કાલ સુધી તો

30 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

ઘડિયાળમાં જોઈને કહી શકાય કે આ સમયે એ ઘરના કયા ભાગમાં કયું કામ કરતી હશે. સ્ફૂર્તિ છલકાઈ છલકાઈને રેલાતી રહે એની આસપાસ.

- આ ઉંમરે તારો આ તરવરાટ અને ઝડપ તો કહેવું પડે... તારી બે વહુઓનું ગજું નથી હારોહાર કામ કરવાનું.

- જાવ જાવ, ક્યાં એ લોકો ને ક્યાં હું... મને તો ખાસ્સી ઉંમર વરતાય છે, થાકેય નથી લાગતો એમ નહીં.

કાન પાસે અને કપાળે ચોખ્ખી દેખાતી રૂપેરી લટ બતાવી એ કહેતી, પણ એની દોડધામ તેથી કંઈ ઓછી થતી નહોતી. હાથ સતત કામની માગણી કરતા રહે એના.

- લાવ જરા હાથ નવરો છે તો કોઠાર સાફ કરી દઈએ આજે.

- ચાલ આજે વખત છે તો થોડો તાજો નાસ્તો જ બનાવી કાઢીએ.

- અત્યારે જમવામાં સાદું રાખ્યું છે તો જરા આટલી સાડીનો ફૉલ લગાવી દઉં.

- લો, આ સ્વેટર તૈયાર થઈ ગયું તમારું. નવું જોઈતું હતું ને આ શિયાળામાં તે...
એને લીધે તો રક્ષા અને ચેતના સાવ છૂટાં જ રહેતાં.

- હવે ક્યાં સુધી કરવાનું છે આ બધું તારે? તને પછી આરામ જેવું કંઈ જોઈએ ખરું કે નહીં...

- તે મારે આરામ જ છે ને.... નોકરચાકર છે, વહુઓ છે અને હું જે કરું છું, તે કામથી કોઈ થાક્યું હોય એવું જાણ્યું નથી હજી સુધી...

- બાને પૂછો, બા જાણે છે, બાએ રાખ્યું છે, બા કહેતાં હતાં, બાએ બનાવ્યું છે. બા કરવાનાં છે... ક્રિયાપદ વગરની બા જાણે હોય જ નહીં એવું. જરાક વાર બેસે ન બેસે, પળવાર થોભે, અને પાછી કોઈ કામમાં ઊંડી ઊતરી ગઈ હોય એ.

રોજના જેવી જ એક સામાન્ય બપોરે, કશું અણધાર્યું બનવાનું છે એનાં એંધાણ આપ્યા વગર, એનું શરીર ખોટકાઈ પડ્યું. એક ભાગ સાવ પથરા જેવો થઈ ગયો, છૂટો કરી દેવાય તો પણ ખબર ન પડે એટલો જડ. આ સમયે તો બાકી એ નિશાળેથી છોકરાંઓ આવવાનાં હોય તેમને માટે કોઈક ભાવતી ચીજ બનાવવાની ગડમથલમાં હોય. એને સહેજ પણ ફુરસદ ન હોય અત્યારે તો. હવે દોડધામ, તરવરાટ એક ઓરડાની પથારીમાં સમેટાયાં.

- બાનો ખાટલો આ તરફ રાખો, એમને ઘરમાં શું ચાલે છે એ દેખાયા કરે તો વખત સારી રીતે પસાર થઈ જાય.

- ના, ના, પેલી તરફ હોય તો વધારે સારું. હવે એમને કામની મગજમારી કરવાની જરૂર શી છે? ત્યાંથી ફૂલો અને ઝાડ ને થોડી લીલોતરી દેખાય તો મન શાંત રહે ને સારું લાગે.

તોયે એણે ઘડિયાળ સામે જ રખાવ્યું. ભલે સમયસર કશું કરવાનું બંધન ન હોય તો પણ. વારેવારે પૂછવાનું ફાવે નહીં કે કેટલા વાગ્યા, અમસ્તી નજર પણ જો ઘડિયાળ ભણી જાય તો ખ્યાલ આવે કે અત્યારે શેનો વખત થયો હશે.

- આ કબાટ હવે અહીંથી લઈ લઈએ. બાની વ્હીલચેર અને દવાનું ટેબલ બધું અહીં રાખવાં જોઈએ થોડી જગ્યા, એટલે કબાટવાળો ખૂણો ખાલી થવા દો.

એણે ચાવી રક્ષાને સોંપી દીધી. કબાટ ગયા પછી ચાવીનું તો કોઈ કામ જ નહોતું. આમેય એ કંઈ કબાટ ખોલી શકવાની નહોતી.

વાંચવામાં, પાઠ કરવામાં વખત જતો, પણ સાવ ધીમો. બે કાંટા આનાકાની કરતા, બે ડગલાં આગળ ને ચાર પાછળ એ ખસતા. ક્યારેક તો એની જેમ ખોટકાઈ પડ્યા હોય એવું લાગતું.

- ગોપુ, જરા આ ઘડિયાળ જો તો બંધ નથી થઈ ગયું ને... કોઈક આવીને ડબ્બો હલાવી જોતું, કાને માંડી જોતું.

- ખાસ્સું ચાલે તો છે, એ તો તમને લાગે એવું.

હવે દૂધ આવવું જોઈએ, રક્ષા કે ચેતના જાતે દૂધ ગરમ કરે તે જ સારું, બે દિવસ પર બૂમ સાંભળેલી કે ઊભરાઈ ગયું. આપણને તો શીખવેલું જ એવું કે દૂધ ગરમ કરતી વખતે ખસવાનું નહીં. આ તો નોકરો પાસે કામ લેવાની આદત પડી ગયેલી એટલે... કીડીઓ થઈ ગઈ છે કેટલી, ચોક્કસ પોતું કરતી વખતે પાણીમાં કોઈ કશું નાંખતું નહીં હોય, એ તો આપણે જ ધ્યાન રાખવું પડે. ને ખોળ ધોવાની થઈ છે પણ બદલતું નથી કોઈ. યાદ જ શેનું આવે એ લોકોને તો, પછી મેલીદાટ થાય તો કે ધોવાતી નથી સરખી. ઘરના કામ તો નવરાં ને નવરાં જ લાગે. રક્ષા તો ફોન પર કંઈ વાત કરે, બસ કર્યા જ કરે, પંદર-વીસ મિનિટથી ઓછી ના હોય. એ કોણ નવરું હશે એવું આવે વખતે? ને પંદર મિનિટમાં તો કેટલાં ઝીણાં ઝીણાં કામો પતાવી દેવાય. આ તો એક બટન ટાંકવા જેટલીયે ફુરસદ નથી બેયને. પરમદિવસે સવારે અક્ષયને કેટલા ઘાંટા પાડવા પડ્યા એક બટન ટાંકવા જેવી બાબતમાં, આવું આજ પહેલાં થતું’તું કોઈ દિવસ? કપડાં રવિવારે જોઈ લેવાનાં, બટન તૂટી ગયાં હોય કે કંઈ દોરાબોરા ભરવાના હોય તો પતાવી દેવાનું. આટલાં વરસથી કોઈએ જાણ્યું નથી કે આવી ધૂલ જેવી વાતમાં કોઈને ફરિયાદ કરવી પડે...

- અરે રક્ષા, આ શાકવાળો બૂમ મારે છે, તમે જરા ધ્યાન આપો.

- તો... ના લેવાનાં હો તો ના પાડી દો.

- બા બેઠાં બેઠાં સતત સૂચનાઓ આપ્યા કરવાનાં. એમને કહીએ કે આમ કરવાથી માંડ ઠેકાણે આવેલું પ્રેશર પાછું વધી જશે, પણ એ માનવાનાં નહીં.

આવામાં મંદારની વર્ષગાંઠ ઊજવવાની ઈચ્છા નહોતી કોઈની.

- જવા દો ને એ બધી પાર્ટીની માથાઝીંક, એ કરતાં બહાર રાખવું હોય તો રાખી લઈએ, ખટપટ નહીં.

- પણ બાને નહીં ગમે. એમને કેટલો ઉત્સાહ હતો.. આપણે ત્યાં જ ગોઠવીએ. બધાં ઓળખીતાં પાળખીતાં આવશે એટલે બાના બે-ચાર કલાક સારા જશે.

- પણ થશે બધું તમારાથી એકલે હાથે?

રક્ષા ચેતના સામે જોઈ હસી પડી.

- જુઓ, ના થાય તો માંડી વાળીશું વિચાર. અખતરો તો કરી જોઈએ એકાદ.

એને ખબર પડી કે મંદારની વર્ષગાંઠ ઊજવવી છે એટલે વિચારોએ લાગલી જ દોટ મૂકી... બાગમાંથી કૂંડાં એક બાજુ ખસેડાવી લેવાનાં, તે દિવસે પૂરતો વરંડામાંથી હીંચકો કાઢી લેવાનો. ખુરશીઓ માટે નટવરને કહી દેવાનું... કેટલાં જણને બોલાવવાનાં છે તે આગળથી નક્કી કરી દેવું પડશે, ઊજવીએ જ છીએ તો કોઈ રહી ન જાય એની ખાસ કાળજી તો લેવી જ પડે... જાણે કે સગાંવહાલામાં તો...

- અરે રક્ષા, જરા આમ આવો તો તમે બેઉ.

- ચાલો, લેફરાઈટ શરૂ હવે.

- બા, તમે બધું છોડી દો અમારા પર આખેઆખું. કોઈનું નામ સુદ્ધાં યાદ નહીં દેવડાવતાં. જોજો, બધું કેવું થાય છે... એક વાર જુઓ તો ખરાં...

- રક્ષાની વાત ખરી છે, હવે તારે આવા ઉધામા છોડવા જોઈએ. દરેક વસ્તુનો એક સમય હોય. તારો વખત હતો ત્યારે બહુ દોડાદોડી કરી, હવે...

