પપ્પા વિશેનું મંથન

19 Jun, 2016
02:02 PM

mamta ashok

PC:

(મંથન જોષી)

તમારા માટે મમ્મી કરતા વધુ લખાય ગયું, પપ્પા!  પપ્પા, એક પડછાયો રોજ સવારે ઉઠે છે, દૈનિક ક્રિયાઓ પતાવે છે, છાપું વાંચે છે, ટીવીમાં ક્યાંક નજર ફેરવી, કામ માટે બહાર નીકળે છે. આ એનો રોજિંદો નિત્યક્રમ છે, નિત્યક્રમ બનાવવો અને બની જવો એમાં ઘણો ફર્ક હોય છે.  બાઈકને કિક મારી પાછળ નીકળતા ધૂમાડામાં આગલી રાત્રે ટીવી જોતાંજોતાં આવેલા રજા પાડવાના વિચારોને ઉડાડી એ એના કામે જાય છે, ખૂબ ઈમાનદારીથી દિવસ આખો કામ કરે છે, પેલી રજા પાડવાની ઈચ્છા રોજ રાત્રે ટીવી જોતાં થાય છે, પરંતુ એમ ઈચ્છાઓ માત્રથી કશું જ થતું નથી. પડછાયો ચાલીસી વટાવી ચૂક્યો છે, જુવાનીમાં ક્યાંક જોયેલા સપનાં આંખોથી નીચે ઉતરી આંખો નીચેની કાળાશમાં છૂપાઈ ગયા છે ને એ કાળાશ પેલા રોજના એક જ જેવા જીવનથી પડી ગઈ છે.

હવે આંખો સામે સ્વપનો નથી હકીકત છે. કામ વેતરું કરવા જેવું લાગે છે, પરંતુ ચહેરા પર ક્યારેય એ વર્તાતું નથી, જે છે જેટલું છે એમાં વધુમાં વધુ સુખ આપવાની કોશિશ કરે છે. દરેક માણસની પોતાની સુખની વ્યાખ્યા હોય છે એમની પણ છે. સાંજે આવી પરિવાર જોડે સ્વાદિષ્ટ ભોજન કરવું એ એમનું સુખ છે. માત્ર ત્રણ રંગોમાં એમનું જીવન પૂરું થઈ જાય છે એ ત્રણ રંગો એમનો પરિવાર છે. એ પડછાયો જેમ સવારે ધુમાડો ઉડાડી જાય છે તેમ જ રાત્રે પાછો ઘરે આવે છે. ઘરે બીજા ત્રણ પડછાયા એની રાહ જુએ છે, એમાંનો એક હું હોઉં છું. હા પપ્પા જ્યાં સુધી તમે રાત્રે ઘરે નથી આવતા ત્યાં સુધી એમ જ થાય છે કે પપ્પા ક્યારે આવશે.

આપણે ત્યાં બાપ દીકરાઓ ઘણી વાતો નથી કરતા કે જોડે બેસી ચર્ચા નથી કરતા, આપણે પણ નથી કરતા. દરેક બાપ પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરે છે. બસ, જતાવી શકતા નથી. આ દુનિયાએ માતૃપ્રેમનું જેટલું માર્કેટિંગ કર્યું છે એટલું પિતૃપ્રેમનું નહીં! બાપને આદત હોય છે માનું નામ દઈ દીકરાને એમ કહેવાનું કે, ‘તારી મા કહેતી હતી, તું તારું ધ્યાન નથી રાખતો!’ એ વાક્યના પડઘા સ્વરૂપે બાપના હૃદયમાં એમ જ બોલાય છે, ‘હું કહું છું, દીકરા તું તારું ધ્યાન નથી રાખતો!’ને દીકરાઓને એ પડઘા સાંભળતા સમય લાગી જાય છે, પણ ના પપ્પા મને સંભળાય છે, હું ઘરની બહાર જેટલી વાર બાઈક લઈને બહાર ગયો હોઈશ ત્યારે તમે દરેક વખતે કહ્યું છે, ‘ધ્યાનથી બાઈક ચલાવજે!’

એમ આખો દિવસ હું શું કરું છું કદાચ તમારા ધ્યાનમાં નહીં રહેતું હોય પણ એ સમય મારા માટેની ચિંતાને શબ્દો મળી જાય છે. હું રાત્રે કામથી કોઈ વાર બહાર જાઉં છું, મોડું થઈ જાય! તમે મને ક્યારેય કશું નથી કહેતા પણ પથારીમાં સૂતા સૂતા મારી મમ્મીને ખીજવાયા કરો છો કે, આ હજુ નહીં આવ્યો! હું આવું ત્યારે મમ્મી મને ખીજવાય છે ને તમે બસ હું આવી ગયો એ વાત જાણી નિરાંતથી સૂઈ શકો છો.

કદાચ આપણે સૌથી વધુ વાત મેચ જોતી વખતે જ કરી છે. મને આઈપીએલની રમતો જોવામાં કોઈ રસ નથી હોતો પણ એ સમયે પણ આપણે સાથે બેસી શકીએ છીએ. એવું નથી કે એના સિવાય ના વાત થાય પણ, કહ્યું ને આપણે ત્યાં બાપ દીકરાઓ એમ બેસી વાતો નથી કરી શકતા. મેચમાં રસાકસી થાય ત્યારે મજા આવે, હું તો તમને જ જોતો હોઉં છું.  તમારી એક જેવી રૂટિંગ જિંદગી જાણે દરિયાની જેમ ઉછાળવા માંડે છે ત્યારે.

તમને કવિતાઓ ને વાર્તાઓમાં રસ નથી તોય ભલે મારી સામે નહીં પણ બીજા ઘણાય લોકોની સામે તમે કહ્યું છે કે, ‘અમારો મંથન કવિતાઓ લખે છે.’ આ વાત મમ્મી મને કહેતી હતી. તમને ખબર છે બે વર્ષ પહેલા મેં કોલેજમાં એક નાટક કર્યું હતું, મમ્મીની ખૂબ જીદ પછી તમે બધા પહેલી વાર મને સ્ટેજ પર જોવા આવ્યા હતા. એ દિવસે મેં મારી આખી ટીમ ને કહ્યુંતું, ‘આજે મારા પપ્પા પહેલી વાર મને સ્ટેજ પર એક્ટ કરતા જોશે.’ નાટક બધાને ખૂબ ગમ્યું. તમને પણ! તમે ઘરે આવીને બધા જ રેલેટિવ ને ફોન કરીને કહી દીધું કે, ‘આજે તો મંથનનું નાટક હતું મજા આવી ગઈ…! એ ફોન પરનો તમારો ઉત્સાહ મારા માટે ઓસ્કાર છે પપ્પા! હું નાનો હતો ત્યારે તમારાથી ડરતો હતો. એક વાર તમે કહ્યું, ‘એમ ડરવાનું નહીં મારો ગુસ્સો અડધો કલાકનો હોય પછી બધું સારું થઈ જાય.’ હવે હું નથી ડરતો! એક વાર જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે તમે મને એક તમાચો મારેલો. ગાલ પર ચાર આંગળાની છાપ પડી ગયેલી. હું ખૂબ રડ્યો તમને પણ દુઃખ થયું. તમે સાંજે મને સાઇકલ લઈ આપી, આઈસક્રીમ ખવડાવી, બહાર જમવા લઈ ગયા! તમાચો તમને મોંઘો પડ્યો! આ વાત કરીને હું ને મમ્મી આજે પણ ખૂબ હસીએ છીએ છે. એ દિવસ પછી તમે મને ક્યારેય માર્યું નથી. તમે આખાબોલા છો, જિદ્દી છો, નાની નાની વાતોમાં જૂઠું બોલવું એ તમારી આદત નથી, ઈમાનદારીથી સ્વચ્છ જીવન જીવવું એ તમારો નિયમ છે, તમે કહો છો ક્યારેક ક્યારેક ઝગડો કરી લેવો એ જ સમસ્યાનું નિરાકરણ બની જાય છે… એમ મનમાં રાખી પોતે અને સામેવાળાને દુઃખી કરવા એમાં કોઈ માણસાઈ નથી ને હું તમારી આ દરેક આદતો પર ગર્વ લઉં છું. હું તમારા જેવો જ બનવાની કોશિશ કરું છું.

બાપ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, કે સામાન્ય વર્કર હોય પણ એ એના દીકરા માટે હંમેશાં, ‘વિશ્વનો મહાન માણસ હોય છે.’ ઘણી વાર થાય છે કાશ તમે મારી મમ્મી હોત તો આપણો સંબંધ આવો ના હોત, આ પત્રમાં આપણા સંબંધ વિશે લખવાનું છે. મને નથી ખબર મેં શું લખ્યું છે, પણ જ્યારે તમારું નામ લઉં ત્યારે મને આવું જ કંઈ યાદ આવે છે.

મને યાદ છે ત્યાં સુધી આપણો સાથે એક પણ ફોટો નથી. આજે આ પત્રમાં મૂકવા પડાવવો હતો, પરંતુ આજે પણ ના કહેવાયું કે, ‘હું આ લખું છું એના માટે ફોટો જોઈએ છે તમારો.’

આપણા વિચારો એકદમ અલગ છે… એટલે જ કદાચ આમ થતું હશે! તમારી ઈચ્છા છે કે હું ગવર્મેન્ટ જોબ લઈ શાંતિથી જીવન જીવું! તમે નથી ઇચ્છતા કે તમે જે રીતે અટવાય જાઓ છો એ રીતે ક્યારેય હું અટવાય જાઉં અને હું લખવા માંગુ છું, શું કરું! હું પણ નિરાંતનું જીવન જીવવા માંગુ છું પણ એના પહેલા ખૂબ હાંફવા માંગુ છું, જુવાન છું ને, જંગલી વિચાર છે! પણ એક વચન આપું છું, જે પણ કરીશ તે તમે તમારા વટથી કહી શકશો દુનિયાને એવું કરીશ, હું તમારા પપ્પાના જીવન પરથી શીખ્યો છું. જીવનમાં મેહનતથી ડરવું નહીં ને હું બહાદૂર બનીને જીવીશ ખૂબ મેહનત કરીશ. મેં મમ્મી કરતા તમારા વિશે વધુ લખ્યું છે પપ્પા. કોઈ વાર તમારા ઉપર ગુસ્સો આવે છે, કદાચ તમારા ઉપર નહીં પેલા આખા દિવસ નહીં થાકીને આવેલા ચીડ કરતા પડછાયા ઉપર. હું ક્યારેક કંઈ બોલી ગયો હોઉં તો ‘I am really sorry’  આપણે બંને સારા છીએ, એટલે જ આવા છીએ. વધુ કંઈ યાદ નથી આવતું, પણ આ દુનિયાથી એક ફરિયાદ છે કાશ એમને બાપની મહાનતાને પણ એવી જ રીતે નવાજી હોત જેટલી માની. પપ્પા અમે ખૂબ ખુશ છીએ,  કોઈ ફરિયાદ નથી… આપણા વચ્ચેની લાગણીઓની કોઈ વ્યાખ્યા નથી, સાહિત્યમાં કોઈ શબ્દનિરૂપણ નથી, એ અનંત છે, અનન્ય છે.  હું નેક્સટ મેચની રાહ જોઉં છું…! તમારો બઘું જ મંથન.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.