શહેર

23 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

ઠંડીની માત્રા વધી હોય એવું એને લાગ્યું. ગોદડીમાંથી મોઢું બહાર કાઢીને તેણે જોયું કે હજી આકાશમાં અંધારું છે. 'કમબખ્ત આ શિયાળાની રાત આટલી લાંબી શું કામ હોય છે? ' તે બબડ્યો અને શરીરને વધુ સંકોચીને માથા પર ગોદડી ઓઢી, સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ બહાર રહી ગયો અને ગાઢ અંધકાર આંખો પર ઝળૂંબ્યો. તેણે આંખ ખુલ્લી જ રાખી. હવે ઉંઘ તો નહીં જ આવે. સામે છવાયેલો અંધકાર અને થોડીવાર પહેલાં તેણે જોયેલો આકાશનો અંધકાર તેને એકસરખા લાગ્યાં. આખી દુનિયામાં તે એકલો જ હોય અને નિશ્ચિંતપણે આકાશને ઓઢીને સૂતો હોય એવી પરિસ્થિતિ તેણે અનુભવી.

'આ સાલો હજી સૂતો છે. મરી તો નથી ગયો ને? એ દુખિયા, ઊઠ, ઊઠ હવે.' અવાજ સાથે પીઠ પર જોરદાર ધક્કો લાગ્યો, ઊઠી જવાયું, ગોદડી હટાવીને જોયું તો એ જ સફાઈવળો હતો. 'હા... હા... ઊઠું છું, એમા આવડી બૂમો શેની પાડો છો? '

'તને સાલું કાંઈ કામકાજ તો છે નૈં, બેઠે બેઠે ભીખ માગવી છે. અહીંયા અમારે ઘણું કામ છે અને આ ફૂટપાથ કાંઈ તારા બાપની જાગીર નથી તે મારી સામે દાદાગીરી કરે છે.' સફાઈવાળો બબડતો બબડતો ફૂટપાથ જેમ-તેમ સાફ કરતો આગળ વધ્યો.

દુખિયા ને થયું, સવારમાં સવારમાં આનું મોઢું જોયું તે બપોરે ખાવા મળે તો સારું. તે ઊભો થયો, રસ્તા પર ચહલ પહલ ધીમે ધીમે વધી રહી હતી. દૂધવાળા, છાપાવાળા ફેરિયાઓ, સ્કૂલે જતા બાળકો, મોર્નિંગ વોક પર જતા લોકો ઠંડી સવારમાં પોતપોતાનો દિવસ શરુ કરી રહ્યા હતા. દૂર એક મંદિરમાં આરતી થઈ રહી હતી અને લાઉડ સ્પીકરમાંથી અઝાન સંભળાતી હતી. નાનકડું આ શહેર આળસ મરડીને બેઠું થઈ રહ્યું હતું.

રસ્તા પર એક નજર નાખીને તે સામેના નળ પર મોઢું ધોવા ગયો. નળની આસપાસ પાણી ભરાયેલું હતું, સ્થિર પાણીમાં તેણે પોતાનો ચહેરો જોયો. ઘણાં સમય પછી તે પોતાને જોઈ રહ્યો હતો, વધી ગયેલા બરછટ વાળ, બરછટતાની બાબતે વાળનેય ટપી જાય એવી દાઢી, ઠંડીને કારણે ફાટી ગયેલા હોઠ, ચહેરાની રૂક્ષ ચામડી અને મેલું શરીર. ઘણી વાર સુધી તેણે જોયા કર્યું, છેવટે કંટાળીને મોઢું ધોઈ તે પાછો ફર્યો.

ફૂટપાથ પરની પોતાની જગ્યાને તેણે સાફ કરી. ગોદડી નીચે રાખેલી કટાઈ ગયેલી પતરાની પેટી બહાર કાઢી, આજુ બાજુ સડક પર જોયું. આ રસ્તો કોલેજ તરફ જતો હતો, તેને લાગ્યું હવે સમય થઈ ગયો છે. પેટીમાંથી તે એક પછી એક ડાઘા પડી ગયેલા, ગંદા, ફાટી ગયેલાં લેમિનેશનવાળા સર્ટિફિકેટ્સ કાઢવા માંડ્યો અને દુકાન ખોલી રહેલા વેપારીની અદાથી એનો સરંજામ ખૂબ જ આદરથી ગોઠવવા લાગ્યો. બધું ગોઠવાઈ ગયા પછી અદબ વાળીને આખી ગોઠવણ પર નજર કરી. સંતોષના ભાવ સાથે એ સહેજ હસ્યો પણ તરત જ ચહેરાના ભાવ છૂપાવીને મોઢું દયામણું કરી ગ્રાહકની રાહ જોતા દુકાનદારની જેમ કોલેજિયનોના આવવાની રાહ જોઈ રહ્યો.

'હેલ્લો મિ. દુખિયા!'

'ગુડ મોર્નિંગ, સર.'

'આ જોયો આપણો ગ્રેજ્યુએટ ભિખારી, મને તો એનું કેરેક્ટર સસ્પિસિયસ લાગે છે.' બાજુના પાનના ગલ્લા પાસે ઊભેલા બે કોલેજિયન યુવાનો વાતો કરી રહ્યા હતા. દુખિયો એ બંનેને ઓળખતો હતો. બે-ચાર દિવસે એક વાર તેમની વચ્ચે પોતાની ચર્ચા થતી એ સાંભળતો. ઘણીવાર તેઓ એને પૂછતા, પણ એ કંઈ સમજ્યો ન હોય એવા ભાવ વ્યક્ત કરતો એટલે તેઓ કંટાળીને એક બે સિક્કા ફેંકીને ચાલ્યા જતા.

'યાર મનીષ એનામાં ધંધાની સૂઝ જબરી છે, નહીં તો આ કોલેજ રોડ જ ભીખ માગવા કેમ પસંદ કરે?'

'હરામી છે સાલો, આવતાં જતાં આપણી નજરમાં આવીને દયા ખાવા માગે છે.'

'તું યાર ઉશ્કેરાઈ ન જા. મને તો એના વિશે જાણવામાં રસ છે.'

'પણ, એ ક્યાં કોઈ દિવસ આપણને કંઈ કે છે. એને જોઈને તો મને હવે ડર લાગે છે. આ મારું છેલ્લું વર્ષ છે પછી ક્યાંક મારી હાલત પણ આના જેવી ન થાય.'

'કમ ઓન વિનોદ, તું યાર બહુ સેન્ટિમેંટલ છે. ઘણું વિચારે છે. તું કે તો હોય તો ભગાડી દઈએ સાલાને.'

'ભલે બેઠો છે યાર. પણ હું એના વિશે જાણીશ જરુર.'

બંને જણા તમાકુ ખાઈને થોડે દૂર પિચકારી નાંખીને ચાલ્યા ગયા.

વચ્ચે વચ્ચે એકાદ બે છોકરા છોકરીઓ એની સર્ટિફિકેટ પર પૈસા ફેંકતા ગયા. પણ આજે એનું મન ભીખ પર ન હતું. તેણે જ્યારથી પેલા બે છોકરાઓની વાતો સાંભળી છે ત્યારથી તેનું મન કંઈક બેચેનીનો અનુભવ કરી રહ્યું હતું. આમ તો તેણે ઘણી વખત પોતાના વિશે આવી વાતો સાંભળી છે અને એ બધી વાતોને એ ભૂલી પણ ગયો છે, પણ આજે એમ થતું ન હતું. તેને વારંવાર એ સંવાદ યાદ આવ્યા કરતો હતો.

બપોરે સર્ટિફિકેટ્સ પર પડેલા સિક્કા ગણીને ઉપાડતો હતો ત્યારે પણ એ બેચેની અનુભવતો હતો. આજે સવારે પેલા ઝાડુવાળાએ લાત મારીને ઉઠાડ્યો છતાં સારી ભીખ મળી હતી. સાંજે જો ન બેસે તો પણ ચાલે તેમ હતું. બધા સર્ટિફિકેટ્સને પેટીમાં મૂકી, પેટી લઈ તે ચાલવા લાગ્યો. રસ્તાના વળાંક પર એક લોજ હતી, જેમાં તે દરરોજ જમવા જતો. એ ત્યાં ગયો.

'દુખિયા સા'બ આ ગયે ઈનકો ખાના દો' મેનેજરે મજાક્માં કહ્યું.

રોજની જેમ તે પોતાની જગ્યાએ એક ખૂણામાં બેઠો, જ્યાં એને બીજા ગ્રાહકો જોઈ ન શકે. મેનેજરની આ શરત પર જ તેને આ લોજમાં જમવા મળતું. આમ તો કોઈ ને કોઈ સંસ્થા ભિક્ષુકોને જમાડવા આવતી રહેતી પણ તે ક્યારેય તેમની પાસેથી ખાવાનું લેતો નહીં. બીજા ભિક્ષુકોને તેનું હંમેશાં આશ્ચર્ય થતું.

આજે જમવાની પણ એને ખાસ મજા નહીં આવી. બહાર નીકળીને થોડું ચાલીને શહેરની બહાર આવેલા વિસ્તારમાં એ પહોંચ્યો. શિયાળાની બપોરનો સમય હોવાથી તડકો હૂંફાળો લાગી રહ્યો હતો. હાથ પહોળા કરી ઊંડો શ્વાસ લઈને તેણે આકાશ સામે જોયું. આ સ્થળે તેને બહુ ગમતું. તૂટેલો કિલ્લો, સામે નાનકડું તળાવ અને થોડી ઊંચાઈ પરથી દેખાતું આખું શહેર. બીડી સળગાવી તે તળાવની સામેના ઓટલા પર બેઠો. તળાવ પરથી આવતો પવન ઠંડો લાગતો હતો. આંખો બંધ કરીને એ વિચારશૂન્ય અવસ્થામાં બેઠો અને અચાનક જ એને એનું ગામ યાદ આવી ગયું.

'આગળ ભણવાની કંઈ જરૂર નથી. જલદી નોકરી શોધીને કમાતો થા તો સારું ભાઈ, હજી બીજા બે ભાઈ ને બે બેનને મોટા કરવાના છે. એમાં મને તારી મદદની જરૂર છે.' બાપુજીએ ચર્ચા પૂરી કરતાં કહ્યું.

આજે જ છેલ્લા વર્ષનું પરિણામ આવ્યું ને ઘરમાં તે પોતાને બેકાર અનુભવવા લાગ્યો. તેને પણ બાપુજીની વાત ખોટી ન લાગી. એક ખેત મજદૂર પરિવારમાં ગ્રેજ્યુએટ થવું તે પણ એક મોટી વાત હતી. બસ, પછી તો જાહેરાત, એપ્લીકેશન અને ઈંટરવ્યૂનો લાંબો દૌર ચાલ્યો. વચ્ચે થોડી પ્રાઈવેટ નોકરીઓ કરી પણ કંઈ જામ્યું નહીં અને ઘરમાં તેને લીધે વાતાવરણ તંગ બનવા લાગ્યું એટલે તેણે શહેર જવાનો નિર્ણય કર્યો.

બાપુજીએ તેમના કોઈ ઓળખીતા પર ભલામણ પત્ર લખી આપ્યો અને તેમને ત્યાં થોડો વખત રહેવાની વ્યવસ્થા ગોઠવી આપી. એમને ત્યાં રહીને ફરી એ જ ચક્કર શરું થઈ ગયું. છેવટે સરકારી ઓફિસો, કોર્ટની સામે બેસીને અરજી લખી આપવાનું કામ એણે શરુ કર્યું. દરમિયાન સંબંધીને ત્યાં રહેવાનું એ છોડી ચૂક્યો હતો. થોડા દિવસ જિંદગી આમ જ વહેતી રહી. ફૂટપાથ પર સૂવું, ત્યાં જ કામ કરવું, જે આવક થાય તેમાંથી અમુક રકમ ગામ મોકલવી, પણ ક્યારેય એણે ઘેર પછા ફરવાનો વિચાર ન કર્યો. ધીમે ધીમે ઘર સાથેનો સંપર્ક ઓછો થતાં થતાં ક્યારે કપાઈ ગયો તે પણ તેને યાદ ન રહ્યું. ઘરેથી પણ કોઈ એને શોધવા કે મળવા ન આવ્યું. ક્યારેક રાત્રે એને ઘર, મા-બાપ, ભાઈ-બહેનો, કોલેજ, ગામ બધું યાદ આવતું. દુ:ખ થતું એ વિચારે કે બધા જ સંબંધો – લાગણીના, લોહીના – અમુક હદ સુધી જ સાચાં છે અને એ એક મોટા શહેરમાં – જ્યાં પોતાનું કોઈ જ નહોતું એવી જગ્યાએ દોડી દોડીને થાકી ગયેલી સૂમસામ સડકના કિનારે એક ફૂટપાથ પર લેમ્પ પોસ્ટની નીચે – દુ:ખના ,પ્રકોપના , અભિશાપના સફેદ પ્રકાશને ઝીલતો – બે પગ વચ્ચે માથું ટેકવીને કેટલીયે વાર સુધી રડ્યા કરતો.

એણે આંખ ખોલીને જોયું તો દૂર એક કૂતરાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. ઠંડા પવનના ઝપાટાથી તેના શરીર માંથી એક લખલખું પસાર થઈ ગયું. તૂટેલા કિલ્લા પાછળથી ડૂબતો સૂર્ય નિસ્તેજ કિરણો ફેંકી રહ્યો હતો. એણે પોતાના ગાલ પર ભીનાશનો અનુભવ કર્યો, વાસ મારતા શર્ટના કોલરના છેડાથી એણે આંખમાંથી આવતા પાણીને સાફ કર્યું અને ઊંડો શ્વાસ ભરીને તે શહેર તરફ ચાલવા લાગ્યો. ઊંચાઈ પરથી નીચે ઉતરતાં એણે શહેરની ઝિલમિલાતી રોશની તરફ જોયું. આજના દિવસના ઘટના ક્રમને મનોમન યાદ કરતાં, હાથમાં પેટી લઈને ફૂટપાથ પરની પોતાની જગ્યા તરફ ચાલવા લાગ્યો. તેનાથી હસી જવાયું. અકારણ! તેણે વિચાર્યું કે પોતે અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિ કેવી રીતે ઉદભવી? શું તે આ સ્થિતિ સુધારી શકે તેમ હતો? શું તેનું જીવન આમ જ પસાર થઈ જશે? કે પછી તેને આ સ્થિતિમાં રહેવું ગમી ગયું હતું?

કદાચ એ અત્યારે જીવી રહ્યો છે એના કરતાં અલગ જીવન જીવતો હોત તો અત્યારે જે વિચારો તેને આવે છે, જે અનુભૂતિ એને થઈ રહી છે એ જ વિચારો એ જ અનુભૂતિઓ આનાથી જુદી પરિસ્થિતિઓમાં કરી શક્યો હોત કે નહીં?

કંટાળીને એણે વિચારવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો અને પોતાની આસપાસ, રસ્તા પર, ફૂટપાથ પર થતી પ્રવ્રતિઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ચહેરાઓ – ઉદાસ, ખુશ, ગમગીન, ભાવશૂન્ય- બસ ચહેરાઓ જ દેખાઈ રહ્યા હતા. પોતે પણ એમની વચ્ચે હતો અને છતાં તેમની સાથે નહોતો- ફરી પાછા એ જ વિચારો...

જેમ-જેમ રાત વધતી હતી તેમ-તેમ ઠંડી પણ વધતી જતી હતી. બાજુમાં કેટલાક ભિક્ષુકોએ તાપણું કર્યું હતું. એ ત્યાં જઈને બેઠો, પોતાના હાથ આગથી થોડા દૂર મૂકીને તે વાતો કરવા લાગ્યો. ત્યાં પણ એને મજા આવી નહીં, પોતાની જગ્યાએ આવીને થોડા દિવસ પહેલાં દાનમાં મળેલું કમ્બલ ઓઢીને બેઠો અને બીડી પીવા લાગ્યો.

અચાનક તેને યાદ આવ્યું કે સાંજે તેણે કંઈ ખાધું નથી, પણ આજે મન ખિન્ન હતું એટલે ખાવાનો વિચાર માંડી વાળ્યો. ફરીથી વિચારો તેને ઘેરી વળ્યા. તેને આ શહેર છોડી દેવાનો વિચાર આવ્યો, તરત જ એને થયું કે, આવી રીતે તેણે કેટલાયે શહેરો બદલ્યા હતા. દર વખતે નવી જગ્યાએ જવાના ઉત્સાહ સાથે શહેર બદલતો પણ આ વખતે કંટાળીને શહેર બદલવાનો વિચાર આવ્યો.

થોડીવાર એમ જ બેસી રહ્યો ત્યાં અચાનક તેની આંખો ચમકી અને પેટીમાંથી તેણે સાચવી રાખેલી પૈસાની થેલી લઈને ઊભો થયો અને ત્યાં બેઠેલા તેના પાડોશી ભિક્ષુકોમાં તેણે એ બધા પૈસા વહેંચી દીધા. તેનું આ વર્તન જોઈને બધાને ખૂબ આશ્ચર્ય થયું. તે પાછો પોતાની જગ્યાએ આવ્યો. ઠંડી હવે સહન નહોતી થઈ રહી. તેણે પેટી ખોલી અને બધા સર્ટિફિકેટ્સ કાઢ્યાં અને તાપણા પાસે જઈ એક પછી એક સર્ટિફીકેટ આગમાં નાખતો ગયો. આગની ગરમીથી પોતના હાથ શેકવા લાગ્યો અને હસવા લાગ્યો. તેનું આવું વર્તન તેના સાથીઓ સમજી શકતા નહોતા- વારંવાર પૂછવાથી પણ તેણે કોઈ જવાબ ન આપ્યો.

હવે તેને સારું લાગી રહ્યું હતું. અચાનક એક પ્રકારની હળવાશ અનૂભવી રહ્યો હોય એવું એને લાગ્યું. થોડી વાર બાદ તે ઊભો થયો અને પોતાની જગ્યા પર આવીને ધાબળું ઓઢીને સૂઇ ગયો.

'દુખિયા... ઊઠ, ઊઠ હવે...' કહીને પેલા સફાઈવાળાએ તેને જોરથી લાત મારી. 'સાલાની ફરિયાદ કરવી પડશે હવે.' કહીને સફાઈવાળાએ તેને ખભેથી હલબલાવ્યો અને કમ્બલને તેના મોં પરથી ઉતાર્યું ને એ બે ડગલા પાછળ હટી ગયો.

કમ્બલના અંધકારને પોતાની ખુલ્લી આંખોમાં ભરીને દુખિયો શહેર છોડી ચૂક્યો હતો.

(જીતેશ ગોર, વલસાડ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.