એણે બારીની બહાર જોયું. કહેવા જેવું કશું નહોતું આમાં.

પાર્ટીની તૈયારીઓમાં કંઈકંઈ સૂચનાઓ આપવાનું મન થયા કરતું હતું પણ બધાં કોઈ ને કોઈ ધમાલમાં જ હોય એટલે એ મનમાં મનમાં કશુંક કહેતી રહેતી... મંદરાને પેલી સિલ્કની કફની પહેરાવજો, બહુ શોભે છે એને...અને ફૂલોના ડેકોરેશનમાં ગુલછડી જ વધારે રાખજો. એથી વાતાવરણ ખૂબ મઘમઘે... અગરબત્તીની પછી કંઈ જરૂર ન પડે... સુવર્ણાના કાકાની દીકરી આવી છે એને બોલાવવાનું ભૂલી ન જતાં, આખું ઘર આવે અને પેલી રહી જાય તો ખરાબ દેખાય... નવા નેપકિન કબાટમાં જમણી બાજુ એક પોટલામાં છે, ઘણાં છે, કાઢ્યાં જ નથી હમણાંના તો. માળી આવી ગયો કે નહીં કોને ખબર....

- ચલો બા હવે તૈયાર થઈ જાઓ, તમે આ સાડી પહેરશો કે પેલી?

રક્ષાએ એને કાળજીથી તૈયાર કરી, વ્હીલચેર અરીસા પાસે બરાબર ગોઠવી પૂછી લીધું કે જુઓ, લાગે છે કંઈ બાકી હવે, તમે જાતે કરતાં એવું જ થયું છે કે નહીં બરોબર...

હળવેથી ધકેલાતી ખુરશી બહાર પહોંચે એ પહેલાં જ એ બહાર પહોંચી ગઈ. આટલું બધું પહેલી વાર એની સહેજ પણ મદદ વગર થયું હતું. કશું ભૂલી જવાયું હશે એ લોકોથી એ નક્કી, એકાદી નાની ચીજ તો છેવટે ખ્યાલ બહાર રહી ગઈ હશે... એના હાથ આ વખતે નથી સ્પર્શી શક્યા આ દૃશ્યને, તેની ખોટની પ્રતીતિ ક્યાંક, કોઈક રીતે થાય જ, થવી જ જોઈએ. બધું કેવું ગોઠવાયું છે તે જોવા એ અધીરી બની ગઈ. આંખો બધે ફરી વળી, પહેલાં ઝડપથી, પછી કાળજીપૂર્વક એક એક વસ્તુને છૂટી પાડતી. ગુલછડીઓ ગોઠવાઈ હતી, તોરણો મજાનાં બનાવ્યાં હતાં, ટેબલોની સજાવટ એકદમ પરિપૂર્ણ હતી, સંગીત, હા, કેસેટનું ભૂલી ગયાં લાગે છે આ લોકો કદાચ. એ બોલવા જતી હતી ત્યાં જ એને મનગમતા સૂરો ગુલછડીની સુગંધમાં ભળી ગયા. તો એ પણ યાદ રાખ્યું જ હતું રક્ષાએ કે ચેતનાએ કે કોઈકે. સ્નેહીસંબંધીઓ બધાં હાજર લાગ્યાં, એમાંયે કોઈ વિસરાયું નહોતું અને ચેતનાએ આવીને કાનમાં પૂછી લીધું કેવું લાગે છે બા, બધું બરાબર છે ને... કશું રહી જતું હોય તો કહો...

હજી કાલ સુધી તો એ આવા કોઈક દિવસે દોડધામની વચ્ચોવચ હોય બરાબર... રસોઈનાં વખાણ માણતી, પ્રશંસાની છાલકોમાં તરબોળ... વ્યવસ્થા એટલે આનું નામ... આ કહેવાય પાર્ટી...

એના કાનમાં જાતજાતના એટલા અવાજોનાં ગૂંચળાં વળતાં હતાં કે ચેતના સામે તો એણે માત્ર હોઠ ફફડાવી ડોકું જ હલાવ્યું. એટલું જ કરી શકી એ, અને તેમાં પણ થાક લાગી ગયો.

- મને અંદર લઈ જશો જરીક વાર, થોડો આરામ કરી લઉં.

વ્હીલચેર અંદર ધકેલાતી હતી ત્યારે કોઈ મોટે મોટેથી બોલતું હતું કે રક્ષા ચેતના બધું બરાબર શીખી ગયાં છે, આજે ખબર નથી પડવા દીધી કે...

એને થયું કે વ્હીલચેર જરા ઝડપથી અંદર સરકી જાય તો સારું.

ઓરડામાં આવી ગયા પછી થયું કે થોડીક વાર જો ઊંઘી શકાય તો ઠીક, ખરેખર તો એણે હવે ઊંઘી જ જવું જોઈએ.

(વાર્તાકારઃ હિમાંશી શેલત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.