સામેવાળી સ્ત્રી
હાંફતી હાંફતી માયા ડબ્બામાં દાખલ થઈ. હાથમાં વજન હતું એ એક કારણ ખરું છતાં આ એક જ અઠવાડિયામાં એને ત્રીજી વાર એમ લાગ્યું કે થોડું વજન ખંખેરી કાઢવું પડશે. જાત માટે આવી બેદરકારી ઠીક નથી. વખત મળે કે ન મળે તોય ચાલવું પડે, કસરત કરવી પડે. કાન નજીકથી છૂટી પડેલી લટને પિનમાં ખોસવાની કોશિશ કરતાં ખબર પડી કે આજે ફરીથી પિન ભુલાઈ ગઈ. હવે મુસાફરી દરમિયાન લટિયાં ઊડાઊડ કરશે. એને જાત પર ભારે ખીજ ચડી, એમાં ને એમાં વાપી પહોંચી જવાયું હોત ત્યાં તો એને ધ્યાનભંગ કરતો સવાલ એકાએક સામે આવી ઊભો.
- મુંબઈ જાઓ છો તમે?
સામે જોયું. પૂરેપૂરો ખીલેલો, સુખથી ધોવાયેલો અને સુખનાં જ ટીપાં બાઝ્યાં હોય એવો ચહેરો. ગાલની સુરખી, હોઠની ગુલાબી ઝાંય, ચળકતા, રેશમી વાળ અને માફકસરની સજાવટ. પોશાક ચીલાચાલુ નહીં, સફેદ ટી-શર્ટ અને લાંબું સ્કર્ટ આસમાની. બેગ-પર્સ બધું કિંમતી અને આ દેશનું લાગે નહીં એવું. એ ચુસ્ત શરીરમાંથી ફોરતી સુગંધ પણ કોઈ મોંઘા પરફ્યુમની જ હોઈ શકે. પરદેશમાં જ રહેતી હશે આ. ચોક્કસ અમેરિકા જ.
- ના, મુંબઈ નહીં. વાપી.
પછીની થોડી ક્ષણો બંને સ્ત્રીઓ બારીમાંથી બહાર જોતી રહી. ટ્રેન ઊપડી ત્યાં લગી એ ચારેય આંખોની ઘડીક અંદર તો ઘડીક બહાર આવનજાવન રહી. પ્લેટફૉર્મના કોલાહલની ગૂંગળામણમાંથી ડબ્બો છૂટ્યો ને જરા હવા આવી.
- હાશ... મારાથી અહીંની ગરમી નથી સહન થતી.
તો અનુમાન સાચું. પરદેશથી જ આવી છે.
- તમે વાપી જ રહો છો?
માયાને થયું કે પરદેશ રહે કે દેશમાં રહે, પંચાત તો એક જાતની જ કરે. શું કહેવું હવે આને?
- હા, વાપીમાં જ.
એનાથી આમ જ બોલાયું, ન વધારે, ન જુદું. પછી ખાતરી કરતી હોય એમ સામેવાળીને પૂછી લીધું.
- તમે ક્યાં... અમેરિકાથી?
- હા, દસ વરસથી કેલિફૉર્નિયા છીએ... મમ્મીને મળવા આવી છું. માંદી છે ખૂબ... મોટી બહેન નવસારી રહે છે તેને મળવા જાઉં છું. કાલે પાછી વડોદરા.
