ઈશ્વરનો સમાનાર્થી

15 May, 2016
12:00 AM

mamta ashok

PC:

માથાબોળ સ્નાન કરીને પછી માથા પર બાંધેલો રૂમાલ હોય ને અમારા ઘરના નાનકડા મંદિર સામે ઊભા રહીને આરતી કરતી મારી મમ્મી હોય. બસ આ છબી મારા મનમાં કંડારાયેલી છે. મંદિરમાં પૂજા કરતા એની ઘંટડીના ધીમા રણકારથી જ મારી આંખો ખૂલતી ને આમ જ મારી સવાર થતી. અને કંઈક આ રીતે એની ને મારી બંનેની પૂજા થઇ જતી એકસાથે જ!

એની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ હંમેશાં એની આંખોમાં ડોકાતો. કદાચ આ જ કારણ હશે કે, ભલભલા કપરા કાળમાં પણ એ તૂટી નહીં. એવા સમયમાં શાંત ચિતથી એ સ્વસ્થતાને પામી શકી. મમ્મી વિશે હું એમ કહી શકું કે મારી મમ્મી એટલે ધાર્મિકતા અને મોડર્ન વિચારોનું આદભુત સાયુજ્ય. હંમેશાં એનો અભિગમ ખૂબ જ પોઝિટિવ હોય. કંટાળો નામનો શબ્દ હંમેશાં એના શબ્દકોશની બહાર રહ્યો છે.

મારા માટે એ દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓમાંની એક છે. મારું મન કોઈવાર ફિલોસોફર ની અદાથી વિચારે ને ઘણી વાર એ મગજ ચકરાવે ચડી જાય છે કે, ફક્ત અને ફક્ત આંનદ તેમજ ખુશીઓની હકદાર મારી આ મમ્માના જીવનમાં આટલી બધી ઉપાધિઓ, દુખ અને અનિશ્ચિતતા કેમ હશે?

નાનપણથી જ મેં એને જોઈ છે સતત કામ કરતા. સંયુક્ત કુટુંબમાં તડજોડ કરીને એ રેહતી. મોટો ચોક ભરીને વાસણો ઉચકતી, ઠગલો કપડા ધોતી, અથાણા નાખતી, પાપડ વણતી, હોજમાંથી પાણી ખેંચતી ને મારી નાની બહેનને તેડીને ત્રણ દાદર પાણી ચડાવતી તેમજ રાત્રે પપ્પાના પગ દાબી આપતી મમ્મી. એને આ બધુ કરવાનો ક્યારેય કંટાળો નહીં આવ્યો હોય? એને થાક નહીં લાગ્યો હોય?

મેં એને થાકતી નથી જોઈ, પણ જ્યારે સંબંધો માં ચડભડ થાય કે ઘરની જ બે વ્યક્તિ વચ્ચે ઉચાટ થાય ત્યારે એને નિરાશ થતી જોઈ છે, થાકતી જોઈ છે અને એનો પાલવ આડો રાખીને રડતી પણ જોઈ છે. અને એટલે જ હું ક્યારેય એના ઉચાટનું કારણ ના બનું એની હું બનતી કાળજી રાખું છું.

સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત થયા પછી આમારા ભાગે ઉપરનો માળ આવ્યો અને જેને પૂરું ઘર પણ ના કેહવાય એવી જગ્યા પર નવેસરથી અભાવો ને અડજસ્ટમેન્ટની જિંદગી જીવવાની આવી. અહીં તો એકડે એકથી શરુ કરવાનું હતું. સિલકમાં કંઈ હતું નહીં. દર મહિને સાવ ટૂંકી આવક અને એમાં મારા નાના ભાઈ ને બહેનનું દુનિયામાં આગમન… સાથે સાથે ભણતર અને આમારું બાળપણ. ખબર નહીં કેમનું મેનેજ કર્યું હશે એણે?

અમારા બાળપણમાં એ શિસ્તની આગ્રહી. ને આમારા બધા કામમાં એની ભાગીદારી . હોમવર્ક કરવાથી માંડીને જુદી જુદી રમતો રમાડવી, માટીના રમકડા બનાવવા, ભરત ગૂંથણ, કચરા-પોતા, વાસણ -કપડા ધોવાથી માંડીને એને યોગ્ય ઠેકાણે પાડવા સુધીની એની સરળ પદ્ધતિ, કામ કરતી વખતે એનું માર્ગદર્શન અને કામમાં ભૂલ પડે તો તરત જ માફ કરી દેવાની એની વૃતિ ને ફરી પાછા કામને શીખવવાની એની ધગસ ને કારણે જ અમે આટલું શીખી શક્યા.

કોઈની પણ સામે લાચાર થઈને હાથ નહીં લંબાવાનો. કોઈ પણ નાનામાં નાનું કામ કરતા નાનમ નહીં રાખવાની, આવક કરતા કોઈ પણ હિસાબે ખર્ચ વધુ નહીં જ કરવાનો ને થઈ શકે તો આપણા જેવા કોઈની મદદ કરવી એ બધું અમને સાથે બેસીને નથી એણે શીખવ્યું. એ અમે શીખ્યા છીએ એની જિંદગીમાંથી. એ ભારે સ્વમાની ને મહેનત કરવામાં ક્યારેય પાછી પાની ના કરે તેવી. વખત પડ્યે અમારા બધા માટે ખડક બની જાય, જેના કારણે જ એના સાનિધ્યમાં અમને કાયમ સલામતી લાગી છે.

પણ વધારે પડતી સલામતી કદાચ વિકાસ રોકશે એ હકીકતથી જ્યારે એ વાકેફ થતી ત્યારે એનું વર્તન સાવ જ બદલાઈ જતું. જેમ બતક એના બચ્ચને તરતા શીખવવા માટે પાણીમાં બચ્ચાને ધક્કો મારી દે છે એવું જ કંઈક! જીવનનો રસ્તો કંઈ સરળ નથી એ તે જાણતી હતી. તેથી જ અમને મજબૂત બનાવવા માટે એણે કેટલાક કપરા નિર્ણયો પણ લીધા છે.

મારી તો એ હંમેશાંની એક ફ્રેન્ડ રહી છે. સ્કૂલથી આવીને બધી વાત એને કહું નહીં તો મને જરાય ના ચાલે. મારી એ ટેવ મારા લગ્ન થયા ત્યાં સુધી રહી. સ્કૂલમાં બહેનપણીઓ સાથેની લડાઈ કે, મારા ટીનએજ ક્રશ કે પછી મેં વાંચેલું કોઇ પુસ્તક કે લગ્ન નથી કરવા એવી દલીલો અને પછી પહેલી વખત ફીલ કરેલી પ્રેમની લાગણી… એ બધુ જ મેં એની સાથે વહેંચ્યું છે.

હું એને વધારે નજીકથી ત્યારે ઓળખી શકી, જ્યારે હું પણ એક છોકરીની મા બની. એણે આમારા જીવન માટે આપેલા બલિદાનો ને હું બારીકીથી સમજી શકી. હું એની સ્થિતિની કલ્પના કરી શકી કે એક મા માટે કેટલું બધું અઘરું હોય છે આ બધું કરવું. મને યાદ છે કોઈક વાર અમારા ઘરે આવતી પેલી વહોરીબેન, જે સેકન્ડ હેન્ડ કપડાં વેચવા આવતી. એની પાસેથી એ કપડા ખરીદીને અમને પેહેરાવતી વખતે એણે ટીશ અનુભવી હશે, મેળામાં અમે કોઈ રમકડાની જીદ કરી હશે ને કદાચ નહીં મળ્યા હોય એની નાખુશી જેટલી અમે અનુભવી હશે એનાથી વધારે એણે ના આપવી શકવાનું દુખ અનુભવ્યું હશે, એ દિવસે કદાચ એનુંય ઓશીકું ભીનું થયું હશે…

પોતાના બાળકોનું પોતે જેમ ઈચ્છ્યું હોય એમ પાલન પોષણ નહીં થયું હોય ત્યારે એ પણ ઘણી ફસ્ટ્રેટ થઇ જ હશે. ઘણી રાત્રે ભગવાનના ફોટા ને મૂર્તિઓ ઉખાડીને ફેંકી દેવા જેટલી રીસ એને કદાચ ચડી હશે. ને તોય પાછા બીજી સવારે માથાબોળ સ્નાન કરીને, માથે રૂમાલ બાંધીને એ જ મંદિર સામે આરતી કરતી મેં મારી માને જોઈ છે. મારા માટે તો ભગવાન ને એનામાં કોઈ જ ફરક નથી.

(હિમાક્ષી વ્યાસ, નડિયાદ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.