તારક મહેતા: દિલમાં વસી જાય એવું વ્યક્તિત્વ
આજે સવારે વોટ્સ એપ દ્વારા સમાચાર મળ્યાં કે, તારક મહેતાએ વિદાય લીધી. હજુ ગઈકાલે રાત્રે જ તારકભાઈ વિશે બે પત્રકાર મિત્રો આવેલાં એમની સાથે વાતો કરતા હતા. એ પત્રકાર મિત્રો સાથે કૃષ્ણકાંતની કરિયર વિશે વાત થઈ. તારક મહેતા જૂનાગઢ આવ્યા એ દિવસોની યાદો તાજી કરી.
ખરેખર તો ‘ચિત્રલેખા’ના પથદર્શક હરકિસનભાઈ મહેતાએ તારકભાઈને કહ્યું કે, ‘ટપુડાને ભવનાથના મેળામાં લઈ જાવ.’ તારકભાઈ જૂનાગઢ આવ્યા. હરકિસનભાઈની એક ખાસિયત હતી ‘ચિત્રલેખા’ માટે કોઈ વ્યક્તિની પસંદગી કરવાની હોય તો એ એમના કોઈ અંગત વ્યક્તિને ટકોર કરી દે કે, જૂનાગઢ જાવ છો તો ત્યાં એક કૃષ્ણકાંત નામનો છોકરો છે જરા જોતા આવજો એ કામની બાબતમાં ‘ચિત્રલેખા’ સાથે જોડાઈ શકે તેવો છે કે, નહીં. આ વાત છે1993-94ની. તારકભાઈ જૂનાગઢ આવ્યાં. કૃષ્ણકાંતને ફોન કરીને સરકિટ હાઉસ બોલાવ્યા. નાનપણથી એમનું વાંચતા હતા એટલે કૃષ્ણકાંત તો તારકભાઈના બહુ મોટા ફેન હતાં-છે. તારકભાઈએ કહ્યું, ‘શિવરાત્રિના મેળા અને ગિરનાર વિશેની થોડી વિગતો મને જોઈએ છે. મેળવી આપ.’
કૃષ્ણકાંતે જેટલી વિગતો મોઢે છે એટલી આપી અને કહ્યું કે, સાંજ સુધીમાં બાકીના ફેક્ટ્સ અને ફિગર આપી જઈશ.
થોડાં દિવસો બાદ કૃષ્ણકાંત ‘ચિત્રલેખા’ના સૌરાષ્ટ્ર કચ્છના બ્યુરો ચીફ હતાં! એ પછી તો મારે અને કૃષ્ણકાંત બંનેને ‘ચિત્રલેખા’ના કાર્યક્રમોમાં તારકભાઈને મળવાનું થતું. વર્ષો પછી તારકભાઈએ કૃષ્ણકાંત પાસે રહસ્ય ખોલ્યું કે, ‘હું ભવનાથના મેળામાં ટપુડાને લઈ આવ્યો પણ સાથોસાથ હું તો તારી પરીક્ષા કરવા આવ્યો હતો અને તું એમાં પાસ થઈ ગયો.’
એક યાદગાર પ્રસંગ છે. રાજકોટમાં 1996ની સાલમાં ચિત્રલેખા સર્કલનું ઉદઘાટન હતું. તારકભાઈ અને ઈન્દુબહેન રાજકોની યોગી ટાવરમાં આવેલી ચિત્રલેખાની ઓફિસે ખાસ્સી એવી વાર બેઠાં અને અમારાં બધાં જ સાથે વાતો કરી.
એ સાંજે જ મુશાયરો હતો. અમૃત ઘાયલ સાહેબ, રમેશ પારેખથી માંડીને મહાન કવિઓ મુશાયરામાં હતાં. હરકિસનભાઈએ તારકભાઈની સરપ્રાઈઝ એન્ટ્રી કરાવી. અને તારકભાઈએ એમની શૈલીમાં કવિતા લખી હતી એનું પઠન કર્યું. આખું ઓડિયન્સ અને લિજેન્ડરી કવિઓએ તારકભાઈને જે દાદ આપી હતી એ હજુ પણ યાદ છે.
થોડાં વર્ષો પહેલાં ‘ચિત્રલેખા’ના તંત્રી ભરતભાઈ સાથે અમે બંને તારકભાઈના ઘરે ગયેલાં. અલક-મલકની વાતો કરી. ઈન્સ્ટન્ટ વન લાઈનર એમની ખાસિયત. થોડીવાર તો હાસ્યનું હુલ્લડ મચી ગયું. એકાદ કલાક બેસીને અમે જવા માટે કહ્યું. ત્યારે તારકભાઈએ એમના મસ્ત મજાના ટોનમાં કહ્યું, ‘કૃષ્ણકાંત, તું સરસ લખે છે. હું વાંચું છું.’
કૃષ્ણકાંતે કહ્યું, ‘તારકભાઈ, તમારા આ શબ્દો મારા માટે એવોર્ડ સમાન છે.’ ઈસી બાત પે એક ફોટો હો જાયે. ત્યારની તસવીર આ લેખ સાથે છે.
હજુ થોડાં દિવસો પહેલાં હું ‘સર્જકના સાથીદાર’ માટે ઈન્દુબેન તારક મહેતાની મુલાકાતે ગયેલી. ત્યારે તારકભાઈને મળી. એમને બગીચામાં તડકો ખાવા માટે લઈ જતાં હતાં ત્યારે એમને આદરપૂર્વક વંદન કર્યાં. ઈન્દુબેને કહ્યું, ‘મ્હેતા, ઓળખી આને? જ્યોતિ છે.’ તારકભાઈ યાદ કરવાની કોશિશ કરતાં હતાં. તરત જ ઈન્દુબહેન બોલ્યાં, ‘કૃષ્ણકાંત ઉનડકટની ઘરવાળી...’ એમના બોખા ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું.
ઈન્દુબેન સાથે વાત થઈ ત્યારે એમને સહજતાથી પૂછ્યું કે, ‘તમને તારકભાઈની તબિયત વિશે શું વિચાર આવે છે? પળવાર વિચારીને એમણે કહ્યું, આ માણસ બહુ રિબાવો ન જોઈએ બસ મારી ભગવાનને એટલી જ પ્રાર્થના છે. ‘
હું મળવા ગઈ એના થોડાં દિવસો પહેલાં જ તારકભાઈની તબિયત સારી નહોતી ત્યારે હૉસ્પિટલમાં તેમને દાખલ કરેલાં. ઈન્દુબેન કહેતાં હતાં કે, ‘એ દિવસે કોઈએ ભૂલભૂલમાં પેશન્ટ્સની નેમ પ્લેટમાં તારક મહેતા લખી નાખ્યું. અને થોડીવારમાં તો મિડીયા અને સ્નેહીજનોએ હૉસ્પિટલમાં આવી પહોંચ્યાં. એમની લોકપ્રિયતાને કારણે જ હું હૉસ્પિટલમાં એમનું નામ મૂકાય નહીં એની તકેદારી રાખતી હતી.’
આજે પહેલી માર્ચે તારકભાઈ આપણી વચ્ચે સદેહે નથી. સોશિયલ મિડીયા ઉપર એમની સાથે દિલથી જોડાયેલાં લોકો અને વાચકોએ ભાવાંજલિ આપી છે. ગુજરાતીઓ એમના પ્રિય લેખકને દિલ ફાડીને પ્રેમ કરે છે એની સાબિતી છે તારકભાઈ સાથે દરેક ભાવક-વાચકની તસવીર અને યાદો.
તારકભાઈની આત્મકથામાંથી એક પીસ સાથે ભાવાંજલિ પૂરી કરું છું.
હું મહાન નથી, મામૂલી પણ નથી.
હું આસ્તિક નથી. નાસ્તિક નથી.
ડાહ્યો નથી. મૂર્ખ નથી.
પ્રમાણિક નથી. અપ્રમાણિક નથી.
સંવેદનશીલ નથી. જડ પણ નથી.
મરવાની મને ઉતાવળ નથી. જીવવાનો મોહ નથી....
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર