાઢતામાં ઉંટ પેસસે. અને લેવાના દેવા થઈ જશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર