થેંક યૂ હિમાંશી શેલત
આ લેખને પર્સનલ ડાયરી લેખે ગણવો હોય તો ગણી શકાય. કારણ કે, આખો લેખ મારા પ્રિય લેખિકા હિમાંશી શેલત અને એમની આત્મકથા ‘મુક્તિ-વૃત્તાંત’ વિશેનો છે. જોકે લેખને ડાયરી પૂરતો મર્યાદિત નહીં રાખતા એને ‘khabarchhe.com’ પર પ્રકાશિત કરવાનું કારણ માત્ર એટલું જ કે, જે પુસ્તક વિશે કે જે લેખિકા વિશે લખવું છે એ બંને ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકો સાથે ઉત્કટ નાતો ધરાવે છે. તો પછી લેખને બે પૂઠાંની વચ્ચે ગૂંગળાવી મારવાનો શો અર્થ? જે નથી વાંચતા એ તો આમેય એના તરફ નજર સુદ્ધાં નથી કરવાના, પણ જેમને રસ છે એવા સહૃદયીઓ તો ગમતાનો ગુલાલ કરવાનું ગમશે જ ને!
લેખમાં અંગત વાતોના કિસ્સા ઝર્યા કરશે. છો ઝરતા, ભલે લોકો નાર્સિસિસ્ટ કહેતા. પણ આજે એ વાતો દિલથી લખવી છે. નાનો હતો ત્યારથી કોણ જાણે કોણે ‘નવનીત સમર્પણ’ અને ‘અખંડ આનંદ’ વાંચવાનું ઘેલું લગાડેલું, પણ મહિનાની એકથી દસ તારીખ સુધીમાં આ સામયિકો હાથમાં નહીં આવે તો વેવલાં થઈ જવાતું. લવાજમો ભરેલા નહીં એટલે મહિનાની પહેલી તારીખથી અંક હાથમાં મળે ત્યાં સુધી વાપી સ્ટેશન પરના એ.એચ.વ્હીલરના સ્ટોલ પર રોજ આંટા મારવાના અને અંક આવ્યા કે નહીં એ વિશેની પૃચ્છા કરવાની.
અંકો હાથમાં આવે એટલે પહેલા એને સૂંઘી લેવાના અને પછી એની અનુક્રમણિકા પર નજર મારી જવાની. અને બસ અંકો લઈને ઘરનો કે સ્કૂલનો એક ગમતો ખૂણો પકડી લેવાનો પછી હાસ્યલેખો કે વાર્તાઓ કે કોઈકની સ્મરણકથાઓ કે ચિંતનના લેખો લહેરથી વાંચવાના. વર્ષા અડાલજા કોણ કે ગુણવંત શાહ કોણ કે પછી ચંદ્રકાન્ત શેઠ કે ઈવા ડેવ, પ્રવિણસિંહ ચાવડા, ધીરુ બહેન પટેલ, ઈલા આરબ મહેતા કે ડૉ પંકજ જોષી કોણ એ બધી સમજ ધીમે ધીમે કેળવાતી ગઈ. ઈચ્છા થાય તો ક્યારેક પદ્યના વિભાગોમાં પણ ડોકિયું કરી આવવાનું, પરંતુ ગીત, ગઝલ કે અછાંદસો તરફનું આકર્ષણ ઝાઝું નહીં, એટલે એ પાના પર થોડી ઘણી ક્ષણોનો જ વિસામો! જે વાંચતા અમસ્તુ જ અંતર સમૃદ્ધ થયાં કરે એ બધુ ગદ્યમાં અને એમાંય ટૂંકી વાર્તાઓ તો ખાસ આકર્ષે.
વાર્તાઓના એ રસને કારણે જ એક નામ ખાસ આંખે વળગ્યું અને એ નામ એટલે હિમાંશી શેલત. એમની વાર્તાઓ વાંચવાની શરૂઆત કરીએ એટલે પળવારમાં એક જાદુઈ દુનિયામાં દાખલ થઈ જવાનું અને પછી વાર્તાના કથાનકોની પીડા સાથે તાદાત્મ્ય કેળવી લેવાનું. વળી, એ વાર્તાઓમાં ભાષા અને વાક્યરચનાઓની ગૂંથણી એવી અદભુત રીતે થયેલી હોય કે, વાર્તાના એ વિશ્વમાંથી બહાર નીકળવાનું લગીરે મન નહીં થાય. કથનશૈલી કોને કહેવાય અને કલાના ધોરણો કોને કહેવાય એ બધુ તો વર્ષો પછી શરીફા વીજળીવાળાએ શીખવ્યું, પણ આ વાર્તાકારની વાર્તાઓનો જાદુ એવો કે, વાર્તા પૂરી થઈ જાય પછી પણ સાલું કંઈક ચચર્યા કરે અને મનને કોઈ અજંપો ઘેરી વળે. આ કારણે આપણે એ વાર્તાઓના ફેન થઈ ગયા. જોકે વાર્તાકારના નહીં!
કોઈને યાદ હોય તો, ‘નવનીત સમર્પણે’ વચ્ચે ‘જીવનમાંથી હું શીખ્યો’ સિરીઝ શરૂ કરેલી, જેમાં વારાફરતી બધા લેખકો પોતાની કૈફિયત રજૂ કરતા. આપણી પાસે એ અંકો સચવાયેલા પડ્યાં છે, કો’કને એ વાંચવાની ઈચ્છા હોય તો કહેજો, આપણે એ લેખોની ઝેરોક્સ પહોંચતી કરીશું.
હા, તો એમાં એક વાર હિમાંશી શેલતની કૈફિયત રજૂ થઈ, જેમાં જાણવા મળ્યું કે, આ વાર્તાકાર પ્રાણીઓને ખૂબ ચાહે છે અને કૂતરાં-બિલાડાંના ઝમેલા એમના ઘરે સહજ વાત છે. આ એકમાત્ર વાતથી આપણે વાર્તાકારના પણ ફેન થઈ ગયા. કારણ કે, આપણને પણ પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ અને કૂતરાં, ગાય કે બિલાડી દેખી નથી કે આપણે એને પસવારવા એની પાછળ પડ્યાં નથી ના બનાવો નાનપણમાં રોજબરોજની ઘટના હતી.
ઈનશોર્ટ આપણે વાર્તાઓ અને વાર્તાકાર બંનેના ફેન થઈ ગયા. વાપીમાં તો લાખ પ્રયત્ને પણ પુસ્તકો મળે નહીં, પણ લાઈબ્રેરી ફેંદીને એ વાર્તાકારના વાર્તાસંગ્રહો મેળવાયા અને મળી એટલી વાર્તાઓ વાંચીને એ કથારસમાં તરબોળ થયા. જેટલા વધુ એમને વાંચીએ એટલો એમના પ્રત્યેનો આદર વધતો જાય અને મારી અંદરનો ચીલાચાલુ માણસ, પ્રકૃતિ, પ્રાણીઓ અને અભાવગ્રસ્ત માણસો તરફ વળતો-ઢળતો જાય.
મારી સમજણ ખીલવાના એ વર્ષો હતા અને એ વર્ષોમાં જ આ વાર્તાકારની વાર્તાઓ અંતરને સમૃદ્ધ કરતી ગઈ અને પ્રેમ મેળવવો કે પ્રેમ આપવો એ બહુ અઘરી વાત નથી કે માણસ એકલો રહીને પણ નિજાનંદમાં મસ્ત રહી શકે છે કે, આપણને જે અભાવો સતાવે છે એ અભાવો અન્યોના અભાવોની સામે પાણી ભરે છે કે આ દુનિયા પર માત્ર આપણો જ નહીં, પણ અન્ય જીવોનો પણ આપણા જેટલો જ અધિકાર છે, જેવી અનેક વાતો શીખવતી ગઈ.
જોતજોતાંમાં તો હિમાંશી શેલતના તમામ પુસ્તકો વાંચી નાંખ્યા અને વલસાડમાં એમનું ‘સખ્ય’ ત્રીસેક કિલોમીટરને જ અંતરે એટલે ક્યારેક એ દિશામાં બાઈક મારી મૂકીને એમને રૂબરૂ પણ મળ્યાં અને એમની સાથે સોનું કે અન્ય માર્જાર મંડળીનો પણ લાભ મેળવ્યો.
એવી જ એક મુલાકાતમાં એમણે એક પુસ્તક પર લખી આપેલું કે, ‘મનગમતા ક્ષેત્રમાં શ્રેષ્ઠતાની સાધના કરો.’ અને પછી આપણે જાણે આ એ વાક્યને જીવનમંત્ર બનાવ્યો. પત્રકારત્વમાં છીએ તો પ્રલોભનો અમસ્તાંય મળ્યાં કરે, પરંતુ ક્યારેય પ્રેસનો ગેરલાભ નથી લેવો કે કોઈને ભૂલમાંય મિસ ક્વોટ તો નથી જ કરવા, જેથી આપણું કામ કોઈને માટે હાનિકારક સાબિત થાય. જેવી ગાંઠ બંધાઈ. સાથે જ કોઈને પૈસે વિમાનોમાં ઉડાઉડ પણ નથી કરવી કે નથી. કે નથી કોઈને એ બતાવવું કે, 'જુઓ અમે તો દેશની ચોથી જાગીર!' એવું પણ નક્કી કર્યું.
કોઈના પ્રભાવમાં નથી જીવવું કે કોઈ વાદમાં નથી લપેટાવુંની સ્પષ્ટ સમજ હોવા છતાં હિમાંશી શેલતના લેખન અને એમના જીવન દ્વારા અત્યંત શીખવા મળ્યું. વાર્તાઓ માત્ર દિલને બહેલાવવા માટે જ નથી, કે વાંચીને થોડા સમય પૂરતા ઉત્તેજિત થઈને ભૂલી જવા માટે પણ નથી, પરંતુ એમાંથી કશુંક પ્રાપ્ત પણ થાય છે અને મૂલ્યોનું સિંચન પણ થાય એ બાબતને અનુભવવી હોય તો હિમાંશી શેલતની વાર્તાઓમાંથી પસાર થવું, એ વાર્તાઓને શાંત ચિત્તે વાંચવી અને પછી પોતાની અંદર જઈને ઝાંકવું. જોજો, અંદર કશુંક જરૂર બદલાયું હશે.
લેખિકા અને એમના લેખને પ્રાણીઓની બાબતે પણ આ લખનારને ખૂબ મદદ કરી. જ્યાં સુધી એ લેખો નહીં વાંચેલા ત્યાં સુધી મનમાં એવી લઘુતા કે આપણે પ્રાણીઓને પ્રેમ કરીએ એ વાત સરાજાહેર નહીં કરવાની. આજુબાજુમાં જીવતા બધા કંઈ એમ કરતા નથી. અને બધા જે નહીં કરતા હોય એ આપણે કરીએ એ તો ટેબૂ જ કહેવાય ને?
પણ નહીં, એમના લેખને મને શીખવ્યું કે, આપણે જે કરીએ છીએ એ તો પ્રેમ છે. એક માણસ બીજા માણસને ચાહે એ તો સામાન્ય બાબત, પણ માણસોને ચાહનારો એ જણ, પ્રકૃતિના સઘળા જીવોને પણ એટલું જ ચાહતો હોય એ અસામાન્ય કહેવાય. યુનિક કહેવાય. તો પછી આમ પ્રેમ કરવામાં ડરવાનું શાને? રસ્તે કોઈક ગલૂડિયું ભટકાય અને આપણને જોઈને એ જરાતરા પ્રેમ દર્શાવે તો બધુ ભૂલીને જમીન પર બેસી પડીને એને હાથમાં લઈ લેવું કે એની પીઠ પસવારવું વિચિત્રતા કહી શકાય નહીં! કે દોસ્તો સાથે મળીને પાળેલું એક કૂતરું અચાનક ગૂમ થઈ જાય અને આપણે આક્રંદ આદરીયે તો એમાંય કશું અજુગતું નથી. લોકો આપણા પર હસે તો એ એમનો પ્રોબ્લેમ છે, આપણો નહીં! એય એમના લેખને શીખવ્યું. આખરે આપણે તો પ્રેમ કરવાવાળા, અંગત સ્વાર્થ ખાતર સંહારલીલા કરનારા થોડા છીએ?
આવા લેખિકા જ્યારે એમની આત્મકથા લખે અને એ પુસ્તકરૂપે પ્રકટ થાય તો સ્વાભાવિક જ આપણને એ પુસ્તક વસાવી લેવાની ઉત્સુકતા થાય. કારણ કે, જે જીવનને આદર્શ માનેલું એ જીવન હવે પુસ્તકોના પાના પર સુલભ બન્યું છે. એટલે આપણે તો બને એટલી ઝડપે પુસ્તક મગાવી લીધુ અને એટલી જ ઝડપ અને ઉત્સુક્તા સાથે એ વાંચી પણ લીધું. આદર્શો, સિદ્ધાંતો અને પ્રાણી-પ્રકૃતિ માટેના હિમાંશીબેનના પ્રેમ વિશેની કેટલીક વાંચેલી તો કેટલીક નવી વાતો વાંચવાનો અને એક જુદી જ દુનિયામાં લટાર મારી આવવાનો આનંદ પણ ખૂબ થયો. પરંતુ એ બધી વાતો આવતા શનિવારે. આજે લંબાવવાનો અર્થ નથી. આજે તો માત્ર હિમાંશી શેલતનો આભાર જ માનવો રહ્યો. થેંક યૂ હિમાંશી મે’મ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર