પ્રેમ તૃષ્ણા
પથારીમાં સૂતા સૂતા આરાધ્યા છત સામે તાકતી હતી. આરાધ્યાને કંઈ જ સૂઝતુ ન હતું કે તે શું કરે. મન આજે ખૂબ જ બેચેન હતું. વારે વારે મોબાઈલ હાથમાં લઈને વોટ્સ એપમાં એન્ડ્ર્યુનો લાસ્ટ સીનનો ટાઈમ જોઈ લેતી હતી. વ્હોટ્સ એપમાં બે દિવસ પહેલાનું જ લાસ્ટ સીન બતાવી રહ્યું હતું.
એન્ડ્ર્યુ સાથે બે દિવસથી તેનો કોઈ સંપર્ક નહોતો થયો. એ સતત ફોન કરતી રહેતી પણ એન્ડ્ર્યુનો ફોન સ્વીચ્ડ ઓફ જ આવતો હતો. એન્ડ્ર્યુ પ્રોફેશનલ ફોટોગ્રાફર હતો. પોતાના શોખને એણે એનું ફૂલ ટાઈમ કામ બનાવી દીધું હતું. માટે જ તેણે ફોટોગ્રાફી માટે અલગ અલગ દેશોમાં જવું પડતું.
છેલ્લા દોઢ મહિનાથી તે ઈરાક ગયો હતો. તેનો એક ફ્રેન્ડ ત્યાંની લાઈફનું કવરેજ લેવા જવાનો હતો તેની જાણ થતાં જ એન્ડ્ર્યુ પણ ઉછળતો કૂદતો તેની સાથે ઈરાક જવા તૈયાર થયો હતો. જતાં જતાં એ આરાધ્યાને મળવા તેના ઘરે આવ્યો હતો ત્યારે આરાધ્યાએ તેની સાથે સરખી રીતે વાત પણ નહોતી કરી. આરાધ્યાને એ નહોતું ગમતું કે એન્ડ્ર્યુ બે મહિના માટે તેને એકલી મૂકીને ઈરાક જઈ રહ્યો હતો.
બંને એકબીજાને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ કરતા હતા. આવતા ફેબ્રુઆરીમાં હવાઈ ટાપુ પર બંને જણા લગ્નનું પણ પ્લાનિંગ કરી રહ્યા હતા. અને એન્ડ્ર્યુએ બરાબર ડિસેમ્બરમાં જ ઈરાક જવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. લગ્નને બે જ મહિના બાકી હતા ને, તે બે મહિના એન્ડ્ર્યુ ઈરાકમાં વિતાવવાનો હતો.
‘યાર… પ્લીઝ તું મારી વાત સમજ. હું કેટલા ટાઈમથી ઈરાક જવાનું વિચારતો હતો એ તો તને ખ્યાલ જ છે ને. હવે મેક સાથે જવા મળે છે તો મને જવાદે ડાર્લિંગ…. આઈ પ્રોમીસ, હું ત્યાંથી તને રોજ ફોન કરીશ અને વોટ્સ એપ પર રોજ ફોટોગ્રાફ્સ મોકલીશ. તને લાગશે જ નહીં કે હું તારાથી દૂર ગયો છું. પ્લીઝ બેબી… પ્લીઝ….પ્લીઝ!’ એન્ડ્ર્યુએ બોલતા બોલતા જ આરાધ્યાના હોઠ ઉપર ભીની કિસ કરી.
‘એન્ડ્ર્યુ… વેડિંગ ને બે જ મન્થ્સ બાકી છે….’ આરાધ્યાની આંખો અનાયાસ જ ભીની થઈ રહી હતી.
‘આઈ નો યાર… હું વેડિંગના એક વીક પેહલા જ હવાઈ પહોંચી જઈશ. આપણે એમ જ પ્લાન કર્યું હતું ને કે આપણે બંને વેડિંગના એક વીક પહેલા હવાઈ પહોંચી જઈશું? તો હું એ જ પ્લાન પ્રમાણે ત્યાં હાજર હોઈશ બેબી.’ એન્ડ્ર્યુએ પોતાનું કપાળ આરાધ્યાના કપાળ સાથે અડાડતા ધીરેથી કહ્યું.
‘ઓકે એન્ડ્ર્યુ… આઈ વિલ બી વેઈટીંગ ફોર યુ.’ કહી મન કઠણ કરીને આરાધ્યાએ એન્ડ્ર્યુને જવા દીધો.
એરપોર્ટના ડિપાર્ચર ગેટ પાસેથી પોતાને ગુડ બાય કિસ કરીને જતો એન્ડ્ર્યુ જોતજોતામાં આંખ સામેથી ઓઝલ થઈ ગયો.
*******************************************************************
આજે સાંજે તેમના લગ્ન હતા. એન્ડ્ર્યુ સાથે છેલ્લે વાત થઈ ત્યારે તેણે કહેલું કે ટિકિટ બે દિવસ પછીની થઈ શકી છે. માટે તે લગ્નના આગલા દિવસે નક્કી પહોંચી જશે. આરાધ્યા તો પાંચ દિવસથી હવાઈ પહોંચી ચૂકી હતી. એની સાથે તેના નજીકના ફ્રેન્ડસ અને સગા વહાલાઓ પણ ત્યાં આવી ચૂક્યા હતા. આરાધ્યા ગઈ કાલથી એન્ડ્ર્યુને ફોન ઉપર ફોન કર્યા કરતી હતી. પણ સામે સ્વીચ્ડ ઑફનો જ જવાબ મળતો હતો.
બેડ ઊપરથી ઊભી થઈ, પોતાના વેડિંગ ગાઉનને લઈને તે બાથરૂમ તરફ આગળ વધી. તેને ખાતરી હતી કે એન્ડ્ર્યુ કેમેય કરીને લગ્નના સમયે હવાઈ પહોંચી જ જશે.
‘તે કદાચ સરપ્રાઈઝ આપવા માગતો હશે! આવવા દે તેને સામે. આજે તેની ખેર નથી!’ મન માનવતા માનવતા એ તૈયાર થવા લાગી. તેની ફ્રેન્ડસ પણ તેને તૈયાર કરવા આવી ચૂકી હતી.
સાંજના છ વાગ્યે હવાઈના સફેદ રેતીવાળા દરિયાકિનારે વાઈટ અને બ્લ્યુ સિલ્કના કપડાથી ડેકોરેશન તૈયાર હતું. પાછળ સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો. આકાશમાં ગુલાબી સાંજના રંગ વિખેરાઈ રહ્યા હતા. મહેમાનો બધા આવીને પોતપોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયા હતા.
આરાધ્યા પણ સફેદ ગાઉનમાં તૈયાર થઈને વેન્યુ ઉપર પહોંચી ગઈ હતી. પરંતુ એન્ડ્ર્યુનો કોઈ પત્તો ન હતો. મહેમાનો ક્યારના બેઠા બેઠા કંટાળી રહ્યા હતા. આકાશમાં સોનેરી ઝાંય છોડતો સૂરજ પણ હવે અડધો જ દેખાતો હતો. આરાધ્યાનો વિશ્વાસ પણ હવે તૂટતો જતો હતો. મનમાં એન્ડ્ર્યુએ દગો કર્યાનો રોશ ઉત્પન્ન થવા લાગ્યો હતો
લગ્નની જગ્યા પરથી નીકળીને ગુસ્સામાં તે પોતાની રૂમ તરફ રડતી રડતી જઈ રહી હતી ત્યાં જ તેની ફ્રેન્ડ મારિયા હાથમાં મોબાઈલ લઈને તેની તરફ દોડતી આવી. તેના મનના કોઈ ખૂણામાં ઝીણી આશા બંધાણી કે એન્ડ્ર્યુ હવાઈ પહોંચી ગયો હશે. મારિયા હાંફતી હાંફતી આરાધ્યા સામે આવીને ઊભી રહી. આરાધ્યા આશા ભરી નજરે તેની તરફ જોઈ રહી હતી. મારિયાની આંખોમાં કંઈક શોધતી હોય તેમ એ તેને તાકી રહી હતી. મારિયા આરાધ્યાની નજરોનો સામનો ન કરી શકી. તેની પાસે જે ન્યુઝ હતા તે કેહવાની મારિયામાં હિંમત ન હતી. તેણે ધીમેથી હાથમાં પકડેલો ફોન આરાધ્યા સામે ધર્યો અને નીચું જોઈ ઊભી રહી. આરાધ્યાએ પ્રશ્નાર્થભરી નજરે ફોન સામે જોયું. એ ફટાફટ ફોન હાથમાં લઈ જોવા લાગી. સામે સ્ક્રીન ઉપર એક વીડિયો પોઝ કરેલો હતો. તેણે ધ્રુજતા હાથે પ્લે બટન દબાવ્યું.
સામે એન્ડ્ર્યુ હતો. એની આંખોમાં ભરપૂર દર્દ, ડર અને લાચારી હતી. તેણે એક ક્ષણ માટે આરાધ્યાને યાદ કરીને આંખો બંધ કરી… તેના બંને હાથ પાછળ બાંધીને ગોઠણ ઉપર બેસાડેલો હતો. તેની પાછળ કોઈ ઊભું હતું, જેણે એન્ડ્ર્યુના વાળને ખેંચીને પકડી રાખ્યા હતા, જેથી તેની ખુલ્લી ડોક દેખાઈ શકે. હજુ થોડી જ ક્ષણો પસાર થઈ હશે, જ્યાં બાજુમાં ઊભેલો માણસ હરકતમાં આવ્યો અને એન્ડ્ર્યુની ડોક ઉપર એક ધારદાર તલવાર ધીરેધીરે ફરી રહી હતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર