દિવાળીની અભૂતપૂર્વ ઓફરો
પહેલાના સમયમાં દિવાળીના તહેવારમાં લોકો ખરેખર ખુશી અને આનંદ અનુભવતા. પોતાની ખુશી વહેંચતા અને નિસ્વાર્થભાવે એકબીજાને મીઠાઈ ખવરાવતા. પણ, હવે સમય બદલાઈ ગયો છે. હવે દિવાળીના સમયે મોટા ભાગના લોકો ટેન્શનમાં હોય છે. કોઈને પેમેન્ટ ક્રાઈસીસ તો કોઈને લક્ષ્યાંકો પૂરાં ન થયાંનું ટેન્શન. તો વેપારીઓને દિવાળી સમયે સૌથી મોટું ટેન્શન ન વેચાયેલા માલના ભરાવાનું હોય છે. આથી જ વેપારીઓ દર દિવાળીએ સ્ટોક ક્લિયરન્સની વિવિધ ઓફરો કરે છે. આ વખતે કઈ કઈ ઓફરો જોવા મળશે? ઓફરો માટે જાહેરમાં ભલે વેપારીઓ તમારા પર મહેરબાની કરતા હોવાના દાવા કરે, પણ હકીકતમાં તેઓ પોતાના પર જ મહેરબાની કરતા હોય છે.
- દિવાળીમાં આપવાલાયક ગિફ્ટ ખરીદો, સાવ સસ્તાભાવે
સૂકામેવા અને કાજુકતરી ભરેલા બોક્સ અમે જે ભાવે વેચીએ છીએ એ ભાવે કોઈ નથી વેચતું. અમારી ચેલેન્જ છે.
(કારણ ફક્ત એટલું જ કે બોક્સમાં અમે ઉપર દેખાય એ રીતે જ સૂકોમેવો મૂકીએ છીએ. અંદર તો બધી પોલંપોલ જ હોય છે. કાજુકતરીના નામે અમે ખિસ્સાકાતરીનો ધંધો કરીએ છીએ. જોકે આમાં તમારે શા માટે દુઃખી થવું જોઈએ? તમારે તો આ બોક્સ ગિફ્ટમાં આપવાના છે. સડેલા સૂકામેવા ખાવાની તમારે જરૂર નથી.)
- એક ટીશર્ટ ખરીદો, એક પર બીજા બે ફ્રી
આ ઓફર ચૂકવા જેવી નથી. આજકાલ તુવેરદાળના ભાવ આસમાને ગયા છે ત્યારે ફક્ત ત્રણસો રૂપિયામાં તમને ત્રણ ટીશર્ટ્સ કોઈ નહીં આપે. ઝડપ કરો. અમારી દુકાનમાં પધારો અને ધડાધડ ખરીદી કરો.
(અમે અમારા શૉ રૂમના એક ખૂણામાં, ટોયલેટ પાસે ટીશર્ટ્સનો એક મોટો ઢગલો રાખ્યો છે. કારણ કે જો એને નવાં કપડાં સાથે રાખીએ તો એમાં પણ વાસ ઘૂસી જાય. જો તમે આ ટીશર્ટ્સ નહીં ખરીદો તો એનો નિકાલ કરવા માટે અમારે ખર્ચો કરવો પડશે.)
- નવા નક્કોર ફ્રિઝ, ટીવી અને એર કન્ડિશનર્સ પર 60 ટકા ડિસ્કાઉન્ટ. નેવર બિફોર ઓફર. દોડો દોડો...
આ દિવાળીમાં અમે તમારા અને તમારા પરિવારના જીવનમાં ખુશી ભરી દેવા માગીએ છીએ. તમે કલ્પના પણ ન કરી હોય એટલા સસ્તા ભાવમાં આ હોમ એપ્લાયન્સીસ વેચીને અમે ફક્ત તમારી ચાહના મેળવવા માગીએ છીએ.
(હકીકત એ છે કે આ હોમ એપ્લાયન્સીસ ફક્ત ઉપરથી નવા દેખાય છે, પણ હકીકતમાં એ સેકન્ડ હેન્ડ છે. દિવાળી જ નહીં, દરેક તહેવારોમાં અમે આવી ઓફરો કરીએ છીએ. બાકી, તહેવારોના દિવસોમાં અમે તમારા અને તમારા પરિવારના જીવનને શા માટે ખુશીઓથી ભરી દઈએ? અમારે બાળબચ્ચાં નથી કે શું ?)
- પુસ્તકો ખરીદવાની રોમાંચક સ્કીમનો લાભ લો. એક બોરિંગ લેખકના પુસ્તકની ખરીદી પર બીજા બે બોરિંગ લેખકોના પુસ્તકો અથવા તમારી પસંદગીના બોરિંગ લેખકના જ બીજા ત્રણ પુસ્તકો સાવ મફતમાં.
ગુજરાતી ભાષામાં અગાઉ કદી ન થઈ હોય એવી ઓફર અમે આપી રહ્યા છીએ. કારણ ફક્ત એ જ કે અમે ગુજરાતી ઘરોમાં સંસ્કારનું સિંચન કરવા માગીએ છીએ. કાગળ અને ઈન્કના ભાવો આસમાને જઈ રહ્યા છે, છતાં અમે આ ધંધામાં પડ્યા છીએ એની પાછળનો ઉદ્દેશ્ય ફક્ત ગુજરાતી ભાષાની સેવા કરવાનો છે.
(અમારા લેખકોના પુસ્તકો વેચાતા નથી એ હકીકત ગુજરાતી અસ્મિતા પરનું એક કલંક છે. આથી જ દિવાળીના સમયે લોકો અન્ય ખરીદીની સાથોસાથ અમારા પુસ્તકોની પણ ખરીદી કરે અને અમારા પૈસા છૂટા થાય એવી આશા અસ્થાને નથી.)
- અમારા પ્રતિષ્ઠિત શૉ રૂમમાંથી સોનું ખરીદો અને મનપસંદ ઘરેણા બનાવરાવો. આ દિવાળીમાં ઘડામણ ફ્રી છે.
દરેક તહેવારે સોનુ ખરીદતા લોકોને આમ તો ઘડામણની રકમ ચૂકવવાનો વાંધો હોય. છતાં દિવાળીના સમયે અમારા મોંઘેરા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાની અમારી ફરજ છે, એટલે અમે આ ઓફર આપી રહ્યા છીએ. ઉતાવળ કરો અને અમારા શૉ રૂમમાં પધારો.
(અમારો ધંધો જ ધનિક લોકો સાથેનો છે. એટલે એમની માનસિકતા અમે બરોબર સમજીએ છીએ. ફ્રી ઘડામણનું આકર્ષણ તેઓ ટાળી નથી શકતા એટલે બે પાંચ હજાર બચાવવા માટે લાખોની ખરીદી કરવા તેઓ અમારા શૉ રૂમમાં દોડી આવશે એની અમને ખાતરી છે.)
- દિવાળીના શુભ અવસર પર ફ્લેટ બૂક કરાવો અને મેળવો વીસ ટકાનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ
અમારી ભવ્ય સ્કીમમાં ફ્લેટ નોંધાવો અને ઉજ્વળ ભાવિનું સપનું સાકાર કરો. દિવાળી નિમિત્તે અમારી સ્કીમનો લાભ લેનાર સદભાગીને વીસ ટકાના ડિસ્કાઉન્ટ ઉપરાંત ફ્રી પાર્કિંગ, ક્લબ મેમ્બરશીપ વગેરે જેવા અનેક લાભ આપવામાં આવશે. જલદી કરો. જૂજ ફ્લેટ્સ બચ્યા છે.
(હકીકત એ છે કે અમારી સ્કીમ અધવચ્ચે અટકી પડી છે, નાણાંના અભાવે. તમારા જેવા પાંચ પચ્ચીસ લોકો ડાઉન પેમેન્ટ કરે તો બેચાર માળ બાંધવાનું કામ આગળ વધે. સાચા ગ્રાહકો મળતા નથી અને ઈન્વેસ્ટરો બીજે નજર નાંખી રહ્યા છે. જો તમે અત્યારે અમારી સ્કીમમાં ફ્લેટ બૂક નહીં કરાવો તો થોડા સમય પછી અમારે વધુ મોટા ડિસ્કાઉન્ટની સ્કીમ જાહેર કરવી પડશે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર