ચટપટું હુરતી કવિ સંમેલન
વર્ષોથી સુરતમાં ફરસાણ અને મિષ્ટાન્ન વેચતા અને સુરતી પ્રજાને મોજમાં રાખતા દુકાનદારોએ ભેગા મળી એક કવિ સંમેલનનું આયોજન કર્યું. આ સંમેલનમાં શહેરના કવિઓને નહીં બોલાવવાના પણ... જે ફરસાણ અને મિષ્ટાન્ન ખાઈને શહેરના કવિઓ વર્ષોથી સ્ટેજ ગજાવે છે, તે જ ફરસાણ–મિષ્ટાન્ન બનાવનાર દુકાનના માલિકોનું એક કવિ સંમેલન કરીએ તો કેવું? શું એ લોકો કવિતા ન કરી શકે? ગાઈ ન શકે? જો એ લોકો કંદ જાણે તો છંદ ન જાણી શકે? ડાયરીમાં હિસાબની સાથે શાયરી ન લખી શકે? બસ, આ જ વિચાર 'ફ મિ સંઘ'ના પ્રમુખને આવતાં એમણે તાત્કાલિક એક મીટિંગ બોલાવી. સૌને પોતપોતાની આવડત કે દુકાનને અનુરૂપ બે–ચાર સ્વાદિષ્ટ, મસાલેદાર અને મીઠીમીઠી કવિતાઓ લઈને કવિ સંમેલનમાં હાજર રહેવા જણાવી દીધું.
સાંજ સુધીમાં તો બધાએ પોત પોતાની દુકાનો વધાવી લીધી અને ઝપાટાભેર ઉપડ્યા ઘેર તૈયાર થવા. સૌથી પહેલા તો સંમેલન સ્થળે ડિઝાઈનર કુર્તા ને ધોતિયાં પહેરેલા દુકાનદારો એકબીજાને ઓળખવામાં ગોથાં ખાતા હતા. ખભે નેપ્કિન ભેરવવાની આદતને કારણે એમને ખભે શાલ કે ખેસ ભેરવવો ફાવતો નહોતો, છતાંય એમનો વટ તો પડતો જ હતો. સુરતના સાહિત્યરસિકો પણ શહેરના નવા કવિઓને પ્રોત્સાહન આપવા હાજર થઈ ગયા હતા. સ્વાભાવિક છે કે, જાણીતાં કવિઓ તો ત્યાં હાજર હોવાના જ.
પ્રમુખશ્રી જોષી જટાશંકર મનજીભાઈ ભજિયાવાળાએ સૌનું તેલ નીતરતું– સૉરી, સ્નેહ નીતરતું સ્વાગત કર્યું. સૌએ વઘારમાં રાઈ તતડે એમ તડતડાટ તાળીઓથી પ્રમુખને વધાવી લીધા. ‘આપણે સૌ આ કવિ સંમેલન દ્વારા સૌને બતાવી આપવા માગીએ છીએ કે, આપણને ફક્ત ભજિયાં કે મીઠાઈના સાહિત્યની જ નથી ખબર પણ, જેને સાહિત્ય કહેવાય તેવી કવિતાઓની પણ એટલી જ ખબર છે. બીજાં બધાંને થશે કે, આ લોકોને વળી ક્યારથી કવિતામાં રસ જાગ્યો? તો એમને ખાસ જણાવવાનું કે, વર્ષો સુધી પડીકાં વાળતાં વાળતાં નજરે ચડી જતી કવિતાઓ ને શાયરીઓ વાંચવાની આદતે અમને પણ કવિ ને શાયર બનાવી દીધા! તમારી જાણ ખાતર જાહેર કરું છું કે, અમને કવિતા કરવી જરાય અઘરી નથી લાગી. જો આ સંમેલન સફળ જશે તો– જોકે જશે જ એમાં કોઈ શંકા નથી, તો અમે પણ દરેક તહેવારે આવાં સંમેલનો કરતાં રહીશું.
અહીં હાજર રહેલા અન્ય શ્રોતા અને કવિમિત્રો અમારા સંમેલનને સફળ બનાવવા પોતાનો જોરદાર તાળીફાળો આપે એ જ પ્રાર્થના છે. સંમેલન પછી અમારા તરફથી ભોજનની વ્યવસ્થા રાખી છે, જેથી અડધા કાર્યક્રમે કોઈ નાસી ન જાય. આ અમારો પહેલો જ પ્રયત્ન હોવાથી સુરતની જૂની ને જાણીતી દુકાનોના વડીલોને જ પહેલો ચાન્સ આપ્યો છે. બધાનો વારો આવશે એટલે કોઈએ મરચાં કે ધાણીની જેમ ફૂટવાનું નથી. આપણી એકતા બતાવવાનો આ મીઠો ને મસાલેદાર પ્રયાસ છે. શરૂઆત હું મારાથી જ કરું છું.’
જોશમાં આવેલા જોષીકાકાએ કડાઈમાં ભજિયાં સરકાવે એમ ગળામાંથી કવિતાની બે લાઈનો સરકાવી. (પત્નીને જાહેરમાં સૂચના)
‘સખી, હદથી વધારે વાત ન કર,
આંખ ઝીણી કર, ચંચુપાત ન કર.’
તરત જ બાજુમાં બેઠેલા હરિવર પેટિસવાળા શ્રીમાને જવાબમાં બે તજની લાકડી ફટકારી.(હરીફને કહેવાનો મોકો ક્યારે મળે?)
‘એકમાં પણ ઘણું કમાશે તું,
અમથા ધંધાઓ પાંચ સાત ન કર.’
ગંગાદાસ ઘારીવાળાને થયું કે, વાત આડે પાટે જવાની કે હું? એટલે એમણે તરત જ ઘારી વિશે બે લાઈનો ઘીમાં ઝબોળી દીધી.
‘ઘારી, ઉર્ફે પૂરી, ઉર્ફે માવો, ઉર્ફે ભરી દેવાની ઘટના ઉર્ફે
ઘટના એટલે ઘારી એટલે ખાવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે...
આબુભાઈ મીઠાઈવાળાને પણ ચાનક ચડી.
‘તળવું, ખાવું, તળવું, ખાવું;
ભૂસું શું છે? મરચાં શું છે?
દિલનું કળવું? બિલનું ભરવું?
સોહનની મીઠાઈવાળા પણ કંઈક આપવાનું નક્કી કરીને બેઠેલા.(વૅરાયટી રાખવી પડે ને?)
‘અગર આ સૌ પસંદ આવે નહીં તો છેવટે ‘સોહન’
હું બીજાની ખુશી માટે શિખંડની ભેટ આપી દઉં.’
વળી, મઢીની મશહૂર ખમણીવાળા કેમ બાકી રહે? એક દિવસ ખમણીમાં મરચાની કાતરી ચાવી ગયેલા ઘરાકને જોઈને યાદ આવી ગયેલી બે લાઈન એમણે ભરી સભામાં લલકારી કાઢી.
‘એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી,
આપણાથી તો ત્યાંય રૂમાલ દેવાતો નથી.’
અને મોટે ભાગે દુકાનોમાં થેલીઓ લઈને આવતા ગ્રાહકોને જોઈને તો દુકાનદારોને બીજું શું સૂઝે ?
‘બધી થેલીઓને ખીંટી ઉપર ટાંગી જુઓ સાહેબ!
તમારા મનને એનાથી અલગ રાખી જુઓ સાહેબ!’
વળી,
‘અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું તાવડો ઊઠાવીને ?’
તાળીઓના ગડગડાટથી નવોદિત કવિઓને સહુએ વધાવી લીધા. (વધાવવા જ પડે ને? શહેરનું શ્રેષ્ઠ ભોજન એમની રાહ જોતું હોય ત્યારે તેલમાં તળેલી કે ઘીમાં ઝબોળેલી કવિતાઓની પણ પરેજી ન રખાય.)
એકંદરે સુરતીલાલાઓને તો જલસા થઈ ગયા. કવિઓને પણ થયું કે, ભલે ને આપણી બે બે લાઈનો ચોરતાં, તોડતાં ને મરોડતાં પણ અંતે તો હેમનું હેમ હોયે !
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર