મોદીની ત્સુનામી અને મોદીના પડકારો

14 Mar, 2017
12:33 PM

PC: ndtvimg.com

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવ્યા. જોકે માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં, ગોવા અને પંજાબ વિધાનસભાના પરિણામો પણ આશ્ચર્યજનક રહ્યા. પરંતુ ઉત્તરપ્રદેશમાં અધધધ બેઠકો પર જીત મળશે એવું ખૂદ ભાજપે પણ વિચાર્યું નહીં હોય, કારણ કે માયાવતીના ઘટતા જતા પ્રભાવને અવગણીએ તોય ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવની ગણતરી કદાવર નેતા તરીકે થતી હતી, એવામાં પ્રશાંત કિશોરની રણનીતિ પર ચાલતી કોંગ્રેસે અખિલેશ યાદવ એટલે કે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું, જેને કારણે રાજકીય તજજ્ઞો માનતા હતા કે, જો યાદવાસ્થળીના કારણે થોડુંઘણું ધોવાણ થયું હોય તોય એ કવર થશે અને સપા, કોંગ્રેસની યુતિ ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવશે.

અલબત્ત, એક્સિટ પોલ્સ ગાઈ વગાડીને કહી રહ્યા હતા કે, ભાજપ આ યુતિને ગાંઠે એમ નથી. પણ એક્સિટ પોલ્સ પછી પ્રશાંત કિશોર કહી રહ્યા હતા કે, બિહારની ચૂંટણી વખતે પણ આવા જ પોલ્સ આવ્યા હતા, પણ હકીકત કંઈક જુદી હતી. તો અખિલેશ યાદવ કહી રહ્યા હતા, જો આ પોલ્સ સાચા હોય તો અમે બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે, માયાવતી સાથે પણ જોડાણ કરવા પણ તૈયાર છીએ. પરંતુ ધાર્યું તો ઉત્તરપ્રદેશના મતદારોનું જ થયું, જેમણે ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ સીટો આપી, જેને કારણે સપા, કોંગ્રેસ અને બસપા ત્રણેય જોડાણ કરે તો સત્તાપક્ષ તો દૂર તેઓ સક્ષમ વિપક્ષ પણ નહીં બનાવી શકે.

આ જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર બનશે, એના માથે જવાબદારીઓ ઘણી વધી ગઈ છે. કારણ કે અત્યાર સુધી માત્ર જાતિવાદના કળણમાં ખૂંપેલા ઉત્તરપ્રદેશના મતદારોએ માત્ર ને માત્ર વિકાસને ધ્યાનમાં રાખીને જ ભાજપને આવી જંગી બહુમતિ આપી છે. એવા ટાણે સાક્ષી મહારાજ કે યોગી આદિત્યનાથ જેવા જમણેરીઓની જબાન પર લગામ રખાવીને તેમજ ધર્મ કે જાતિવાદનું રાજકારણ ત્યજીને ભાજપે ઉત્તરપ્રદેશના લોકો માટે રોજગારીની તકો ઊભી કરવી પડશે. એક્સિટપોલના આંકડા બાદ અખિલેશ યાદવે જે રીતે માયાવતી સાથે પણ બાંધછોડ કરવાની તૈયારી દર્શાવી એ યુપીના પ્રાદેશિક પક્ષોની યેનકેન પ્રકારેણ સત્તા હડપવાની માનસિકતા પર પ્રકાશ પાડે છે. વળી, ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષને પૂર્ણ બહુમતિની સરકાર બનાવવા મળે ત્યારે ઉત્તરપ્રદેશની પ્રજા પણ જાતિવાદના રાજકારણથી કેટલી હદે ત્રાસી છે એનો ચિતાર આપે છે.

જોકે ઉત્તરપ્રદેશના લોકોના મન જીતવા માટે ભાજપ પાસે માત્ર બે વર્ષ જેટલો જ સમય બચ્યો છે. બે વર્ષ બાદ લોકસભાની ચૂંટણીઓ આવે એ પહેલા ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા વાયદાઓ પૂરા કરવા પડશે. નહીંતર ઉત્તરપ્રદેશની પ્રજા આવતી લોકસભામાં પણ ભાજપને આ લોકસભા જેટલી જ બહુમતિ આપશે કે કેમ એ જોવા જેવું થશે. 

ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નમ્રતા દાખવી એ કાબિલેદાદ છે, કારણ કે કટ્ટર પ્રતિસ્પર્ધીને એના જ ગઢમાં પરાસ્ત કર્યા બાદ સંયમ કે વિવેક જાળવવું ભલભલા ચમરબંદીને માટે મુશ્કેલ થઈ જાય છે. પરંતુ વડાપ્રધાને એવું ન કરતા ખેલદિલી દાખવી અને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના લાખો કાર્યકરોને પણ આવનારા સમયમાં સયંમ દાખવવાની સલાહ આપી. અને આ સાથે જ ‘ન્યૂ ઈન્ડિયા’નો નારો આપીને વર્ષ 2022 સુધીમાં દેશની કાયાપલટ કરી દેવાની નવી આશા જગાવી. ખરા અર્થમાં તો ન્યૂ ઈન્ડિયાની શરૂઆત જ ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોની કાયાપલટથી થઈ શકે કારણ કે, આ રાજ્યોની વસતી અધધધ કહી શકાય એવી છે અને વસતીના વધુ પ્રમાણને કારણે જ આ રાજ્યોની પ્રજા શિક્ષણ, આરોગ્ય કે રોજગારી જેવી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહી છે.

ચૂંટણીમાં હાર થયા બાદ અખિલેશ યાદવે યોજેલી પત્રકાર પરિષદમાં એમની ભાષામાં ભારોભાર તોછડાઈ નજરે ચઢી રહી હતી. તેઓ રહી રહીને ઉત્તરપ્રદેશની પ્રજાને કહી રહ્યા હતા કે, ઉત્તરપ્રદેશની પ્રજાને કદાચ બુલેટ ટ્રેન જોઈતી હશે એટલે જ એમને અમે તૈયાર કરેલા એક્સપ્રેસ હાઈવે અને મેટ્રો ટ્રેન પસંદ નહીં આવ્યા હોય…! જોકે અખિલેશ યાદવે જે ગણાવ્યું એ તો અલ્પ સંખ્યામાં આવતા અર્બન ક્લાસ માટેની વાતો છે. ઉત્તરપ્રદેશના ગામડામાં વસતી ખોરાક, આરોગ્ય કે શિક્ષણ માટે તલસતી બહુમતિ પ્રજાની તો એમાં ક્યાંય વાત જ નહોતી. આ પરિણામો બાદ અખિલેશ યાદવે શીખ મેળવવી રહી કે ભાજપની આ જીત માટે અર્બન ક્લાસ નહીં, પણ જાતિવાદના રાજકારણથી થાકેલા-હારેલા અને ગુંડારાજથી કંટાળેલા રૂરલ એરિયાના લોકો જવાબદાર છે.

ભાજપની આ જીત પછી નરેન્દ્ર મોદીનું કદ પહેલા કરતા અનેકગણું વધી ગયું છે, કારણ કે લોકસભાની સાથોસાથ રાજ્યસભાના સમીકરણોમાં પણ ધરખમ ફેરફાર થયા છે, જે ફેરફારોને કારણે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનું વજન વધી ગયું છે. વળી, બિહાર અને દિલ્હીની ચૂંટણીમાં થયેલી ભાજપની હાર બાદ એવું કહેવાઈ રહ્યું હતું કે, ‘મોદી લહેર’ એ એક તૂત માત્ર છે, પરંતુ એ વાત સ્વીકારવી રહી કે એમની લહેર યથાવત છે, નહીંતર ઉત્તરપ્રદેશ ભાજપમાં બે-ત્રણ સ્થાનિક નેતાઓને બાદ કરતા સમ ખાવા પૂરતુંય એક નામ જીભે ચઢતું ન હોય ત્યારે માત્ર નરેન્દ્ર મોદીની સભાઓથી ભાજપને આટલી મોટી જીત મળતી હોય તો એને લહેર જ શું કામ કહેવી? એને તો ત્સુનામી કહેવી પડે…

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.