વાત આગળ ન વધે એટલા માટે માયાએ પર્સમાંથી ચોપડી કાઢી અને વાંચવામાં બહુ રસ પડતો હોય એમ અધીરાઈથી એક પાનું ખોલી માથું નીચું કર્યું. આમ કરવા છતાં સામે બેઠેલી સ્ત્રીનું નિરીક્ષણ કરવાનું ચાલુ જ રહ્યું. માયાએ અલપઝલપ જોઈ લીધું કે પેલીએ એનું મોટું પર્સ ખોળામાં ઠાલવ્યું હતું. એ કશુંક શોધતી હતી. પર્સમાંથી સામાન્ય રીતે જે નીકળવું જોઈએ એ બધું જ નીકળ્યું. ડાયરી, હેર-બ્રશ, લિપસ્ટિક, રૂમાલ, કાગળિયાં, પાંચદસ સિક્કા... કાળજીથી બધું અલગ કરતી એ પોતાની શોધમાં રોકાયેલી રહી. એની આંગળીઓ રૂપાળી હતી, નખ રંગેલા અને બે વીંટીઓ પહેરી હતી. એણે, ઠાલવેલા સરંજામમાંથી પણ આછી સુગંધ પ્રસરી રહી. ત્યાં જ બારીમાંથી પવનનો ઝપાટો આવ્યો અને એ સાથે જ ખોળામાં પડેલું એ કવર ઊડ્યું.
ઓ... આઉચ... જેવું માયાને સંભળાયું અને પોતાની પાસે આવી પડેલું કવર લઈ એણે પેલી સ્ત્રીને આપ્યું.
- થેન્કયૂ.
માયા માત્ર હસી, સામે વાળી સ્ત્રી કવર પર્સમાં ગોઠવતી હતી, ત્યાં જ કંઈ યાદ આવી ગયું હોય એમ એણે કવરમાંથી ત્રણેક ફોટા કાઢ્યા. પહેલા તો પોતે જોયા. પછી માયા સામે ધર્યા.
- સાથે જ રાખું છું. મારો સન અને હસબન્ડ... ફોટા ધર્યા એટલે વિવેક સારુય જોવા પડે.
માયાએ ચોપડી બંધ કરી, ટાંપ રાખવા પાનું વાળ્યું અને ફોટા હાથમાં લીધા. અમેરિકામાં હોય એવું ઘર અને અમેરિકામાં હોય એવો વર. ચટેરીપટેરી કપડાં, બેકયાર્ડમાં હીંચકો, સફેદજાંબલી ફૂલોની ક્યારી, બે મોટાં ઝાડ, લીલી ટેકરી પરથી નીચે દોડી જતો રસ્તો, મસમોટી સફેદ કાર અને નજીક દડો લઈને ઊભેલો ગોળમટોળ છોકરો. સાતેક વર્ષનો હશે... એકદમ વ્યવસ્થિત, રંગીન અને મુલાયમ સુખ.
- સરસ છે.
માયાને થયું કે આટલું તો કહેવું જ જોઈએ, જ્યારે એક તદ્દન અજાણી સ્ત્રી પોતાનું સુખ એની જોડે વહેંચવા ઉત્સુક હતી ત્યારે તો ખાસ.
સામેવાળી સ્ત્રી રાજી થઈ હોય એમ લાગ્યું.
- હું તો આ બંનેને છોડીને આવતી જ નથી. આ વખતે વિક્રમને બહુ કામ હતું. એટલે રોનકને એની પાસે રાખીને આવી ગઈ.
માયાને હવે વાતો કરવાનું મન થયું. ભલે ચાલતું આગળ.
- તમે પણ ત્યાં નોકરી કરો છો?
- ઓ... નો... નો... વિક્રમના ત્યાં ત્રણેક સ્ટોર્સ છે મોટા મોટા. રોનકના જન્મ પહેલાં કરેલી નોકરી એકાદ વર્ષ. પછી તો આમ જ... મઝા કરું છું...
એ ફરી હસી. સુખી લોકો આવું હસતા જ રહે છે વારંવાર. એના દાંત સરસ છે, એકસરખા અને સફેદ. પરદેશ હોય એના દાંત વધારે સફેદ હોતા હશે? માયા ઘડીક એને તો ઘડીક બારી બહાર જોઈ રહી. વાદળો ઘેરાવા માંડ્યાં હતાં. વાપી પહોંચતામાં વરસાદ ચાલુ. ખાડાવાળા ગંદા રસ્તા...
- તમે વાપીમાં નોકરી કરો છો?
માયાએ સવાલને પોતાની તરફ લંબાતો જોયો પણ જવાબ આપવામાં ઉતાવળ ન કરી. બારી બહાર વાદળની કાળી છાયા નીચેથી લીલાંછમ ખેતરો વચ્ચે ગોઠવાયેલું એક નાનકડું ઘર પસાર થઈ ગયું. આંગણામાં ફાલેલાં પીળાં ફૂલનો રંગ હવામાં ઊડ્યો હોય એવો ભાસ થયો. ઘર પાસે એક મોર ટહેલતો હતો કે શું?
- વાપીમાં અમારું ફાર્મ છે. થોડી ખેતી, થોડાં આંબા અને ચીકુ... કેળની વાડી છે નાનકડી...
- વાઉ... મસ્ટ બી નાઈસ...
- હા, બહુ સરસ જગ્યા છે, શાંત... રહેવાનું ગમે એવી.
- તમારે કોઈ દીકરા-દીકરી?
- ના, માત્ર અમે બે જ... ફાર્મમાં માણસો હોય તે જ અમારે તો કુટુંબ...
માયા બેધડક બોલી ગઈ. ક્યાંયે કશો ખટકો નહીં.
- સમય પસાર થઈ રહે ખરો? આઈ મીન ગામડામાં સોશિયલ લાઈફ જેવું કંઈ હોય નહીં એટલે...
- જુઓને, શનિ-રવિ તો અમે આસપાસ ક્યાંક જઈએ. ઘણી સુંદર જગ્યાઓ છે, બોરડી કે ઉમરગામ કે પછી ખાનવેલ... અને ચાલુ દિવસમાં ફાર્મ અને બગીચાનું કામકાજ. મને ગાર્ડનિંગ પસંદ છે...
હજી કશુંક બાકી રહ્યું હોય એમ માયાએ ઉમેરી દીધું.
- અઠવાડિયે બે દિવસ સંગીત શીખવા જવાનું. રિયાજમાં પણ ઘણો વખત જાય. મારા હસબન્ડ ધીરેનને - બહુ શોખ છે ક્લાસિકલનો...
- ઓ ધેટ્સ વેરી ઈન્ટરેસ્ટિંગ...
વાદળોએ ઘેરો ઘાલ્યો હતો મજબૂત. ડબ્બો અંધારિયો થતો જતો હતો. માયાએ ચોપડી બંધ કરી. એકનું એક વાક્ય વંચાયે જતું હતું એટલે વાંચવાનો કશો અર્થ નહોતો. બહાર ઝાડવાં અને માથોડાપૂર ઘાસ જે રીતે નમી પડતાં હતાં તે પરથી પવનની પ્રચંડ તાકાતનો અંદાજ આવી જતો હતો. તૂટી પડવાનો આજે બરાબર. માયાએ આરામથી બેસવાના વિચારે પગ ઉપર લીધા, ગોઠવ્યા.
- મને તો મોટી બહેનનું નવું ઘર ખબર જ નથી. આઈ હેવ ધી ફોન નંબર... એ લોકો હમણાં જ શિફ્ટ થયાં છે એટલે...
- તમને લેવા તો આવશેને કોઈ?
- યા... કાલે જ વાત થઈ છે ફોન પર. સ્ટેશન પર આવશે જ કોઈ. ત્યાંની લાઈફસ્ટાઈલથી એવી ટેવાઈ ગઈ છું કે મુસાફરીમાં અહીં હું નર્વસ થઈ જાઉં છું... રીતસર ગભરાટ જ થઈ આવે!
માયા કશું બોલી નહીં. આમાં બોલવા જેવું કંઈ હતુંય નહીં. વાતચીત થંભી ગઈ.
બહાર ઝરમર ચાલુ થઈ. આવો વરસાદ માયાને બહુ ગમતો, પણ ઝરમર ગમે ત્યારે સાંબેલાધારમાં ફેરવાય એવું હતું. એ ચિંતાથી પોતાના સામાનને જોવા લાગી.
- મારો દીકરો તો કહે કે મૉમ તું ટ્રેનમાં ટ્રાવેલ કરીશ તો માંદી પડી જઈશ! અહીંની માંદગીની - ખાસ તો મલેરિયાની વાતો આવતા-જતા લોકો કરે એટલે એને એમ જ કે ઈન્ડિયામાં તો લોકો માંદા જ રહેતા હશે!
- તમારો દીકરો અહીં આવ્યો છે કોઈ વાર?
- ના. એકેય વખત નહીં. ઈન્ડિયા જોયું જ નથી એણે તો. એને મન થતું જ નથી આવવાનું...
- યુ મસ્ટ બી મિસિંગ હિમ વેરી મચ...
માયા પહેલી વાર અંગ્રેજીમાં બોલી ડબ્બામાં બેઠાં પછી.
- યા, વેરી મચ...
સામેવાળી માત્ર આટલું કહી પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ. કદાચ વિક્રમ અને રોનકની હાજરી અનુભવતી રહી હશે... માયાએ એને એ બંને સાથે હાથમાં હાથ પકડી ઊભેલી કલ્પી જોઈ. પછી એની આંખમાં આંખ પરોવી માયા હસી પડી, પેલી પણ હસી. સંતોષ, આનંદ, સલામતી અને શાંતિ-છલોછલ હતું એ બધું જ ઢળ્યું અને રેલાયું.
ત્યાં જ માયાને યાદ આવ્યું કે, અત્યાર સુધી એણે સામેવાળીની માંદી મમ્મી વિશે કંઈ જ પૂછ્યું નહોતું. એ તો ચોખ્ખો અવિવેક જ ગણાય.
- તમારાં બાને શું થયું છે?
- હાર્ટ ટ્રબલ. હાઈપર ટેન્શન. મને તો થાય કે મમ્મીને ત્યાં લઈ જાઉં પણ અહીં ભાઈ ના પાડે છે. ને ખાસ તો મમ્મીને જ નથી આવવું. કહે કે મને ના ફાવે. સગાંવહાલાં બધાં આટલે જ ને...
- સાચી વાત છે એમની. પાછલી ઉંમરે તો જ્યાં રહ્યા હોઈએ ત્યાં જ ફાવે.
ડબ્બાની અંદર જ ક્યાંક ચીતરેલું સૂત્ર વાંચતી હોય એમ એ બોલી.
એક નાનકડું સ્ટેશન ઝડપભેર પસાર થઈ ગયું. બે-ત્રણ જણે ઊભા થઈ સામાન સંભાળ્યો અને બારણા તરફ જવાની તૈયારી કરી. કદાચ નવસારી જ આવવાનું હતું.
- લો, તમારું સ્ટેશન આવી ગયું.
સામેવાળીએ બેગ-પર્સ લીધાં, ટી-શર્ટ ખેંચીને સરખું કર્યું. વાળમાં આંગળીઓ ફેરવી, નજાકતથી.
- ચાલો, બાય... થેન્કસ ફૉર યોર કંપની...
એ નીચે ઊભી રહી ત્યાં જ ભીડમાં એક હાથ એની સામે ફરક્યો.
માયાએ જોયું કે એને લેવા માટે એની મોટીબહેન જ આવી હતી કદાચ. બંને ભેટ્યાં અને કદાચ રડતાંય હતાં. જોકે એમ ન પણ હોય. માત્ર દૂરથી એવું લાગ્યું હોય. વરસાદનું જોર વધ્યું હતું. વાપી સુધીમાં તો ધોધમાર. વાપીમાં તકલીફ થવાની. મોટી બેગમાં સિલાઈકામના થોડા નમૂના હતા. ઑર્ડર આપવા માટે વેપારીએ નમૂના જોવા માગ્યા હતા. પસંદ થઈ જાય તો સારું કામ મળે. ઠેઠ તળિયે ચોંટેલી પેલી ઉપેક્ષાની પીડા અંગે સભાન હોવા છતાં માયાને જરા રમૂજ થઈ આવી. કેટલી સહેલાઈથી એણે પોતાની જાતને ધીરેનના ફાર્મહાઉસમાં ગોઠવી દીધી હતી! બાકી ધીરેન પાસે હવે ફાર્મ હતું કે નહીં, કોને ખબર છે! અને એ પરણ્યો કે નહીં એનાયે ક્યાં વાવડ હતા! આ તો વર્ષો પહેલાંની એક સવાર આજે એના જીવનમાં ફરી ઊગી હતી. અણધારી ને અનાયાસ. એ સવારે ધીરેન એને જોવા આવેલો... ના... એ બેયની મુલાકાત ગોઠવાઈ હતી અને જો ધીરેનને ફાવ્યું હોત તો બંનેનાં લગ્ન - બધું આમ તો નક્કી જેવું જ હતું.
એને પોતાને તો જાણે ધીરેન ઘણો ગમી ગયો હતો એ વળી જુદી વાત. બી.એ. થયા પછી પણ સારી નોકરી એને મળેલી નહીં, અને કામની પસંદગીમાં જેનો છેલ્લો ક્રમ હોય એ સિલાઈકામ જ એને ભાગે આવ્યું હતું. એની નિષ્ફળતાની યાદીમાં ધીરેન ઉપરાંત બીજું ઘણું હતું અને યાદી લંબાતી જતી હતી.
ફાર્મહાઉસ અને ધીરેનને બાજુ પર મૂકી માયાએ વાપીનો વિચાર કરવા માડ્યો. પેલા સિંધી વેપારીનું ઠેકાણું દૂર હતું એટલે રિક્ષા જ કરી લેવી પડશે. વાછટ આવતાં એણે બારી નીચી ખેંચી. દુપટ્ટો તો પણ પલળી ગયો, એને જરા ખેંચી, ઝાટકી અંતરપટ પેઠે મોં આગળ ધરી ફરફરવા દીધો. જલદી સુકાઈ જાય એ રીતે.
* * *
મોટી બહેને એનો ખભો થપથપાવ્યો અને પછી પોતાનો પુષ્ટ હાથ એને વીંટાળ્યો. રૂમાલથી એની આંખ લૂછી, ગાલ પર આંગળી ફેરવી, ટેરવાં ભીનાં થઈ ગયાં.
- રસ્તો નીકળશે કોઈ ને કોઈ. અમે છીએને! રોનકને અહીં રાખીશું અહીં ભણશે, ચિંતા ના કર.
- એનો અવાજ ભારે થઈ ગયો, માંડ બોલી શકાયું.
- પણ વિક્રમ માનવો જોઈએ ને! રોનકને હવે અહીં ફાવશે કે નહીં, ખબર નથી... મારાથી ત્યાં નહીં રહેવાય એ નક્કી...
- એવું તો કશું નહીં. ત્યાંય બાઈઓ એકલી રહેતી જ હશે ને! છૂટા પડવાનું ત્યાં તો બહુ કૉમન છે, એવું નહીં?
- છે, પણ મારે હવે ત્યાં રહેવું જ નથી...
- આપણને શી ખબર કે વિક્રમ છેક જ આવો...
મોટી બહેનનું વાક્ય અંતરિયાળ રહ્યું, કારણ કે એ રડતી હતી અનરાધાર... અટકવાની જ ન હોય એવી રીતે...
કારમાંથી દોડી આવેલા ડ્રાઈવરે છત્રી ખોલીને એની સામે ધરી.
(વાર્તાકારઃ હિમાંશી શેલત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર